સૅલિનિટી ઇન્ગ્રેસ પ્રિવેન્શન સર્કલ (ક્ષારતા-પ્રવેશ નિવારણ વર્તુળ)

January, 2008

સૅલિનિટી ઇન્ગ્રેસ પ્રિવેન્શન સર્કલ (ક્ષારતાપ્રવેશ નિવારણ વર્તુળ) : દરિયાકાંઠા નજીકની ભૂમિમાં પ્રવેશતી ક્ષારતા-નિવારણની કામગીરી સંભાળતું વર્તુળ.

1976 અને 1978માં ગુજરાત સરકારે નીમેલ બે ઉચ્ચસ્તરીય સમિતિઓની ભલામણોને આધારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભૂગર્ભજળમાં અને ભૂમિમાં થતો ક્ષારપ્રવેશ અટકાવવા તેમજ કાંઠાની ક્ષારગ્રસ્ત જમીનોના વિકાસ કે તેની સુધારણા માટેની ‘ક્ષારપ્રવેશ-નિવારણ યોજના’ અખત્યાર કરેલી. આ બંને સમિતિઓએ ક્ષારનિવારણ, પુનર્ભરણ અને ભૂજળસંચાલન પદ્ધતિઓના પ્રશ્નો અંગે ત્રણ લાંબા-ગાળાના અભિગમો સૂચવેલા. 1979-80ના વર્ષ દરમિયાન પ્રથમ સમિતિએ સૂચવ્યા અનુસાર કંઠારપ્રદેશોમાં યોજનાનો અમલ કરવાનું કાર્ય શરૂ થયેલું. સમિતિએ ભૂગર્ભજળ સંતુલન તથા કંઠાર વિસ્તારનાં ક્ષાર-આધારિત કાર્યો માટે ‘ગુજરાત ભૂમિજળ બોર્ડ’ તથા ‘ક્ષારપ્રવેશ-નિવારણ વર્તુળ, રાજકોટ’ને ભાવનગર-ઊના, ઊના-માધાપર, માધાપર-માળિયા અને માળિયા-લખતર કાંઠાના વિસ્તારો સોંપ્યા હતા.

ક્ષારપ્રવેશ-નિવારણ વર્તુળે ભૂગર્ભજળ સંતુલન સંચાલન, ભૂભૌતિક સંચાલન અને દૂરસંવેદન (રિમોટ સેન્સિંગ) અભ્યાસની આધારસામગ્રી પર ક્ષારપ્રવેશ-નિવારણ યોજના કાર્યરત થઈ છે. ભૂજળ વિભાગ કાંઠાથી ભૂમિભાગ વચ્ચેના સ્થળદૃશ્યના ઊર્ધ્વછેદમાં કાર્યક્ષમ નિદાનકૂવાઓના ભૂજળની ગુણવત્તામાં થતા ફેરફારોનો અભ્યાસ કરે છે. કાંઠાવિસ્તારથી ભૂમિભાગ તરફના 10થી 15 કિમી.ના અંતરમાંના સ્થળદૃશ્યની ઊર્ધ્વ છેદરેખાના નિદાનકૂવાઓની ભૂજળસપાટીની વધઘટની નોંધણી વર્ષાઋતુની શરૂઆત તેમજ સમાપ્તિ પછી કરવામાં આવે છે.

સૂચિત વિસ્તારોના ભૂતળજળના નમૂનાઓનું રાસાયણિક પૃથક્કરણ તથા ભૂતળજળની સપાટીની વધઘટના સાહિત્યનો જે તે વિસ્તારનાં ભૂતળજળ-ગુણવત્તા અને ભૂતળજળના નકશાઓ તૈયાર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. ભૂભૌતિક વિભાગ નિદાનકૂવાઓની નજીકમાં રાખેલાં અભ્યાસકેન્દ્રોની ઉપર ‘વર્ટિકલ ઇલેક્ટ્રિકલ સાઉન્ડિગ (VES)’ દ્વારા નિયત અંતરે સ્થળદૃશ્ય છેદરેખાના વિસ્તાર પર સમુદ્રજળ તેમજ ભૂતળજળના વિક્ષેપોની નોંધણીના આંકડાઓ નોંધે છે. પ્રત્યેક સ્થળદૃશ્ય છેદરેખા પર 10 વર્ટિકલ ઇલેક્ટ્રિકલ સાઉન્ડિંગ કેન્દ્રો નિયત અંતરે ઊભા કરાય છે. નિદાનકૂવાઓની ભૂતળજળસપાટી તથા ગુણવત્તાના મૂલ્યાંકનની ક્ષમતા માટે ઇલેક્ટ્રિકલ સાઉન્ડિંગ કેન્દ્રો નજીકમાં રાખવામાં આવે છે.

