સૂર્યમુખી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Helianthus annuus Linn. (સં. આદિત્યભક્તા; હિં., બં., ગુ. સૂરજમુખી; મ. સૂર્યફૂલ; અં. સનફ્લાવર.) છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ઉન્નત, રોમિલ, બરછટ, 0.64.5 મી. ઊંચું પ્રકાંડ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, લાંબા દંડવાળાં, પહોળાં અંડાકાર કે હૃદયાકાર, 10-30 સેમી. લાંબાં, બરછટ, દંતુર અને બંને બાજુએ રોમિલ હોય છે. પુષ્પવિન્યાસ સ્તબક (capitulum) પ્રકારનો અને 7.5 સેમી.થી 15 સેમી. પહોળો (વાવેતર હેઠળ 30 સેમી.થી 60 સેમી. પહોળો), એકલ કે બેવડો હોય છે અને મુખ્ય પ્રકાંડ કે શાખાઓની ટોચ ઉપર ઉત્પન્ન થાય છે. પુષ્પાધાર (receptacle) ચપટો, ઘણી વાર વિસ્તારિત અને બહિર્ગોળ હોય છે. તેની પરિઘવર્તી કિનારીએ આવેલાં કિરણ પુષ્પકો પીળાં, મોટાં અને જિહ્વાકાર (lingulate) હોય છે. તેઓ પુષ્પાધારના કેન્દ્રમાં રહેલાં બદામી-જાંબલી બિંબ પુષ્પકોને ઘેરે છે. ફળ ચર્મફળ (achene) પ્રકારનું હોય છે. બીજ નળાકાર કે પ્રતિ અંડાકાર, દ્બાયેલાં, લગભગ 1.0 સેમી. લાંબાં અને 0.62 સેમી. પહોળાં, સફેદ, કાળાં કે ભૂખરી કાળી પટ્ટીઓવાળાં હોય છે. રોમગુચ્છ (pappus) વહેલાં ખરી પડે છે. સૂર્યમુખી સ્વફલન દર્શાવે છે અને સામાન્યત: પરાગનયન કીટકો દ્વારા થાય છે.
સૂર્યમુખી : (અ) પુષ્પ સહિતનો છોડ, (આ) બીજ
સૂર્યમુખીની જાતો : સૂર્યમુખીની એકવર્ષાયુ અને બહુવર્ષાયુ જાતો ઉદ્યાનોમાં ઘણા સમયથી શોભન-વનસ્પતિઓ તરીકે ઉછેરવામાં આવે છે. સઘન પ્રજનન કાર્યક્રમ હેઠળ તેની એકલ કે બેવડાં પુષ્પોવાળી જાતો; પીળો, સોનેરી અને લાલ ઝાંયવાળાં પુષ્પોની જાતોનો વિકાસ કરવામાં આવ્યો છે. કેટલીક જાણીતી ઉદ્યાનકૃષિ-જાતો(horticultural-varieties)માં var. californicus, var. citrinus, var. globosusfistulosus અને var. variegatusનો સમાવેશ થાય છે. કોલરયુક્ત ડહાલિયાની જેમ લાલ સૂર્યમુખીની જાતમાંથી કોલરયુક્ત જાત મેળવવામાં આવી છે. Helianthusની એકવર્ષાયુ અને બહુવર્ષાયુ જાતોમાંથી સંકરણ દ્વારા સંકર જાતો પણ પ્રાપ્ત કરવામાં આવી છે.
સૂર્યમુખી ઉદ્યાન-વનસ્પતિ તરીકે મુખ્યત્વે ઉછેરવામાં આવતી હોવા છતાં તેનો તેલીબિયાં અને ચારાના પાક તરીકે ઉપયોગ થાય છે. ચારાનો પાક લીલા ચારા અને સાઇલેજ સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. સૂર્યમુખીનો સાઇલેજ યુ.એસ., રોડેશિયા, કૅનેડા અને અન્ય કેટલાક દેશોમાં જાણીતો છે.
તેલીબિયાં કે ચારાના પાક તરીકે સૂર્યમુખીની જાતોને પ્રાથમિકપણે ત્રણ પ્રકારોમાં વહેંચવામાં આવે છે : અતિ ઊંચી (giant), અર્ધવામન (semidwarf) અને વામન (dwarf). અતિ ઊંચી જાતો 1.8 મી.થી 4.2 મી. ઊંચી; સામાન્ય રીતે મોડી પાકતી; 30 સેમી.થી 55 સેમી. વ્યાસ ધરાવતાં પુષ્પોવાળી અને મોટાં, ઓછું તૈલી દ્રવ્ય ધરાવતાં કાળી પટ્ટીઓવાળાં સફેદ કે ભૂખરાં બીજવાળી હોય છે; દા.ત., રશિયન જાયન્ટ, જાયન્ટ વ્હાઇટ, મેન્ચુરિયન અને ગ્રે સ્ટ્રાઇપ.
