સેગ્રે એમિલિયો જીનો

January, 2008

સેગ્રે, એમિલિયો જીનો (. 1 ફેબ્રુઆરી 1905, રિવોલી, રોમ; . 25 એપ્રિલ 1989, બર્કલી, કૅલિફૉર્નિયા) : મૂળભૂત કણ પ્રતિપ્રોટૉન(antiproton)ની શોધ કરવા બદલ ચેમ્બરલેઇન ઓવેનની ભાગીદારીમાં 1959નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. તેમણે શાલેય શિક્ષણ રિવોલીમાં લીધું. તે પછી રોમમાં તે પૂરું કર્યું. પિતા ઉદ્યોગપતિ હતા, તે નાતે ઇજનેરીમાં તેમને ઝાઝો રસ હતો. તેથી 1922માં તેમણે રોમ યુનિવર્સિટીમાં ઇજનેરીના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો; પણ ભૌતિકવિજ્ઞાનમાં વધુ રસ પડવાને કારણે 1927માં ભૌતિકવિજ્ઞાન ભણવાનું ચાલુ કર્યું. 1928માં પ્રો. ઍનરિકો ફર્મી(ન્યૂક્લિયર વિખંડનના શોધક)ના માર્ગદર્શન હેઠળ ડૉક્ટરેટની પદવી મેળવી.

1928-29માં તેમણે ઇટાલિયન લશ્કરમાં સેવાઓ આપી. તે પછી 1929માં તેઓ રોમ યુનિવર્સિટીમાં પ્રો. કૉર્બિનોના મદદનીશ તરીકે જોડાયા. 1930માં રૉકફેલર ફાઉન્ડેશન ફેલોશિપ મળતાં હેમ્બર્ગ (જર્મની) ખાતે પ્રો. ઑટો સ્ટર્ન સાથે તથા ઍમસ્ટરડૅમ (હોલૅન્ડ) ખાતે પ્રો. પીટર ઝીમાન સાથે કાર્ય કર્યું. 1932માં ઇટાલીમાં પરત થયા અને રોમ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે પ્રો. ફર્મી અને અન્યની સાથે કાર્ય ચાલુ રાખ્યું. 1936માં તેઓ પાલેમો યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળાના નિયામક તરીકે જોડાયા અને અહીં તેઓ 1938 સુધી રહ્યા.

એમિલિયો જીનો સેગ્રે

1938માં પ્રો. સેગ્રે બર્કલે (કૅલિફૉર્નિયા) ગયા. પહેલાં તેઓ રેડિયેશન લૅબોરેટરીમાં સંશોધક-સહાયક અને ત્યારબાદ ભૌતિકવિજ્ઞાન વિભાગમાં વ્યાખ્યાતા તરીકે રહ્યા. 1943થી 1946 (બીજા વિશ્વયુદ્ધ) દરમિયાન લૉસ આલ્મોસ લૅબોરેટરીના મૅનહટન પ્રોજેક્ટના જૂથનેતા તરીકેની જવાબદારી સંભાળી. 1946માં તેઓ કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માં પાછા ફર્યા અને ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે લાંબા સમય સુધી સેવાઓ આપી.

પારમાણ્વિક અને ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં મહદંશે તેમનું કાર્ય રહ્યું. પ્રારંભમાં તેમણે પારમાણ્વિક વર્ણપટશાસ્ત્ર ઉપર કાર્ય કર્યું. તે અંતર્ગત તેમણે વર્ણપટની વર્જિત રેખાઓ (forbidden lines) અને ઝીમાન-અસરની બાબતમાં વિશિષ્ટ ફાળો આપ્યો. થોડોક સમય તેમણે આણ્વિક બળ ઉપર કાર્ય કર્યું. તે સિવાય 1934 સુધી પારમાણ્વિક વર્ણપટશાસ્ત્ર સાથે જ સંકળાયેલા રહ્યા. 1934માં તેમણે ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં પ્રો. ફર્મી સાથે રહીને ન્યૂટ્રૉન-સંશોધન ચાલુ કર્યું. તેમણે ધીમા ન્યૂટ્રૉન ઉપર ખાસ કામ કર્યું. તે પછી તેમણે રેડિયોકેમિસ્ટ્રીમાં સંશોધન શરૂ કર્યું. પ્રો. પેરિયર (Perrior) સાથે ટૅક્નેશિયમ તત્ત્વ; કૉર્સન અને મૅકેન્ઝી સાથે એસ્ટેટાઇન તત્ત્વ; કૅનેડી સીબૉર્ગ અને વાહલ (Wahl) સાથે રહીને પ્લૂટોનિયમ-239ની શોધ કરી. તે સાથે પ્લૂટોનિયમના વિખંડન (fission) ગુણધર્મોનો અભ્યાસ કર્યો.

ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનનાં તેમનાં સંશોધનોમાં સમઘટકતા (isomerism), સ્વયંભૂ વિખંડન (spontaneous fission), ઉચ્ચ ઊર્જા (high energy) ભૌતિકવિજ્ઞાનનો સમાવેશ થાય છે. 1955માં ચેમ્બરલેઇન, વીગાન્ડ અને ઇપ્સિલાન્ટિસ(Ypsilantis)ના સહયોગ સાથે તેમણે પ્રતિપ્રોટૉન કણની શોધ કરી. તે પછી પ્રતિ-ન્યૂક્લિયૉન(antinucleon)ના સંશોધન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

કૉલંબિયા યુનિવર્સિટી (ન્યૂયૉર્ક); ઇલિનૉઇ યુનિવર્સિટી (શિકાગો); રિયો-ડી-જાનૅરો યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય કર્યું. તેઓ યુ.એસ.ની નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, હિડેલ્બર્ગ(જર્મની)ની એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, ઇટાલીની એકૅડેમી તથા અન્ય સોસાયટીઓના સભ્ય તરીકે રહ્યા છે. તેમને કેટલાંક રાષ્ટ્રો તરફથી માન-સન્માન, ચંદ્રકો, પદકો એનાયત થયાં છે.

સંશોધનક્ષેત્રે તેમનું રસવૈવિધ્ય અત્યંત નોંધપાત્ર રહ્યું છે.

પ્રહલદ છ. પટેલ