સૂર્યારાવ કૂટિકુપ્પલા

January, 2008

સૂર્યારાવ, કૂટિકુપ્પલા (. 10 ઑક્ટોબર, 1954, કિન્તાલી, જિ. શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી, પછી એમ.ડી. થયા. તબીબી વ્યવસાય સાથે સાહિત્યમાં ઝુકાવ્યું.

તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેઓ અંગ્રેજીમાં લખે છે. તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સૂર્ય કિરણનલુ’ (1989), ‘જાબિલી જાવાબુ’ (1994), ‘સૂધિમાન્ધુ’ તેલુગુમાંના મુખ્ય સાહિત્યિક ગ્રંથો છે. તેમણે મોટી સંખ્યામાં વિજ્ઞાનવિષયક ગ્રંથો લખ્યા છે અને પ્રગટ કર્યા છે.

તેમણે આરોગ્ય-શિક્ષણના ક્ષેત્રે કરેલ પ્રદાન બદલ તેમને આંધ્રપ્રદેશ સરકાર તરફથી કાવૂરી પ્લૅટિનમ ચંદ્રક; મધર ટૅરેસા તરફથી કૉમ્યુનિટી સર્વિસ ઍવૉર્ડ; અમેરિકાની આઇ.એચ.ઓ. તથા મિયામી યુનિવર્સિટી તરફથી ફેલોશિપ આપવામાં આવ્યાં છે. તેમણે યુ.કે., ફ્રાન્સ, જર્મની અને જાપાન તથા બીજા દેશોનો પ્રવાસ ખેડ્યો છે.

બળદેવભાઈ કનીજિયા