સુશોભનકલા

કોઈ પણ ભૌતિક વસ્તુની ઉપયોગિતાના મૂલ્યને જાળવીને કલા અને સૌન્દર્યની દૃષ્ટિએ તેમાં થતું ઉમેરણ-સંસ્કરણ. મકાન, પાત્ર, વસ્ત્ર, આભૂષણ વગેરે માનવ માટેની વસ્તુઓમાં માટી, સિમેન્ટ, રેતી, પથ્થર, લાકડું, ચામડું, ધાતુ, હાથીદાંત ને અન્ય હાડકાં, મોતી, કોડી-શંખ-છીપ, ઊન, સૂતર, રેશમ તથા સિન્થેટિક યાર્ન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આવી ચીજવસ્તુઓના નિર્માણમાં જે તે નમૂનાનાં કદ, આકાર વગેરે તેના ઉપયોગને આધારે નક્કી કરવામાં આવે છે. માનવમાં આદિમ કાળથી કલાસૌન્દર્યની દૃષ્ટિ રહેલી હોવાથી આવી ઉપયોગી વસ્તુઓમાં સુશોભનનું તથ્ય ઉમેરવાના એના વૃત્તિવલણના કારણે સુશોભનનાં કલા-કસબનો ઉદભવ-વિકાસ થયો.

સુશોભન છે તો વસ્તુ પર બહારથી થયેલું ઉમેરણ; પરંતુ માત્ર બાહ્ય ન રહેતાં વસ્તુનું જ અંગભૂત તત્વ બને છે. ગુફામાં માણસ રહેતો થયો ત્યારથી જ તેણે નિવાસ-સંલગ્ન સુશોભનને સ્થાન આપ્યું. વસવાટ માટેનાં બાંધકામ કરતાં માણસે સંરક્ષણ, સુવિધા ઉપરાંત સૌન્દર્યનો પણ વિચાર કર્યો. ઉપયોગના પદાર્થો જોવા ગમે એવા તેણે બનાવ્યા. જેમ જેમ સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ થયો, તેમ તેમ સામાજિક તેમજ ધાર્મિક વિધિવિધાનોના સંદર્ભમાં ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય, સંગીત અને નૃત્ય-નાટકાદિ કલાઓનો અને તદનુષંગે રાચરચીલું, વસ્ત્રાભૂષણ જેવી અનેક ચીજવસ્તુઓની નિર્માણકલામાં પણ વિકાસ થતો રહ્યો. આથી સુશોભનનો ક્ષેત્રવિસ્તાર માનવીય સભ્યતાનાં અનેક અંગોમાં વિસ્તર્યો છે અને એમાં નિવાસ, શરીર, વિધિવિધાન અને પશુપાલન-સંલગ્ન એમ મુખ્ય ચાર વર્ગનાં સુશોભનોનો સમાવેશ થાય છે. એમાં આંતરિક (interior) અને બાહ્ય એવા સુશોભનના મહત્વના બે ભેદ પણ જોવા મળે છે. સુશોભનમાં આમ રાચરચીલું (furnishing), સાદડી-શેતરંજી-ગાલીચા (Rugs and Carpets) અને પડદા (Tapestry) બનાવવાની કલા, કુંભકલા (Pottery) તથા છાબગુંફનકલા (Basketry), ધાતુકામ (Metal work), લાખકામ (Laquer work) અને રંગીન કાચકામ(Stained glass work)ની કલા, વસ્ત્રાભૂષણની કલા, મોઝેક (Mosaic), પુષ્પસુશોભન(Floral decoration)ની કલા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ સુશોભન-કલામાં ભરતગૂંથણનો તેમજ ચાકળા-ચંદરવા ને તોરણ, પાત્રો, રમકડાં વગેરેના નિર્માણ-કસબ પણ સમાવિષ્ટ છે.

આંતરિક રચનાતરેહ અને સુશોભન (Interior design and decoration) : આંતરિક રચનાતરેહ (design) અને સુશોભન-(decoration)નો સંબંધ ભવન-નિર્માણ અને નિવાસની સાથે છે. અહીં ભવન(building)માં સામાન્ય કૂબાથી માંડીને શ્રેષ્ઠીઓની હવેલીઓ અને રાજા-મહારાજાનાં મહેલો, મંદિરો, ગુરુદ્વારાઓ, મસ્જિદો, ગ્રંથાલયો અને સંગ્રહાલયો તથા મોલ, હવાઈ અડ્ડા વગેરેનો પણ સમાવેશ થાય છે. સામાન્ય નિવાસનાં મકાનો અને મહાસ્થાપત્યો વચ્ચેની ભિન્નતા સ્પષ્ટ છે; પરંતુ સુશોભનને સ્થાન તો તે બન્ને ક્ષેત્રે છે.