અર્ધવામન જાતો 1.35 મી.થી 1.8 મી. ઊંચી; વહેલી પાકતી; 17.5 સેમી.થી 22.5 સેમી. વ્યાસ ધરાવતાં પુષ્પોવાળી અને નાનાં, વધારે તૈલી દ્રવ્યવાળાં, કાળાં, ભૂખરાં કે પટ્ટીવાળાં બીજ ધરાવતી હોય છે; દા.ત., પોલસ્ટાર, સધર્ન ક્રૉસ, માર્સ અને જ્યુપિટર.
વામન જાતો 0.6 મી.થી 1.35 મી. ઊંચી; વહેલી પાકતી; 13.5 સેમી.થી 16.0 સેમી. વ્યાસ ધરાવતાં પુષ્પોવાળી અને વધારે તૈલી દ્રવ્ય ધરાવતાં બીજવાળી હોય છે. દા.ત., સનરાઇઝ, મેનનાઇટ, એડ્વાન્સ અને ઍરોહેડ.
ભારતમાં જાયન્ટ રશિયન, સનરાઇઝ, મેનનાઇટ અને એડ્વાન્સ જાતો ઉગાડવાનો પ્રયાસ થયો છે; આ પૈકી મેનનાઇટ અને એડ્વાન્સ તેલ માટે અને જાયન્ટ રશિયન ચારા માટે આશાસ્પદ જાતો છે. જોકે મગફળી જેવાં તેલીબિયાંની જેમ તેનો પાક સ્થાપિત થયો નથી. તેનું વાવેતર મુંબઈ, મૈસૂર, પશ્ચિમ બંગાળ, ચેન્નાઈ અને પંજાબના વિસ્તારોમાં થાય છે. હાલમાં તેની કેટલીક વ્યાપારિક જાતોનાં બીજ કૅનેડા, ઑસ્ટ્રેલિયા, રશિયા અને હંગેરીમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યાં છે.
આબોહવા અને મૃદા : સૂર્યમુખી ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં મધ્યમ અને તેથી વધારે ઊંચાઈએ થાય છે. તેને હૂંફાળી આબોહવા અને મધ્યમસરનો વરસાદ માફક આવે છે. ભેજવાળી અને શુષ્ક પરિસ્થિતિઓ સામે તે કેટલેક અંશે વિસ્તૃત સહિષ્ણુતા-પરિસર (range of tolerance) ધરાવે છે. તે શુષ્કતારોધી (drought-resistant) છે અને હિમ સામે ટકી શકે છે. તે વિવિધ પ્રકારની મૃદાઓમાં અનુકૂલન સાધી શકે છે અને હલકી, ફળદ્રૂપ, ચૂનામય (calcareous) કે કાંપયુક્ત (alluvial) મૃદામાં સારી રીતે થાય છે. તેને ખાતર આપવાની જરૂરિયાત હોતી નથી. તે ઍસિડયુક્ત મૃદામાં, દલદલ (waterlogged) ભૂમિમાં કે સીધા ઢોળાવો ઉપર થઈ શકતી નથી. જો મૃદા અત્યંત ફળદ્રૂપ હોય તો, તે ખૂબ ઊંચી બને છે; સૂર્યમુખી મોડાં પાકે છે અને પુષ્પમાં ખાલી બીજ ઉત્પન્ન થતાં હોવાથી બીજ-ઉત્પાદન ઘણું ઓછું થાય છે.
