સૂરણ : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amorphophallus campanulatus Blume ex Decne (ગુ., મ. સૂરણ; હિં. જંગલી સૂરન, સૂરન, ઝમીનકંદ; બં. ઓલ; ક. સુવર્ણ ગેડ્ડા; તે. માનશીકંદ, પોટીગુંડા, થીઆકંદ; મલ., તા. ચેના, કચુલ, કરનાઈકિલંગુ, શીનાઈ કીઝાન્ગુ; અ. એલિફંટ-ફૂટ યામ) છે. તે કંદિલ (taberous), મજબૂત 1.0 મી.થી 1.5 મી. ઊંચી સ્થાનિક, શાકીય વનસ્પતિ છે અને સમગ્ર ભારતમાં થાય છે. વજ્રકંદ (corm) ચપટા, ગોળ કે અર્ધગોળ, 20 સેમી.થી 30 સેમી. વ્યાસવાળા, બહારની બાજુએ ઘેરા બદામી, અંદરની બાજુએ આછા બદામી કે કેટલીક વાર લગભગ સફેદ હોય છે. તેઓ અનેક, લાંબાં, વિરૂપ (terate) મૂળ ધરાવે છે. પર્ણો એકાકી, ત્રિખંડી (tripartite), 30 સેમી.થી 90 સેમી. કે તેથી વધારે પહોળાં હોય છે અને પુષ્પનિર્માણ પછી લાંબાં બને છે. પર્ણદંડો 60 સેમી.થી 90 સેમી. લાંબા, મજબૂત, નાની ગાંઠોવાળા, ઘેરા લીલા અને આછા ડાઘા સહિત કર્બુરિત (mottled) હોય છે. ખંડો 5 સેમી.થી 18 સેમી. લાંબા અને 2.5 સેમી.થી 9.0 સેમી. પહોળા, પ્રતિ અંડાકાર (obovate) અથવા લંબચોરસ (oblong), અણીદાર અને અદંડી હોય છે. પ્રવૃંત (peduncle) ટૂંકો અને મજબૂત હોય છે. પૃથુપર્ણ (spathe) 15 સેમી.થી 30 સેમી. પહોળું, ઘંટાકાર હોય છે. તેની કિનારી પ્રતિવક્રિત (recurved), તરંગિત (undulated) અને કુંચિત (crisped) હોય છે. તે બહારની બાજુએ લીલાશ પડતું ગુલાબી અથવા ગુલાબી-જાંબલી હોય છે. માંસલ શૂકી (spadix) અદંડી, નળાકાર અને પૃથુપર્ણ જેટલી લાંબી હોય છે. ઉપાંગ (appendage) સામાન્યત: પૃથુપર્ણથી લાંબું, આછું પીળું અને લીસું હોય છે. પુષ્પો એકલિંગી હોય છે. નરપુષ્પો આછાં પીળાં અને ખૂબ ખીચોખીચ હોય છે. નરપુષ્પવિન્યાસ લગભગ ભમરડારૂપ હોય છે. માદા પુષ્પવિન્યાસ નળાકાર હોય છે. પરાગવાહિનીઓ જાંબલી રંગની હોય છે. અનષ્ઠિલ (berries) ફળો સમૂહમાં ગોઠવાયેલાં, ઉપઅંડાકાર, લાલ રંગનાં, 2થી 3 બીજવાળાં અને 8 સેમી.થી 12 સેમી. લાંબાં હોય છે.

તેનો જંગલી છોડ ઉત્તર ભારતનાં મેદાનોથી શરૂ કરી પશ્ચિમ બંગાળ અને આસામ સુધી થાય છે. તે મહારાષ્ટ્રમાં પણ થાય છે. તેનો ઉદ્ભવ જોકે પૂર્વ ભારતમાં થયો હોવાનું મનાય છે. ઉપરિગંગાનાં મેદાનોમાં અને દ્વીપકલ્પીય (peninsular) ભારતમાં તેનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે તાપી, પૂર્ણા અને અંબિકા નદીઓના પ્રદેશમાં તેમજ ખેડા, આણંદ, સૂરત, વલસાડ, પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લાઓમાં તેની ખેતી વધતા ઓછા પ્રમાણમાં થાય છે.

તે એક સુંદર પર્ણોવાળી વનસ્પતિ છે. પ્રથમ વરસાદ પછી પૃથુપર્ણો સમૂહમાં ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પર્ણોની વૃદ્ધિ ઝડપથી થાય છે. તેઓ સડતા માંસ જેવી અપ્રિય વાસ ઉત્પન્ન કરી કીટકોને પરાગનયન માટે આકર્ષે છે.

