સેતલવાડ ચિમનલાલ હરિલાલ (સર)

January, 2008

સેતલવાડ, ચિમનલાલ હરિલાલ (સર) (જ. 1866, ભરૂચ, ગુજરાત; અ. 1947, મુંબઈ) : ભારતના પ્રખર ધારાશાસ્ત્રી, મુંબઈ ઇલાકાના પૂર્વ ઍડ્વોકેટ જનરલ અને મુંબઈ વડી અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ. કાયદાના ક્ષેત્રમાં તેમણે જે સિદ્ધિઓ મેળવી તેની પ્રેરણા તેમણે તેમના પિતા પાસેથી પ્રાપ્ત કરી હતી જે પોતે તેમના જમાનાના જાણીતા ધારાશાસ્ત્રી હતા. ચિમનલાલનું પ્રાથમિક શિક્ષણ ખેડા જિલ્લાના ઉમરેઠ ગામમાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદની આર. સી. હાઈસ્કૂલમાં થયું; જ્યાંથી તેમણે 1880માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લીધું હતું. 1884માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. અને સરકારી લૉ કૉલેજમાંથી 1887માં કાયદાશાસ્ત્રની સ્નાતક-પદવી પ્રાપ્ત કરી હતી. વિખ્યાત આંગ્લ કવિ વિલિયમ વર્ડ્ઝવર્થના પૌત્ર તે અરસામાં એલ્ફિન્સ્ટન કૉલેજના આચાર્યપદે કામ કરતા હતા. ચિમનલાલ અને તેમની વચ્ચે ટૂંકા સમયગાળામાં નજીકના સંબંધો પ્રસ્થાપિત થયા હતા.

(સર) ચિમનલાલ હરિલાલ સેતલવાડ

કાયદાની સ્નાતક-પદવી પ્રાપ્ત કર્યા બાદ ચિમનલાલે મુંબઈમાં વકીલાત શરૂ કરી હતી અને ટૂંકા ગાળામાં એક સમર્થ વકીલ તરીકે નામના પ્રાપ્ત કરી હતી. જાહેર જીવનમાં સર ફિરોઝશાહ મહેતા ચિમનલાલના પ્રેરણામૂર્તિ, મિત્ર અને માર્ગદર્શક હતા; જ્યારે ડૉક્ટર એમ. જી. દેશમુખ અને પ્રોફેસર કે. ટી. ગજ્જરે ચિમનલાલના ચારિત્ર્યઘડતરમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. વળી, જમશેદજી કાંગા, વિકાજી તારાપોરવાલા, ભુલાભાઈ દેસાઈ અને કનૈયાલાલ મુનશી જેવા કાયદાક્ષેત્રના દિગ્ગજો તેમના મિત્રવર્તુળમાં હતા, જેમને કારણે કાયદાશાસ્ત્રી તરીકે ચિમનલાલનું ઘડતર ધારદાર અને સર્વાંગી બન્યું હતું. થોડાક સમય માટે તેમણે મુંબઈ ઇલાકાના ઍડ્વોકેટ જનરલ તરીકે સેવાઓ આપ્યા બાદ 1920માં મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમની નિમણૂક થઈ હતી; પરંતુ જાહેર જીવનમાં ઝંપલાવવાની તેમની તીવ્ર ઝંખનાને કારણે તેમણે ન્યાયમૂર્તિ-પદનું રાજીનામું આપ્યું હતું.

આમ જોઈએ તો ચિમનલાલ સેતલવાડની જાહેર જીવનની કારકિર્દી 1892માં શરૂ થઈ હતી. તે વર્ષે તેઓ મુંબઈ નગર નિગમમાં કૉર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1899-1920ના ગાળામાં મુંબઈ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે તેમણે મુંબઈ નગર નિગમમાં સેવાઓ આપી હતી. સતત વીસ વર્ષ સુધી તેઓ મ્યુનિસિપલ સ્કૂલ કમિટીના ચૅરમૅન રહ્યા અને તેમના આ કાર્યકાળ દરમિયાન મુંબઈ નગરમાં પ્રાથમિક શિક્ષણે નોંધપાત્ર પ્રગતિ કરી હતી અને એટલા માટે જ તેઓ ‘મુંબઈ નગરના પ્રાથમિક શિક્ષણના પિતામહ’ તરીકે ઓળખાય છે. વળી, ભારતમાં તબીબી ક્ષેત્રમાં નિષ્ણાત તબીબો મળી શકે તે હેતુથી મુંબઈમાં જી. એસ. મેડિકલ કૉલેજ અને તેને સંલગ્ન કે. ઈ. એમ. હૉસ્પિટલની સ્થાપના કરવાના કાર્યમાં ચિમનલાલ સેતલવાડનો અથાગ પરિશ્રમ કામે લાગ્યો હતો. તેમની પહેલથી જ આ સંસ્થાઓ ઊભી કરવા માટે શેઠ ગોરધનદાસ ટ્રસ્ટ તરફથી મુંબઈ નગર નિગમને દાનની માતબર રકમ પ્રાપ્ત થઈ હતી. તે ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીના વિકાસમાં પણ તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો; દા.ત., 1895-1947 દરમિયાન તેઓ મુંબઈ યુનિવર્સિટીની સેનેટના સભ્ય તથા 1917-29 દરમિયાન યુનિવર્સિટીના કુલપતિ રહ્યા હતા. તેમના કુલપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન જ 1919માં યુનિવર્સિટી હસ્તકના સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ અને સોશિયોલૉજીની સ્થાપના થઈ હતી. આ સંસ્થાએ તેના પ્રદીર્ઘ કાર્યકાળ દરમિયાન દેશવિદેશમાં નામના મેળવી હતી અને દેશને અગ્રણી અર્થશાસ્ત્રીઓ તથા સમાજશાસ્ત્રીઓ પૂરા પાડ્યા હતા. યુનિવર્સિટીમાં માળખાગત અને અધ્યયન-અધ્યાપનના ક્ષેત્રમાં સુધારાવધારા સૂચવવા માટે નીમેલી સમિતિ (1924-25)ના તેઓ ચૅરમૅન હતા, જેના અહેવાલમાં તેમની જાહેર વ્યક્તિની છાપ સ્પષ્ટપણે ઊપસી હતી. મુંબઈ યુનિવર્સિટીને તેમણે આપેલી વિવિધ પ્રકારની સેવાઓની કદર રૂપે 1920માં મુંબઈ યુનિવર્સિટીએ તેમને એલએલ.ડી.ની માનદ પદવી એનાયત કરી હતી અને ત્યારબાદ 1939માં સંગેમરમરની બનેલી તેમની અર્ધપ્રતિમા યુનિવર્સિટીના કૉન્વૉકેશન હૉલમાં સ્થાપિત કરી હતી.

