સેગન, કાર્લ (જ. 9 નવેમ્બર 1934, બ્રૂકલીન, ન્યૂયૉર્ક; અ. 20 ડિસેમ્બર 1996, સિયેટલ) : અમેરિકન ખગોળવિદ, શિક્ષણવિદ, લેખક અને દૂરદર્શન-શ્રેણી-નિર્માતા.
તેમણે માધ્યમિક શિક્ષણ ન્યૂયૉર્કમાંથી લીધું. ત્યારબાદ ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક અને અનુસ્નાતક ઉપાધિઓ અનુક્રમે 1955 અને 1956માં મેળવી. તે પછી 1960માં ખગોળવિદ્યા અને ખગોળભૌતિકીમાં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. આ બધી ઉપાધિઓ તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી મેળવી.
1960માં દસકાના આરંભે તેમને હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે શિક્ષણ આપવાની તક મળી. 1964માં તેઓ કૉર્નેલ યુનિવર્સિટીમાં જોડાયા અને 1971માં પૂર્ણ કક્ષાના પ્રાધ્યાપક બન્યા.
વિવિધ હેતુ સાથે નાસાના સંશોધન કાર્યક્રમો જેવા કે મરિનર, વાઇકિંગ, વૉયેજર અને ગેલિલિયો વગેરેમાં તેમણે અગ્રેસર તરીકે કામગીરી બજાવી હતી. નાસામાં આપેલી અમૂલ્ય સેવાઓની કદર રૂપે તેમને અપવાદરૂપ વૈજ્ઞાનિક સિદ્ધિનો ચંદ્રક, પ્રતિષ્ઠિત પ્રજાકીય સેવા બદલ બે વખત ચંદ્રક અને નાસા-એપૉલો સિદ્ધિ પદક આપવામાં આવેલ.
કાર્લ સેગન
વિવિધ ક્ષેત્રોમાં સંશોધન માટે તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શુક્ર ઉપર ગ્રીનહાઉસ ઘટના, મંગળ ઉપર ઋતુઓમાં થતા ફેરફાર માટે ધૂળ-આધારિત સમજૂતી, શનિના ઉપગ્રહ (ચંદ્ર) ટાઇટન ઉપર કાર્બનિક વાયુવિલયો (aerosols), ન્યૂક્લિયર યુદ્ધથી લાંબા ગાળા માટે પર્યાવરણીય પરિણામો તથા પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ જેવાં ક્ષેત્રોનો તેમના સંશોધનમાં સમાવેશ થાય છે. બહિરિર્જીવવિજ્ઞાન-(Exobiology)ના ક્ષેત્રમાં પહેલ કરનાર તેઓ હતા.
તેમણે ખગોળ અને અવકાશવિજ્ઞાનના પૂર્વસ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી શિક્ષણ આપ્યું. ઉપરાંત કૉર્નેલ યુનિવર્સિટીમાં ચિંતનના આલોચક શિક્ષક તરીકે પણ કાર્ય કર્યું.
તેમના રસવૈવિધ્યનો લોકોને 1994માં પરિચય થયો. તેમની ષષ્ટિપૂર્તિ અન્વયે કૉર્નેલ યુનિવર્સિટીએ બે દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સેગનનાં રસ-ક્ષેત્રો જેવાં કે ગ્રહ-અન્વેષણ, બ્રહ્માંડમાં જીવન, વિજ્ઞાનશિક્ષણ, પ્રજાજોગ નીતિ તથા વિજ્ઞાન અને પર્યાવરણના નિયમન અંગે ઉપસ્થિત વક્તાઓએ સવિસ્તર બયાન કર્યું હતું.
