સુશ્રુત અને ‘સુશ્રુત–સંહિતા’ : પ્રાચીન ભારતના જગપ્રસિદ્ધ શલ્યચિકિત્સક (surgeon) અને તેમનો વિશ્વની શલ્યચિકિત્સા-(surgery)ના ક્ષેત્રે આદિ લેખાય તેવો ગ્રંથ. સુશ્રુત પ્રાચીન ભારતના આયુર્વેદિક સાહિત્યના તેજસ્વી રત્ન હતા. તેઓ ઋષિ વિશ્વામિત્રના વંશજ અને કાશીનરેશ દિવોદાસ ધન્વન્તરિના શિષ્ય હતા.
તેમણે સમગ્ર વિશ્વને શલ્યચિકિત્સા(operation)નું પ્રથમ જ્ઞાન આપતો જે પ્રમાણભૂત ગ્રંથ રચ્યો તેને પ્રાચીન લેખકો ‘સુશ્રુત શલ્યતંત્ર’ કે ‘સૌશ્રુત તંત્ર’ પણ કહેતા હતા. સંસ્કૃત ભાષામાં રચાયેલ ‘સુશ્રુત-સંહિતા’ ગ્રંથ ભારતના આયુર્વેદિક વિજ્ઞાનની શિરમોર કૃતિ છે. પ્રાચીન ભારતમાં રચાયેલા શલ્ય-ચિકિત્સાના ગ્રંથોમાં આજે શલ્યચિકિત્સા ઉપર ઉપલબ્ધ થતો એ એક જ સર્વોત્તમ પ્રાચીન ગ્રંથ છે. તેની રચના ઈ. પૂ. છઠ્ઠી સદીમાં થયાનું માનવામાં આવે છે. એ ગ્રંથની રચના બાદ 200 વર્ષ પછી રસાચાર્ય નાગાર્જુન વૈદ્યે તેનું સંપાદન કરીને તેને નવું સ્વરૂપ આપેલું.
મસ્તિષ્કની શસ્ત્રક્રિયા કરી રહેલ સુશ્રુતાચાર્ય
સુશ્રુતના ગુરુ દિવોદાસ ધન્વંતરિએ સ્થાપેલ ‘ધન્વન્તરિ સંપ્રદાય’ શલ્યચિકિત્સકોનો હતો. ગુરુના ઉપદેશ તથા જ્ઞાન મુજબ સુશ્રુતે પોતાની સંહિતા લખેલી. તેમના જીવન વિશે હાલ એથી વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી. સુશ્રુતના સમય પહેલાં શલ્યતંત્ર (શલ્યચિકિત્સા) ઉપરના બીજા અનેક ગ્રંથો રચાયેલા હોવાના ઉલ્લેખો છે.
આયુર્વેદ ચિકિત્સાનાં આઠ અંગોમાં શલ્યચિકિત્સાને સુશ્રુતે પ્રથમ અને મહત્વનું સ્થાન આપીને અન્ય સાતેય અંગોનું સંક્ષેપમાં વર્ણન કરીને આખી સંહિતા આપી છે. સુશ્રુતના સમય પહેલાં વિશ્વના અન્ય દેશોમાં ભારત જેવું શલ્યચિકિત્સાનું જ્ઞાન વિકસ્યું ન હતું. પ્રાચીન કાળમાં યુદ્ધમાં સૈનિકોના હાથ-પગ જેવાં અંગો કપાઈ જતાં કે ઘાયલ થતાં; શરીરમાં તીર કે ભાલાં જેવાં શસ્ત્રો ઘૂસી જતાં; ત્યારે તેમની ચિકિત્સા આયુર્વેદજ્ઞ શલ્યચિકિત્સકો સારી રીતે કરતા. તે સમયે વિશ્વમાં ભારતનું આયુર્વેદ-વિજ્ઞાન તબીબી ક્ષેત્રે પ્રથમ કક્ષાનું હોઈ, ભારતની તક્ષશિલા તથા નાલંદા વિશ્વવિદ્યાલયોમાં આયુર્વેદ અને શલ્યતંત્રનું જ્ઞાન લેવા વિદેશીઓ પણ ભારત આવતા હતા.
