સૂર્યમંદિરો : સૂર્યદેવની મૂર્તિ ધરાવતાં, તેની પૂજા માટેનાં મંદિરો. ભારતમાં પ્રથમ સૂર્યપૂજા ઉત્તર-પશ્ચિમ ભારતમાંસપ્તસિંધુમાં મૂર્તિના સ્વરૂપમાં સ્થાન પામી. ભારતમાં સૂર્યપૂજાના બે તબક્કા જણાય છે : પ્રથમ તબક્કામાં વૈદિક સૂર્યોપાસના પ્રચલિત હતી. બીજા તબક્કામાં ઈરાનની અસર નીચે મગ બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલ સૂર્યપૂજા સમગ્ર ભારતમાં પ્રચલિત થઈ હોવાના પુરાવા પ્રાપ્ત થાય છે. મગ બ્રાહ્મણોએ પ્રાચીનકાળથી જ ભારતના પશ્ચિમ કિનારે ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં નિવાસ કર્યો હતો. ભારતમાં સૂર્યપૂજાનો પ્રથમ આચાર્ય સામ્બ બન્યો. સામ્બથી શરૂ થયેલી સૂર્યપૂજા વ્યાપક બની; પરંતુ પાંચમી સદી સુધી સૂર્યમંદિર બંધાયું ન હતું તેમ પુરાવશેષના અભાવને આધારે કહી શકાય. ભારતમાં અનેક સ્થળોએ સૂર્યમંદિરો આવેલાં છે. ગુજરાતમાં સૂત્રાપાડા, થાન, મહુ, પોળા, પ્રભાસતીર્થ, ભોળાદ, થરાદ, વડનગર, કોટાઈ (કચ્છ), વિસાવાડા, બગવદર, પસનાવાડા, પાતા, પિંડારા, બોરીચા, પાસ્થર, કિન્નરખેડા, ઘૂમલી, અખોદર, ખંભાત, નગરા કોટ્યર્ક, મોઢેરા, ડભોઈ, વરવાળા, પાટણ, વડોદરા, મૂળી અને સૂરતમાં સૂર્યમંદિરો આવેલાં છે. રાજસ્થાનમાં ઓસિયા, ઘોટારસી, આસીમાર, ભિન્નમાળ, રાણકપુર, બોમનેરા, વાસા, સતવાસ અને મંદસોરમાં સૂર્યમંદિરો છે. કાશ્મીરમાં આવેલું માર્તણ્ડમંદિર સૂર્યનું છે. ઓરિસામાં કોણાર્કનું સૂર્યમંદિર પ્રસિદ્ધ છે. મુલતાન, દશપુર, કુરુક્ષેત્ર અને પટણામાં પણ સૂર્યમંદિરો આવેલાં છે. આ સર્વમાં કોણાર્ક અને મોઢેરાનાં સૂર્યમંદિરો જગપ્રસિદ્ધ છે.

