સેન્ડો, યુજેન (. 1867, કીનિંગ્સબર્ગ, જર્મની; . મે 1925) : શરીર-સૌષ્ઠવ માટે વિશ્વમાં વિખ્યાત બનેલો વ્યાયામવીર. આજે પણ સમગ્ર વિશ્વમાં ‘સેન્ડો’ શબ્દ શક્તિનો પર્યાય ગણાય છે. તેમને આજે પણ ‘આધુનિક યુરોપનો હરક્યુલિસ’ કહેવામાં આવે છે. તેમનું પૂરું નામ ફેડરિક વિલિયમ્સ યુજેન સેન્ડો હતું. બાળપણમાં તેઓ ખૂબ જ નબળા અને નાજુક હતા. 10 વર્ષની ઉંમરે તેઓ પોતાના પિતા સાથે રોમની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે વિશાલકાય મૂર્તિઓ જોઈને પોતાના પિતાને પૂછ્યું કે ‘ભૂતકાળમાં સાચે જ આવા તાકાતવર લોકો હતા ?’ પિતાએ હા પાડી અને તે જ સમયથી સેન્ડોએ નક્કી કર્યું કે પોતે પણ એક દિવસ આ રીતે તાકાતવર અને મહાન શરીરસૌષ્ઠવ ધરાવનાર વ્યક્તિ બનશે અને ત્યારથી તેમણે આ અંગેની કસરતો કરવાની સાધના શરૂ કરી. ધીમે ધીમે ન કલ્પી શકાય તેવી શક્તિ તેમણે પ્રાપ્ત કરી. 18 વર્ષની ઉંમરે તો તેમનું શરીર લોખંડ જેવું મજબૂત થઈ ગયું હતું અને ન કલ્પી શકાય એટલી શક્તિ અને શરીરસૌષ્ઠવ ધારણ કર્યું હતું. તેમનું શરીર શક્તિના પ્રતીકરૂપ ગણાવા માંડ્યું. તેઓ શરીરસૌષ્ઠવ માટે વિવિધ પ્રકારનો વ્યાયામ કરતા હતા; જેવા કે, દંડ-બેઠક, વજનદાર મગદળો ફેરવવા, પહાડો ઉપર ચઢાણ કરવું, સ્પ્રિંગ ડંબેલ્સનો ઉપયોગ વગેરે. ‘સ્પ્રિંગ ડંબેલ્સ’ તો સાચા અર્થમાં સેન્ડોની જ દેન કહેવાય. તેઓ ખાવામાં કોઈ પણ જાતનું પરહેજ કરતા ન હતા તેમજ કોઈ વિશિષ્ટ ખોરાક પણ લેતા ન હતા; પરંતુ પોતાની આત્મશક્તિથી જ તેમણે માનવામાં ન આવે એવી શક્તિ પ્રાપ્ત કરી હતી અને 20 વર્ષની ઉંમરમાં તો સમગ્ર વિશ્વમાં તેમની ખ્યાતિ ફેલાઈ ગઈ અને સારા સારા પહેલવાનો સાથે કુસ્તી કરી તેઓ વિજેતા પણ બન્યા.

ઈ. સ. 1901માં તેઓ ભારતમાં આવ્યા હતા. ત્યારે તેમનું ખૂબ જ સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે મુંબઈમાં ‘ઇક્સેલ્સિંયર થિયેટર’માં આશ્ચર્યચકિત કાર્યક્રમો આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેઓ પોતાની છાતી પર લાકડાનું પાટિયું મુકાવીને તેના ઉપરથી માણસો તેમ જ સામાન ભરેલી ઘોડાગાડી પસાર કરાવી શકતા હતા. તેમની વિશાળ તાકાતના અસંખ્ય કિસ્સાઓ જગજાહેર હતા. દા.ત., કાગળના ટુકડાઓને દબાવીને લોખંડ જેટલો સખ્ત દડો બનાવી શકતા હતા. તેવી રીતે જ તેમણે 1 પેન્સના સિક્કાને વચમાંથી ફાડી નાંખ્યો હતો અને આજે પણ આ ફાડેલો પેન્સનો સિક્કો બ્રિટનના મ્યુઝિયમમાં રાખવામાં આવેલો છે. જ્યારે તેઓ અમેરિકા ગયા ત્યારે તેમણે ફ્રાંસિસ્કો મુકામે નિહથ્થે સિંહ સાથે લડાઈ કરી હતી. આ વાત આજે પણ જગવિખ્યાત છે. આ બનાવને કારણે તેઓ રાતોરાત સમગ્ર વિશ્વમાં ‘તાકાતના પ્રતીક’ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા હતા. તેઓ લોકોને સ્વસ્થ રહેવા માટે શિખામણ આપતા હતા. સેન્ડોમાં શક્તિ અને બુદ્ધિનો સરસ સમન્વય હતો. તેઓ એક વિદ્વાન વ્યક્તિ પણ હતા અને તેમણે ‘સ્વાસ્થ્યશિક્ષણ’ વિષય ઉપર ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે.

1911માં કિંગ જૉર્જ પંચમે તેમને ‘શારીરિક શિક્ષણના પ્રોફેસર’ તરીકેની ઉપાધિ આપીને બિરદાવ્યા હતા. અમેરિકાના સૈનિકોનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટે જેમ તેમની સલાહ લીધી હતી; તેમ ઑસ્ટ્રેલિયા અને બ્રિટનની સરકારે પણ તેમની ‘સ્વાસ્થ્યના સલાહકાર’ તરીકે સેવાઓ લીધી હતી.

પ્રભુદયાલ શર્મા