વાવણી : તેલીબિયાં કે ચારાના પાક તરીકે સૂર્યમુખીનું વાવેતર કરવાનું હોય ત્યારે જમીનને ખાતર આપી ખેડ કરવામાં આવે છે. બીજ છૂટાં વેરીને કે ડ્રિલથી એપ્રિલમાં વાવવામાં આવે છે. બીજને ખરપવામાં આવે છે અને જમીનમાં 2.5-3.5 સેમી. ઊંડે અને 0.6-1.0 મી. જેટલા અંતરે હરોળોમાં રોપવામાં આવે છે. એક હરોળમાં બે છોડ વચ્ચે 1530 સેમી. જેટલું અંતર રાખવામાં આવે છે. તેલીબિયાં માટે વામન કે અર્ધવામન પ્રકારની જાતનાં 4.5-6.7 કિગ્રા./હે. અને જાયન્ટ પ્રકારની જાતનાં 6.7-9.0 કિગ્રા/હે. બીજનું જ વાવેતર કરવામાં આવે છે. લીલા ચારા માટે કે સાઇલેજ માટે લગભગ 6.7 કિગ્રા./હે. બીજનું વાવેતર કરવામાં આવે છે. રોપા 7.5-10 સેમી. ઊંચા બને ત્યારે તેમને 30-45 સેમી. દૂર વાવવામાં આવે છે. કેટલીક વાર ધરુવાડિયામાં રોપ તૈયાર કરવામાં આવે છે અને રોપ 10-15 સેમી. ઊંચા બને ત્યારે તેમને ખેતરમાં રોપવામાં આવે છે. શરૂઆતના તબક્કાઓમાં ખેતરમાં નીંદણ કરવામાં આવે છે; પરંતુ છોડ 30-45 સેમી. ઊંચા બને તે પછી નીંદણ કરવું જરૂરી નથી. છોડ 0.9-1.2 મી. ઊંચા બને ત્યારે મુખ્ય પ્રકાંડ ઉપર માત્ર 4-5 પુષ્પો રાખી નાનાં પુષ્પો દૂર કરવામાં આવે છે.
જેરૂસલેમ આર્ટિચોક (H. tuberosus) ઉપર સૂર્યમુખીનું આરોપણ કરવાના પ્રયાસો થયા છે. તેનાથી ઉદભવતી કલમ (graft) શક્તિશાળી (vigorous) હોય છે. તેનાં બીજમાં તેલ વધારે અને છોતરાંનું પ્રમાણ અલ્પ હોય છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢીમાં જેરૂસલેમ આર્ટિચોકની શક્તિ અને સૂર્યમુખીના વહેલા પાકવાનાં અને ઉત્પાદકતાનાં લક્ષણોનું સંયોજન થાય છે; પરંતુ આર્ટિચોકનું કંદવિકાસનું લક્ષણ અપૂર્ણત: કે પૂર્ણત: અદૃશ્ય થાય છે.
સૂર્યમુખી જમીનમાંથી વિવિધ ખનિજ-દ્રવ્યો શોષી લેતો પાક હોવાથી જમીનના પુનર્નિર્માણ માટે રશિયામાં કરવામાં આવે છે તેમ સૂર્યમુખીની સાથે ગવાર, ચણા કે તુવેર જેવી શિંબી વનસ્પતિનો પાક લેવો અથવા તેનાં ઠૂંઠાં બાળીને તેની ભસ્મ ખેતરમાં પહોળી કરવી સલાહભર્યું છે. આ પાક માટે કૃત્રિમ ખાતરો આપવાની ભલામણ કરવામાં આવતી નથી; કારણ કે તેથી બીજમાંના તૈલી દ્રવ્યમાં ઘટાડો થાય છે.
શોભાના છોડ તરીકે એકવર્ષાયુ જાતનો ઉછેર બીજ દ્વારા કે કટકારોપણ (cutting) દ્વારા અને બહુવર્ષાયુ જાતનો ઉછેર વિભાજન દ્વારા કરવામાં આવે છે. બીજ ક્યારીઓમાં કે સીમાઓ પર જથ્થામાં વાવવામાં આવે છે. સૂર્યમુખી ઝડપી અને વિપુલ પ્રમાણમાં વાનસ્પતિક વૃદ્ધિ કરતી વનસ્પતિ હોવાથી સુવિકસિત પુષ્પો મેળવવા તેને આછી કરવી અને તે નીચી પડી ન જાય તે માટે ટેકો આપવો જરૂરી છે.
