સેજિટેરિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એલિસ્મેટેસી કુળની બહુવર્ષાયુ જલજ પ્રજાતિ. તેનું વિતરણ મોટેભાગે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય અમેરિકામાં થયેલું છે. જૂની દુનિયામાં બહુ ઓછી જાતિઓ થાય છે. આ પ્રજાતિ 20 જેટલી જાતિઓ ધરાવે છે. ભારતમાં તેની બે જાતિઓ નોંધાઈ છે.

sagittifolia Linn. (બં. છોટો-કુટ, મુયા મુયા; અં. ઍરોહેડ) પ્રવૃંતધર (scapigeroas) જાતિ છે અને વિરોહયુક્ત (stoloniferous) ગાંઠામૂળી પ્રકારનું ભૂમિગત પ્રકાંડ ધરાવે છે. તે ભારતમાં તળાવો અને સરોવરોમાં થાય છે. પાણીની નીચે નિમગ્ન પર્ણો લાંબાં પટ્ટી આકારનાં, પાણી ઉપર તરતાં પર્ણો અંડાકાર અને પાણીની બહાર હવામાં પહોંચતાં પર્ણો બાણાકાર હોય છે. તેના તલસ્થ ખંડો સાંકડા અને અપસારી (divergent) હોય છે. પર્ણોની કક્ષમાં ગાંઠ ઉપર પુનર્જનક પ્રરોહ વિકસે છે; જે નાની શાખાઓ વડે ઘેરાઈ ભૂમિમાં સુષુપ્તાવસ્થામાં રહે છે. તેમાં ખોરાક પુષ્કળ પ્રમાણમાં સંચિત થયેલો હોઈ શુષ્ક ઋતુ દરમિયાન પ્રરોહ જીવંત રહે છે. ચોમાસામાં તે અંકુરણ પામી નવો રોપ ઉત્પન્ન કરે છે. પ્રવૃંત (scape) 15-45 સેમી. લાંબો હોય છે અને પાણીની બહાર નીકળે છે અને પુષ્પનાં 35 ચક્રો ધરાવે છે. પ્રત્યેક ચક્રમાં 3-5 પુષ્પો હોય છે. પ્રવૃંતના નીચેના ભાગમાં માદા પુષ્પો અને ઉપરના ભાગમાં નર પુષ્પો ઉત્પન્ન થાય છે. નર પુષ્પમાં અસંખ્ય મુક્ત પુંકેસરો અને માદા પુષ્પમાં અસંખ્ય મુક્ત સ્ત્રીકેસરો હોય છે. દલપત્રો સફેદ હોય છે અને ઘણી જાંબલી નહોરસમ રચના ધરાવે છે. ફળો ચર્મફળ (achene) પ્રકારનાં અને ચપટાં હોય છે અને પહોળી, અખંડિત કે ઉપકુંઠદંતી (subcrenate) પક્ષ ધરાવે છે.

ચીનમાં આ જાતિ ડુક્કરના ખોરાક માટે અને વિરોહના છેડે ઉત્પન્ન થતા ગોળાકાર, સ્ટાર્ચયુક્ત અને ખાદ્ય કંદો માટે ઉગાડવામાં આવે છે.

કંદના ખાદ્ય ભાગનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 69.5 %, પ્રોટીન 5.0 %, લિપિડ 0.2 %, કુલ કાર્બોદિતો 23.7 %, રેસો 0.8 % અને ભસ્મ 1.6 %; કૅલ્શિયમ 16 મિગ્રા., ફૉસ્ફરસ 216 મિગ્રા., આયર્ન 1.4 મિગ્રા. અને ઍસ્કોર્બિક ઍસિડ 2 મિગ્રા. (100 ગ્રા.). તે 75-550 પી.પી.એમ. મૅંગેનીઝ ધરાવે છે. કંદમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રેફિનોઝ હોય છે.

છોડ કડવો અને સ્તંભક (astringent) હોય છે અને પોષણ આપતી માતાઓમાં દૂધનો પ્રવાહ અવરોધવામાં ઉપયોગી થાય છે. તે શોફયુક્ત (oedematous) હાથ-પગ પર લગાડવામાં આવે છે. કાચા કંદ ખાવાથી બગડેલાં લોહી, પરુ વગેરેનું નિષ્ક્રમણ થાય છે; અશક્તિ વર્તાય છે; મસા થાય છે અને કેટલીક વાર સ્ત્રીઓમાં કસુવાવડ પણ થઈ શકે છે. ત્વચાના અને સૂતિસ્રાવ(lochia)ના રોગોમાં તેની ભલામણ કરવામાં આવે છે. તેને વિનેગાર સાથે મિશ્ર કરી દાઝ્યા ઉપર અને વ્રણ ઉપર પોટીસ તરીકે લગાડાય છે. પર્ણો કડવાં હોય છે અને ગંધ મારતા વ્રણ કે દાહ ઉપર લગાડવામાં આવે છે. તે સર્પદંશ કે કીટદંશમાં પ્રતિકારક (antidote) તરીકે વપરાય છે. તેનો પાઉડર ખૂજલીમાં ઉપયોગી થાય છે.

તે સારા પ્રમાણમાં ઑક્સિજન ઉત્પન્ન કરે છે; તેથી જ્યાં માછલીઓનું પ્રજનન કરાવવામાં આવે છે ત્યાં તેને ઉગાડવામાં આવે છે.

guayanensis H. B. & K. ઉપર દર્શાવેલ જાતિ જેવાં જ લક્ષણો ધરાવે છે.

મીનુ પરબીઆ

દિનાઝ પરબીઆ

બળદેવભાઈ પટેલ