સૅન્ડહર્સ્ટ : ઇંગ્લૅન્ડના બર્કશાયર પરગણામાં બ્રેકનેલ જિલ્લાનું એક નગર. ભૌગોલિક સ્થાન : 51° 21´ ઉ. અ. અને 0° 47´ પ. રે.. તે લંડનથી 48 કિમી.ને અંતરે પશ્ચિમી-નૈર્ઋત્ય તરફ આવેલું છે. અહીંથી 14 કિમી. ઉત્તર તરફ આલ્ડરશૉટની લશ્કરી છાવણી આવેલી છે. આ સ્થળ રૉયલ મિલિટરી એકૅડેમી માટે ખૂબ જાણીતું છે. 1741માં લંડનના વુલવિચ ખાતે સ્થપાયેલી રૉયલ મિલિટરી એકૅડેમી તથા 1799માં સ્થપાયેલી રૉયલ મિલિટરી કૉલેજને ભેળવીને 1947માં આ એકૅડેમીની સ્થાપના કરવામાં આવેલી છે. મિલિટરી કક્ષાની વ્યક્તિઓમાંથી તેમજ ઇંગ્લૅન્ડની સ્કૂલોના સ્નાતકોને તથા કૉમનવેલ્થ દેશોની વ્યક્તિઓને આ એકૅડેમીમાં કૅડેટ તરીકે પસંદ કરવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા