સેજમૅન, ફ્રૅન્ક (જ. 29 ઑક્ટોબર 1927, માઉન્ટ ઍલ્બર્ટ, વિક્ટૉરિયા, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ટેનિસ ખેલાડી. તેઓ 1952માં વિમ્બલ્ડન ખાતે વિજેતા બન્યા. આમ 1933 પછી ઑસ્ટ્રેલિયન સિંગલ્સ ચૅમ્પિયન જીતનાર પ્રથમ ખેલાડી બન્યા. 1952માં ઑલિમ્પિક ખાતેના તેમના છેલ્લા વર્ષમાં તેઓ મૅન્સ અને મિક્સ્ડ ડબલ્સના પણ વિજેતા બન્યા અને એક જ વર્ષમાં ત્રણેત્રણ વિજયપદકો જીતનાર તેઓ છેલ્લા પુરુષ-ખેલાડી બન્યા. 1946માં તેઓ ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયન બન્યા અને 1949 અને 1950માં ઑસ્ટ્રેલિયન વિજયપદકના વિજેતા બન્યા. 1951 અને 1952માં યુએસ સિંગલ્સના વિજેતા બનનાર તેઓ પ્રથમ ઑસ્ટ્રેલિયન ખેલાડી બન્યા. 1948માં ઑલિમ્પિક ખાતે સૌપ્રથમ વાર રમવા આવ્યા ત્યારે તેઓ વિમ્બલ્ડન મૅન્સ ડબલ્સમાં વિજેતા બન્યા.
ફ્રૅન્ક સેજમૅન
1950માં તેઓ યુએસ ડબલ્સના પણ વિજેતા બન્યા. ત્યારબાદ તેઓ મૅક ગ્રેગૉર સાથે જોડાયા અને આ જોડી આ યુગની સૌથી શક્તિશાળી જોડી બની રહી. 1951માં આ જોડીએ ચારેચાર ગ્રૅન્ડ સ્લૅમ વિજયપદકો જીતી લીધાં.
સેજમૅનની ડૉરિસ હાર્ટ સાથેની મિક્સ્ડ ડબલ્સની ભાગીદારી, મૅક ગ્રેગૉર સાથેની ભાગીદારી કરતાં થોડીક જ ઓછી સફળ રહી. આ જોડીએ 1949 અને 1950માં ઑસ્ટ્રેલિયન વિજયપદક જીત્યું અને 1951 તથા 1952 – એ બંને વર્ષોમાં વિમ્બલ્ડન, યુએસ તથા ફ્રેંચ સ્પર્ધાઓના ચૅમ્પિયન બન્યા. આ વિજયયાત્રામાં સેજમૅને બીજું પણ એકલે હાથે ઉમેરણ કર્યું; તેઓ ડૅવિસ કપમાં 19 સિંગલ્સમાંથી 16માં વિજેતા બન્યા; તેમની 9 ડબલ મૅચોમાં તે એકેયમાં હાર્યા ન હતા. વળી 1950થી 1952 સુધીનાં 3 વર્ષોમાં આ ટ્રૉફી જીતનાર ટીમના તેઓ સભ્ય હતા.
1953ના જાન્યુઆરીમાં તેઓ વ્યવસાયી ખેલાડી બન્યા. તેઓ ચપળ તથા સ્ફૂર્તીલા ખેલાડી હતા અને ‘ફોરહૅન્ડ’ તથા ‘વૉલી’માં કૌશલ્ય ધરાવતા હતા. રમતક્ષેત્રે તેમણે તેમની ખેલદિલીનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડ્યું.
મહેશ ચોકસી