સેનાજિત : પ્રાચીન મગધના બાર્હદ્રથ રાજવંશનો એક નોંધપાત્ર અને શક્તિશાળી રાજા. મહાભારતના યુદ્ધ વખતે મગધમાં બાર્હદ્રથ રાજવંશ રાજ્ય કરતો હતો. આ વંશનો પહેલો રાજા જરાસંધ હતો. એના અવસાન પછી એનો પુત્ર સહદેવ રાજા બન્યો, જે પાંડવોના પક્ષે લડતાં મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યો. સહદેવ પછી એનો પુત્ર સોમાધિ રાજગાદીનો વારસ બન્યો. એની રાજધાની ગિરિવ્રજમાં હતી, જેની પાસે રાજગૃહ નગરીનો વિકાસ થયો. વર્તમાન બિહારના પટણા જિલ્લાનું રાજગીર એ પ્રાચીન સમયનું રાજગૃહ છે.
મગધના રાજા સોમાધિનો છઠ્ઠો વંશજ સેનાજિત હતો, જે પૌરવ વંશના રાજા અધિસીમકૃષ્ણ અને કોશલના રાજા દિવાકરનો સમકાલીન હતો. આ ત્રણેય પરાક્રમી રાજાઓ હતા. પૌરવ રાજાઓની રાજધાની હસ્તિનાપુરમાં અને કોશલના રાજાઓની રાજધાની અયોધ્યામાં હતી. સોમાધિનો 21મો વંશજ રિપુંજય મગધના બાર્હદ્રથ વંશનો છેલ્લો રાજા હતો. રિપુંજયના પુલિક નામના મંત્રીએ તેનો વધ કરાવીને પોતાના પુત્ર પ્રદ્યોતને મગધની ગાદી પર બેસાડ્યો.
સમય જતાં મગધ પ્રાચીન ભારતનું સૌથી વધારે શક્તિશાળી રાજ્ય બન્યું. એને શક્તિશાળી બનાવવામાં બાર્હદ્રથ વંશનો અને એ વંશના રાજા સેનાજિતનો મહત્વનો ફાળો હતો.
મુગટલાલ પોપટલાલ બાવીસી