આકૃતિ : (અ) સૂરણનો છોડ, (આ) સૂરણનો કંદ

સૂરણમાં બે પ્રકારની જાતો હોય છે : પહેલા પ્રકારમાં સૂરણના કંદની બહારની સપાટી લીસી હોય છે; જેમાં કૅલ્શિયમ ઑક્ઝેલેટનું પ્રમાણ વધુ હોવાના કારણે મોં તથા ગળામાં વળવળાટ (ખંજવાળ) થાય છે; પરંતુ તેનું ઉત્પાદન વધારે થાય છે. બીજા પ્રકારની ગાંઠોની બહારની સપાટી ખરબચડી હોય છે. તેના ગુણધર્મો સારા હોય છે; જેમાં કૅલ્શિયમ ઑક્ઝેલેટનું પ્રમાણ ઓછું હોવાને કારણે મોં તથા ગળામાં વળવળાટ (ખંજવાળ) થતો નથી. તે સારી કિંમત આપે છે, પરંતુ તેનું ઉત્પાદન ઓછું થાય છે. સૂરણની ગજેન્દ્ર જાત કે જે આંધ્રપ્રદેશના કેવુર કેન્દ્ર દ્વારા શોધાયેલ છે, તેના કંદની સપાટી લીસી તેમજ માતૃગાંઠો સિવાયની હોય છે અને તે ખાવાથી ગળામાં વળવળાટ થતો નથી. સંતરાગચી જાત મહત્તમ ઉત્પાદન આપતી માતૃગાંઠો ધરાવતી જાત છે. તેનો માવો આછા પીળા રંગનો અને મોંમાં ઓછો વળવળાટ થાય તેવો હોય છે. તે પૂર્વ ભારતના વિસ્તારમાં વિશેષ પ્રચલિત છે.

સૂરણને ગરમ અને ભેજવાળું હવામાન વધુ માફક આવે છે. સામાન્ય રીતે વાનસ્પતિક વૃદ્ધિ દરમિયાન ગરમ અને ભેજવાળું તેમજ કંદના વિકાસ માટે ઠંડું અને સૂકું હવામાન વિશેષ અનુકૂળ આવે છે.

સૂરણના પાક માટે સેન્દ્રિય તત્ત્વથી ભરપૂર, ભરભરી અને સારા નિતારવાળી ગોરાડુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ભારે, કાળી કે ચીકણી જમીનની નિતારશક્તિ બરાબર હોતી નથી, તેથી તેવી જમીન પસંદ કરવી જોઈએ નહિ.

ચોથા વર્ષના પાકમાંથી ઉત્પાદન થયેલ સૂરણ કંદ ઉપર નાની અંગુલી-ગાંઠો અથવા સાઠિયા તરીકે ઓળખાતા ભાગને છૂટાં કરી સૂરણના પ્રથમ વર્ષના પાક માટે બિયારણ તરીકે વપરાય છે. પ્રથમ વર્ષના પાકમાંથી ઉત્પન્ન થયેલ ગાંઠોને ‘ચકરતુ’ તરીકે ઓળખવામાં આવે છે, જે બીજા વર્ષના પાક માટે વપરાય છે. બીજા વર્ષના પાકમાંથી ઉત્પન્ન થયેલ ‘ચકરતુ’ ત્રીજા વર્ષ માટે અને ત્રીજા વર્ષના કંદ ચોથા વર્ષ માટે બિયારણ તરીકે વપરાય છે.

‘ચકરતુ’ બિયારણની અછત હોય તો ચોથા વર્ષના સૂરણની ગાંઠો ઉપરની વિકસેલી આંખ એક એક આવે તે રીતે ટુકડા કરી બિયારણ તરીકે રોપણી માટે ઉપયોગ કરવામાં આવે છે. ચોથા વર્ષના પાક માટે બે કિલોથી વધારે વજનની ગાંઠો પસંદ કરવામાં આવતી નથી. ગાંઠોને રોપતાં પહેલાં બેથી ત્રણ માસનો વિશ્રાંતિનો સમય આપવો જરૂરી છે. રોપણી અગાઉ ગાંઠોને ઝાડના છાંયા નીચે ભેજવાળા વાતાવરણમાં પંદરેક દિવસ સુધી ઊંધી રાખી મૂકવાથી આંખો વહેલી ફૂટે છે. ગાંઠોને છાણની રબડીમાં ડુબાડી ત્યારબાદ છાંયામાં સૂકવવામાં આવે છે, જેથી આંખો જલદી ફૂટવામાં મદદ થાય છે. ગાંઠોની 3થી 4 માસ જેટલી લાંબી સુષુપ્ત અવસ્થા હોઈ તેને દૂર કરવા માટે 0.1 % થાયોયુરિયાના દ્રાવણમાં બોળવામાં આવે છે. પરિણામે આંખો જલદી ફૂટે છે.