નાસાએ તો સેગનનો સ્વીકાર કર્યો જ, તે ઉપરાંત તેમને કેટલાંય માન-સન્માન અને પદકો મળ્યાં છે – વિજ્ઞાન, સાહિત્ય, શિક્ષણ અને પર્યાવરણના સંરક્ષણ બદલ. 22 અમેરિકન કૉલેજો અને યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ઉપાધિઓ આપીને નવાજ્યા છે. ન્યૂક્લિયર યુદ્ધથી માનવજાતને થનારા નુકસાનો સામે લાલબત્તી ધરી ન્યૂક્લિયર શસ્ત્રોના ઉત્પાદનની સ્પર્ધાના સતત ખંડન બદલ તેમને પ્રતિષ્ઠિત ઍવૉર્ડ આપવામાં આવ્યા છે; જેવા કે અમેરિકન ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીનો જ્હૉન એફ. કૅનેડી ઍસ્ટ્રૉનૉટિક્સ ઍવૉર્ડ, એક્સ્પ્લોરર્સ ક્લબનો અમૃત-જયંતી ઍવૉર્ડ, સોવિયેત કૉસ્મૉનૉટ્સ ફેડરેશનનો કૉન્સ્ટાન્ટિન ચંદ્રક, અમેરિકન ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીનો મૅસર્સ્ક ઍવૉર્ડ, પ્રજાના કલ્યાણ માટે વિજ્ઞાનને પ્રયોજવા બદલ નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝનો પબ્લિક વેલ્ફેર ઍવૉર્ડ.
અમેરિકન ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીના ગ્રહીય વિજ્ઞાન(Planetary Sciences)ના અધ્યક્ષ, અમેરિકન જિયૉફિઝિકલ યુનિયનના ગ્રહવિજ્ઞાન (Planetology) વિભાગના પ્રમુખ, વિજ્ઞાનની પ્રગતિ માટે અમેરિકન ઍસોસિયેશનના ખગોળવિભાગના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ગ્રહોના સંશોધનને લગતા અગ્રગણ્ય સામયિક ઇકરેસના સંપાદક તરીકે તેમણે 12 વર્ષ કાર્ય કર્યું.
સેગન પ્લૅનેટરી સોસાયટીના સહસ્થાપક હતા. આ સંગઠન એક લાખ સભ્ય-સંખ્યા ધરાવે છે અને તે રીતે અવકાશ-સંશોધનમાં રસ ધરાવનારાઓનું આ વિશ્વમાં સૌથી મોટું સંગઠન છે. પાર્થિવેતર (extra-terrestrial) બુદ્ધિયુક્ત માણસોની શોધ માટે જરૂરી કાર્યક્રમોને આ સંગઠન સલાહ-સૂચન અને મદદ કરે છે. વળી પૃથ્વી નજીકના લઘુગ્રહો(asteroids)ની જાણકારી માટે માર્ગદર્શન આપે છે. ફ્રેન્ચ તથા રશિયન અવકાશ-સંશોધન સંસ્થાઓના સહકારથી મંગળના અભ્યાસ (અન્વેષણ) માટે ગતિશીલ માનવયંત્ર (robots) – બલૂનો વિકસાવવા આ સંગઠન પ્રવૃત્ત છે. કૅલિફૉર્નિયામાં આવેલી જેટ પ્રૉપલ્સન લેબૉરેટરીના મુલાકાતી વિજ્ઞાની તરીકે સેગને નોંધપાત્ર ફાળો આપ્યો છે. ‘પેરેડ’ (Parade) સામયિકના સંપાદનમાં પણ તેમણે સારી એવી કામગીરી બજાવી છે. આ સામયિકમાં તેમણે વિજ્ઞાન-સંશોધનના કેટલાય લેખો પ્રસિદ્ધ કર્યા છે. છેલ્લે છેલ્લે અવસાન પૂર્વે જે રોગ સામે તેઓ મહાયુદ્ધ લડી રહ્યા હતા તે બાબતે અનુભવપૂર્ણ (અભ્યાસપૂર્ણ તો ખરા જ) લેખો આ સામયિકમાં પ્રગટ કર્યા છે. તેમના અવસાન બાદ અંતિમ વિધિ માટે પ્રજાના આવન-જાવન માટે રાજ્ય તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. પુષ્પગુચ્છને બદલે તેટલાં જ નાણાં બાળસ્વાસ્થ્ય નિધિમાં જમા કરાવવાનું સ્તુત્ય અને દૃષ્ટાંતરૂપ પગલું ભરવામાં આવ્યું હતું. આ નિર્ણયનો પ્રજાએ પૂરો અમલ કર્યો હતો.