આંતરિક રચનાતરેહ એવો પર્યાય મકાનના સંદર્ભે 20મી સદીથી પ્રયોજાતો થયો અને એકવીસમી સદીમાં તો ‘ઇન્ટીરિયર ડિઝાઇન’નો નવી અલાયદી વિદ્યાશાખા તરીકે પણ વિકાસ થઈ ચૂક્યો. આ સદીમાં સામાન્ય મકાનથી માંડીને તે મહાલય બાંધવા સુધીમાં માત્ર સ્થપતિથી ચાલતું નથી, આંતરિક રચનાતરેહકાર(interior designer)ની સેવા પણ લેવી પડે છે. વ્યક્તિગત જરૂરત માટેનું નિવાસસ્થાન હોય કે જાહેર જનતાના ઉપયોગ માટેનું સ્થાપત્ય હોય, બધે જ આંતરિક રચનાતરેહકારની સેવા લેવામાં આવે છે. બાંધકામ માટેની મોટી કંપનીઓમાં તો આ માટેનો જુદો વિભાગ જ હોય છે; જેમાં પ્લાનર, આર્કિટેક્ટ ઉપરાંત ઇન્ટીરિયર ડિઝાઇનરનો પણ સમાવેશ થયો હોય છે.

સુશોભન-કલાના ક્ષેત્રે ગુજરાતની આગવી સાંસ્કૃતિક પરંપરા છે, એનું આગવું રૂપ છે. ગુજરાતનાં ગામડાં અને નગરોમાં વસતો મોટો ભાગ કૃષિ સાથે સંકળાયેલો છે. ગ્રામ અને નગરમાં મોટેભાગે જ્ઞાતિ અને વ્યવસાયના ધોરણે વસવાટ થયેલો હોય છે. એમના અલગ અલગ ‘પાડા’ કે ‘પોળ’ નામે ઓળખાતા વિસ્તારો હોય છે. એમનાં મકાનોમાં આગળ ડેલી, સાથે એકઢાળિયું ને પછી ખુલ્લું આંગણ, બાજુમાં ઓસરી અને તેની સાથે સંકળાયેલા એક કે બે ખંડ અને રસોડું હોય છે. ઓસરીમાં રસોડાથી દીવાલ બાજુના ખૂણે પાણિયારું હોય છે, જ્યાં સતી-સૂરધનના ગોખ હોય છે અને પર્વે ત્યાં દીવા તથા વિધિચિત્રો કરાતાં હોય છે. વિધિચિત્રોમાં નાગપંચમીના દિવસે નાગદંપતી, એમનાં સંતાન અને ઘોડિયું આલેખી નાગલા ચઢાવવામાં આવે છે અને તલવટ તથા કુલેરનું નૈવેદ્ય ધરાય છે. ગોયરો, વાસ્તુ અને અન્ય બાધા અને વિધિના જવારા પણ પાણિયારે વાવવામાં આવે છે. અલગ પૂજાસ્થાન કે દેવ-દેવીનો ગોખલો હોય કે ન હોય, સર્વ પ્રકારનાં સતી-સૂરધન-કુળદેવીના કરનાં નૈવેદ્ય અને દીપ પાણિયારે થાય છે. રસોડું અને પાણિયારું પરમ પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને ત્યાં સર્વ પ્રકારે શુદ્ધિ પાળવામાં આવે છે.

ગુજરાતી નિવાસનું બીજું મહત્વનું અંગ હીંચકો અને ખાંડણિયો છે. હીંચકો ઓસરીમાં લટકાવેલો અને ખાંડણિયો ત્યાંની ભોંયમાં જડેલો-ઉતારેલો હોય છે. વર્ષના આદ-દશ માસ ગરમીના હોવાથી પાટ કે ખાટથી માંડીને તે હીંડોળો ગુજરાતી નિવાસની આંતરિક શોભાની દૃષ્ટિએ રળિયામણું ને ઉપયોગી અંગ બની રહે છે. ઓસરીમાં દીવા મૂકવાની પૂતળીઓ કે ગોખ હોય છે. વળી નિવાસમાં લીંપણ ને આભલાવાળી મજૂસ પણ હોય ને દીવાલને શોભાવતા ચાકળા પણ હોય. વળી બારણે કપડાનાં, મોતીનાં તોરણ પણ હોય. અંદરના ખંડમાં ધાનની માટીની કોઠી અને પેટી-પટારા રાખવામાં આવતા હોય છે. રસોડામાં ગારમાટીથી આંગળાની લયાત્મક ગતિ અને છાપથી લીપેલાં અને આભલાં જડેલાં તાકાં હોય છે, જેમાં પાણી ભરેલા પાત્રમાં ઘી, દૂધ, દહીં મૂકીને લાંબો સમય જાળવી રાખવાની યુક્તિ અજમાવવામાં આવી હોય છે. ખૂણામાં રહેતા ડામચિયાને ‘ચંદરવા’થી ઢાંકવામાં આવે છે. જોકે હવે સોસાયટીનાં પાકાં મકાનોમાં નિવાસ કરવાનો થતાં આ ભાતતરેહમાં પશ્ચિમી ઢબના પ્રભાવે પરિવર્તનો આવવા લાગ્યાં છે.

