સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI)
January, 2008
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI) : માર્ગોના વિકાસને લગતા સંશોધન માટેની કેન્દ્રીય સંસ્થા. ભારતમાં માર્ગોના આયોજન, અભિકલ્પન, બાંધકામ અને નિભાવ માટેની એવી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે કે જેમનું સમાધાન વિશ્વના અન્ય દેશોમાં થયેલાં સંશોધનોનાં તારણોનો ઉપયોગ કરીને થઈ ન શકે. તે અંગે સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈને આગવો ઉકેલ શોધવો જરૂરી છે. ભારતમાં આ માટે વિવિધ સ્તરોએ જે સંશોધનો થઈ રહ્યાં છે તેમાં સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(દિલ્હી)નો અગ્રણી ફાળો છે.
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ(CSIR)ના નેજા હેઠળ સ્થપાયેલી વિવિધ સંસ્થાઓ પૈકી CRRI એક છે. સંસ્થામાં આ પ્રમાણે વિભાગો છે : (i) સામાન્ય પ્રોજેક્ટ વિભાગ, (ii) મૃદા (soil) ઇજનેરી અને ભૂતકનીકી (geotechnical) વિભાગ, (iii) વિસ્તરણ વિભાગ, (iv) નમ્ય ફરસબંધી વિભાગ, (v) દૃઢ ફરસબંધી વિભાગ, (vi) યાતાયાત અને વાહનવ્યવહાર વિભાગ, (vii) પર્યાવરણ અને સલામતી વિભાગ, (viii) કાર્યશાળા-વિભાગ, (ix) વીજાણુ-ઉપકરણ વિભાગ અને (x) લેખ-વિભાગ.
સંસ્થાનાં કાર્યોમાં નીચેનાંનો સમાવેશ થાય છે :
(i) માર્ગોને લગતા આયોજન, અભિકલ્પન, બાંધકામ તથા નિભાવ અંગે ભારતમાં વિવિધ માર્ગોમાં અપનાવી શકાય તેવું મૂળભૂત સંશોધન.
(ii) સ્થાનિક કક્ષાએ પ્રાપ્ય બાંધકામનો માલસામાન તથા બાંધકામની પદ્ધતિને રસ્તાનાં બાંધકામ તથા નિભાવ માટે વાજબી કિંમતે કેવી રીતે વાપરી શકાય તે અંગે સંશોધન.
(iii) માર્ગો પર સલામત રીતે તથા વાજબી કિંમતે યાતાયાત તથા ભારવહન કરી શકાય તેને લગતું સંશોધન.
(iv) વિદેશી પારંગતતા પરનો આધાર રોકવા વિવિધ વ્યવસ્થાપનોને તાંત્રિક સલાહ પૂરી પાડવાનું કાર્ય.
(v) ધોરી માર્ગોનાં જુદાં જુદાં પાસાંઓ અને પરિવહન ઇજનેરીને લગતાં યંત્રો તથા કૌશલ્યના વિકાસ માટે જરૂરી આંતરિક માળખાની રચના.
(vi) પ્રાદેશિક ક્ષેત્રે પરિવહન તથા રસ્તાને લગતો વૈજ્ઞાનિક અભ્યાસ કરતી સંસ્થાઓનો વિકાસ-કાર્યક્રમ.
(vii) રસ્તાની મરામત તથા વ્યવસ્થાપન માટેની સંસ્થાઓ ઊભી કરવાનું કાર્ય.
(viii) સંશોધનનાં પરિણામો પ્રદર્શિત થાય તથા તેનો ઉપયોગ થાય તે જોવાનું કાર્ય.
(ix) ભારત સરકારના સહયોગ દ્વારા વિદેશી વૈજ્ઞાનિક સંસ્થાઓમાં ભારતીય વૈજ્ઞાનિકોના અભ્યાસ માટેની વ્યવસ્થા.
(x) ઓછી કિંમતમાં તથા તમામ ઋતુઓમાં ઉપયોગમાં લઈ શકાય તેવા રસ્તાઓ વિકસાવવા અંગેનું સંશોધન.
(xi) તમામ પ્રકારના રસ્તાઓમાં સંપૂર્ણ સ્વાવલંબન પ્રાપ્ત કરવાના હેતુથી તેમના બાંધકામની વિવિધ પદ્ધતિઓ, યંત્રો, સાધનો તથા આધુનિક ટૅક્નૉલૉજી વિકસાવવા અંગેનું સંશોધન.
(xii) વિવિધ પ્રકારના કાર્યક્રમો, પ્રકાશનો અને પ્રદર્શનો મારફત જરૂરી માહિતી પૂરી પાડવાનું કાર્ય.
(xiii) રસ્તાઓ અંગે વિવિધ વિભાગના ઇજનેરો તથા કર્મચારીઓને તાલીમ આપવાનું કાર્ય.
CRRI દ્વારા વ્યવહારુ દૃષ્ટિકોણ આધારિત ગ્રામીણ રસ્તાઓના નેટવર્કનું આયોજન કરવામાં આવેલું છે. તેણે રાષ્ટ્રીય ધોરી માર્ગોનાં અભિકલ્પન, આયોજન અને નિભાવ માટે ઉપયોગી એવો માર્ગ-નકશો (road map) વિકસાવેલ છે. વારાણસી અને ઔરંગાબાદ વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ-2ના એક ભાગ માટે તેણે GIS-આધારિત MIS વિકસાવેલ છે. ECIL, હૈદરાબાદના સહકારથી તેણે ધોરી માર્ગો ઉપર દોડતાં વાહનો માટે ‘સ્વચાલિત ગણતરી, વર્ગીકરણ અને ઍક્સલ-ભાર(axle load)’નાં વજન કરવાની પ્રણાલી વિકસાવી છે.
મધુકાંત ર. ભટ્ટ
રાજેશ મા. આચાર્ય