સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રૉપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કાસરગોડ (કેરળ)

January, 2008

સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રૉપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કાસરગોડ (કેરળ) : નાળિયેરી, સોપારી અને કોકો જેવા પાકોની સુધારણા માટેની ભારતીય સંસ્થા. આ સંસ્થાની સ્થાપના ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી દ્વારા 1970માં કાસરગોડ, કેરળ ખાતે કરવામાં આવી હતી. સેન્ટ્રલ કોકોનટ રિસર્ચ સ્ટેશન, કાસરગોડ; સેન્ટ્રલ કોકોનટ રિસર્ચ સ્ટેશન, કાયાનગુલામ અને સેન્ટ્રલ ઍરિકાનટ રિસર્ચ, વિટ્ટલ નામનાં ત્રણ સંશોધનકેન્દ્રોના સંયોજન દ્વારા આ સંસ્થાનું સર્જન થયું છે.

ઉપર્યુક્ત સંસ્થાના વડપણ હેઠળ પાલોડે (કેરળ), પીચી (કેરળ), હિરેચલી (કર્ણાટક), મોહિતનગર (પશ્ચિમ બંગાળ) અને કહીકુચી (આસામ) ખાતે પેટાસંશોધનકેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉપરાંત 1971માં ‘ઑલ ઇન્ડિયા કૉ-ઑર્ડિનેટેડ સ્પાઇસિસ ઍન્ડ કૅશ્યૂનટ ઇમ્પ્રૂવમેંટ પ્રોજેક્ટ’ની સ્થાપના કરવામાં આવી અને મસાલાપાકો અને કાજુ માટે સંશોધન હાથ ધરવામાં આવ્યું. 1972માં કાસરગોડ ખાતેના સંશોધનકેન્દ્રને મુખ્ય સંશોધનકેન્દ્ર ગણી ‘ઑલ ઇન્ડિયા કૉ-ઑર્ડિનેટેડ કોકોનટ ઍન્ડ ઍરિકાનટ ઇમ્પ્રૂવમેંટ પ્રોજેક્ટ’(AICCAIP)ના નેજા હેઠળ સંશોધનની કામગીરી શરૂ કરવામાં આવી.

આ સંસ્થા દ્વારા થયેલાં વિકાસકાર્યોમાં – સંશોધનના વિસ્તારનું સંયોજીકરણ અને વિસ્તૃતીકરણ; બદલાતાં જતાં ધ્યેયની આવશ્યકતાને અનુલક્ષીને નવાં કેન્દ્રોની સ્થાપના; જેમ કે, 1972માં કિડુ (કર્ણાટક) ખાતે નાળિયેરી, સોપારી અને કોકો જેવા પાકોમાં ગુણવત્તાસભર રોપાઓ તૈયાર કરવા માટે સીડફાર્મની સ્થાપના; કાજુના પાક માટે શાંતિગોડુ (કર્ણાટક) ખાતે સીડફાર્મની સ્થાપના; 1974માં અપાંગલ (કર્ણાટક) ખાતે ઇલાયચીના પાકની સુધારણા માટે સંશોધનકેન્દ્રની સ્થાપના; 1975 દરમિયાન કાલિકટ (કેરળ) ખાતે મસાલાના પાકોની સુધારણા માટે સંશોધનકેન્દ્રની સ્થાપના; નાળિયેરીના પાકને થતા સુકારાના રોગના નિયંત્રણ માટે ઇરિન્જલકુડ્ડા (કેરળ) ખાતે ખેતકેન્દ્રની સ્થાપના; પાલોડે (કેરળ) ખાતે ઑઇલપામના સંશોધનના હેતુસર ‘સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રૉપ રિસર્ચ સેન્ટર’ની સ્થાપનાનો સમાવેશ થાય છે.

સંશોધનાત્મક સિદ્ધિઓ : નાળિયેરના પાકમાં વધુ ઉત્પાદન આપતી 11 જેટલી સંકરજાતોનો વિકાસ.

મુલાયમ લીલાં નાળિયેર મેળવવા ‘ચોઘાટ ઑરેન્જ ડ્વાર્ફ’ નામની જાતની ભલામણ.

ખેડૂતને એકમ વિસ્તારમાં વધુમાં વધુ આવક મળે તે માટે નાળિયેરની ખેતીનો અન્ય ખેતી સાથે સમન્વય.

આંદામાન ટાપુ અને સિરસી વિસ્તાર માટે સોપારીની ‘સુમંગલા’ અને ‘શ્રીમંગલા’ જાતોની અને પશ્ચિમ બંગાળ માટે ‘મોહિતનગર’ જાતની ભલામણ.

ઑઇલ પામમાં ‘ટેનેરા’ જાતનો વિકાસ.

કાળાં મરી અને હળદરના પાકની વધુ ઉત્પાદન આપતી જાતોનો વિકાસ.

આ ઉપરાંત, આ સંસ્થા દ્વારા કૃષિમેળો, કૃષિદિન, કૃષિશિબિર, કૃષિપ્રદર્શન અને નિદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

નટવરજી. ઝુ. વિહોલ