ગુજરાતના સ્થાપત્યનું એક લાક્ષણિક અને ઉત્તમ અંગ કચ્છના બન્ની વિસ્તારનો માલધારીઓનો ભૂંગો છે. વર્તુળાકાર અને ઉપર ઘાસનું છાજ ધરાવતા માટીના આ મકાનનો આંતરબાહ્ય દેખાવ રચનાતરેહની દૃષ્ટિએ સવિશેષ નોંધપાત્ર છે.

બાહ્ય રચનાતરેહ અને સુશોભનની દૃષ્ટિએ ગુજરાતમાં સામાન્ય રહેણાકનાં મકાનો, હવેલીઓ, મહેલો, મંદિરો, મસ્જિદો, ગઢો વગેરેને પોતપોતાનાં કેટલાંક આગવાં ઓળખચિહનો છે. છૂટાંછવાયાં આદિવાસી ઝૂંપડાંઓ અને ગામડાંના કૂબાઓની બાહ્ય ભાતને પહાડના ઢોળાવ કે સમુદ્ર, નદી જેવા જળાશયોના કાંઠાઓ કોઈ અનોખો કુદરતી પરિવેશ આપે છે. એમના નિર્માણમાં વાંસ, તાડપત્ર, ગાંઠો ધરાવતી વિશિષ્ટ આકારોની વૃક્ષોની ડાળીઓ, મુંજ કે કાથી વગેરેનો ઉપયોગ થાય છે. એથી માનવનિર્મિત પદાર્થ પણ કુદરતી પરિવેશનું અંગ બની જાય છે. રણમાં કે ગામ-ગોંદરાની સીમના છારા, ડાકબજાણિયા, મદારી અને લુહારિયાના જે તંબુઓ હોય છે, તેમનો બાહ્ય પરિવેશ પણ એમના દંગાનાં દેવીનાં ત્રિશૂળ, ધજા જેવાં પ્રતીકોથી આગવું રૂપ ધારણ કરે છે.

કચ્છી ભૂંગો

મોટી હવેલીઓ, મહાલયો, રાજમહેલો, મંદિરો વગેરેની બાહ્ય ભાત તો એમના સ્થાપત્યનાં ગવાક્ષાદિ અંગોથી જાણી શકાય છે. ધ્વજદંડ, દીપમાળ, શિખરો, આગળનો ચાચરચોક વગેરે તેમનાં પરિચાયક અંગો છે. ગુજરાતમાં જેટલાં રાજપરિવર્તન થયાં, અવનવી જાતિઓનાં આગમન અને સ્થાયીકરણ થયાં તેની જ વિશિષ્ટ અસર આંતરિક અને બાહ્ય તરેહ-ભાત પર પડી. જેમ સલ્તનત અને મુઘલની અસર પડી તેમ ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજોની અસર પડી. ગુજરાતમાં અઢારમી સદીના ઉત્તરાર્ધ પછીનાં જે સ્થાપત્યો છે તેના પર પશ્ચિમની સીધી અસર છે. આ અસર રાજમહેલ, નગરના ગ્રીન ચોક, નાટકશાળા કે ઑપેરાહાઉસ, ગ્રંથાલય, હૉસ્પિટલ વગેરેની રચનામાં જોવા મળે છે.