રોગો અને જીવાતો : સૂર્યમુખીમાં મુખ્યત્વે ફૂગ અને વાઇરસ દ્વારા રોગો થાય છે. પાનનાં ટપકાંનો રોગ Alternaria helianthi નામની રોગજન (pathogen) ફૂગ દ્વારા થાય છે. તેના આક્રમણથી પાન ઉપર ભૂરાં ટપકાં ઉત્પન્ન થાય છે. આ ટપકાંની ફરતે ઝાંખો પીળો આભાસ જોવા મળે છે. કાલપૂર્વ વિપત્રણ (defoliation) થાય છે અને પ્રકાંડ તૂટી જાય છે. આ રોગજનને ભેજવાળું વાતાવરણ ખૂબ અનુકૂળ હોય છે. રોગ-અવરોધક જાતિઓના વાવેતરથી; બીજને કાર્બનડાઝીમ કે થાયરમનો 4 ગ્રા./કિગ્રા. બીજ પ્રમાણે પટ આપી વાવણી કરવાથી; 0.2 % મૅન્કોઝેબના દ્રાવણના છંટકાવથી અને તે પછી દર 10 દિવસે બીજો અને ત્રીજો છંટકાવ કરવાથી રોગનું નિયંત્રણ થાય છે.
સૂર્યમુખીને ગેરુનો રોગ Puccinia helianthi નામની ફૂગ દ્વારા થાય છે. પાનના ચેપગ્રસ્ત ભાગો લાલ-ભૂખરા લોખંડના કાટ જેવાં ટપકાંમાં ફેરવાય છે. તેમાં રહેલા બીજાણુઓ પવન દ્વારા વિકિરણ પામી પાકને દ્વિતીયક ચેપ લગાડે છે. રોગ-અવરોધક જાતોનું વાવેતર કરવાથી, લણણી બાદ પાકના અવશેષો બાળી તેમનો નાશ કરવાથી અને મૅન્કોઝેબ(0.2 %)ના દ્રાવણનો છંટકાવ કરી બીજા બે છંટકાવ 10 દિવસના આંતરે કરવાથી રોગનું નિયંત્રણ થાય છે.
Alternaria અને Rhizopus દ્વારા સૂર્યમુખીને બીજચક્રના સડાનો રોગ લાગુ પડે છે; જેમાં બીજ કાળા મેંશ જેવા પાઉડરમાં ફેરવાય છે. બીજચક્રની નીચેનો 10-15 સેમી. જેટલો ભાગ ભૂખરો થઈ, સડીને પોચો બની જાય છે. કેટલીક જીવાતો યજમાનમાં થતા રોગજનના પ્રસરણમાં મદદ કરે છે. બીજચક્ર નીકળ્યા પછી વરસાદ ન આવે તે રીતે વાવણી કરવાથી અને બીજચક્ર નીકળ્યા પછી કાણાં પાડતી જીવાતોના નિયંત્રણ માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી રોગનિયંત્રણ થાય છે.
સુકારાનો રોગ ગુજરાતમાં Fusarium spp. દ્વારા અને ભારતનાં અન્ય રાજ્યોમાં Verticillium dahliae દ્વારા થાય છે. જખ્મને કારણે કે આકસ્મિક રીતે મૂળ ખુલ્લાં થતાં રોગજન ફૂગ યજમાનમાં પ્રવેશી વાહક પેશીઓમાં વૃદ્ધિ પામી કથ્થાઈ-કાળા રંગની ક્વકજાળ ઉત્પન્ન કરે છે. તેથી પાન પીળાં પડી સુકાઈ જતાં છોડ મૃત્યુ પામે છે. યજમાન પાકની ગેરહાજરીમાં તે જમીનમાં મૃતોપજીવન ગુજારે છે. રોગ-અવરોધક જાતોના વાવેતરથી; જમીનમાં પૂરતો ભેજ જાળવી રાખવાથી; એપ્રિલ-મેમાં જમીનમાં પાણી આપી 30 દિવસ સુધી પ્લાસ્ટિકનું આવરણ ઢાંકી જમીનનું રોગાણુનાશન (sterilization) કરવાથી રોગનું નિયંત્રણ થાય છે.
ભૂકી છારાનો રોગ Erysiphe નામની પરોપજીવી ફૂગથી થાય છે. કુમળાં પાનની કિનારી વળી જઈ કોકડું થઈ જાય છે. પરિપક્વ પાન પીળાં પડી જાય છે અને સપાટી ઉપર પીળા-સફેદ રંગની છારી ઉત્પન્ન થાય છે. આ રોગના નિયંત્રણ માટે રોગ-અવરોધક જાતોનું વાવેતર અને ટ્રાયડેમોફ કે કાર્બનડાઝીમ જેવી સર્વાંગી (systemic) ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે છે.