માર્તણ્ડમંદિર, કાશ્મીર

મુલતાન(મૂલસ્થાન)નું ભાસવતનું સૂર્યમંદિર 7મી સદીમાં અસ્તિત્વમાં હતું અને ચીની મુસાફર યુઅન-શ્ર્વાંગે તે જોયું હતું, જેની નોંધ તેમની પ્રવાસનોંધમાં આપેલી છે. 11મી સદીમાં આવેલા આરબ ઇતિહાસકાર અલ્-બિરૂનીએ પણ તે મંદિર જોયું હોવાનું નોંધે છે. કાશ્મીરના જગત્હોમ રાજાએ સાતમા સૈકામાં ભિન્નમાલમાં જગતસ્વામીનું સૂર્યમંદિર દ્વારકા જાત્રા જતાં બંધાવેલું. યુઅન-શ્ર્વાંગ કનોજમાં એક સૂર્યમંદિર જોયાનું નોંધે છે. આઠમી સદીમાં લલિતાદિત્ય મુક્તાપીડ નામના રાજાએ કાશ્મીરમાં માર્તણ્ડમંદિર બંધાવ્યું હતું. માર્તણ્ડ એ સૂર્યનું એક નામ છે. આ મંદિરના હાલ અવશેષરૂપે ઊભેલું આ મંદિર અનન્તનાગથી આશરે 8 કિમી. દૂર આવેલું છે. મધ્યકાલીન કાશ્મીરી મંદિર સ્થાપત્યનો આદર્શ નમૂનો છે. તે એક ઊંચા અધિષ્ઠાન પર બાંધેલું છે. ‘રાજતરંગિણી’માં આ મંદિરનો ઉલ્લેખ છે. થાનનું સૂર્યમંદિર જાણીતું છે. થાનપુરાણના ત્રિનેત્રેશ્વર માહાત્મ્યમાં એનું વર્ણન છે. હાલ તેના ગર્ભગૃહની દીવાલનો કેટલોક ભાગ જ બચ્યો છે. ઈ. સ. 1376માં ફરીથી તેનું બાંધકામ થયું હતું અને તે નવા સૂરજદેવળના નામે પ્રખ્યાત છે. પાટણના સહસ્રલિંગ સરોવરના કાંઠે ‘ભાયલાસ્વામી’ નામનું સૂર્યમંદિર હોવાનો ઉલ્લેખ સરસ્વતીપુરાણમાં છે. લાટ(દ. ગુજરાત)ના પટોળાં વણનારાઓ(પટ્ટવાયો)એ માલવદેશના દશપુર નગર(માળવાના દશોર)માં સં. 493માં દીપ્તરશ્મિ સૂર્યનું મંદિર બંધાવ્યું હતું. વલભીના મૈત્રકો અને દક્ષિણ ગુજરાતના રાષ્ટ્રકૂટોનાં દાનપત્રોમાં સૂર્યમંદિરોના ઉલ્લેખ આવે છે. જંબુસર નજીક કોટિપુરમાં એક સૂર્યમંદિર હતું. વિશલદેવે ડભોઈ પાસે સૂર્યમંદિર બંધાવ્યાનો ઉલ્લેખ છે. ગુજરાતનું પ્રાચીનતમ ગોપ(જિ. જામનગર)નું મંદિર મૂળ સૂર્યમંદિર હોવાનું મનાય છે. જૂની ધ્રેવડનું કાલિકા માતા તરીકે ઓળખાતું મંદિર વાસ્તવમાં સૂર્યમંદિર છે. લોવરાલીમાં ગોકા દેરું નામે પ્રાચીન સ્થાપત્ય છે. આ મંદિર સૂર્યનું હોવાનું જણાય છે. વિસાવાડા અને શ્રીનગરનાં પ્રાચીન મંદિરો સૂર્યનાં હોવાની શક્યતા છે. પાસ્થર, કિન્નરખેડા અને સૂત્રાપાડાની નજીકમાં સૂર્યમંદિરો આવેલાં છે. કચ્છના કોટાઈ ગામમાં સૂર્યનું મંદિર છે. કાઠીઓએ સૂર્યને કોટ્યર્ક રૂપે પૂજ્યા અને ત્યાં સૂર્યનું