સૂરણની રોપણી 15 એપ્રિલથી 15 મે સુધીમાં કરવામાં આવે છે. વરસાદ પડતાં પહેલાં સૂરણની ગાંઠો ઊગી જવાથી ચોમાસામાં ગાંઠોમાં સડો થતો નથી. સૂરણની ગાંઠોની આંખ તરફનો ભાગ ઉપરની બાજુએ રહે તે પ્રમાણે ખાડામાં મૂકી તેની ઉપર 5.0થી 7.0 સેમી. માટી વાળી દેવામાં આવે છે. સૂરણની ગાંઠોની રોપણી ઉનાળામાં થતી હોઈ કુમળી આંખોને તાપથી રક્ષણ આપવા માટે સૂરણની રોપણી કર્યા બાદ તેની બે હાર વચ્ચે એક હેક્ટરે લગભગ 40થી 60 કિલો શણ કે ગુવાર પૂંખવામાં આવે છે. આમ કરવાથી ઊગતા અંકુરોને સૂર્યની ગરમીથી રક્ષણ મળે છે. વળી, ભેજવાળું વાતાવરણ જળવાઈ રહે છે. દોઢેક માસ બાદ બધી ગાંઠો ઊગી નીકળે ત્યારે શણ કે ગુવારને જમીનમાં દાબી દઈ લીલો પડવાશ કરવામાં આવે છે, જેથી જમીનમાં સેન્દ્રિય તત્ત્વો પણ ઉમેરાય છે.

આ પાકના વધુ ઉત્પાદન માટે છાણિયું ખાતર 25થી 40 ટન/હેક્ટરે, નાઇટ્રોજન 75 કિલો (375 કિલો એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયા 165 કિલો), 40 કિલો ફૉસ્ફરસ (250 કિલો સિંગલ સુપર ફૉસ્ફેટ) અને 60 કિલો પોટાશ (125 કિલો પોટૅશિયમ સલ્ફેટ) હેક્ટર આપવામાં આવે છે. છાણિયું ખાતર ફૉસ્ફેટ અને પોટાશયુક્ત ખાતરો જમીન તૈયાર કરતી વખતે આપવામાં આવે છે. અડધો નાઇટ્રોજનનો જથ્થો રોપણી વખતે અને બાકીનો અડધો બીજું પર્ણ નીકળે ત્યારે આપવામાં આવે છે.

સૂરણની રોપણી પછી તરત જ પિયત આપવામાં આવે છે. બીજું પિયત 3થી 4 દિવસે અપાય છે. ત્યારબાદ અન્ય પિયતો ઋતુ મુજબ 6થી 10 દિવસના અંતરે અપાય છે. પાકની પાછલી અવસ્થાએ પિયત હળવું તથા લાંબે ગાળે અપાય છે. ચોમાસાની શરૂઆત પહેલા પાકમાં 2થી 3 નીંદામણની જરૂર પડે છે. પાકના સારા વિકાસ માટે તેની ખાસ આવશ્યકતા રહે છે.

સૂરણને ફૂગ દ્વારા પાન અને કંદનો સડો પાનનાં ટપકાં અને પાનનો કાલવ્રણ (anthracnose) જેવા રોગો થાય છે.

(1) પાન અને કંદનો સડો : આ રોગ પિથિયમ નામની પ્રજાતિ દ્વારા થાય છે. આ ફૂગ દ્વારા પાનમાં પાણીપોચાં જખમો ઉત્પન્ન થાય છે, પેશીઓમાં સડો થાય છે અને પાન પીળાં પડી ચીમળાઈ જઈ નમી પડે છે; અંતે તેઓ સડીને કાળાં થઈ જાય છે. કંદના ચેપવાળા ભાગોમાં સડો થતાં કાળાં ચાંદાં ઉત્પન્ન થાય છે. રોગ જણાય કે તરત જ 3 % બૉર્ડો-મિશ્રણ થડ ફરતે રેડવામાં આવે છે.

