સૅન્ડાકાન (Sandakan) : મલેશિયા રાજ્યના સાબાહમાં આવેલું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 5° 50´ ઉ. અ. અને 118° 05´ પૂ. રે.. તે બૉર્નિયો ટાપુના ઉત્તર ભાગમાં કોટા કિનાબાલુથી પૂર્વમાં આશરે 225 કિમી.ના અંતરે સુલુ સમુદ્ર નજીક આવેલું છે. સૅન્ડાકાન જળમાર્ગ દ્વારા ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને દ્વીપકલ્પીય મલેશિયા સાથે સંકળાયેલું છે. શહેરથી દૂર ભૂમિભાગમાં રબરનું વાવેતર થાય છે તથા ત્યાં લાકડાંનાં પીઠાં આવેલાં છે. સૅન્ડાકાનના મહત્ત્વના ઉદ્યોગોમાં લાટીઓ તથા માછીમારીનો સમાવેશ થાય છે.

1997 મુજબ સૅન્ડાકાનની વસ્તી 1,25,841 જેટલી છે.

જાહનવી ભટ્ટ