સેજ, કે (Sage, Kay) (. 25 જૂન 1898, એલ્બેની, ન્યૂયૉર્ક, અમેરિકા; . 26 જૂન 1963, અમેરિકા) : પરાવાસ્તવવાદી શૈલીમાં ચિત્રસર્જન કરનાર આધુનિક અમેરિકન મહિલા-ચિત્રકાર.

કે સેજે દોરેલું ચિત્ર ‘માર્જિન ઑવ્ સાઇલન્સ’ (1942)

1900થી 1914 સુધીનાં પંદર વરસ સુધી તેમનો ઉછેર ઇટાલીમાં થયો અને પછી 1919થી 1957 સુધીના 38 વરસ પણ તેમણે ફરી ઇટાલીમાં પસાર કર્યાં. આ સમય તેમણે ચિત્રસાધનામાં વિતાવેલો. તેઓ કલાક્ષેત્રે સ્વશિક્ષિત હતાં. એમની પર ઇટાલિયન પરાવાસ્તવવાદી ચિત્રકાર કિરિકોનો પ્રભાવ હતો. 1938માં ચિત્રકાર તેન્ગુઈ સાથે લગ્ન કરી તેમણે અમેરિકાનો પ્રવાસ ખેડ્યો. 1957માં પૅરિસ જઈ તેમણે બીજા પરાવાસ્તવવાદી ચિત્રકારો સાથે સમૂહ-ચિત્રપ્રદર્શનોમાં ભાગ લીધો.

1940થી જ સેજનાં ચિત્રોનું વેચાણ ખાસ્સીમાં શરૂ થઈ ગયું હતું. 1960માં ન્યૂયૉર્ક નગરમાં તેમનાં ચિત્રોનું પશ્ચાદ્ધર્તી પ્રદર્શન યોજાયેલું. એમનાં ઘણાં ચિત્રોમાં રણ, સમુદ્ર કે જંગલ જેવી નૈસર્ગિક પશ્ચાદભૂમાં કપડાંના ઢગલામાંથી ડોકાં કરતાં પિશાચી ચહેરા નજરે પડે છે. તેમનું આવું એક ચિત્ર ‘ટુમોરો ઇઝ નેચર’ (1955) સૌથી વધુ જાણીતું છે.

અમિતાભ મડિયા