(2) કંદનો સડો : આ રોગ સ્ક્લેરોશિયમ પ્રજાતિ દ્વારા થાય છે. કંદના ઈજાગ્રસ્ત ભાગમાંથી આ ફૂગ પ્રવેશે છે અને પેશીઓમાં વૃદ્ધિ કરી સડો કરે છે. તેને લીધે પાન પીળાં પડી જાય છે. આ વ્યાધિજન ખેતર કરતાં સંગ્રહાલયમાં વધારે નુકસાન કરે છે. આ રોગના નિયંત્રણ માટે રોગિષ્ઠ અને જખમવાળા કંદને અલગ કરવામાં આવે છે અને બજારમાં તુરત જ વેચી દેવામાં આવે છે. કંદને જમીનમાંથી બહાર કાઢતી વખતે ઈજા ન થાય તેની કાળજી રાખવામાં આવે છે. કંદ સાથેની માટી બરાબર સાફ કરી સંગ્રહ કરવામાં આવે છે.

(3) પાનનાં ટપકાં : આ રોગ સર્કોસ્પોરા પ્રજાતિ દ્વારા થાય છે. તેના દ્વારા પાન ઉપર ટપકાં ઉત્પન્ન થાય છે. આ ટપકાંનો મધ્ય ભાગ સફેદ અને તેની ફરતેનો ભાગ લાલાશ પડતો પીળો થઈ જાય છે. રોગ જણાય કે તુરત જ કાર્બનડાઝીમ 0.5 % અથવા મેન્કોઝેબ 2 %ના દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે.

(4) પાનનો કાલવ્રણ (anthracnose) : આ રોગ કોલેટોટ્રાઇકમ નામની ફૂગ દ્વારા થાય છે. તેના ચેપથી પેશી મૃત્યુ પામતા કાળાં ગોળ ટપકાં થાય છે. ટપકાનો મધ્ય ભાગ ભૂખરો સફેદ અને કાળો અને તેની ફરતે પીળો આભાસ જોવા મળે છે. આક્રમિત ભાગની પેશીઓ મૃત્યુ પામી સુકાઈ જઈ ખરી પડે છે; જેથી પાનમાં કાણાં પડે છે. નિયંત્રણ માટે કાર્બનડાઝીમ કે થાયૉફેબેટ મિથાઇલ 0.5 %નો છંટકાવ કરવામાં આવે છે.

સામાન્ય રીતે સૂરણ 7થી 8 મહિનામાં તૈયાર થઈ જાય ત્યારે બીજું પર્ણ પાકી જઈ પીળું પડી જાય છે અને સૂરણની ગાંઠ બરાબર બંધાઈ જાય ત્યારે બધાં પાન પીળાં પડીને જમીન પર ઢળી પડે છે. આ સમયે સૂરણની ગાંઠોને કોદાળી વડે ખોદી કાઢવામાં આવે છે. ખોદતી વખતે ગાંઠોને ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે.

સારી માવજત અને સામાન્ય પરિસ્થિતિમાં પ્રથમ વર્ષે તેના પાકનું ઉત્પાદન 12થી 14 ટન, બીજા વર્ષે 20થી 25 ટન, ત્રીજા વર્ષે 28થી 35 ટન અને ચોથા વર્ષે 40થી 45 ટન પ્રતિ હેક્ટરે મળે છે.

સૂરણનો મુખ્યત્વે શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. બટાટાની તુલનામાં તે વિટામિન A, વિટામિન B અને ખનિજદ્રવ્યો વધારે પ્રમાણમાં ધરાવે છે. કંદનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 78.7 %, પ્રોટીન 1.2 %, લિપિડ 0.1 %, રેસો 0.8 %, કાર્બોહાઇડ્રેટ 18.4 %, સ્ટાર્ચ 17.7 %, ઑક્ઝેલિક ઍસિડ 1.3 % અને ખનિજ 0.8 %; કૅલ્શિયમ 50.0 મિગ્રા., ફૉસ્ફરસ 34.0 મિગ્રા., લોહ 0.6 મિગ્રા., થાયેમિન 0.06 મિગ્રા., રાઇબૉફ્લેવિન 0.07 મિગ્રા., નાયેસિન 0.7 મિગ્રા./100 ગ્રા.; કેરોટિન 260 માઇક્રોગ્રામ/100 ગ્રા.; વિટામિન A 434 આઇ.યુ. અને કૅલરીમૂલ્ય 79 કિ.કેલરી/100 ગ્રા.. તે ડાયાસ્ટેઝ ઉત્સેચક ધરાવે છે. કંદ બીટ્યુલિનિક ઍસિડ,

-સીટોસ્ટેરોલ, સ્ટીગ્મેસ્ટેરોલ, ટ્રાઇએકોન્ટેન અને  -સીટોસ્ટેરોલ પામિટેટ ધરાવે છે. ઉપરાંત ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, રહેમ્નોઝ અને ઝાયલોઝ તેમાં હોય છે.