મંદિર બંધાવ્યું. તે ખંડેર સ્વરૂપે ઊભું છે. હાલ તેનો માત્ર ગર્ભગૃહવાળો ભાગ જ જળવાઈ રહ્યો છે. દસમી સદીમાં બંધાયેલ આ મંદિરનો મધ્યભાગ અંબરનાથના મંદિર જેવો છે. આમ સંમિશ્ર શૈલીનું આ સૂર્યમંદિર નોંધપાત્ર છે. પ્રસિદ્ધ જૈનતીર્થ મહુડીમાં આવેલું સૂર્યમંદિર ચૌલુક્યો પહેલાના સમયનું છે. પિલુદ્રા ગામે પ્રાચીન સૂર્યમંદિરનું તોરણ મોજૂદ છે. પોરબંદર પાસેના બગવદરનું સૂર્યમંદિર સં. 1202માં બંધાયું છે. પરબડી ગામનું સૂર્યમંદિર પંચાયતન પ્રકારનું છે. માધવપુરનું સૂર્યમંદિર નાશ પામ્યું છે. સુરેન્દ્રનગર પાસે મૂળીનું સૂર્યમંદિર માંડવરાયના મંદિર તરીકે જાણીતું છે અને તે મુઘલકાલીન છે. પ્રભાસના ત્રિવેણીની નજીક ભેખડ પર આવેલા સૂર્યમંદિરનું પ્રભાસખંડકારે વિસ્તારથી માહાત્મ્ય વર્ણવ્યું છે. તે ચૌદમી સદીમાં બંધાયું હોવાનું મનાય છે. ગર્ભદ્વારના ઉત્તરાંગમાં નવગ્રહોનો પટ્ટ છે. મંદિરના ગર્ભગૃહમાંની સૂર્યની પ્રતિમા પાછળના કાલની છે. તેની મૂળ પ્રતિમા ત્યાંના સ્થાનિક મ્યુઝિયમમાં સુરક્ષિત છે. ભદ્રગવાક્ષોમાં બ્રહ્મા-સાવિત્રી, ઉમા-મહેશ્વર અને લક્ષ્મી-નારાયણની પ્રતિમાઓ છે. કઝીન્સ આ મંદિરને કુમારપાળે ઈ. સ. 1169માં બંધાવેલ સોમનાથ મંદિરની પછીનું ગણે છે. ડૉ. સાંકળિયા કઝીન્સના મતને અનુમોદન આપે છે, જ્યારે મધુસૂદન ઢાંકી અને હરિશંકર શાસ્ત્રી તેનો રચનાકાળ ઈ. સ. 1050-75 વચ્ચેનો મૂકે છે. પ્રભાસથી સવાત્રણ કિમી. દૂર હિરણ્યને કાંઠે આવેલા નગરના પ્રાચીન ટીંબાના પૂર્વ છેડે એક વિશાળ સૂર્યમંદિર ભગ્નાવસ્થામાં ઊભું છે. સ્કંદપુરાણકાર તેનો નાગરાદિત્ય તરીકે પરિચય આપે છે. આ મંદિર પશ્ચિમાભિમુખ છે. મુખ્ય શિખરનો ભાગ પડી ગયો છે. ગર્ભગૃહના ભદ્રગવાક્ષોમાં સૂર્યની ખંડિત પ્રતિમાઓ છે. તેની સેવ્ય સૂર્યપ્રતિમા વેરાવળના હાટકેશ્વર મંદિરમાં લઈ ગયાનું કહેવાય છે. દ્વારશાખામાં નવગ્રહની આકૃતિઓ છે. મંદિરની સામે એક તોરણ હતું. આ તોરણનો ઉપરનો ભાગ – ઇલ્લિકાવલણ હાલ પ્રભાસના મ્યુઝિયમમાં છે. મંદિરના નાનકડા કુંડના અવશેષ નજરે પડે છે. ખંભાતનું સૂર્યમંદિર 1296માં રામદેવના સમયમાં બંધાયું. અખોદર ગામનું શીતળાના મંદિર તરીકે ઓળખાતું અખોદરનું દહેરું હકીકતમાં પ્રાચીન સૂર્યમંદિર છે. તે વિક્રમના સાતમા કે આઠમા સૈકાનું જણાય છે. ઓખામંડળમાં ધ્રાસણવેલ ગામમાં ‘મગના દહેરા’ તરીકે ઓળખાતું આઠમા સૈકાનું મંદિર સૂર્યમંદિર છે. દ્વારકાના ઉત્તર-પશ્ચિમ ખૂણે આવેલા કૈલાસકુંડની પૂર્વમાં આઠમી સદીનું એક સૂર્યમંદિર આવેલું છે. તેનું શિખર અર્વાચીન મરામતને કારણે બદલાયેલું જણાય છે. દ્વારકાથી આઠ કિમી. દૂર આવેલ વરવાળા ગામની પૂર્વમાં સુવર્ણતીર્થ આવેલું છે. ત્યાંનું મંદિર સૂર્યનું મંદિર જણાય છે. મંદિરની આગળ કુંડ છે પણ તે પાકો બાંધેલ નથી. મંદિરનું શિખર જોતાં તે 10મી સદીનું હશે તેમ મનાય છે. ધોળકા પાસે ભોળાદ ગામે કાઠી કોમે બંધાવેલ સૂર્યમંદિર, થરાદનું સૂર્યમંદિર, વડનગરમાં અમથેરમાતાના મંદિરના ચોકમાં આવેલું સૂર્યમંદિર વગેરે સોલંકીકાલનાં છે. બારમા સૈકા પછી બંધાયેલ સાબરકાંઠાના મહુ ગામ પાસેના ભુવનેશ્વરના પવિત્ર તીર્થસ્થળમાં એક સૂર્યમંદિર સારી સ્થિતિમાં ઊભું છે. આશરે ચૌદમા સૈકાના ઉત્તરાર્ધમાં બંધાવેલ કેન્યાટાનું ભવ્ય વિશાળ સૂર્યમંદિર વિજયનગરના પોળાના જંગલમાં જીર્ણ હાલતમાં ઊભું છે. આ મંદિર પંચાયતન પ્રકારનું છે. અમદાવાદમાં અસારવામાં આવેલા નીલકંઠ મહાદેવના સ્થાનકમાં મહાદેવના મંદિરની નજીકમાં અન્નપૂર્ણારૂપી શક્તિનું, લક્ષ્મીયુક્ત નારાયણરૂપી વિષ્ણુનું અને દશભુજ ગણેશનું એમ બીજાં નાનાં ત્રણ દેવાલય આવેલાં છે. મહાદેવના મુખ્ય મંદિર સાથે કુલ ચાર મંદિર થાય. શિવ-પંચાયતનમાં માત્ર સૂર્યદેવનું મંદિર ખૂટતું હતું; આથી આ સ્થાનકના મહંતશ્રી રામનાથગિરિજીની પ્રેરણાથી અસારવાના શ્રી લક્ષ્મીચંદ અમથારામ મિસ્ત્રી તરફથી મહાદેવના મંદિરની દક્ષિણે સૂર્યમંદિર બાંધવામાં આવ્યું છે. વડોદરામાં સૂરજબાગમાં આવેલું સૂર્યમંદિર ઓગણીસમા સૈકાનું છે.

સૂર્યમંદિર, મોઢેરા

મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મંદિર-સ્થાપત્યનો આદર્શ નમૂનો છે. સોલંકી રાજા ભીમદેવ 1લાએ બંધાવેલ આ મંદિર સોમનાથના મહામેરુપ્રાસાદની હરીફાઈ કરી શકે તેમ છે. પૂર્વાભિમુખ આ મંદિર આયોજનની દૃષ્ટિએ સ્પષ્ટત: બે વિભાગમાં વહેંચાયેલું છે : (1) ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ અને શૃંગારચોકી વગેરે સહ મૂલપ્રાસાદ અને (2) મૂલપ્રાસાદની આગળ છૂટો સભામંડપ, કીર્તિતોરણ અને સૂર્યકુંડ. અલ્લાઉદ્દીન