સૂર્ય ઓ અંધાર

January, 2008

સૂર્ય અંધાર : કવિ રાધામોહન ગડનાયકરચિત કાવ્યસંગ્રહ. 1995ની સાલનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત કરનાર આ કાવ્યસંગ્રહમાં કવિએ જુદા જુદા સમયમાં રચેલી ચોવીસ કાવ્ય-રચનાઓ છે.

કવિ રાધામોહન ગડનાયકે દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવેલી એટલે જ એમની કવિતામાં દેશપ્રેમ જોવા મળે છે. દેશ સ્વતંત્ર થયા પછી દેશસેવાના નામે જે નાટક ચાલી રહ્યાં છે, તેમનાથી આ કવિ નાખુશ છે. ‘સૂર્ય ઓ અંધાર’માં સમાયેલી ‘આજી એ રૂપાર જયંતિ’ અને ‘તુમ લાગી ઑગસ્ટ પંદર – 1972’ નામની બે કાવ્યરચનાઓમાં આ અસંતોષ અને વિદ્રોહનો સ્વર સ્પષ્ટ છે. પરાધીન ભારતમાં કવિવર રાધાનાથરચિત ‘દરબાર’ કવિતા પછી ઊડિયા સાહિત્યમાં આ એક બીજી સફળ રાજનૈતિક કવિતા છે. આ કવિતા વ્યક્તિગત કે કોઈ પણ પક્ષ પ્રત્યેના આક્રોશ વગર દેશની વર્તમાન અધોગતિ તરફનો ક્ષોભ વ્યક્ત કરે છે. એ સાથે દેશની સામૂહિક પ્રગતિ માટેની ગંભીર ચિંતા પણ વ્યક્ત કરે છે.

‘સૂર્ય ઓ અંધાર’માંની ‘ગોટીએ સાપર આત્મકથા’ નામની રચના ગડનાયકના કવિમાનસની બીજી એક દિશા દેખાડે છે. તેમનાં ‘અપથગામી’, ‘મોસુમી’ વગેરે કાવ્યોમાં વિદ્રોહનો સ્વર સંભળાય છે. આ વિદ્રોહ કોઈ ચોક્કસ મતવાદ કે આદર્શના સંદર્ભે નહિ પણ ખરા અર્થમાં આંતરિક છે. એક ચિંતિત કવિમાનસનું શૈલ્પિક પ્રતિબિંબ એમાં જોવા મળે છે.

આ સંકલનમાં ‘વિદાય દે મોર માટી’, ‘ખોલા એ પ્રાન્તરે’ કાવ્ય-રચનાઓમાં પોતાના ગામની માટી પ્રત્યેનું પ્રબળ આકર્ષણ મર્મસ્પર્શી ભાવમાં વ્યક્ત થયું છે. ‘ફેરિ ચાહાં અનુગુળ’ કાવ્યમાં કવિની કલમ પારંપરિક શૈલીમાં સીમિત ન રહેતાં સૃષ્ટિની નવી નવી ક્ષિતિજો ખોલે છે.

રૂપ, રસ, સુગંધથી ભરપૂર આ પૃથ્વીના અંતરમાં જે પરમ રહસ્ય છુપાયેલું છે તેનું આકર્ષણ આ કવિને હંમેશાં રહ્યું છે. આ આકર્ષણ આ સંગ્રહમાંની ‘ડૂબીબી એથર’ કાવ્યના મૂળમાં રહેલું છે. અહીં પ્રાપ્તિ મોટી વાત નથી. અસીમતામાં – પોતાની જાતમાં ખોવાઈ જવામાં જ આનંદ હોવાનું નિરૂપાયું છે.

આ ક્રાન્તિકારી કવિએ તેમની અનેક કાવ્યરચનાઓમાં ભ્રષ્ટાચારી શાસક તથા શાસન પ્રત્યે જે રીતે તીવ્ર વ્યંગ કર્યો છે તે જ રીતે સાચા ત્યાગી દેશસેવકો અને વિવિધ ક્ષેત્રે નામના મેળવી હોય તેવા ગુણીજનોની પ્રશસ્તિ પણ ગાઈ છે. પ્રસ્તુત પુસ્તકમાં સમાવિષ્ટ ‘બસ્તાએ ચાઉળ’, ‘આસ દે દરદી’, ‘શારંગધર’, ‘રમાદેવી’, ‘સેહી સરકાર’ આ જાતની કાવ્યરચનાઓ છે. આ કાવ્યોમાં વ્યક્તિવિશેષની પ્રશંસા જ નહિ, કવિતાની દૃષ્ટિએ ઉત્કૃષ્ટતા પણ છે.

રેણુકા શ્રીરામ સોની