સૂત્રધાર : પ્રાચીન ભારતીય સંસ્કૃત ભાષાના નાટકના પ્રારંભ પહેલાં આવતો નટોનો ઉપરી અને રંગભૂમિનો વ્યવસ્થાપક. તેને ‘સૂત્રધર’, ‘સૂત્રધારક’, ‘સૂત્રી’, ‘સૂત્રભૃત્’, ‘સૂત્રધૃક્’ વગેરે શબ્દોથી પણ ઓળખવામાં આવ્યો છે. કીથ વગેરે વિદેશી વિદ્વાનો એમ માને છે કે કઠપૂતળીનો ખેલ કરનારો હાથમાં દોરીઓ ધારણ કરે છે તેના પરથી ‘સૂત્રધાર’ શબ્દ પ્રચલિત થયો છે. આચાર્ય શાતકર્ણિ તેને સમજાવતાં કહે છે કે નાટકના પ્રયોગનું અનુષ્ઠાન એ સૂત્ર છે અને તેને ધારણ કરનારને સૂત્રધાર કહે છે. ‘નાટ્યદર્પણ’માં તેને ‘રંગસૂત્રકાર’ કહ્યો છે. આચાર્ય ભરતના મતે તે અનેક ભાવયુક્ત ગીત, વાદ્ય અને પાઠ્યના સૂત્રનો જ્ઞાતા અને ઉપદેષ્ટા છે તેથી સૂત્રધારને પાછળથી ‘નાટ્યાચાર્ય’ પણ કહેવામાં આવ્યો છે. ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’માં તેને નટોનો ઉપરી કહ્યો છે. ભરત(નટ)ના પ્રકારોમાં સૂત્રધારનો નિર્દેશ છે.

આચાર્ય માતૃગુપ્તના મતે સૂત્રધાર ચતુર્વિધ વાદ્યોમાં કુશળ, અનેક ભાષાઓનો જાણકાર, સંવાદોનો મર્મજ્ઞ, નીતિશાસ્ત્રમાં નિષ્ણાત, વેશભૂષાનો જ્ઞાતા, નાગરિકોનો અચ્છો નિરીક્ષક, જુદી જુદી ગતિઓમાં હોશિયાર; રસો, ભાવો, નાટ્યપ્રયોગ, કળાઓ અને કારીગરીમાં નિપુણ; છંદ રચવામાં સિદ્ધહસ્ત, સઘળાં શાસ્ત્રોનો વિદ્વાન્; ગીતમાં બધી જાતના લય, કળા અને તાલની સમજ ધરાવતો અને પોતે તેનો પ્રયોગ કરી શકનાર અને બીજાને તેની સમજ આપી શકનાર હોય છે. આચાર્ય વેમના મતે સૂત્રધાર કવિ, વાગ્મી, ચતુર, કામશાસ્ત્રમાં નિપુણ, તર્કથી ખંડન-મંડન કરનારો અને ઉત્તમ પ્રકૃતિનો હોય છે. વળી શારદાતનયના મતે સૂત્રધાર નાંદી દ્વારા કાવ્યના રસ, નાયક અને કથાનકને સૂચવનારો; નાટ્યના લેખક, નાયક અને કથાવસ્તુના ગુણો બતાવનારો અને પ્રસાધનકળાને જાણનારો હોય છે.

