સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આડિયાર ચેન્નાઈ

January, 2008

સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આડિયાર, ચેન્નાઈ : વિશ્વની સૌથી મોટી કેન્દ્રીય ચર્મસંશોધન સંસ્થા. તેની સ્થાપના 24મી એપ્રિલ, 1948ના રોજ કરવામાં આવી હતી. આજે આ સંસ્થા ભારતીય ચર્મક્ષેત્રનું કેન્દ્રબિંદુ છે. શિક્ષણ, સંશોધન, તાલીમ, ચકાસણી, નકશાકૃતિ, ડિઝાઇન, સામાજિક સજ્જતા અને ચર્મઉદ્યોગને લગતા વિજ્ઞાન અને તકનીકીમાં આ સંસ્થાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. ભારતના આર્થિક વિકાસમાં, રોજગારીની તકો ઉપલબ્ધ કરવામાં અને નિકાસની આવક વધારવામાં આ સંસ્થાએ સાચી દિશા આપીને ચર્મઉદ્યોગો માટે વિકાસનાં દ્વાર ખોલી આપેલ છે.

1948માં આ સંસ્થાએ તકનીકી પદ્ધતિને શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્રો સાથે સાંકળવાની દીર્ઘદૃષ્ટિ સાથે પોતાના કાર્યની શરૂઆત કરી. તેણે મદ્રાસ વિશ્વવિદ્યાલયનો ભાગ બનીને ચર્મતકનીકીનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ભારતના ચર્મઉદ્યોગના સંચાલનમાં તેનો ફાળો 60 % જેટલો છે.

ચર્મ એક અજોડ કુદરતી ઉત્પાદન છે. આ સંસ્થા ચર્મ-ઉત્પાદનની પ્રક્રિયાના વિકાસમાં રસ લે છે. વળી તે ચર્મઉદ્યોગની વિવિધ બનાવટોમાં જરૂરી સુધારા કરવામાં પણ રસ લે છે. ચર્મવસ્ત્રો, પગરખાં વગેરેના સુધારેલા નમૂના બનાવવા જરૂરી ડિઝાઇનો, નકશા વગેરે તૈયાર કરાવે છે. તે ઉપરાંત ચર્મક્ષેત્રે પર્યાવરણીય ધોરણે નવીન પદ્ધતિઓ વિકસાવે છે. વળી તે ચામડાના વિકલ્પ બાબતે સંશોધન કરી, તેના ઉપયોગ દ્વારા નવીન ચીજવસ્તુઓ બનાવવાની તકનીકી પ્રક્રિયાઓ પણ વિકસાવી રહી છે. એ રીતે આ સંસ્થા ચર્મક્ષેત્રના સર્વાંગીણ વિકાસમાં સારું નેતૃત્વ પૂરું પાડી રહી છે.

હર્ષદભાઈ દેસાઈ