ચળ કે ખંજવાળ જેવી ઉત્તેજના કૅલ્શિયમ ઑક્ઝેલેટને કારણે હોય છે. કંદમાં આવશ્યક ઍમિનોઍસિડનું બંધારણ આ પ્રમાણે છે : આર્જિનિન 11.16 ગ્રા., હિસ્ટિડિન 1.5 ગ્રા., લ્યુસિન 5.9 ગ્રા., આઇસોલ્યુસિન 5 ગ્રા., લાયસિન 4.44 ગ્રા., મિથિયોનિન 1.04 ગ્રા., ફિનિલ એલેનિન 6.22 ગ્રા., થ્રિયોનિન 4.47 ગ્રા., ટ્રિપ્ટોફેન 0.63 ગ્રા. અને વેલાઇન 4.95 ગ્રા./16 ગ્રા. નાઇટ્રોજન.

કંદનો ઉપયોગ તેમને સારી રીતે ધોયા પછી આમલીના પાણીમાં કે છાશમાં ઉકાળ્યા બાદ કરવામાં આવે છે. જો યોગ્ય રીતે ઉકાળવામાં ન આવે તો મોંમા વળવળાટ થાય છે. સૂરણમાંથી તળેલી કાતરી બનાવાય છે અને રોગી માટે સારો ખોરાક ગણાય છે. તેનું અથાણું બનાવી શકાય છે. સામાન્ય સ્થિતિમાં પણ કંદને 5થી 6 માસ સુધી તેનો કોહવાટ થયા સિવાય રાખી શકાય છે.

તેના કુમળા પર્ણદંડો (પર્ણો ખૂલ્યાં ન હોય તે સ્થિતિમાં) સ્વાદે સારા લાગે છે. તેની છાલ કાઢી લઈને ઉકાળવામાં આવે છે અને પૂર્ણપણે રાંધવામાં આવે છે, કારણ કે તે અસંખ્ય દંશી સ્ફટિકો ધરાવે છે. ફિલિપાઇન્સમાં તેમની સુંદર વાનગીમાં ગણના થાય છે. જૂના કંદો ઉકાળીને સૂવરને ખવડાવવામાં આવે છે. પ્રકાંડ અને પર્ણોનો ઉપયોગ ઢોરના ચારા તરીકે થાય છે. તે ખનિજો સહિત પુષ્કળ પ્રમાણમાં પોષકો ધરાવે છે. પ્રકાંડ અને પર્ણનું શુષ્કતાને આધારે કરેલું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 15.3 %, ઈથર-નિષ્કર્ષ 3.3 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 50.9 %, અશુદ્ધ રેસો 14.2 %, ભસ્મ 16.2 %, અદ્રાવ્ય ભસ્મ 1.5 %, P2O5 1.86 % અને CaO 2.13 %.

સૂરણનો સ્થાનિક ઔષધ તરીકે ઉપયોગ થાય છે, ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી સૂરણની જાતિ A. dubius Blume છે. કંદ મૃદુ વિરેચક (aperient), વાતહર (carminative) અને કફોત્સારક (expectorant) છે. તે ભૂખ અને સ્વાદ વધારે છે. તીવ્ર સંધિવામાં ઉત્તેજક તરીકે બહાર લગાડવામાં આવે છે. કંદનો ઉપયોગ મરડો અને મસામાં થાય છે. પ્રકાંડમાં રહેલું સક્રિય ઘટક Mycobacterium tuberculosis-ની ગોજાતીય (bovine) પ્રભેદની વૃદ્ધિ અવરોધે છે. કંદના મિથેનોલીય નિષ્કર્ષ (90 % અને 10 %) ગિનીપીગના ગર્ભાશય પર અસર કરે છે. મૂળનો નેત્રશોથ(ophthalmia)માં ઉપયોગ થાય છે અને દાઝ્યા પર લગાડવામાં આવે છે. તે આર્તવજનક (emmenagogue) રોગમાં વપરાય છે. પર્ણદંડનો આથો લાવેલ રસ અતિસાર (diarrhoea) મટાડે છે. બીજ ઉત્તેજક તરીકે સંધિવાના સોજા પર લગાડાય છે.