આચાર્ય ભરતે મુખ્ય કાર્ય પૂર્વરંગના બાવીસ જેટલા વિધિઓ કરવાનું ગણાવ્યું છે. પૂર્વરંગના વિધિઓમાં નાંદી એ આવશ્યક વિધિ છે અને સૂત્રધારે તેને મધ્યમ સ્વરે બોલવી એમ આચાર્ય ભરત જણાવે છે. પૂર્વરંગમાં સૂત્રધાર રંગદેવતાની પૂજા, દેવસ્તુતિ, મંગલાચરણ જેવી ઔપચારિક વિધિઓ કરે છે. વળી ઉત્થાપન, પરિવર્તન, રંગદ્વાર, વામવેધ, પુષ્પાંજલિ, ચારી, મહાચારી વગેરે પૂર્વરંગના વિધિઓ સૂત્રધાર કરે ત્યારે તેની સાથે બે પારિપાર્શ્ર્વિકો, એક ભૃંગાર (પાણીની ઝારી) અને બીજો જર્જર (લાકડી) હાથમાં લઈને તેની સહાયમાં હોય છે. વિદૂષક તેનો ત્રીજો સહાયક હોય છે અને પૂર્વરંગના થોડાક વિધિઓ કરનારો ચોથો સહાયક ‘ચતુર્થકાર’ એ નામથી ઓળખાય છે. તેની પત્ની નટી પણ પ્રહસન નામના પૂર્વરંગના વિધિમાં ક્યારેક સહાયક હોય છે. સૂત્રધાર પ્રસ્તાવનામાં પ્રરોચના, આમુખ, વીથી અને પ્રહસન – એ ચાર અંગોવાળી ભારતી વૃત્તિનો આશ્રય લઈ સંસ્કૃત ભાષામાં નાટ્યવસ્તુ કે પાત્રની સૂચના આપે છે. પ્રરોચનામાં નાટકના લેખકની અને નાટ્યવસ્તુની પ્રશંસા કરી તેની તરફ સામાજિકોને આકર્ષવાનું કાર્ય સૂત્રધાર કરે છે. સૂત્રધાર પાંચમાંથી કોઈ એક પ્રકારની પ્રસ્તાવના રજૂ કરીને વીથ્યંગો દ્વારા નાટ્યવસ્તુના આરંભની સ્થાપના વસ્તુસૂચના, બીજસૂચના, મુખસૂચના અથવા પાત્રસૂચના દ્વારા કરે છે. પ્રહસન દ્વારા નટી સાથે અને ત્રિગત નામના પૂર્વરંગના અંગમાં વિદૂષક કે પારિપાર્શ્ર્વિક સાથે વાત કરી પોતાના કાર્યનું વિવરણ સૂત્રધાર રજૂ કરે છે. વળી સૂત્રધાર નાટ્યવસ્તુને સૂચવતા મધુર શ્લોકોથી પ્રેક્ષકોને ખુશ કરી સંગીત દ્વારા ઋતુવર્ણન પણ પ્રસ્તુત કરાવે છે. સૂત્રધાર દિવ્ય કથાનક હોય તો દિવ્ય રૂપ, મર્ત્ય કથાનક હોય તો મર્ત્ય રૂપ, દિવ્યાદિવ્ય કથાનક હોય તો બેમાંથી કોઈ એક રૂપ ધારણ કરી રંગભૂમિ પર આવે છે. નાટ્યવસ્તુના પ્રારંભિક પ્રસંગ અને પાત્રને સૂચવીને રંગભૂમિ પરથી તે જતો રહે છે.

નટોના ઉપરી તરીકે પૂર્વરંગનો નાંદીનો વિધિ પૂરો કરી સૂત્રધાર રંગભૂમિ છોડી જઈ, તે પછી નાટકના પાત્રની વેશભૂષામાં ફરી પ્રવેશી નાટ્યવસ્તુની સ્થાપના કરે છે ત્યારે તે સ્થાપક નટ તરીકે ઓળખાય છે. તેમાં તે કવિએ રચેલા મંગલશ્લોકથી માંડી કવિએ રચેલી પ્રસ્તાવના રજૂ કરે છે. પરિણામે સૂત્રધારનું કાર્ય કરતા સ્થાપક્ધો ઉપચારથી સૂત્રધાર કહેવામાં આવે છે. પ્રસ્તાવના પછી મુખ્ય નાટકમાં તે સ્ત્રી કે પુરુષનું પાત્ર ભજવવાના અને અન્ય પાત્રની વેશભૂષા પણ તે કરી આપતો હોવાના ઉલ્લેખો સંસ્કૃત નાટકોમાં પ્રાપ્ત થાય છે.

ગોવર્ધન પંચાલ

પ્ર. ઉ. શાસ્ત્રી