સેજવલકર, ત્રંબક શંકર (જ. 25 મે 1895, કસોલી, જિ. રત્નાગિરિ; અ. 1963) : મૌલિક વિચારક, ઇતિહાસકાર, સંશોધક, મરાઠા ઇતિહાસના ભાષ્યકાર અને અઠવાડિક ‘પ્રગતિ’ના સ્થાપક-સંપાદક.
વાસ્તવમાં તેઓ લોકહિતવાદી જ્યોતિબા ફૂલે, જી. જી. અગરકર, વી. કે. રજવાડે અને એસ. વી. કેતકરની પરંપરાના એક સામાજિક ચિંતક અને મરાઠા ઇતિહાસના ક્ષેત્રે પ્રસિદ્ધ વિદ્વાન હતા.
તેમના ગ્રંથોમાં ‘રાઇટિંગ્ઝ ઑવ્ સેજવલકર’ [ભાગ 1 (1940), ભાગ 2 (1959)], ‘દત્તોપંત આપ્ટેઝ પ્રોફાઇલ’ (1955), ‘પાણીપત’ (1961), ‘બૅકગ્રાઉન્ડ ઑવ્ કોંકણ્સ હિસ્ટરી’ (1961) અને ‘શિવા છત્રપતિ’(1964)નો સમાવેશ થાય છે. તદુપરાંત વિવિધ વિષયો અંગે તેમના મરાઠી તથા અંગ્રેજીમાં 140 જેટલા લેખો ઉપલબ્ધ છે.
1926માં ઇતિહાસકાર જી. એસ. સરદેસાઈ દ્વારા રચિત ‘નાનાસાહેબ પેશ્વા’ – ઐતિહાસિક ચરિત્ર પર તેમણે 66 પાનાંની લાંબી પ્રસ્તાવના લખીને યુવા પંડિત તરીકે નામના મેળવી હતી. મરાઠા સામ્રાજ્યની ‘ઉન્નતિ’ અને ‘પડતી’ અંગેના તેમના પૃથક્કરણ રૂપે તેમણે શિવાજીની દૃષ્ટિ અને તેમના વ્યૂહ વિશે વિગતે છણાવટ કરી છે. ‘પાણીપત’ તેમનો ચિરસ્મરણીય ગ્રંથ છે. અન્ય ત્રણ ગ્રંથોમાં બાલક્રિશ્ન જાંભેકર, લોકહિતવાદી જી. જી. અગરકર, લોકમાન્ય ટિળક, વિવેકાનંદ, મોતીલાલ નહેરુ અને મહાત્મા ગાંધી અંગેના લેખો સમાવિષ્ટ છે.
1966માં તેમને ‘શિવા છત્રપતિ’ પુસ્તક સબબે સાહિત્ય અકાદમીનો ગૌરવપ્રદ ઍવૉર્ડ મળ્યો હતો.
20મી સદીના કહેવાતા બૌદ્ધિકોના તેઓ કડક ટીકાકાર હતા. મૂલ્યોની સૂઝ વિના સ્વાર્થી ને સત્તાલોલુપ તથા હલકી પ્રવૃત્તિઓમાં ડૂબેલા લોકસમુદાયથી તેઓ દુ:ખી હતા. ‘વિભાવરી વાઙ્મયચા નિમિત્તેને’ અને ‘શૈમાવરુન’ તેના પુરાવા છે.
ઈશ્વરલાલ ઓઝા
બળદેવભાઈ કનીજિયા