તળછારો Peronospora spp. દ્વારા થતો રોગ છે. ગરમ ભેજવાળી ઋતુમાં સૂર્યમુખીના પાકને ખૂબ નુકસાન પહોંચાડે છે. તે ઊગતાં બીજાંકુરો અને કુમળાં પાનોને ચેપ લગાડે છે. રોપ કે પાન પીળાં પડી જઈ મૃત્યુ પામે છે. પરિપક્વ પાનની ઉપરની સપાટીએ પીળાં ધાબાં અને નીચેની સપાટીએ ભૂખરી સફેદ રંગની છારી જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે રોગઅવરોધક જાતોના બીજને ફૂગનાશકનો પટ આપી વાવણી અને રોગ જણાય કે તુરત જ કૅપ્ટાફોલ નામની ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે છે.
થડનો સડો Sclerotium rolfsii નામની મૃદાજન્ય (soilborne) પરોપજીવી ફૂગથી થાય છે. તે જમીનની અંદર રહેલા થડની છાલના કોષોને ચેપ લગાડી; કોષોનો નાશ કરી ખોરાક અને પાણીનું વહન અટકાવે છે અને છોડ થોડાક જ દિવસોમાં મૃત્યુ પામે છે. પાકની ફેરબદલી અને ઉનાળામાં સફેદ પ્લાસ્ટિકનું આવરણ બનાવી; મૃદાનું રોગાણુનાશન કરી રોગજનની માત્રા ઘટાડી શકાય છે.
કેટલાક વિસ્તારોમાં વાઇરસથી પીળિયો અને ઍસ્ટર પીળો રોગ થાય છે.
સૂર્યમુખીની વૃદ્ધિની જુદી જુદી અવસ્થાઓમાં ઘણી જીવાતો તેને ખૂબ નુકસાન પહોંચાડે છે. તંતુકૃમિ, કટ-વર્મ, વેબ-વર્મ, એફિડ, ધનેડું, ફૂદાં, ભમરા, કબૂતર, ચકલીઓ અને સસલાં જેવાં પ્રાણીઓ સૂર્યમુખીના પાકને નુકસાન પહોંચાડે છે. સૂર્યમુખીનાં મૂળ ઉપર કેટલીક વાર વાકુંબા (Orobanche spp.) નામની પરોપજીવી સપુષ્પ વનસ્પતિ પણ આક્રમણ કરે છે.
લણણી અને ઉત્પાદન : પાક વાવણી પછી 4-5 માસ પછી પરિપક્વ બને છે. પુષ્પનો પાછળનો ભાગ લીલામાંથી પીળો બને અને બીજ શિથિલ બને ત્યારે, બીજ તદ્દન પાકી જાય તે પહેલાં પુષ્પની લણણી કરવામાં આવે છે; જેથી બીજ ખરી ન પડે અથવા છોડને ખેંચી કાઢી દાતરડા કે ચપ્પા વડે પુષ્પો કાપવામાં આવે છે અને ત્યારપછી સંપૂર્ણ સૂકવીને બીજ છૂટાં પાડવામાં આવે છે. સૂકા અને હવાવાળા ખળામાં બીજને એક પાતળાં સ્તરમાં પ્રસારવામાં આવે છે. પછી સૂકાં પુષ્પો અને હલકી અશુદ્ધિઓ દૂર કરવા ઊપણવામાં આવે છે. તેનો સંગ્રહ સૂકી અને ઠંડી જગાએ કરવામાં આવે તો વર્ષો સુધી સારાં રહે છે અને તેમની જીવનશક્તિ જળવાય છે.
બીજનું ઉત્પાદન સૂર્યમુખીની જાત, મૃદાની ફળદ્રૂપતા અને વાવેતરની પદ્ધતિ ઉપર આધાર રાખીને 336-3763 કિગ્રા./હે. જેટલું થાય છે. જુદા જુદા દેશોમાં સરેરાશ ઉત્પાદન 874-1500 કિગ્રા./હે. થાય છે. ભારતમાં ‘જાયન્ટ રશિયા’ જાતનું બીજ-ઉત્પાદન મૈસૂર અને મુંબઈમાં અનુક્રમે 1602 અને 2128 કિગ્રા./હેક્ટર મેળવવામાં આવ્યું છે.
