સૂર્યાપુર : મૈત્રક કાલ (ઈ. સ. 468-786) દરમિયાનનો એક વહીવટી વિભાગ. તે હાલના પંચમહાલ જિલ્લામાં ગોધરા પાસે આવેલો હતો. મૈત્રક વંશના રાજા શીલાદિત્ય 6ઠ્ઠાના લુણાવાડામાંથી મળેલા તામ્રપત્રના ઈ. સ. 759ના દાનશાસનમાં સૂર્યાપુર વિષય(વહીવટી વિભાગ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજા શીલાદિત્ય છઠ્ઠાની છાવણી ગોદ્રહક(ગોધરા)માં હતી ત્યારે તે દાનશાસન આપવામાં આવ્યું હતું. આ વિષયનું વડું મથક સૂર્યાપુર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલું સુરેલી ગામ હોવાની શક્યતા છે.
જયકુમાર ર. શુક્લ