ખલજીના આક્રમણ વખતે આ મંદિર ખંડિત કરવામાં આવ્યું હતું. ત્યારથી તે એ જ સ્થિતિમાં અર્ધભગ્ન ઊભું છે. હાલમાં ગર્ભગૃહમાં સૂર્યની મૂર્તિ નથી પણ સાત ઘોડાની રથવાળી કાળા પથ્થરની બેસણી નજરે પડે છે. આ બેસણીના આધારે મૂર્તિ ચૌદ ફૂટ ઊંચાઈની હશે એમ મનાય છે. કેટલાકનું માનવું છે કે મંદિરમાં મૂર્તિ બે હશે – એક ગર્ભગૃહમાંની અને બીજી ભોંયરામાંની. ગર્ભગૃહ અને ગૂઢમંડપનો સંયુક્ત વિસ્તાર 24 × 15 મીટરનો છે. ગૂઢમંડપની સન્મુખે ઉત્તુંગ શૃંગારચોકી આવેલી છે. ગૂઢમંડપ અને પ્રદક્ષિણાપથની દીવાલોમાં ખુલ્લા ગવાક્ષોની રચના હોવાથી અંદરના ભાગમાં હવા-ઉજાસ આવે છે. ગર્ભગૃહની નીચે 3.5 × 3 × 2 મીટરનો ખાડો છે. તેમાં સૂર્યમૂર્તિના આસનની વ્યવસ્થા છે. તે પરથી સૂચિત થાય છે કે સંજોગોવશાત્ અહીં મૂર્તિ ખસેડવાની વ્યવસ્થા પહેલાથી જ કરી રાખી હતી. સભામંડપ 15 × 15 મીટરનો સમચોરસ છે. તેમાં પ્રવેશવા માટે ચારેય બાજુએ શૃંગારચોકીઓ આવેલી છે. સભામંડપની છતનો ઘણોખરો ભાગ નષ્ટ થઈ ગયો છે. પૂર્વની શૃંગારચોકીની સન્મુખે કીર્તિતોરણના બે સ્તંભો અવશેષરૂપે ઊભા છે. અહીં મોટો પડથાર છે અને ત્યાંથી કુંડમાં ઊતરવાનાં પગથિયાં છે. ગર્ભગૃહની બહારની દીવાલ-મંડોવરના ગવાક્ષોમાં સૂર્યની બાર મૂર્તિઓ, અષ્ટ દિક્પાલ અને દિક્પાલિકાઓનાં માનવકદનાં શિલ્પો છે. મંદિરની અંદર પ્રદક્ષિણાપથ તથા મંડપમાં બીજા બાર સૂર્યોની મૂર્તિઓ છે; પરંતુ તે બહારની મૂર્તિઓ કરતાં કદમાં નાની છે. અહીંનાં મિથુન-શિલ્પો ઉન્નત કોટિનાં છે; અહીં રોજિંદા જીવનના પ્રસંગો તથા રામાયણ-મહાભારતના પ્રસંગો પણ કંડારેલા છે. ઠેર ઠેર દર્પણકન્યાઓ, નર્તકીઓ, તાપસો, પૌરાણિક વૃત્તાંતો વગેરેનાં નયનરમ્ય શિલ્પો છે. લંબચોરસ ઘાટના સૂર્યકુંડની લંબાઈ 52.5 મીટર અને પહોળાઈ 36 મીટર છે. તેનાં પગથિયાં ઊતરતાં વચ્ચે નાની નાની દેરીઓ આવે છે. તેમાં વૈષ્ણવમૂર્તિઓ છે. દક્ષિણની એક દેરીમાં શીતળાની દુર્લભ પ્રતિમા છે. પૂર્વના પડથાર પર શેષશાયી વિષ્ણુનું સુંદર શિલ્પ છે. કુંડના ચાર ખૂણે ચાર મોટાં મંદિરો હતાં. કુંડના ઈશાન ખૂણે બે સ્તંભો છે. તેની સ્થિતિ જોતાં જણાય છે કે તે જગ્યાએ પશ્ચિમાભિમુખ મંદિર હોવું જોઈએ. સ્તંભોને ઠપકારતાં તેમાંથી મીઠો રણકાર નીકળે છે, જે નોંધનીય છે.

સૂર્યમંદિર, કોણાર્ક

ઓરિસાના કોણાર્કમાં આવેલું સૂર્યમંદિર જગપ્રસિદ્ધ છે. તે ઓરિસા મંદિરશૈલીનો સર્વોત્કૃષ્ટ નમૂનો છે. સમુદ્રતટ પર આવેલું કોણાર્ક કલિંગના ગંગશાસકોનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું. ગંગનરેશ નરસિંહે (1238-64) તેનું બાંધકામ કરાવ્યું હતું. સૂર્યદેવ સાત ઘોડા જોડેલા રથમાં આરૂઢ થઈને પૃથ્વી પર પધારે છે એ હિંદુ પૌરાણિક માન્યતાનુસાર આ મંદિરની બાંધણી કરવામાં આવી છે. 4 મીટર ઊંચા પ્લૅટફૉર્મ(અધિષ્ઠાન)માં સાત ઘોડા જોડેલ રથ અને તેનાં ચક્રોની કોતરણી ભવ્ય છે. આમ કલાકારોએ સૂર્યના રથને ધ્યાનમાં રાખીને તેનું બાંધકામ કર્યું છે. મૂળ આયોજન પ્રમાણે શ્રીમંદિર (ગર્ભગૃહ), જગમોહન (મંડપ), ભોગમંડપ અને નટમંડપ હતા. હાલમાં તો માત્ર જગમોહનનો જ ભાગ જળવાઈ રહ્યો છે. મંદિરના ઉપર્યુક્ત ભાગો છૂટાં છૂટાં અધિષ્ઠાનો પર નિર્મિત છે. શ્રીમંદિર અને જગમોહન સૂર્યરથના આકારે બાંધ્યા છે. તેના અધિષ્ઠાનની બંને બાજુએ 10 ફૂટ વ્યાસનાં 12 ભવ્ય ચક્રોની રચના કરેલી છે. અધિષ્ઠાનની સન્મુખે દોડતા સાત અશ્વોનાં શિલ્પ છે. જગમોહનનું શિલ્પકામ ઉત્તમ કોટિનું છે. જગમોહનની પૂર્વમાં અલાયદો નટમંડપ છે. આ બંને વચ્ચે 30 ફૂટનું અંતરાલ છે અને ત્યાં વિશાળ અરુણ સ્તંભ છે. ભોગમંડપ સંભવત: નટમંડપની નજીક હતો જે સંપૂર્ણ નષ્ટ પામ્યો છે. મુખ્ય મંદિરની નજીકમાં અન્ય ત્રણ નાનાં સૂર્યમંદિરો હતાં. મંદિરનો સમગ્ર પરિસર 259 મીટર × 172 મીટરનો આયતાકાર છે. મંદિરમાં આલેખિત ચક્રો અને કામુક શિલ્પોનું કોતરકામ ધ્યાનાકર્ષક છે. દરેક ચક્ર 10 ફૂટ વ્યાસનું છે. કેન્દ્રમાં ધરી અને તેમાંથી નીકળતા આરા (spokes) આબેહૂબ રથનાં ચક્રોની યાદ અપાવે તેવાં વાસ્તવિક જણાય છે. દરેક ચક્રમાં 16 આરા છે, જેમાં 8 પહોળા અને 8 પાતળા છે. પહોળા આરાઓમાં વચ્ચે વર્તુળાકાર(medallions)માં વિવિધ દેવ-દેવીઓ (જેમ કે, ઈશાન, ઈશાની, સૂર્ય, વિષ્ણુ – વિષ્ણુના અવતાર), મિથુનો, વિવિધ ભંગિઓમાં કન્યાઓ, વાદકો, શિકારીઓ, હાથીસવાર વગેરેનાં શિલ્પો કંડારેલાં છે. અધિષ્ઠાનના પડખે કંડારેલાં માનવકદનાં રતિ-વિલાસનાં શિલ્પો વિકાર પેદા કરતાં નથી, બલકે ભારતીય સંસ્કૃતિના ચાર પુરુષાર્થો પૈકી કામને પ્રતિબિંબિત કરે છે. વાદકોનાં શિલ્પોમાં તત્કાલીન ભારતીય વાદ્યોની ઝાંખી થાય છે. ભારતીય સંસ્કૃતિનું ભવ્ય દર્શન કરાવતું કોનારક-કોણાર્કનું આ સૂર્યમંદિર ભારતભરનાં સૂર્યમંદિરોમાં અનેરી ભાત પાડે છે.

થૉમસ પરમાર