સેગોવિયા, આન્દ્રે – (Segovia, Andre’s) (જ. 21 ફેબ્રુઆરી 1893, લિનારેસ, સ્પેન; અ. 3 જૂન 1988) : વીસમી સદીના સૌથી વધુ જગમશહૂર ગિટાર-વાદક સ્પૅનિશ સંગીતકાર. એક વાજિંત્ર તરીકે ગિટારની અભિવ્યક્તિક્ષમતાનું પ્રદર્શન કરીને, અત્યાર સુધી લોકસંગીતના એક વાજિંત્ર તરીકે ચલણમાં રહેલી ગિટારને તેમણે વીસમી સદીના પ્રશિષ્ટ યુરોપિયન સંગીતના મુખ્ય પ્રવાહમાં સામેલ કરી મોભાદાર સ્થાન આપ્યું.
સ્પેનની ગ્રૅનેડા મ્યુઝિકલ ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે પિયાનોવાદનનો અભ્યાસ કરેલો. એ દરમિયાન જ તેમણે ગિટારવાદન શરૂ કરેલું. ગિટારવાદનના ક્ષેત્રે તેઓ સ્વશિક્ષિત હતા. સ્પૅનિશ લોકસંગીતમાં ગિટાર અગત્યનું સ્થાન ધરાવે છે. સ્વપ્રયત્નોથી સેગોવિયાએ તેના વાદનનો લોકસંગીતમાંથી પ્રશિષ્ટ સંગીત સુધી વિકાસ કર્યો.
આન્દ્રે સેગોવિયા
1909માં તેમણે પોતાના ગિટારવાદનનો પહેલો જાહેર જલસો ગ્રૅનેડામાં કર્યો. ત્યારબાદ સ્પેનનાં બે મોટાં શહેરો મૅડ્રિડ અને બાર્સેલોનામાં તેમણે વારંવાર ગિટારવાદનના જલસા કરવા શરૂ કર્યા. 1919થી 1923 સુધી તેમણે લૅટિન અમેરિકાના દેશોમાં ગિટારવાદનના ઘણા જલસા કર્યા. પૅરિસમાં તેમણે ગિટારવાદનનો પહેલો જલસો 1924માં કર્યો. એ પછી તેમને આંતરરાષ્ટ્રીય નામના મળી. ગિટારને મળતા આવતા આકારના અને આંગળીઓથી તાર રણઝણાવીને (plucked) વગાડવામાં આવતા પરંપરાગત સ્પૅનિશ લોકસંગીતના વાજિંત્ર વિહુયેલા (vihuela) પર વગાડવામાં આવતી લોકસંગીતની 150થી પણ વધુ કૃતિઓને સેગોવિયાએ સહેજ મઠારીને ગિટાર પર વગાડી. વળી યુરોપના પ્રશિષ્ટ સંગીતના સંગીતનિયોજકો ફ્રાંસ્વા કૂપેરી (Francois Couperin), જ્યાં ફિલિપ રામૂ (Jean Philippe Rameau) અને જોહાન સેબાસ્ટિયન બાખ(Johann Sebastian Bach)ની હાર્પ્સિકૉર્ડ (harpsichord) વાજિંત્ર માટે લખેલી કૃતિઓ ગિટાર પર વગાડવી તેમણે શરૂ કરી. વીસમી સદીના સંગીતકારોમાંથી ઇટાલિયન સંગીતનિયોજકો મારિયો કાસ્તેલ્નૂવો-તેદેસ્કો (CastelnuovoTedesco) અને આલ્ફ્રેદો કાસેલા (Alfredo Casella), સ્પૅનિશ સંગીતનિયોજક જોઆકfv તુરિના (Joaquin Turina), મૅક્સિન સંગીતનિયોજક મૅન્યુઅલ એમ. પૉન્કે અને ફ્રેંચ સંગીતનિયોજક આલ્બે રૂસેની(Albert Roussel)એ ગિટાર માટે લખેલી કૃતિઓ પોતાના ગિટાર પર વગાડવી શરૂ કરી ગિટારવાદનને સેગોવિયાએ પ્રશિષ્ટ મોભાનું સ્થાન આપ્યું.
1976માં સેગોવિયાની આત્મકથા પ્રકાશિત થઈ – ‘એન ઑટોબાયૉગ્રાફી ઑવ્ ધ યર્સ 1893-1920’. 1979માં સેગોવિયા લિખિત બીજું પુસ્તક પ્રકાશિત થયું – ‘આન્દ્રે સેગોવિયા, માઇ બુક ઑવ્ ગિટાર’.
અમિતાભ મડિયા