commutatus (Schott) Engl. syn. A. sylvaticus Dalz. & Gibs. (મ. શેવલા) એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તે ચપટો ગોળ કંદ ધરાવે છે. પર્ણ 60 સેમી. લાંબું હોય છે. પર્ણદંડ ખરબચડો હોય છે. માંસલ શૂકીનું ઉપાંગ આછા પીળા રંગનું હોય છે. તે પશ્ચિમ ભારત(મુંબઈથી દક્ષિણ તરફ કર્ણાટકમાં કુમતા સુધી)ની સ્થાનિક (endemic) વનસ્પતિ છે. ઉપાંગનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. પુષ્પો દુર્ગંધ ફેલાવે છે.

dubius Blume (સં. કાનનકંદ; મલ. કટ્ટુચેના, શેના; તા. કટ્ટુકર્નેઈ અં. પર્પલ રટોક્ડ ડ્રેગન) A. camanulatus (સૂરણ) જેવી જ શાકીય જાતિ છે અને કેરળમાં થાય છે. તે ઔષધીય ગુણધર્મો ધરાવે છે અને મસા અને રક્તાઘાત(apoplexy)માં ઉપયોગી છે. આમલીના રસમાં ઉકાળ્યા પછી તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે.

sylvaticus (Roxb) Kunth. syn. Synantherias sylvatica Scott (મ. વજ્રમૂલ; તા. કટ્ટુકર્નેઈ; તે. અડવીકંદ, વજ્રકંદ, ઘનકંદ) કંદિલ શાકીય જાતિ છે. તેના પર્ણદંડ લાંબા હોય છે અને પર્ણો પક્ષવત્ દર (pinnatifid) પ્રકારનું છેદન ધરાવે છે. પૃથુપર્ણ લીલું હોય છે, જેમાં ગુલાબી લિસોટા હોય છે. તે 15 સેમી.થી 30 સેમી. લાંબા વૃન્તી (stipitate) માંસલ શૂકીને આવરે છે. તે દક્ષિણ દ્વીપકલ્પમાં બધે જ થાય છે. મનુષ્ય અને ઢોરો માટે ઝેરી હોવાનું મનાય છે. ફળ અને બીજ કચરીને મલમ બનાવાય છે; જેનો દાંતના દુખાવામાં અને ઉઝરડાઓમાં ઉપયોગ થાય છે. તે ગ્રંથિઓના ફૂલવા ઉપર વપરાય છે.

આયુર્વેદ અનુસાર સૂરણ અર્શરોગનાશક ગણાય છે. મીઠું અને સફેદ સૂરણ રુચિકર, તીખું, ઉષ્ણ, અગ્નિદીપક, છેદક, લઘુ, રુક્ષ, તૂરું, મલાવષ્ટંભક, વિશદ, પાચક અને રક્તપિત્તકોપન છે. તે કૃમિ, ગુલ્મ, શૂળ, અર્શ, કદ, મેદ, વાયુ, અરુચિ, દમ, ઉધરસ, ઊલટી અને બરોળનો નાશ કરે છે. સૂરણ હૃદયરોગી, રક્તપિત્તી અને કુષ્ઠીને હિતકારક હોતું નથી. તેના દાંડા રુચ્ય, લઘુ અને દીપન છે અને કફ, વાયુ અને અર્શનો નાશ કરે છે. ખાજરા અને રક્તવર્ણ સૂરણ તૂરું, લઘુ, વિષ્ટંભી, રુક્ષ, વિશદ, તીખું, રુચિકર, દીપન અને પાચન કરનારું, પિત્તલ અને દાહક છે. તે કૃમિ, કફ, વાયુ, દમ, ઉધરસ, ઊલટી, શૂળ, ગુલ્મ અને જાડ્યનો નાશ કરે છે. ખારોશન સૂરણ પિત્તકર, રક્તકર અને કફનાશક છે. સૂરણનો ઉપયોગ મૂળ વ્યાધિ અને આમ ઉપર થાય છે.

હેમંતકુમાર ચીમનલાલ પટેલ

કનુભાઈ શંકરભાઈ પટેલ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

બળદેવભાઈ પટેલ