સેતલવાડ અનંત

January, 2008

સેતલવાડ, અનંત (. 29 ઑગસ્ટ 1934, મુંબઈ) : આકાશવાણી પર અંગ્રેજીમાં ક્રિકેટ-કૉમેન્ટરી આપતા જાણીતા પૂર્વ કૉમેન્ટેટર. આખું નામ અનંત વી. સેતલવાડ. પિતાનું નામ વ્યંકટરાવ અને માતાનું નામ જશુમતી. તેઓ તેમની અસ્ખલિત, શુદ્ધ અને સ્પષ્ટ અંગ્રેજી ભાષામાં ક્રિકેટ મૅચનું બૉલ-ટુ-બૉલ (દડાવાર) વિવરણ આપવા માટે લોકપ્રિય બન્યા હતા.

તેમણે મુંબઈની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાંથી શાલેય શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ મુંબઈની સિડનહામ કૉલેજમાંથી તેમણે બી.કૉમ.ની ઉપાધિ મેળવી હતી અને ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી તેમણે કાયદાશાસ્ત્રની ઉપાધિ મેળવી હતી.

ક્રિકેટનો તથા અંગ્રેજીમાં ક્રિકેટ-કૉમેન્ટરી આપવાનો શોખ તેમને શાળા-કાળથી હતો. દરમિયાનમાં, મુંબઈ ખાતે બ્રેબૉર્ન સ્ટેડિયમ પર 20-24 માર્ચ 1964 દરમિયાન મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની રણજી ટ્રૉફી ફાઇનલમાં તેમને આકાશવાણી પરથી અંગ્રેજીમાં ક્રિકેટ-કૉમેન્ટરી આપવાની તક મળી, જે તેમણે સાર્થક કરી બતાવી.

1962 અને 1964માં ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા ટીમ સાથે તેમણે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો.

1977-78માં ભારતીય ક્રિકેટ ટીમના ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં તેમણે સુશીલ દોશી (હિન્દી) સાથે રેડિયો કૉમેન્ટરી આપી હતી. ત્યારબાદ 1978માં ભારતના પાકિસ્તાન પ્રવાસમાં તથા 1982માં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં પણ તેમણે અંગ્રેજીમાં કૉમેન્ટરી આપનાર તરીકે ફરજ બજાવી હતી. વળી, તેમણે 1984માં શારજાહમાં ‘એશિયા કપ’ વન-ડે ટુર્નામેન્ટ અને 1987 અને 1996માં ભારતમાં ‘વિશ્વકપ ક્રિકેટ’માં આકાશવાણી પરથી અંગ્રેજીમાં ક્રિકેટ-કૉમેન્ટરી આપનાર તરીકે ફરજ બજાવી હતી.

તેઓ 57 ટેસ્ટમૅચો અને ‘વિશ્વકપ ક્રિકેટ’ સાથે 64 વન-ડે મૅચોમાં ક્રિકેટ-કૉમેન્ટેટર હતા.

બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશનની ‘વર્લ્ડ સર્વિસ’માં પણ તેમણે સેવાઓ આપી હતી.

ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયાના સાત વર્ષ સુધી તેઓ ઑનરરી સેક્રેટરી હતા.

તેઓ પોતે અચ્છા ક્રિકેટર હોવા ઉપરાંત ‘સ્ક્વૉશ’ની રમત પણ ઉત્તમ રીતે રમતા હતા.

વ્યવસાયે તેઓ ‘કે. એસ. બી. પમ્પ્સ લિમિટેડ’માં કંપની-સેક્રેટરી હતા અને આગળ જતાં કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને ચૅરમૅન પણ બન્યા હતા. હવે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.

જગદીશ બિનીવાલે