રાજકારણમાં ચિમનલાલ સેતલવાડ મવાળ કે ઉદાર વિચારસરણી ધરાવતી વ્યક્તિ તરીકે ઓળખાતા હતા. ભારતે રાજકીય સ્વાતંત્ર્ય અને સત્તાની ફેરબદલી શાંતિપૂર્ણ અને બંધારણીય રીતરસમો દ્વારા હાંસલ કરવી જોઈએ એવી વિચારસરણીના તેઓ પ્રખર હિમાયતી હતા. 1901માં સ્થાપવામાં આવેલ બૉમ્બે પ્રેસિડેન્સી ઍસોસિયેશન નામના રાજકીય પક્ષના સેક્રેટરી-પદે તેમની વરણી થઈ હતી. તે ઉપરાંત ‘વેસ્ટર્ન ઇન્ડિયા લિબરલ ફેડરેશન’ના પ્રમુખપદે રહી તેમણે એ સંસ્થાની સ્થાપનાથી માંડીને જીવનભર સેવા કરી હતી. 1928માં અલ્લાહાબાદ ખાતે અને 1937માં કોલકાતા ખાતે આયોજિત કરવામાં આવેલાં આ સંસ્થાના વાર્ષિક અધિવેશનોના પ્રમુખ તરીકે તેઓ હાજર રહ્યા હતા. વીસમી સદીના પ્રથમ દાયકા સુધી તેઓ રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે સંકળાયેલા હતા. 1924માં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે દલિતોના સાંસ્કૃતિક વિકાસ માટે તથા તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે સ્થાપેલ ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ના પ્રમુખપદે પણ ચિમનલાલ સેતલવાડે સેવાઓ આપી હતી, જે તેમની વિશાળ વિચારસરણીની દ્યોતક છે. તેઓ સ્ત્રી-પુરુષ વચ્ચેની સમાનતાના હિમાયતી તથા પાશ્ર્ચાત્ય શિક્ષણપદ્ધતિના પ્રશંસક હતા. વળી બ્રિટિશ સરકારે ભારતીય રાજકીય પક્ષો સમક્ષ 1940માં રજૂ કરેલ સાંસ્થાનિક દરજ્જાની દરખાસ્તનો તેમણે ટેકો જાહેર કર્યો હતો. તેઓ સ્વતંત્ર ભારતમાં સંસદીય લોકશાહી પર આધારિત રાજ્યતંત્રના પણ હિમાયતી હતા.

1893-1897ના ગાળામાં તેઓ બૉમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય હતા અને 1903-15ના ગાળામાં તેમણે તેમાં મુંબઈ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. 1915થી 1918 દરમિયાન તેઓ ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય રહ્યા હતા. ત્યારબાદ 1921-23ના ગાળામાં તેઓ મધ્યસ્થ કારોબારીના સભ્ય પણ હતા; પરંતુ કાયદાના ક્ષેત્રમાં ફરી સક્રિય બનવાના હેતુથી તેમણે 1923માં તેમાંથી રાજીનામું આપ્યું હતું. તે જ વર્ષે મધ્યસ્થ ધારાસભાના સભ્યપદે તેમની વરણી થઈ હતી. આ પ્રકારની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે ભારતનાં હિતોના રક્ષણની તકેદારી રાખી હતી. 1930-31માં લંડન ખાતે યોજાયેલ પ્રથમ અને દ્વિતીય ગોળમેજી પરિષદોમાં તેમણે સક્રિય ભૂમિકા અદા કરી હતી. 1935માં તેમણે રાજકીય પ્રવૃત્તિઓમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.

1919માં બ્રિટિશ તાજ દ્વારા તેમને ‘સર’ની પદવી આપવામાં આવી હતી અને 1924માં કે.સી.આઇ.ઇ.થી તેમને નવાજવામાં આવ્યા હતા.

તેમણે 1899-1937 દરમિયાન ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો હતો; જેમાં ઇંગ્લૅન્ડ ઉપરાંત યુરોપના કેટલાક દેશો, મધ્યપૂર્વના દેશો તથા જાપાનનો પણ સમાવેશ થયો હતો.

અમીરી ઠાઠમાઠમાં રહેવાનું તેમને ખૂબ ગમતું. એક સારા વ્યાખ્યાતા અને લેખક તરીકે તેમની નામના હતી. બ્રિટિશ વિદ્વાન કૉટનના ગ્રંથ ‘બ્રિટિશ ઇન્ડિયા’નો; ફૉસેટના ગ્રંથ ‘મૅન્યુઅલ ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી’નો તથા શ્રીમતી ફૉસેટના ગ્રંથ ‘સ્ટૉરિઝ ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી’નો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે