સૅડિસ, જ્યૉર્જ (જ. 2 માર્ચ 1578, યૉર્ક, ઇંગ્લૅન્ડ; અ. ? માર્ચ 1664, બૉક્સ્લી, ઍબી, કૅન્ટ) : અંગ્રેજ પ્રવાસી, કવિ અને વસાહતી (colonist). ‘હિરોઇક કપ્લેટ’ નામના છંદમાં વૈવિધ્ય દાખવનાર પ્રયોગશીલ કવિ. ‘રિલેશન ઑવ્ અ જર્ની’(1615)માં મધ્યપૂર્વના દેશોના પ્રવાસની નોંધ છે. સત્તરમી સદીમાં આ પુસ્તકની નવ આવૃત્તિઓ થઈ હતી.
1621-1625ના સમય દરમિયાન સૅડિસની નિમણૂક વર્જિનિયાના ખજાનચી (treasurer) અને ઉદ્યોગ તથા કૃષિખાતાના નિયામક તરીકે થયેલી. આ જ ગાળામાં તેમણે રૉમન મહાકવિ ઓવિડના ‘મેટામૉર્ફોસિસ’નો અંગ્રેજી અનુવાદ કરેલો. 1632માં તેની સુધારેલી આવૃત્તિ પણ પ્રકાશિત થયેલી. યુરોપના કેટલાક પ્રાચીન અને પોતાના સમયથી પહેલાંના કવિઓની કૃતિઓના અનુવાદ પણ તેમણે કરેલા. આ અનુવાદોની સાથે તેમાં વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના પણ લખેલી. આમાં મહાકવિ વર્જિલના મહાકાવ્ય ‘ઇનીડ’ના પ્રથમ સર્ગનું પણ તેમણે ભાષાંતર કરેલું. અંગ્રેજ કવિ-વિવેચક ડ્રાયડને તેમને ‘પ્રાચીન કવિઓના સર્વશ્રેષ્ઠ કાવ્યાનુવાદક’ કહી નવાજ્યા હતા. જ્યારે તે અંગ્રેજીમાં અન્ય ભાષામાંથી અનુવાદ કરતા ત્યારે મૂળ કાવ્યના અસલ સ્વરૂપને સુપેરે જાળવી રાખવાની કાળજી રાખતા. કેટલાક અંગ્રેજ કવિ-વિવેચકોએ આ પ્રકારનો અભિપ્રાય આપેલો છે. ડ્રાયડન અને પોપ જેનો વિશેષ ઉપયોગ કરવાના હતા તે હિરોઇક કપ્લેટ માટેની કેડી માટે પ્રથમ પગરણ કરવાનું માન નિ:શંક સૅડિસને ફાળે જાય છે.
વિ. પ્ર. ત્રિવેદી