સૂર્ય અને ચંદ્ર (વૈદિક પ્રતીક) : વૈદિક કાલથી આજદિન સુધી લોકમાન્ય રહેલાં પ્રતીકો. હિમ અન ધ્રંસ એટલે કે ઠંડી અને ગરમી એ બંનેના રૂપ ચંદ્ર અને સૂર્ય છે. અથર્વવેદમાં બંનેને અગ્નિનાં બે રૂપ કહ્યાં છે. त तैवाव्ग्नीं आधत्त हिमं ध्रंसं च रोहित (13-1-46). (અર્થાત્ એક જ રોહિત દેવ સૂર્યે ઠંડી અને ગરમી એ બંને અગ્નિને ધારણ કર્યાં.) ભારતીય શિલ્પોમાં સૂર્ય અને ચંદ્રનું અંકન સાસાની (ઈરાની) અસર નીચે વિકાસ પામેલ જોવામાં આવે છે. સૂર્યના અનુચરો દંડ અને પિંગળના મસ્તક પરની કુલ્લુ ટોપી પર ચંદ્રનું પ્રતીક અંકિત થાય છે. સૂર્ય ઉચ્ચ વિજ્ઞાન અને બુદ્ધિનું પ્રતીક છે તો ચંદ્ર ઇન્દ્રિયોની ઇચ્છાનુસાર વર્તનાર મન કે પ્રજ્ઞાનું પ્રતીક છે.
પ્રવીણચંદ્ર પરીખ