ઉપયોગ અને બંધારણ : બીજનો ઉપયોગ મુખ્યત્વે તેલના નિષ્કર્ષણમાં થાય છે. તેઓ કાચાં, ભૂંજીને કે મીઠાવાળાં કરીને ખવાય છે. અમેરિકામાં તેનાં ભૂંજેલાં મીંજ મગફળીની જેમ પૅકેટોમાં વેચવામાં આવે છે. કવચવાળાં બીજ દળીને તેનો લોટ રોટલી બનાવવામાં ઉપયોગી છે. ભૂંજેલાં બીજમાંથી કૉફીનો પ્રતિસ્થાપક (substitute) તૈયાર કરવામાં આવે છે. સૂર્યમુખીનાં બીજ ઢોરો, મરઘાં-બતકાં, સૂવર અને પાંજરાંનાં પક્ષીઓ માટે પોષણયુક્ત ખોરાક ગણાય છે.
સૂર્યમુખીનાં બીજ (આશરે 6.75 ગ્રા./100 બીજ) સખત કાષ્ઠમય ફલાવરણ અને મીંજ (બીજના 50-65 %) ધરાવે છે. બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 3.3-11.8 %, પ્રોટીન 13.5-19.1 %, મેદીય તેલ 22.2-36.5 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 13.3-21.3 %, રેસો 23.5-32.3 % અને ભસ્મ 2.6-4.1 %. ભસ્મમાં પોટૅશિયમ (K2O) 24.9 %, કૅલ્શિયમ (CaO) 8.9 %, ફૉસ્ફરસ (P2O5) 24.0 %, મૅગ્નેશિયમ (MgO) 10.5 % અને સલ્ફર (SO3) 9.9 % હોય છે. આ ઉપરાંત ભસ્મમાં સોડિયમ, સિલિકા, લોહ, ઍલ્યુમિનિયમ, ક્લોરિન, આયોડિન (42 માઇક્રોગ્રામ/કિગ્રા.), મૅંગેનીઝ, તાંબું અને જસત હોય છે. બીજમાં મૉનોસૅકેરાઇડ 0.31 %, સૅકેરોઝ અને અન્ય ડાઇસૅકેરાઇડ 3.91 % અને ટ્રાઇસૅકેરાઇડ 0.73 % હોય છે. બીજમાં સ્ટાર્ચ કે ડૅક્સ્ટ્રિન હોતાં નથી. શુષ્કતાને આધારે બીજ લેસિથિન 0.23 %, ન્યુક્લેઇન 0.51 %, કાર્બનિક ઍસિડ (સાઇટ્રિક, ટાર્ટરિક અને ક્લૉરોજેનિક ઍસિડ સહિત) 0.56 %, કૉલેસ્ટેરોલ 0.15 % અને ફાઇટિન ધરાવે છે.
મીંજમાં આલ્બ્યુમિન (15-32 %), ગ્લોબ્યુલિન (46-48 %), ગ્લુટેલિન (8-19 %) અને અદ્રાવ્ય પ્રોટીન હોય છે. આલ્કોહૉલ-દ્રાવ્ય પ્રોટીન પ્રાપ્ત થયું નથી. કુલ પ્રોટીનમાં ઍમિનોઍસિડનું બંધારણ આશરે આ પ્રમાણે છે : આર્જિનિન 8.2 ગ્રા., હિસ્ટિડિન 1.7 ગ્રા., લાયસિન 3.8 ગ્રા., ટાયરોસિન 2.6 ગ્રા., ટ્રિપ્ટોફેન 1.3 ગ્રા., ફિનિલ એલેનિન 5.0 ગ્રા., સિસ્ટિન 1.4 ગ્રા., મિથિયૉનિન 3.4 ગ્રા., થ્રિયૉનિન 4.0 ગ્રા., લ્યુસિન 6.7 ગ્રા., આઇસોલ્યુસિન 5.7 ગ્રા. અને વેલાઈન 5.3 ગ્રા./16 ગ્રા. નાઇટ્રોજન.
બીજમાં તેલનું પ્રમાણ 22 %થી 36 % (સરેરાશ 28 %) હોય છે. મીંજમાં 45 % – 55 % જેટલું તેલ હોય છે. નિષ્કર્ષિત તેલ આછા બદામી રંગનું, આનંદદાયી સુગંધવાળું અને પરિષ્કૃત તેલ આછા પીળા રંગનું હોય છે. તેલની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ. ગુ.25° 0.915-0.919, વક્રીભવનાંક 1.472-1.474, આયોડિન આંક 125-136, સાબુનીકરણ આંક 188-194, હાઇડ્રૉક્સિલ આંક 14-16 %, કાચા દ્રવ્ય(R.M.)નો આંક < 0.5 %, પોલન્સ્કે આંક < 0.5 %, અસાબુનીકરણ આંક < 1.5 % અને અનુમાપાંક (titre) 16-20°.
