સેન્ટ્રલ ફૂડ ટૅક્નૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFTRI) મૈસૂર
January, 2008
સેન્ટ્રલ ફૂડ ટૅક્નૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFTRI), મૈસૂર : ખાદ્યસ્રોતોના ઇષ્ટતમ સંરક્ષણ (conservation), પરિરક્ષણ (preservation), સ્રોતની ગુણવત્તામાં સુધારણા અને વિતરણ સાથે સંકળાયેલી ભારતીય સંસ્થા. આ સંસ્થાની સ્થાપના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (Council of Scientific and Industrial Research – CSIR) દ્વારા મૈસૂર, કર્ણાટક રાજ્ય ખાતે 1950માં કરવામાં આવી હતી. આ સંસ્થા સ્થાપવા માટેનાં મુખ્ય ધ્યેય આ પ્રમાણે છે :
(1) ખાદ્યસ્રોતોના ઇષ્ટતમ સંરક્ષણ અને ઉપયોગ માટે ખાદ્યવિજ્ઞાન (food science) અને ખાદ્યતકનીકી(food technology)ના જ્ઞાનનો આવિર્ભાવ (generation) અને વિનિયોગ (application) કરવો.
(2) વૈજ્ઞાનિક અને તકનીકી જ્ઞાનનું પરંપરાગત પદ્ધતિઓ, વ્યવહાર અને સ્થાનિક તેમજ પ્રાદેશિક વાસ્તવિકતાઓના સંદર્ભમાં સંકલન કરવું.
(3) સંશોધન અને વિકાસ દ્વારા કૃષિસ્રોતોના મૂલ્ય અને તેમની ઉપયોગિતામાં વધારો કરવો.
(4) બહુવિદ્યાશાખીય (interdisciplinary), નૂતનમાર્ગીય (innovative) અને વ્યાવહારિક નિરાકરણો દ્વારા ખાદ્યઔદ્યોગિકી(food industry)ને સહાય કરવી અને ઉત્તેજન આપવું.
(5) રાષ્ટ્રીય કક્ષાએ ખાદ્યગુણવત્તાનાં ધોરણો નક્કી કરી સર્વત્ર તેની જાગૃતિ આણવી.
(6) લાંબાગાળાના વ્યૂહાત્મક સંશોધન અને તકનીકીના વિકાસ માટે નેતાગીરી ટકાવવી.
(7) કૃષિકારથી ગ્રાહક સુધી ખાદ્યપુરવઠાની શૃંખલાનું એવી રીતે સંકલન કરવું જેથી કૃષિકારને ઇષ્ટતમ લાભ મળે અને ગ્રાહક માટે જ્યારે, જ્યાં, જે સ્વરૂપે અને જેટલી કિંમતે જે ખાદ્ય પદાર્થ ઇચ્છે, તે સુલભ બને.
(8) બહુસ્તરીય (multilevel) માનવસ્રોતોના વિકાસના ક્ષેત્રમાં વિશ્વની મુખ્ય એજન્સીઓ સાથે જોડાવું.
(9) નવા જ્ઞાનનો સતત વિકાસ કરતાં રહેવું; જેથી સમકાલીન પડકારો અને ભવિષ્યમાં આવનારી કટોકટીઓનો સામનો કરી શકાય.
આ સંસ્થાની વિગત અને તેનાં વિલક્ષણ કાર્યો આ પ્રમાણે છે :
(1) આ સંસ્થાની વિવિધ શાખાઓમાં 375 જેટલા નિપુણ વૈજ્ઞાનિકો અને તકનીકી કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. બહુવિદ્યાશાખીય જ્ઞાન પર આધારિત 25 જેટલા સંશોધન અને વિકાસ (research and development) વિભાગો કાર્યરત છે.
(2) આ સંસ્થા રાજ્ય અને કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગો તેમજ ખાદ્યવિજ્ઞાન, તકનીકી અને ઔદ્યોગિકી અંગેનાં સંશોધનો કરતી સંસ્થાઓ સાથે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી છે.
(3) પાંચ દશકાઓના સઘન અને વિસ્તૃત અનુભવ દ્વારા ઉદ્યોગ અને સમાજને વિશિષ્ટ જ્ઞાનસેવાઓ આ સંસ્થા દ્વારા આપવામાં આવી રહી છે; જેમાં તકનીકી સફળતાઓ અને બીજભૂત (seminal) પાયાનાં સંશોધનો સ્પષ્ટ તરી આવે છે.
(4) ખાદ્યવિજ્ઞાન, ખાદ્યતકનીકી અને ખાદ્યઔદ્યોગિકી ક્ષેત્રે શિક્ષણ અને નિપુણતા આપવામાં આ સંસ્થા અગ્રેસર છે.
(5) ખાદ્ય પદાર્થોની મૂલ્યવૃદ્ધિ, બગાડમાં ઘટાડો અને ઉપ-ઉત્પાદન(by-production)ના ઉપયોગ માટે જરૂરી તકનીક આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. વળી, તે માટે ટૂંકા કે લાંબા ગાળાના વિવિધ અભ્યાસક્રમો, અનુસ્નાતક શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.
(6) આ સંસ્થા દ્વારા લણ્યા પછીની માવજત, પ્રક્રમણ-તકનીકી (processing technology), ખેતપદાર્થોની જાળવણી, પરિવહન અને બનાવટોની મૂલ્યવૃદ્ધિ જેવી 448 જેટલી વિભિન્ન તકનીકીઓ પૂરી પાડવામાં આવે છે.
(7) ઉદ્યોગો માટે વિવિધ પાસાંઓ બાબતે જેમ કે, પરિયોજના (project) બનાવવી; પરિયોજનાની ઉપયોગિતા, વ્યાપારિક તકો, અદ્યતન યંત્રસામગ્રી, ખાદ્ય પદાર્થો અને તેમની ગુણવત્તાનું સંરક્ષણ વગેરે વિશે તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 450 ઉદ્યોગગૃહોએ આવો લાભ પ્રાપ્ત કર્યો છે.
(8) ચોખાની કે દાળની મિલ, બેકરી કે આથાવાળા ખાદ્ય પદાર્થો બનાવવાના કે તેવા પદાર્થોને જંતુરહિત કરવાના પ્લાન્ટ, ઘંટી વગેરેનું સંસ્થા દ્વારા નાના પાયા પર નિદર્શન કરવામાં આવે છે.
(9) આ સંસ્થા માસિક કે ત્રિમાસિક પ્રકાશનો દ્વારા અત્યાધુનિક માહિતી પૂરી પાડે છે. સંશોધકો માટે માહિતી સુલભ કરવા અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.
(10) પ્રક્રિયાઓ અને ઊપજો તેમજ સનદ (patent) અને સંશોધનપત્રોના સંદર્ભમાં આ સંસ્થાનું ગૌરવશાળી પ્રદાન છે.
(11) વૈજ્ઞાનિક સંશોધનના વણખેડાયેલા અને અપ્રગટ (unexposed) ક્ષેત્રોમાં આ સંસ્થા સાહસ કરવાની ક્ષમતા અને શ્રદ્ધા ધરાવે છે.
રમેશ ભટનાગર