અંતરીક્ષ પ્રતિબિંબોની મદદથી ક્ષારીય જળવિસ્તારો અને મીઠા પાણીના વિસ્તારોનું આલેખન કરવામાં આવે છે. ક્ષારીય જળ-વિસ્તારોને રંગ, ભાત, ભૂસ્તરરચના અને વનસ્પતિજૂથના આધારો પર પાંચ વિભાગોમાં વહેંચવામાં આવેલા છે :

(i) ફાટ/તડ/ચીરાવાળા ક્ષારીય જળવિસ્તારો

(ii) સ્તરોનાં આંતરિક ક્ષારપ્રમાણ (ખારા પાણીના પ્રદેશો અને મીઠા પાણીના પ્રદેશો)

(iii) ઉચ્ચ ક્ષારીય જળવિસ્તારો (> 4000 ppm TDS)

(iv) મધ્યમ ક્ષારીય જળવિસ્તારો (2000થી 4000 ppm TDS)

(v) નિમ્ન ક્ષારીય જળવિસ્તારો (< 2000 ppm TDS)

(vi) મીઠા જળના વિસ્તારો.

ઉપર્યુક્ત આધુનિક પદ્ધતિ દ્વારા સંપર્કવિહીન વિસ્તારો માટે ભૂતળજળની સપાટીના આંકડાઓ એકત્ર કરી શકાયા છે. ક્ષારનિવારણ યોજના દ્વારા 1988થી 2002 સુધીમાં સૂચિત વિસ્તારોમાં 0.25થી 4.00 કિમી. સુધી ક્ષારરેખાને કાંઠા તરફ ધકેલવામાં સફળતા મળી છે.

મીઠા પાણી અને ક્ષારયુક્ત પાણીની કક્ષાને અલગ પાડતો TDS ક્રમાંક 2000 ppm વર્ષ દરમિયાન સતત વધઘટ થયા કરે છે. વર્ષાઋતુની શરૂઆતમાં 2000ના TDS ક્રમાંકને આધારભૂત ગણી ક્ષારીય જળવિસ્તારનો માપાંક નક્કી કરી આગળના વર્ષના આંકડાની ગણતરી મુકાય છે.

ક્ષારયુક્ત જળપ્રવેશનાં મુખ્ય કારણોમાં ભૂતળજળનો વધુ પડતો વપરાશ અને વધુ જળગ્રહણ કરતા શેરડીના પાકની વાવણીનો સમાવેશ કરી શકાય. ક્ષારયુક્ત જળપ્રવેશના નિવારણની યોજનાનો કાર્યક્ષમ રીતે અમલ કરવા માટે ખેડૂતો, વહીવટદારો તેમજ સ્થાનિક કાર્યકર્તાઓના સહકારથી, ભૂગર્ભજળસંગ્રહ તથા સંરક્ષણ માટે સ્થાનિક અભિગમ કેળવી, કંઠાર વિસ્તારોની ભૂતળજળસપાટી જળવાઈ રહે એવું અભિયાન શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. કૃત્રિમ પુન: જળભરણપદ્ધતિ, ડીચ અને ફરો (ખાઈ અને પાળો) દ્વારા પુનર્ભરણ, ચેકડૅમ અને ખુલ્લા કૂવા દ્વારા પુનર્ભરણ તેમજ જળસ્રાવતળાવ-પદ્ધતિઓથી ભૂતળજળના ભંડારોમાં ચોમાસાના વધારાના પાણીનું પુનર્ભરણ કરવામાં આવે તો ક્ષારજળપ્રવેશ નિવારણ યોજનાનાં ઊજળાં પરિણામોની અસર જે તે વિસ્તારમાં તાત્કાલિક અનુભવી શકાય.

જયંતિ વિ. ભટ્ટ