સેઠી, ગીત (જ. 17 એપ્રિલ 1961, દિલ્હી) : વિશ્વસ્તરની ખ્યાતિ ધરાવતા, બિલિયર્ડ અને સ્નૂકર રમતના ભારતીય રમતવીર. ભારતમાં બિલિયર્ડની રમતને પ્રચલિત કરવામાં અને ચાર વાર વિશ્વ બિલિયર્ડ પ્રોફેશનલ વિજેતા બનવામાં તેમની સિદ્ધિઓ નોંધપાત્ર રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની લાયોલા હાઈસ્કૂલમાં લીધા પછી અમદાવાદની બી. કે. સ્કૂલ ઑવ્ બિઝનેસ મૅનેજમેન્ટમાંથી એમ.બી.એ.ની પદવી મેળવી. ત્યારબાદ તાતા ગ્રૂપ ઑવ્ કંપનીઝમાં જોડાયા. તેમણે સૌપ્રથમ વાર 1976માં જમશેદપુર ખાતે જુનિયર નૅશનલ વિજેતાપદ મેળવ્યું. 1980માં તેમણે તેમની રમતમાં લય અને તાલનો ઉમેરો કરી બિલિયર્ડની સાથોસાથ સ્નૂકરની રમતમાં પણ રાષ્ટ્રીય જુનિયર વિજેતાપદ મેળવી આ બંને રમતોમાં બેવડી સિદ્ધિ હાંસલ કરી અને ત્યારબાદ તરત જ વર્ષ 1981માં તેમણે સિનિયર સ્નૂકર રાષ્ટ્રીય વિજેતાપદ હાંસલ કર્યું. ત્યારબાદ 1985માં તેમણે વિશ્વ ઍમેચ્યૉર વિજેતાપદ હાંસલ કર્યું. વર્ષ 1989માં તેઓ ધંધાકીય ખેલાડી (professional player) બન્યા; પરંતુ ત્યાં સુધીમાં તો તેમણે 1984-87 દરમિયાન રાષ્ટ્રીય બિલિયર્ડ અને સ્નૂકરનાં વિજેતાપદો પર પોતાનું સ્વામિત્વ જમાવી દીધેલું. 1987માં તેઓ એશિયન બિલિયર્ડના ચૅમ્પિયન બન્યા હતા.
ગીત સેઠી વિશ્વ બિલિયર્ડમાં ઇંગ્લૅન્ડના માઇક રસેલ બાદ બીજો ક્રમ ધરાવે છે. તેમણે 1992, 1993, 1994 અને 1998 – આ ચારેય વર્ષ દરમિયાન વિશ્વ બિલિયર્ડનું વિજેતાપદ હાંસલ કર્યું હતું. 1997ના પૂર્વાર્ધમાં બૅંગલોર ખાતે યોજાયેલી 63મી સિનિયર નૅશનલ બિલિયર્ડ ચૅમ્પિયનશિપની સ્પર્ધામાં ગીત સેઠીએ તે પૂર્વેનાં દસ વર્ષના ગાળા બાદ ફરી વાર રાષ્ટ્રીય વિજેતાપદ હાંસલ કરવા સાથે આર્થર વૉટસન ટ્રૉફી પણ જીતી હતી.
ગીત સેઠી
ગીત સેઠીને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ (1986), અર્જુન ઍવૉર્ડ (1987) તેમજ રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે.
તેમણે કારકિર્દીના પ્રારંભે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલ ગુજરાત ક્લબ તથા સ્પૉર્ટ્સ ક્લબ ખાતે બિલિયર્ડની રમતનો પ્રારંભ કર્યો હતો. તેમને બિલિયર્ડ અને સ્નૂકર ઉપરાંત ક્રિકેટ અને તરણરમતોનો પણ શોખ છે. સ્નૂકરની રમતમાં વધુમાં વધુ 147 પૉઇન્ટની ‘બ્રેક’ માટે તેમનું નામ ગિનીઝ બુક્સ ઑવ્ વર્લ્ડ રેકૉર્ડ્ઝમાં દાખલ કરવામાં આવ્યું છે. વર્ષ 2001માં તેમને નાનુભાઈ ફાઉન્ડેશન દ્વારા ‘મિલેનિયમ ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમનાં પત્ની કિરણ સેઠી ઇન્ટિરિયર ડેકૉરેશન તથા બાટીક કલાનાં નિષ્ણાત છે અને અભિનયનો શોખ ધરાવે છે. જાણીતી ગુજરાતી ટેલિવિઝન શૃંખલા ‘મિ. યોગી’માં તેમણે ભૂમિકા કરી હતી.
જગદીશ બિનીવાલે