સેન્ટ્રલ ગ્લાસ ઍન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા
January, 2008
સેન્ટ્રલ ગ્લાસ ઍન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતા : વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે દેશમાં પ્રથમ જે ચાર કેન્દ્રીય સંશોધન સંસ્થાઓ સ્થાપવાનું નક્કી કર્યું તેમાંની એક સંસ્થા. આ સંસ્થાએ 1944થી નાના પાયે કાર્ય કરવાનું શરૂ કર્યું અને તેનું વિધિવત્ ઉદઘાટન 26 ઑગસ્ટ 1950ના દિવસે થયું. આ સંશોધન સંસ્થાએ પચાસના દાયકામાં જે કાર્ય કરવાનું શરૂ કરેલ તેના કારણે સાઠના દાયકામાં દેશે આર્થિક વિકાસની તવારીખમાં મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી. જુદા જુદા પ્રકારના ઑપ્ટિકલ કાચના વિકાસથી સંસ્થાનું નામ વૈશ્ર્વિક સ્તરે પ્રસિદ્ધિ પામ્યું.
આયોજન પંચે આ સંસ્થાને ઑપ્ટિકલ કાચના ઉત્પાદનની તકનીકી પ્રક્રિયા વિકસાવવાનું કામ સોંપ્યું કે જેથી કરીને આપણો દેશ આ ઉત્પાદનોની આયાત કરવામાંથી મુક્ત થાય. ઑપ્ટિકલ કાચનું ઉત્પાદન વિશ્વમાં બહુ જૂજ દેશોમાં જ થતું હતું અને તેના ઉત્પાદનની તકનીકી પ્રક્રિયા અત્યંત ગુપ્ત રાખવામાં આવતી હતી. આ સંસ્થાએ કોઈ પણ પ્રકારના વિદેશી જોડાણ સિવાય જરૂરી ઉપકરણો બનાવવાની ડિઝાઇન સફળતાપૂર્વક વિકસાવી. આ બાબત સંસ્થાને ગૌરવ અપાવનારી સિદ્ધિ છે. સંસ્થાએ બનાવેલ વાર્ષિક 10 ટનની ઉત્પાદન-ક્ષમતાવાળા પ્રાયોગિક સંયંત્રથી 1961માં ઉત્પાદન ચાલુ કર્યું. આ સંયંત્રથી હજુ પણ ગ્રાહકોની મુખ્ય જરૂરિયાતવાળા જુદા જુદા પ્રકારના ઑપ્ટિકલ કાચનું ઉત્પાદન થાય છે.
ઑપ્ટિકલ કાચના વિકાસ ઉપરાંત આ સંસ્થા છેલ્લા દાયકાથી બીજી અનેક મહત્ત્વની દિશામાં કાર્યરત છે; જેમ કે, આધુનિક તકનીકનો કાચ અને સિરામિકના ઉત્પાદનમાં ઉપયોગ, રંગીન કાચની ઉત્પાદન-પ્રક્રિયાનો પાયાગત અભ્યાસ, દેશની ધરતીમાં ધરબાયેલ વિવિધ પ્રકારની ખનિજોનું મૂલ્યાંકન.
સાઠના દાયકાની શરૂઆતમાં ઑપ્ટિકલ કાચના વિકાસ બાદ, સિત્તેરના દાયકામાં આ સંસ્થાએ નવાં ક્ષેત્રોમાં વિકાસકાર્ય શરૂ કર્યું; જેમ કે લેસર કાચ, ઇન્ફ્રારેડ ટ્રાન્સમિટિંગ ફિલ્ટર્સ, સંશ્લેષિત ક્વાર્ટ્ઝ સિંગલ ક્રિસ્ટલ, ઊંચા તાપમાનનો પ્રતિરોધક રંગપટલ વગેરે. આ તમામ કાર્યો કાચ અને સિરામિકના સંશોધનક્ષેત્રે આ સંસ્થાએ અગ્રેસરતા પુરવાર કર્યાના પ્રમાણરૂપ છે.
નેવુંનો દાયકો આ સંસ્થાની તવારીખમાં અગત્યના સીમાચિહ્નરૂપ છે. આ સમય દરમિયાન આ સંસ્થાએ બીજાં અનેક ક્ષેત્રો; જેમ કે દૂરસંચાર માટે ઑપ્ટિકલ રેસા, કાચની સૉલ-જેલ (sol-gel) પ્રક્રિયા અને સિરામિક માલસામાન, રેસા-કાચ આધારિત વ્યુત્પન્નોનું ઉત્પાદન અને સિરામિક માલસામાનનો વીજાણુ-ઉદ્યોગમાં ઉપયોગ વગેરે ઉપર કાર્ય ચાલુ કર્યું. આમાંની કેટલીક કાર્યપ્રણાલીઓએ કેન્દ્રીય કાચ અને સિરામિક સંશોધન સંસ્થાને વૈશ્ર્વિક ફલક ઉપર નામના અપાવી. ઘરઆંગણાનાં ઔદ્યોગિક સાહસોને સહાયરૂપ થવા સંસ્થાએ ગુજરાતમાં અમદાવાદનરોડા અને ઉત્તરપ્રદેશમાં ખૂર્જા ખાતે બે વિસ્તરણકેન્દ્રોની સ્થાપના રાજ્ય સરકારના આર્થિક સહયોગથી કરી છે. આ સંસ્થાઓએ તકનીકી સુધારણામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.
પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં પ્રાપ્ય થતી માટી ઉપર આધારિત કાચભઠ્ઠીઓના વિકાસમાં આ સંસ્થાએ કરેલ પ્રદાન સ્થાનિક કારીગરો માટે આશીર્વાદરૂપ નીવડ્યું અને ત્યાં પંચમુરા ખાતે ગ્રામીણ સિરામિક-કેન્દ્રોની સ્થાપના થઈ. આ સંસ્થાના વૈજ્ઞાનિકોએ સ્થાનિક કારીગરોની તકનીકી તાલીમ, ઉત્પાદન-ગુણવત્તામાં સુધાર તેમજ ગ્રામજનોની ભાગીદારીમાં વ્યાપારી ધોરણે સિરામિક-કેન્દ્રના નિભાવમાં મહત્ત્વનું યોગદાન કર્યું છે.
હર્ષદભાઈ દેસાઈ