વિજ્ઞાનને લોકપ્રિય બનાવવામાં સેગનનો સિંહફાળો છે. તેઓ વર્તમાનપત્રો, સામયિકો અને દૂરદર્શન-પ્રસારણ દ્વારા લોકોને ઘેર ઘેર પહોંચી ગયા છે. સેગન નિર્મિત ‘કૉસ્મોસ’ (cosmos) શ્રેણી દૂરદર્શનના ઇતિહાસમાં અવ્વલ સ્થાને છે. આ શ્રેણી 60 દેશોમાં 500 મિલિયનથી વધુ લોકોએ નિહાળી છે. પ્રતિભાસંપન્ન અભ્યાસી તથા મેધાવી સંશોધક સેગને અમેરિકા અને બીજા દેશોના લાખો વિદ્યાર્થીઓને પ્રેરણા આપીને ઉત્તેજિત કર્યા છે, વિજ્ઞાન અને વિશ્વ પરત્વે સૌનાં મન (mind) ખુલ્લાં કર્યાં છે. આ રીતે તૈયાર કરેલ બુદ્ધિધનનો તેમણે જાહેર જીવનમાં અસરકારક રીતે ઉપયોગ કરીને અવકાશ-સંશોધન તથા પર્યાવરણના સંરક્ષણનાં ક્ષેત્રો આવરી લીધાં છે.
સેગનની એક આંખ તારકો ઉપર, બીજી ઇતિહાસ ઉપર હતી અને ત્રીજી મનની આંખ માણસની પરિસ્થિતિ ઉપર રહેતી હતી. તેઓ ઉત્સાહ ઉપરાંત કાવ્યમય તથા રસોચિત (aesthetic) દૃષ્ટિ તથા સાહિત્યિક કૌશલ્યના માધ્યમ દ્વારા મહાન લેખક બન્યા હતા. તેઓ તેજસ્વી વિજ્ઞાની અને ઉત્કૃષ્ટ લેખક તરીકે ઊપસ્યા હતા, કારણ કે તે વિજ્ઞાનના અતીત, વર્તમાન અને ભાવિમાં જીવતા હોય તેમ લાગે છે. તેમના યથાર્થ પ્રયાસો જ બ્રહ્માંડમાં આપણા અસ્તિત્વને તેની વિસ્મયકારક વિપુલતા ભણી દોરી જાય છે.
સેગને લગભગ 600 સંશોધનલેખો પ્રગટ કર્યા છે. તેમણે લેખક અથવા સહલેખક તરીકે 20 પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. માનવબુદ્ધિની ઉત્ક્રાંતિના ઇતિહાસનું નિરૂપણ કરતા પુસ્તક ‘The Dragons of Eden’ (1977) માટે તેમને 1978નો પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો. આજે જેવા છે તેવા માણસનું ચિત્રણ ‘Shadows of Forgotten Ancestors’માં છે. મનુષ્યોની આસપાસના વિશ્વ, જીવન અને જગતના પ્રશ્નોનું નિરીક્ષણ કરતા ‘Billions and Billions’માં બ્રહ્માંડની વિશાળતા અને માનવ-મનના ઘરોબાની વાત વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. ઘાતક રોગનો ભોગ થતાં તેમણે તેમના આ પુસ્તકમાં પ્રેમ, મૃત્યુ અને આધ્યાત્મિકતાને લગતા ગહન વિચારો વ્યક્ત કર્યા છે. વળી શંકાથી પર એવી તેમની જિજ્ઞાસાના ઝબકારા વડે ધમધમતી આગેકૂચ આ પુસ્તકમાં જોવા મળે છે. જેને લીધે તેઓ પ્રતિષ્ઠિત થયા તે પુસ્તક ‘Cosmos’ બેસ્ટ સેલરની યાદીમાં સ્થાપિત થયું છે.
પ્રહલાદ છ. પટેલ