સૂત્ર (વ્યાકરણ ખ્યાલ) : શાસ્ત્રના નિયમને રજૂ કરતું સંક્ષિપ્ત ગદ્યવાક્ય. શાસ્ત્રનો નિયમ સરળતાથી યાદ રહી જાય એટલા માટે તેને ટૂંકમાં કહેવામાં આવે તેને સૂત્ર કહે છે. આમ સૂત્ર ઓછામાં ઓછા અક્ષરોનું બનેલું હોય છે તેમ છતાં તેના અર્થમાં સંદેહ હોતો નથી. સૂત્ર ઓછા અક્ષરોવાળું હોવાથી સારરૂપ હોય છે છતાં તે બધી વાતને કે વિષયોને આવરી લેતું હોય છે. વળી સૂત્રની પ્રવૃત્તિ ક્યાંય અટકતી નથી, છતાં તેમાં કોઈ દોષ હોતો નથી – તમામ શાસ્ત્ર સૂત્રશૈલીએ જ રચાયેલાં છે, છતાં વ્યાકરણશાસ્ત્રનાં સૂત્રો સૂત્રનાં ઉપર જણાવેલાં લક્ષણોને સંપૂર્ણ રીતે અનુસરે છે તેથી આદર્શ સૂત્રો વ્યાકરણશાસ્ત્રમાં જોવા મળે છે.

વળી વ્યાકરણશાસ્ત્રમાં પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ લગભગ ચાર હજાર સૂત્રોની બનેલી છે. પાણિનિનાં સૂત્રો છ પ્રકારનાં છે : (1) સંજ્ઞાસૂત્રો : વ્યાકરણશાસ્ત્રની પદ, સર્વનામ વગેરે સંજ્ઞાઓને બતાવનારાં સંજ્ઞાસૂત્રો છે. આવાં સૂત્રોમાં ઉદ્દેશ્ય અને વિધેય બંને પ્રથમા વિભક્તિમાં હોય છે. (2) પરિભાષાસૂત્રો : અન્ય સૂત્રોનો અર્થ કરવામાં ઉપયોગી એવાં સૂત્ર માટેનાં સૂત્રો છે. જ્યાં નિયમ ન હોય ત્યાં નિયમ બતાવનારાં સૂત્રો પરિભાષાસૂત્રો છે. (3) વિધિસૂત્રો : જેની પૂર્વે ખબર ન હોય તેવું વિધાન કરનારાં સૂત્રો વિધિસૂત્રો છે. (4) નિયમસૂત્રો : એક નિયમ બધે લાગુ પડતો હોય તો તે અમુક જ સ્થળે લાગુ પડે તેવું વિધાન કરનારાં સૂત્રો નિયમસૂત્રો છે. (5) અતિદેશસૂત્રો : એક નિયમ તેના જેવી જ રીતે બીજે લાગુ પડે તેવું બતાવનારાં સૂત્રો અતિદેશસૂત્રો છે. તેમાં वत् પદ આવે છે. (6) અધિકારસૂત્રો : અગાઉ આવેલાં સૂત્રનો પાછળનાં અમુક સૂત્રો સુધી સંબંધ ચાલુ રહે તેને અધિકારસૂત્ર કહે છે. એનાથી એકના એક જ સૂત્રને ઘણાં સૂત્રો સુધી ફરી ને ફરી આપવું પડતું નથી આથી લાઘવ સિદ્ધ થાય છે. સંક્ષેપમાં, સૂત્ર જે કાર્ય કરે છે તે મુજબ આ છ પ્રકારો આપવામાં આવ્યા છે. વૈયાકરણો જો અડધી માત્રા પણ સૂત્રમાં ઓછી કરી શકાય તો પોતાના ઘેર પુત્રજન્મ થયો હોય તેવો આનંદ અનુભવે છે. આવાં સૂત્રો જ્ઞાનવિજ્ઞાનની અનેક શાખાઓમાં પાછળથી પ્રચલિત થયાં છે.

પ્ર. ઉ. શાસ્ત્રી