સૂર્યમુખીની ઊપજોનું બંધારણ અને પોષણમૂલ્ય નીચેની સારણીમાં આપવામાં આવેલ છે.
સારણી : સૂર્યમુખીની ઊપજોનું બંધારણ અને પોષણમૂલ્ય
શુષ્ક
દ્રવ્ય% |
પ્રોટીન
– % |
લિપિડ
– % |
કાર્બોદિત
– % |
રેસો
– % |
ભસ્મ
– % |
પચનીય
(digestible) પ્રોટીન % |
પોષણ
ગુણોત્તર – |
સ્ટાર્ચ-તુલ્યાંક
(equivalent) પ્રતિ 100 કિગ્રા. |
|
બીજ | 92.5 | 14.2 | 32.3 | 14.5 | 28.1 | 3.4 | 12.8 | 8 | 103.6 |
બીજ ખોળ [અપવલ્કિત
(decorticated)] |
90.4 | 37.4 | 13.8 | 20.4 | 12.1 | 6.7 | 33.6 | 1 | 72.34 |
બીજ ખોળ [વલ્કિત (corticated)] | 92.9 | 19.1 | 7.4 | 28.9 | 30.0 | 7.5 | 17.2 | 2 | 49.4 |
ફોતરું | 89.55 | 4.21 | 0.21 | 30.94 | 52.41 | 1.78 | – | – | – |
બીજ વિનાનાં પુષ્પો | 88.27 | 8.86 | 3.18 | 46.42 | 18.19 | 11.62 | 6.0 | ||
પુષ્પનું ચૂર્ણ | 86.0 | 8.84 | 5.86 | 29.70 | 31.70 | 9.90 | – | 8.5 | – |
દલપત્ર અને પુષ્પકોનું ચૂર્ણ | 86.52 | 10.5 | 6.41 | 35.30 | 24.53 | 9.78 | – | – | – |
પર્ણો | 21.24 | 4.12 | 0.70 | 10.53 | 1.97 | 3.95 | – | 29 | – |
સમગ્ર છોડ | 16.9 | 1.4 | 0.70 | 7.9 | 5.2 | 1.7 | 0.8 | 12.3 | – |
સાઇલેજ | 22.2 | 2.1 | 1.0 | 10.0 | 6.8 | 2.3 | 1.1 | 10.0 | 9.77 |
તેલનો ઉપયોગ રાંધવામાં, આટો મોવામાં, માર્ગરીનની બનાવટમાં, બેકરી-ઉદ્યોગમાં, અન્ય ખાદ્ય ઊપજોમાં, સાર્ડિનના પૅકિંગમાં અને કેટલાંક ઔષધોના આધાર તરીકે થાય છે. તેનું પોષણ-મૂલ્ય ઑલિવ તેલ જેટલું ગણાય છે અને કેટલીક વાર તેનો ઉપયોગ અપમિશ્રક (adulterant) તરીકે થાય છે. તેના તેલનું અળસીના તેલ સાથે મિશ્રણ કરવામાં આવે છે (30-40 % સૂર્યમુખીનાં બીજનું તેલ અને 60-70 % અળસીનું તેલ). આ મિશ્ર તેલ અળસીના તેલની ફિલ્મ કરતાં વધારે નરમ, વધારે ચળકતી અને વધારે સ્થિતિસ્થાપક ફિલ્મ આપે છે. સૂર્યમુખીના તેલનો ઊંજણ તરીકે, દીવો સળગાવવા માટે અને સૂતર મિશ્ર કરી કાપડ અને ઊનનું કાપડ બનાવવાની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. તે ડીઝલ-મોટરોના બળતણ તરીકેની સંભાવના દર્શાવે છે. તે સક્ષમ ફીણનાશક છે અને ઘણાં બૅક્ટેરિયા સામેનો નાશક ગુણધર્મ ધરાવે છે. સલ્ફોનીકૃત (sulphonated) સૂર્યમુખીનું તેલ ઊંચો ગુણાંક (co-efficient) ધરાવતા પ્રવાહીમય જંતુનાશકો (disinfectants) બનાવવામાં ઉપયોગી છે.
પુષ્પો મધનો સારો સ્રોત ગણાય છે. તેઓ પીળો રંગ આપે છે. પુષ્પમાં રહેલાં રંજકદ્રવ્યોમાં β-કૅરોટિન, ક્રિપ્ટોઝેન્થિન, ટેરેઝેન્થિન, લ્યુટિન અને ક્વિર્સિમેરિટ્રિનનો સમાવેશ થાય છે. દલપત્રોમાંથી હૅલિસ્ટેરોલ (C26H44O1; ગલનબિંદુ 242° સે.) અને એક સંયોજક (monovalent) સ્ટેરોલ(C30H50O2; ગલનબિંદુ 217° સે.)ને અલગ કરવામાં આવ્યા છે.
સૂર્યમુખીના છોડમાં સેપોનિન, ઍસ્કોર્બિક ઍસિડ (92.2-156.3 મિગ્રા./100 ગ્રા. તાજું વજન), કૅરોટિન (0.111 %, શુષ્ક વજન), સાઇટ્રિક અને મેલિક ઍસિડ (1.0 મિગ્રા./ગ્રા., તાજું વજન) હોય છે. પર્ણોમાં અલ્પ પ્રમાણમાં મેલોનિક, લૅક્ટિક, સક્સિનિક, ઍકોનિટિક અને ફ્યુમેરિક ઍસિડ હોય છે. પર્ણનો નિષ્કર્ષ જીવાણુરોધી (antibacterial) સક્રિયતા દર્શાવે છે.
સૂર્યમુખીનાં બીજ મૂત્રલ અને કફોત્સારક (expectorant) હોય છે. તેમનો ઉપયોગ શ્વાસનળી, સ્વરપેટી અને ફેફસાંની તકલીફોમાં; કફ, શરદી અને મરડામાં થાય છે. પુષ્પો અને પર્ણોના બાલ્સમ સાથે સંયોજિત ટિંક્ચરની શ્વસની-વિસ્ફાર(bronchiectasia)માં ભલામણ કરવામાં આવે છે. પર્ણોનો ઉપયોગ મલેરિયાના તાવની સારવારમાં થાય છે.
આયુર્વેદ અનુસાર સૂર્યમુખીનો છોડ રસમાં કડવો, તૂરો, તીખો; ગુણમાં લઘુ, રુક્ષ, સારક, ગરમ, સંદીપન, સ્વર્ય, રસાયન, ઉષ્ણવીર્ય અને કફ, વાયુ, રક્તદોષ, દમ, ઉધરસ, અરુચિ, તાવ, વિસ્ફોટ, કોઢ, પ્રમેહ, પથરી, યોનિશૂળ, મૂત્રકૃચ્છ, પાંડુ તથા ગુલ્મનો નાશ કરનાર છે. તેનાં મૂળનો ઉકાળો દાંતને મજબૂત કરે છે અને દંતશૂળ મટાડે છે. તેનાં પાન ઊલટી કરાવનાર અને કમર-પીડાનાશક છે. તેનાં પુષ્પ કડવાં અને ખરાબ સ્વાદનાં; પરંતુ ગુણમાં પૌષ્ટિક, ઋતુસ્રાવ-નિયામક, કામોદ્દીપક અને સોજા, ભ્રમ અને ગાંડપણમાં ખાવા અપાય છે. છાતી, ફેફસાં અને યકૃતના દર્દમાં પાન વાટી તેનો ગરમ લેપ કરાય છે.
હરસ-મસા, આંખનું ફૂલું, જળોદર તથા મૂત્રપિંડનાં દર્દોમાં પણ તે વપરાય છે. તેનાં બીજ મૂત્રલ અને વિકૃત કફ બહાર કાઢનાર છે; તેથી તેનો સળેખમ, ખાંસી, ફેફસાંના વિકાર, કંઠનળીની ખરાબી જેવા રોગોમાં સફળતાપૂર્વક ઉપયોગ થાય છે.
યૂનાની વૈદકના મતે સૂર્યમુખી ગરમ, રુક્ષ, કાન્તિજનક, મગજને શુદ્ધ કરનાર, મગજ અને હૃદયના અવરોધ ખોલનાર, હોજરી, યકૃત અને ઓજ માટે બળકારી તથા સોજા, હરસ, કમળો, જળોદર, પથરી તથા વાયુના ગોળામાં ગુણકારી છે. તે ગરમ હોઈ પિત્તપ્રકૃતિ કે તેના દર્દીને તથા બરોળના દર્દીને હાનિકર્તા છે. તેના ચૂર્ણની સેવનીય માત્રા 13 ગ્રામ છે.
મ. ઝ. શાહ, બળદેવપ્રસાદ પનારા
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ, બળદેવભાઈ પટેલ