સુશ્રુતે શલ્યચિકિત્સામાં અદભુત કૌશલ્ય પ્રાપ્ત કરી પોતાની સંહિતા રચેલી છે. આ સંહિતામાં 120 અધ્યાયોમાં શલ્યચિકિત્સા તથા બાકીના ઉત્તરતંત્રમાં શરીરના ઉપચાર (medicine) માટેનું પણ જ્ઞાન આપ્યું છે. ‘શલ્ય અને શાલાક્યતંત્ર’ (સર્જ્યરી) ઉપરાંત શરીરરચનાવિજ્ઞાન, નિદાન, કાયચિકિત્સા, બાળરોગ, સ્ત્રીરોગ, મનોરોગ, ફાર્મસી તથા વિષવિજ્ઞાન જેવા અનેક વિષયોને આવરી લઈ, આયુર્વેદ ચિકિત્સાને-સંપૂર્ણ બતાવી છે. સુશ્રુતે સર્જ્યરીમાં વપરાતાં 101 જેટલાં યંત્રશસ્ત્રોનું વર્ણન કરવા સાથે, દવાખાનાની સફાઈ, શબચ્છેદનની રીત, વિવિધ પાટા તથા ટાંકા લેવાની પદ્ધતિઓ વગેરે માટે સુંદર માર્ગદર્શન પોતાના ગ્રંથમાં આપેલ છે.
આજના આધુનિક ઍલોપથી વિજ્ઞાને પ્લાસ્ટિક સર્જ્યરીમાં ખૂબ સારી નામના મેળવી છે; પરંતુ આ વિશિષ્ટ જ્ઞાનના આદિગુરુ સુશ્રુત હતા. તેમની સંહિતામાં નાક, કાન અને હોઠની પ્લાસ્ટિક સર્જ્યરીનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ વિશિષ્ટ જ્ઞાન ‘કિતાબે સુશરૂત’ નામના અરબી ભાષામાં થયેલા તેના અનુવાદથી આરબો દ્વારા યુરોપમાં ગયું અને પછી અંગ્રેજોએ તેનો પૂરો વિકાસ કરીને આજનું અભિનવ સ્વરૂપ આપેલ છે. તેથી આજે પણ યુરોપ અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોના વર્તમાન ચિકિત્સકો – સર્જ્યનો પણ સુશ્રુતને આદિજ્ઞાતા તરીકે બિરદાવે છે. શલ્યચિકિત્સાના ક્ષેત્રે ભારત માટે સુશ્રુતનું આ યોગદાન ગૌરવપ્રદ છે. ભારતીય વૈદ્યો ઉપર તો તેમનો નોંધપાત્ર પ્રભાવ છે.
‘સિનૉપ્સિસ ઑવ્ આયુર્વેદ’ પુસ્તક કે જે ‘એન્શન્ટ ઇન્ડિયન સર્જ્યરી’ની શૃંખલાનો 12મો અને અંતિમ હપ્તો છે. તેના પાંચમા ખંડની ભૂમિકામાં પ્રો. વાશમે સુશ્રુતના મહત્વને બિરદાવતાં લખ્યું છે : ‘આજની જરૂરિયાતોના પરિપ્રેક્ષ્યમાં સુશ્રુત-સંહિતા આયુર્વેદની અન્ય સંહિતાઓથી ખૂબ મહત્વની છે. જો ચરક, વાગ્ભટ્ટ અને માધવની (નિદાન) સંહિતા વિલુપ્ત થઈ જાય, તોપણ આયુર્વેદની સર્વ પ્રકારે જાણકારી આપવા માટે એકલી સુશ્રુત-સંહિતા સ્વયંપર્યાપ્ત છે.’ બીજા એક પ્રો. જી. ડી. સિંઘલના મતે ‘‘ફક્ત ઇતિહાસની દૃષ્ટિએ જ નહિ, પરંતુ વ્યાવહારિક રીતે પણ ‘સુશ્રુત-સંહિતા’ ચિકિત્સા જગતમાં (નવી) શોધ માટેનાં નવાં દ્વાર ઉઘાડી શકે તેમ છે.’’ આજે ભારતની પ્રાય: તમામ ભાષાઓ ઉપરાંત અંગ્રેજી, જર્મન તથા રશિયન ભાષામાં પણ ‘સુશ્રુત-સંહિતા’નું ભાષાંતર થયેલું છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા