સૂફીવાદ : ઇસ્લામ ધર્મનો રહસ્યવાદી પંથ. ‘સૂફી’ શબ્દને વિદ્વાનોએ જુદી જુદી રીતે સમજાવ્યો છે; પરંતુ તેની મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સૂફ’ એટલે ‘ઊન’ પરથી ઊનનાં કપડાં પહેરનારા સાધકો. બીજી મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સફા’ એટલે ‘પવિત્રતા’ પરથી ખુદાનો પ્રેમ મેળવવા આવશ્યક એવી પવિત્રતાવાળા સાધકો. સૂફીસાધકો ખુદાના ઇશ્ક(પ્રેમ)માં મગ્ન રહેનારા, સાંસારિક પ્રલોભનોથી દૂર રહેનારા, જન્નત(સ્વર્ગ)માં નહીં માનનારા, ખુદાની સાથે એક બની જવા તમામ સાધનાઓ કરવા તૈયાર, ઇશ્કને ખુદાને હાંસલ કરવાનું સર્વોચ્ચ સાધન માનનારા અને વૈરાગ્યભાવનાથી સંસારનો ત્યાગ કરનારા છે.
સૂફીવાદના પ્રથમ પ્રવર્તક પ્રથમ મતે આદમ, બીજા મતે મહંમદ પયગંબર અને ત્રીજા મતે ચોથા ખલીફા અલી હતા. કટ્ટર ઇસ્લામ-ધર્મીઓ સૂફીવાદને ઇસ્લામથી વિરુદ્ધ માની તેની નિંદા કરે છે, કારણ કે સૂફીવાદની કેટલીક માન્યતાઓ અલગ છે. નમાજ, રોજા, હજ વગેરે ધાર્મિક આચારોને કટ્ટર ઇસ્લામ આવશ્યક માને છે, જ્યારે સૂફીવાદ આવા આચારોને બદલે સફા (પવિત્રતા) અને આંતરિક યાત્રા (સફર) પર વધુ ભાર મૂકે છે. ‘કુરાન’નો અલ્લાહ બધી વસ્તુઓથી ચઢિયાતો, ઇન્સાનથી અલગ અને સર્વસત્તાધીશ છે. સૂફીવાદનો અલ્લાહ બધી વસ્તુઓ અને ઇન્સાનમાં રહેલો એટલે સર્વવ્યાપી છે. વળી ‘કુરાન’નો અલ્લાહ ખુદા અને રૂહ(આત્મા)ને એક જ માનતો નથી; સૂફીવાદ ખુદા અને રૂહને એક જ માને છે. તેથી તેમનો સિદ્ધાન્ત ‘અનલહક’ (હું ખુદા છું) એવો છે. સૂફીવાદ ખુદાને ઇશ્કથી હાંસલ કરી શકાય એમ માને છે.
આઠમી સદીમાં થયેલા અબુદર્દા, ઉસમાન બિન માજુન, ઇબ્રાહીમ, બિન આદમ તથા રાબિયા જેવા પ્રાચીન સૂફીવાદીઓ ઇશ્ક, દેહદમન, સંસાર તરફ વિરક્તિ તથા નિવૃત્તિ પર ખૂબ ભાર મૂકતા હતા. એ પછી માસફુલ, અબુ સુલેમાન, જુન્નુન, યજિદુલ્લ બિસ્તાની વગેરે નવમી સદીના સૂફીઓએ ‘અનલહક’ના સિદ્ધાન્તની ઉચ્ચ ભૂમિકા સૂફીવાદને આપી. ઈ. સ. 922માં મનસૂર નામના સૂફીએ ‘અનલહક’નો જોરદાર પ્રચાર કર્યો તેથી કટ્ટર ઇસ્લામીઓએ તેમને કાફિર ઠરાવી બગદાદના ખલીફા પાસે મોતની સજા અપાવી. 11મી સદીમાં બગદાદના નિઝામિયા મદરેસાના શિક્ષક અને અનેક ગ્રંથોના લેખક સૂફી અબુ હામીદ ગજાલીએ તૌહિદ(એકેશ્વરવાદ)ની સાથે તવક્કુલ (અનન્યશરણતા) અને કલ્બ(હૃદય)માંથી નીકળતી ખરી બંદગી (પ્રાર્થના) પર ખૂબ ભાર મૂક્યો. ત્યારબાદ સૂફીવાદ અન્ય સૂફીઓને હાથે જુદા જુદા સમયે ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં થઈ છેક ભારત સુધી વિકસ્યો. નવો સિદ્ધાન્ત કે સાધનામાર્ગ રજૂ કરનાર સૂફી-સંતના નામે તેના અલગ સંપ્રદાય અને તે જ સંપ્રદાયના ઘણા ઉપસંપ્રદાયો ખડા થતા ગયા. સર્વપ્રથમ સઘળા સૂફીઓ સિદ્ધાન્તના આધારે બુજૂદિયા અને શુહૂદિયા નામના બે પ્રમુખ સંપ્રદાયોમાં વહેંચાયા. મુહિઉદ્દીન ઇબ્નુલ અરબીએ બહદતુશ્શુબુજૂદનો સિદ્ધાન્ત રજૂ કર્યો. તેમાં હમાવુસ્ત એટલે તમામ ચીજો એકમાત્ર ખુદા છે, આખું જગત ખુદાની જ અભિવ્યક્તિ છે, ઇન્સાન ખુદાનો સિર્ર (ચેતન અંશ) છે, ઇન્સાન પોતાના મર્યાદિત જ્ઞાનથી સિર્રને પ્રગટ કરી શકે છે તેથી રૂહ (આત્મા) સત્ય છે, છતાં તે એકમાત્ર સત્ય નથી, ખુદા જ એકમાત્ર સત્ય છે એવી પાયાની વાતો રજૂ થઈ છે. બીજો સિદ્ધાન્ત બહદતુશ્શુહૂદ શેખ કરીમે જીલીએ રજૂ કર્યો. તે મુજબ સિર્રની સત્તા શૂન્ય જેવી છે, કારણ કે સિર્રને પોતાની સત્તા માટે ખુદાની સત્તાની અપેક્ષા રાખવી પડે છે. જગત ખુદાની ગુણાવલીનો સમૂહ છે. સિફ્ત (ખુદાના જુદા જુદા ગુણો) જાહેર (જાહિર = અભિવ્યક્ત) થાય એટલે તેમનાં નામો અપાય છે. એ બધાં નામો અરીસાની જેમ ખુદાનાં બધાં રહસ્યોને જાહેર કરે છે. જગતના પ્રત્યેક અણુમાં પોતાની પૂર્ણતા જાહેર કરે છે. જગતના સઘળા પદાર્થો બરફ જેવા છે અને ખુદા પાણીની જેમ મૂળ કારણ છે. અનહદ સુંદરતા અને વિભૂતિ ધરાવતો ખુદા જ્યારે પોતાની સુંદરતાનો અંશ જાહેર કરવા ઇચ્છે ત્યારે જગતની રચના થાય છે. તે જગતની રચના ખુદાની સુંદરતાને સમજવામાં મદદ કરે છે. આ બે સિદ્ધાન્તોને વિચારતાં તેના પર પ્રાચીન ભારતીય ઉપનિષદોની અસર પડી હોય તેમ જણાય છે. ભારતીય અસર સૂફીવાદ પર હોય કે ન હોય; પરંતુ અરબી સૂફીવાદની અસર ભારતમાં ઠેર ઠેર જણાય છે.
હાલ ભારતમાં સૂફીના ચાર મુખ્ય સંપ્રદાયો પ્રચલિત છે : ચિશ્તી, કાદિરી, સુહરાવર્દી અને નક્શબંદી. જ્યારે ઉપસંપ્રદાયોમાં નિઝામી, સાબિરી, બહતુલશાહી, નવશાહી, મુકીમશાહી, કૈસરશાહી, જલાલી, મખદૂમી, મીરનશાહી, દૌલાશાહી વગેરેનો સમાવેશ થાય છે. અરબસ્તાન વગેરે દેશોમાં તો આથી વધુ સંપ્રદાયો પ્રચલિત છે.
અનેક સૂફીસંતો કે પીરોએ સૂફીવાદના સિદ્ધાન્તોમાં ફાળો આપ્યો છે. એ સિદ્ધાન્તોમાં જણાવ્યા મુજબ :
(1) સૂફીવાદ તસવ્વુફ એટલે રહસ્યવાદ છે.
(2) સૂફીવાદમાં સાંસારિક પ્રલોભનો છોડી સફા (પવિત્રતા) અને ઇશ્ક દ્વારા ખુદા કે અલ્લાહમાં ફના (લીન) થવાની વાત મુખ્ય છે.
(3) જગત, રૂહ, ઇન્સાન બધું જ ખુદા છે. ખુદા સર્વપ્રથમ છે અને અંતિમ પણ છે.
(4) ખુદા તરફ ઇશ્ક દ્વારા ફના થવું (અહંનું વિસર્જન કરવું) એ જ સૂફીવાદનું રહસ્ય છે.
(5) ઇશ્કમાં અનન્યતા આવે, દિલ સાફ થાય, ઇન્સાન જગતને બદલે જાતને સુધારે ત્યારે અજબની મિનોઈ (આધ્યાત્મિક ક્રાન્તિ) પેદા થાય છે અને ઇન્સાનને બધે જ ખુદા દેખાય છે.
(6) સૂફી દ્વૈતપરક ભૂમિકા છોડી ખુદા સાથે એક થઈ જાય છે.
(7) સૂફી સંસારમાંથી પલાયન થવાને બદલે સંસારમાં જળકમળની જેમ અલિપ્ત રહે છે.
(8) ખુદાની શોધમાં લાગેલો સૂફી સાલિક (યાત્રિક) અત તરીકત (યાત્રાના માર્ગ) પર ધીરે ધીરે ચાલે છે. તેના માર્ગમાં મકામો (સોપાનો) આવતાં જાય છે અને તે તેના અંતિમ લક્ષ્ય ફના ફિલ હક (ખુદામાં લીન થાય ત્યાં) સુધી ચાલતો રહે છે.
(9) આ સાત જેટલાં મકામો યૌગિક અને નૈતિક અનુશાસનનાં અંગો છે કે જેમાં પશ્ર્ચાત્તાપ, સંયમ, વિરાગ, દૈન્ય, ધૈર્ય, ખુદા પર વિશ્વાસ અને સંતોષનો સમાવેશ થાય છે. વળી એ સફર(યાત્રા)માં મન સાથે સંબંધ ધરાવનારી દસ દશાઓ પણ છે; જેમાં ધ્યાન, ખુદાની સમીપતા, પ્રેમ, ભય, આશા, ઉત્સુકતા, મૈત્રી, શાંતિ, ચિંતન અને નિશ્ર્ચયાત્મકતાનો સમાવેશ થાય છે. સૂફી સાધકનો ઉપરનાં સાત મકામો અને તેમનું પૂર્ણ જ્ઞાન પોતાના પ્રયત્નથી પ્રાપ્ત થાય છે; પરંતુ દસ દશાઓ સાધકના કાબૂમાં ન હોવાથી ખુદા પાસેથી મળે છે.
(10) ઇન્સાનમાં આલમે અમ્ર અને આલમે ખલ્ક – એમ બે પ્રકારની સૃષ્ટિઓ રહેલી છે. તેમાંની પહેલી ખુદાએ બનાવેલી ચેતન છે અને બીજી પરંપરાથી ચાલતી આવતી જડ છે. એ બંને સૃષ્ટિઓ ભેગી થાય તે આલમે કબીર એટલે વિશાળ સૃષ્ટિ છે. તે બંને સૃષ્ટિઓ વચ્ચેનો ભાગ બરજખ કહેવાય છે. તેમાં રહેલી શક્તિ ઇન્સાનના દિલ પર પોતાનો મારો ચલાવે છે. તે શક્તિ પોતાનો યોગ્ય ઉપયોગ કરનાર સાધકને અત તરીકત (માર્ગ) પર ચાલવામાં મદદ કરે છે.
(11) હક (નિર્ગુણ ખુદા) ઇન્સાન તરફ નીચે સફર કરે તેને ‘સફરુલ હક’ કહે છે અને ઇન્સાન હક તરફ સફર કરે તેને ‘સફરુલ અબદ’ કહે છે. સફરુલ અબદમાં સૂફી સાધકને ચાર મુખ્ય અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. તેમાં પહેલાં ‘નાસૂત’ એટલે શરિયત(ધર્માચાર)નું પાલન કરે એ પછી ‘મલકૂત’ એટલે અત તરીકત પર ચાલી ખુદા પાસેથી ગુણો મેળવે, પછી ‘જબરૂત’ એટલે ખુદાના જ્ઞાન દ્વારા સિદ્ધિ મેળવે અને છેલ્લે, ‘લાહૂત’ એટલે ખુદામાં રૂહ(આત્મા)ને ફના (વિલીન) કરી અંતિમ સાધ્ય મેળવે.
(12) સૂફી સાધકને થતું જ્ઞાન લૌકિક અને ખુદાઈ એમ બે પ્રકારનું હોય છે. બંનેમાં ચઢિયાતું એવું ખુદાઈ જ્ઞાન ત્રણ જાતનું હોય છે : (અ) ખુદાના ત્રિકાલાબાધિત સ્વરૂપનું જ્ઞાન, (બ) ખુદાની સર્વજ્ઞતા અને સર્વસાક્ષિતા – એ બે ગુણોનું જ્ઞાન અને (ક) ખુદાની લીલાનું જ્ઞાન.
(13) સત્ ખુદાનું પ્રતિબિંબ ભ્રામક તથા અસત્ જગત છે; જ્યારે ઇન્સાન અસત્ જગતનું અંગ છે, છતાં તેનામાં ખુદાનું સત્ તત્ત્વ પણ રહેલું છે. તેથી ઇન્સાનમાંથી અસત્ અને ભ્રામક તત્ત્વ નીકળી જાય અને બધાં દુ:ખોનું મૂળ અને મોટું વ્યવધાન ‘અહં’-સાધના દ્વારા ફના થાય એટલે સૂફી સાધક સત્ ખુદા સાથે એક થઈ જાય.
(14) સૂફીના ત્રણ પ્રકારો છે : (અ) લૌકિક લાભ માટે સૂફી બને તે નીચલી કક્ષાનો સૂફી; (બ) વૈરાગ્ય, તપ અને દેહદમન વગેરેથી સૂફી બનવા પ્રયત્ન કરે એ મધ્યમ કક્ષાનો સૂફી; (ક) અહંનો નાશ કરી ખુદા પાસેથી બકા (નવજીવન) મેળવનાર શ્રેષ્ઠ સૂફી છે.
(15) ખુદા પરમ સત્, પરમ કલ્યાણ અને પરમ સૌંદર્ય છે.
સૂફીવાદના સાહિત્યમાં અરબી અને ફારસી ભાષામાં ગજાલી, અરબી, જિલ્લી, મહમૂદ શબિસ્તરી વગેરેએ રચેલા સિદ્ધાન્તગ્રંથો; અત્તાર, જામી, દૌલતશાહ વગેરેએ રચેલાં સૂફીસંતોનાં જીવનચરિત્રો તથા રૂમી, અત્તાર, ફારિજ વગેરેએ રચેલાં મસનવી, રુબાઈ અને ગઝલ – એ ત્રણ પ્રકારોમાં રચેલું પ્રેમવિરહવિષયક સાહિત્ય – એમનો સમાવેશ થાય છે. આ સૂફીસાહિત્યની અસર શીખ ધર્મ પર પણ થઈ છે. સૂફીસંતોનાં 100થી વધુ પદો શીખોના પવિત્ર ગ્રંથ ‘ગ્રંથસાહેબ’માં સમાવિષ્ટ છે. શીખ ધર્મગુરુ અર્જુનદેવના ઘનિષ્ઠ મિત્ર સૂફી પીર મિયાં મીરના હાથે અમૃતસરના સુવર્ણમંદિરના અમુક ભાગનો શિલાન્યાસ થયેલો. શીખધર્મના સંતો ઉપરાંત સંત દાદૂ દયાળ, અનવર કાઝી વગેરે ભારતના અન્ય સંતો પર પણ સૂફીવાદની અસર જોવા મળે છે. ગુજરાતમાં રંગ અવધૂત જેવા સંતો અને મણિલાલ ન. દ્વિવેદી, કલાપી, સાગર, બાળાશંકર કંથારિયા વગેરે ગુજરાતી સાહિત્યકારો પર પણ તેની અસર જોવા મળે છે. ગુજરાતી ગઝલ પર સૂફીશૈલીનો સવિશેષ પ્રભાવ જોવા મળે છે.
ધર્મિષ્ઠા ગોહિલ
પ્ર. ઉ. શાસ્ત્રી