સુહરાવર્દી સિલસિલા : શેખ શિહાબુદ્દીન ઉમર સુહરાવર્દીએ (મૃ. ઈ. સ. 1234) પ્રવર્તાવેલો રહસ્યવાદી મુસ્લિમ પંથ. આ પંથને દૃઢ પાયા પર સંગઠિત કરવાનું માન મુલતાનના તત્વજ્ઞાની સંત શેખ બહાઉદ્દીન ઝકરિયા (મૃ. ઈ. સ. 1262)ને ફાળે જાય છે. તેમણે મુલતાનમાં એક ભવ્ય ખાનકાહ સ્થાપીને સિંધ તેમજ બીજા પડોશી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિષ્યોને આકર્ષ્યા. તેમના પૌત્ર રુકનુદ્દીન અબૂલ ફત્હ (મૃ. ઈ. સ. 1335) નીચે તે એની કીર્તિની પરાકાષ્ટાએ પહોંચી ગયો. શેખ બહાઉદ્દીન ઝકરિયાના સમર્થ શિષ્યો પૈકીના એક શિષ્ય ઉચમાં સ્થિર થયા અને ત્યાં સિલસિલાનો વિકાસ કર્યો. ઉચ શાખામાં સહુથી વધુ વિખ્યાત સંત સૈયદ જલાલુદ્દીન બુખારી (મૃ. ઈ. સ. 1384) હતા. તેઓ લોકોમાં મખદુમ્-ઇ-જહાનિયાં તરીકે ઓળખાતા હતા. તેમને ફિરુઝશાહ તુઘલુક સાથે અંગત ગાઢ સંપર્ક હતો અને તેની મહેસૂલનીતિ પર તેમણે પ્રભાવ પણ પાડ્યો હતો.
ઉચ અને મુલતાન સુહરાવર્દીઓનાં મુખ્ય મથકો હતાં. ધર્મ અને રાજનીતિ પરત્વે આ પંથના સંતોનું એકંદરે વલણ સહિષ્ણુ હતું. તેઓ પાસે મોટી જાગીરો હતી અને તેઓ રાજ્ય સાથે ગાઢ સંપર્કમાં રહેતા તેથી તેઓ રાજ્યની નીતિરીતિઓ પર પ્રભાવ પાડી શકતા. બંગાળના હિંદુઓની શેખ જલાલુદ્દીન તબ્રીઝી પ્રત્યેની ભક્તિનો તાગ શેખ શુભોદય નામના સંસ્કૃત ગ્રંથમાંથી મળી રહે છે. એ ગ્રંથમાં એ સંતને લગતી હિંદુઓમાં પ્રચલિત બધી આખ્યાયિકાઓ ગૂંથી છે.
પ્રવીણચંદ્ર પરીખ