સુહાર્તો થોજીબ

January, 2008

સુહાર્તો થોજીબ (. 8 જૂન 1921, કેમુસુ આરગામુલ્જા, જાવા, ડચ, ઈસ્ટ ઇન્ડીઝ) : ઇન્ડોનેશિયાના બીજા પ્રમુખ. તેમની કારકિર્દીનો પ્રારંભ બક-ક્લાર્ક તરીકે થયેલો. પછી તેઓ સામ્રાજ્યવાદી ડચ શાસકોના લશ્કરમાં જોડાયા. 1942માં જાપાનના વિજય બાદ જાપાન-સંચાલિત લશ્કરી દળમાં જોડાયા અને લશ્કરી અધિકારી તરીકેની તાલીમ લીધી. જાપાનની શરણાગતિ સમયે ગેરીલા દળો વતી ડચ શાસકો વિરુદ્ધ સ્વાતંત્ર્યયુદ્ધ લડ્યા. 1950માં ઇન્ડોનેશિયા સ્વતંત્ર થયું ત્યારે તેઓ કર્નલ હતા. 1960માં પ્રમુખ સુકર્ણોએ સામ્યવાદીઓને દેશમાંથી દૂર કર્યા ત્યારે તેમની છાપ સામ્યવાદના કટ્ટર વિરોધી તરીકેની હતી. સપ્ટેમ્બર, 1965માં સામ્યવાદીઓએ કરેલા બળવા સમયે તેમણે સામ્યવાદની વિરુદ્ધ સુકર્ણોના સમર્થનમાં કામગીરી બજાવેલી. તે પછી જાહેર જીવનમાંથી ડાબેરીઓની સાફસૂફી કરવાની કામગીરી પાર પાડેલી. ત્યારબાદ ઇન્ડોનેશિયામાં મોટા પાયા પર સામ્યવાદીઓની કત્લેઆમ ચાલી. એક અંદાજ મુજબ લગભગ 5,00,000 જેટલા લોકોની હત્યા કરાઈ હતી.

12 માર્ચ, 1966માં સુહાર્તોએ ઇન્ડોનેશિયાની સરકાર પર કાબૂ મેળવ્યો અને સુકર્ણોને એક વર્ષ માટે નામના પ્રમુખ તરીકે ચાલુ રાખવામાં આવ્યા. માર્ચ, 1967માં સુહાર્તો ત્યાંની કન્સલ્ટેટિવ કૉંગ્રેસની ઘોષણા દ્વારા કાર્યકારી પ્રમુખ બન્યા અને માર્ચ, 1968માં તેઓ પાંચ વર્ષની મુદત માટે પ્રમુખ ચૂંટાયા. તે પછી 1973, ’78, ’83, ’88 અને ’93 – એમ સતત છઠ્ઠી વાર ફરી ફરીને પ્રમુખ ચૂંટાયેલા. 1975માં તેમણે ઈસ્ટ તિમોર પર નિષ્ફળ આક્રમણ કરેલું. 1979માં પાપુઆ ન્યૂ ગિયાના સાથે સહકારના કરાર કર્યા. તેમના સત્તાવાદી શાસનનો ઘરઆંગણે ડાબેરીઓ દ્વારા ભારે પ્રતિકાર થયો હતો. તેમના શાસન હેઠળનું દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું હતું.

રક્ષા મ. વ્યાસ