સેઠિયા, કન્હૈયાલાલ

June, 2026

સેઠિયા, કન્હૈયાલાલ (જ. 11 સપ્ટેમ્બર 1919, સુજાનગઢ, જિ. ચુરુ અ. 11 નવેમ્બર 2008, કૉલકાતા, પ. બંગાળ) : રાજસ્થાની ભાષાના સુપ્રસિદ્ધ કવિ. તેમના પિતાનું નામ છગનમલજી સેઠિયા અને માતાનું નામ મનોહરી દેવી. તેમનાં લગ્ન ઈ. સ. 1937માં શ્રીમતી ધાપૂ દેવી સાથે થયાં હતાં. તેમનાં સંતાનોમાં બે પુત્ર – જયપ્રકાશ તેમજ વિનયપ્રકાશ તથા એક પુત્રી શ્રીમતી સમ્પત દેવી દૂગડનો સમાવેશ થાય છે. તેમનો અભ્યાસ બી.એ. સુધીનો હતો.

સેઠિયા એક જાણીતા સ્વતંત્રતાસેનાની, શિક્ષણવિદ, સમાજસેવક તથા પરોપકારી સત્પુરુષ હતા. સ્વતંત્રતાસંગ્રામના સેનાની, સમાજસુધારક, દાર્શનિક તથા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના કવિ તેમજ લેખક તરીકે એમને અનેક સન્માન, પુરસ્કાર તથા અલંકરણ પ્રાપ્ત થયાં. જેમાં મુખ્ય છે : ઈ. સ. 1916માં રાજસ્થાની કાવ્યકૃતિ ‘લીલટાંસ’ માટે રાજસ્થાની ભાષાની સર્વશ્રેષ્ઠ કૃતિ બદલ સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. ઈ. સ. 1981માં રાજસ્થાની સાહિત્યની ઉત્કૃષ્ટ રચનાઓ માટે લોક સંસ્કૃતિ શોધ સંસ્થાન, ચુરુ દ્વારા ‘ડૉ. તેસ્સીતોરી સ્મૃતિ સ્વર્ણ પદક’ વડે સન્માન પ્રદાન કરવામાં આવ્યું.

સેઠિયાજીનું સાહિત્યસર્જન માત્ર રાજસ્થાની જ નહીં, પરંતુ હિંદી, ઉર્દૂ જેવી ભાષાઓમાં પણ જોવા મળે છે.

રાજસ્થાની ભાષામાં એમનું સાહિત્યસર્જન : ‘રમણિયાં રા સોરઠા’, ‘ગળગચિયા’, ‘મીંઝર’, ‘કૂંકંઊ’, ‘લીલટાંસ’, ‘ધર કૂંચા ધર મંજળાં’, ‘માયડ રો હેલો’, ‘સબદ’, ‘સતવાણી’, ‘અઘરીકાળ’, ‘દીઠ’, ‘કક્કો કોડ રો’, ‘લીકલકોળિયા’ તેમજ ‘હેમાણી’.

હિન્દી ભાષામાં રચાયેલું તેમનું સાહિત્ય : ‘વનફૂલ’, ‘અગ્નિવીણા’, ‘મેરા યુગ’, ‘દીપકિરણ’, ‘પ્રતિબિંબ’, ‘આજ હિમાલય બોલા’, ‘ખુલી ખિડકિયાં ચૌડે રાસ્તે’, ‘પ્રણામ’, ‘મર્મ’, ‘અનામ’, ‘નિર્ગંથ’, ‘સ્વાગત’, ‘દેહ-વિદેહ’, ‘આકાશગંગા’, ‘વામન વિરાટ’, ‘શ્રેયસ’, ‘નિષ્પતિ’ તથા ‘ત્રયી’ છે.

આ બંને ભાષાઓનાં પુસ્તકોમાંથી કેટલાંક પુસ્તકોના અંગ્રેજી, બંગાળી તથા મરાઠી ભાષામાં અનુવાદ થયા છે. તેમના સાહિત્યસર્જને સંસ્કૃતિ, સમાજસેવા, પર્યાવરણસંરક્ષણ, વૃક્ષારોપણ તથા ઐતિહાસિક ધરોહર જેવા વિષયોમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસે તેમને ‘લિવિંગ લેજન્ડ’ના સ્વરૂપે સ્વીકાર્યા છે. તેમના કાવ્યસંગ્રહો સ્નાતક અને સ્નાતકોત્તર અભ્યાસક્રમમાં ભણાવાય છે. તેઓનાં રાજસ્થાની ભાષાનાં કાવ્યો આકાશવાણી પરથી નિયમિત રૂપે પ્રસારિત થાય છે. પદદલિતો અને વિકલાંગો માટે શાળાઓ, પ્રશિક્ષણ કેન્દ્રો તથા છાત્રવૃત્તિઓનો પ્રબંધ કરવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમજ તેઓને સમાજની મુખ્ય ધારામાં જોડવાનો અને સામાજિક અધિકાર પ્રાપ્ત કરાવવા સંઘર્ષ કરતા હતા. અનેક હૉસ્પિટલોના સંરક્ષક તરીકે તેમજ સરદાર પટેલ મેડિકલ કૉલેજ, બિકાનેરના સ્થાપકસભ્ય તરીકે સેવા બજાવી હતી. અથાક પ્રયત્નથી 25,000થી વધારે વિકલાંગો/દુર્ઘટનાગ્રસ્ત રોગીઓને કૃત્રિમ અંગદાન પ્રદાન કરવામાં તેમણે સહાય કરી હતી.

સેઠિયાને ગોલ્ડન લોટ્સ ઍવૉર્ડ, મૂર્તિદેવી સાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર, મહારાણા કુમ્ભા પુરસ્કાર તથા લખોટિયા પુરસ્કાર  જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2004માં પદ્મશ્રીથી તેઓ સન્માનિત થયા હતા.

કનુભાઈ શાહ