સૅન્ટૉસ, ડૂમૉન્ટ ઍલ્બર્ટો [. 1873, સૅન્ટૉસ ડૂમૉન્ટ (અગાઉ પામિરા તરીકે ઓળખાતું શહેર હવે તેમના નામથી ઓળખાય છે.), બ્રાઝિલ; . 1932] : બ્રાઝિલના હવા ઉડાણના અગ્રેસર. તેમણે ફ્રાન્સમાં અભ્યાસ કર્યો અને મોટાભાગની જિંદગી ત્યાં જ ગાળી. 1898માં તેમણે એક બલૂન ઉડાવ્યું. તે પછી તેમણે એક ‘ઍરશિપ’ બનાવ્યું અને 1901માં તેમાં સેંટ ક્લાઉડથી ઍફિલ ટાવર ફરતે પોતાનું પ્રથમ ઉડાણ કરીને વળતો પ્રવાસ કર્યો. 2 વર્ષ પછી તેમણે નૂઈલી ખાતે સર્વપ્રથમ ઍરશિપ-સ્ટેશન બાંધ્યું. તે પછી તેમણે હવા કરતાં વધારે ભારે મશીન વિશે પ્રયોગો આદર્યા અને આખરે 1906માં યુરોપભરમાં શક્તિસંચાલિત ઉડ્ડયન કરવામાં સફળતા મેળવી. 1909માં તેમને હલકું મૉનૉપ્લેન બનાવવામાં સફળતા મળી. આધુનિક સમયના હળવા વિમાનનું તે પુરોગામી બની રહ્યું.

મહેશ ચોકસી