આંતરિક રચનાતરેહના સિદ્ધાંતો : આંતરિક રચનાતરેહ ભવનનિર્માણ(architecture)ની નિશ્ચિત થયેલી ને જુદી પડેલી શાખા છે; પરંતુ એથી કંઈ એ જુદું કે વધારાનું નહિ, પરંતુ એને સંલગ્ન એવું અંગ છે. ભવનનિર્માણનાં આવાં અંગોમાં સ્થળયોજના (site planning), ભૌમિક પરિદર્શન (landscaping), નિર્માણાધીન ભવનનું માળખું ને એને સ્પર્શતી બાબતો, સ્થાપત્યકીય આલેખ (architectural graphics), મકાનના આંતરિક ભાગો અને તેની રચનાતરેહો, બાહ્ય દેખાવ અને પરિવેશ વગેરેનો સમાવેશ થાય છે. મુખ્ય સ્થપતિ જરૂર પડે ત્યાં અન્ય તદ્વિદોની સહાય લઈને આ બધાં જ અંગો દૃષ્ટિમાં રાખીને ભવનનું સ્થાપત્યવિધાન કરે છે. હાલ તકનીકી વિકાસ ઘણો થયો છે. તેથી તેનાં વિવિધ અંગોનું ખાસ પ્રશિક્ષણ લીધું હોય એવા તજ્જ્ઞો આવા એકમમાં કામ કરે છે. સહુને ભવનનિર્માણની અંતર્ગત પોતાની વિદ્યાકલા પ્રયોજવાની હોય છે.

આંતરિક રચનાતરેહ માટે પણ આધુનિક સમયમાં ખાસ તજ્જ્ઞોની સેવા મળે છે, જેઓ ‘ઇન્ટીરિયર ડૅકોરેટર’ તરીકે ઓળખાય છે. એના અંગે સામાન્ય ખ્યાલ એવો છે કે દીવાનખંડ, શયનકક્ષ, રસોડું વગેરેમાં કેવા રંગો વાપરવા, કેવા પ્રકારનું હેરફેર કરી શકાય કે ન કરી શકાય એવું રાચરચીલું બનાવવું તે ઇન્ટીરિયર ડૅકોરેટરનું કાર્ય છે. હકીકતે આ ખ્યાલ પર્યાપ્ત નથી. આ ઉપરાંત પણ આંતરિક ઉપયોગિતા અને શોભાનાં અંગો બાબત બીજું ઘણું પણ એને વિચારવાનું હોય છે.

આધુનિક યુગમાં ઇન્ટીરિયર ડૅકોરેટર અને ઇન્ટીરિયર ડિઝાઇનર જુદા જુદા હોય છે. બંનેનાં કાર્યક્ષેત્રો પણ જુદાં પડે છે. ભવનના વિવિધ ભાગોની જગ્યાના આયોજકની સ્પેસ-પ્લાનરની કામગીરી ઇન્ટીરિયર ડિઝાઇનર સંભાળે છે, જ્યારે આંતરિક રંગ અને રાચરચીલાનું આયોજન ઇન્ટીરિયર ડૅકોરેટર સંભાળે છે. ઇન્ટીરિયર ડિઝાઇનર સ્પેસ-પ્લાન આપે છે અને ક્યાં, કેટલી જગ્યા રાખવી તેનો નિર્ણય કરે છે. કોઈ મહાનગરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિમાનોની અવરજવર માટેનું ઍરપૉર્ટ બાંધવું હોય, અનેક રાજ્યોમાંથી વિવિધ દર્દોની સારવાર માટે કાર, ટ્રેન કે હેલિકૉપ્ટરથી પણ દર્દીઓ જ્યાં આવી શકે એવી વિશાળ કદની હૉસ્પિટલ બાંધવાની હોય, વિશ્વભરના રાજનીતિજ્ઞો કે વૈજ્ઞાનિકો જ્યાં એકત્ર થવાનાં અને કાર્યરત રહેવાનાં હોય એવાં વિશાળ આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાનાં ભવનો બાંધવાનાં હોય, આંતરરાષ્ટ્રીય કંપનીઓનાં બૅન્ક, હોટલ આદિ માટેનાં બહુમાળી સ્થાપત્યો રચવાનાં હોય ત્યારે ખાસ સ્પેસ-પ્લાનરોને રોકવામાં આવે છે. એ અંદર-બહારની જગ્યાનાં સ્થાન, પરિમાણ વગેરે નક્કી કરે છે. આવાં સ્થાનોમાં રહીને કામ કરનારની નજર બહાર પડે ત્યારે એની દૃષ્ટિમાં શું આવવું અને શું ન આવવું જોઈએ એનો વિચાર પણ સ્પેસ-પ્લાનર કરે છે.

જગ્યા જેટલું જ બીજું મહત્વનું પાસું હવા-ઉજાસનું છે. આ બંને માટે આજે વીજળીનાં ઉપકરણોનો ઉપયોગ કરવો પડે છે; આમ છતાં કુદરતી રીતે હવા-ઉજાસ મળી શકે, એવું આયોજન સ્પેસ-પ્લાનર દૃષ્ટિમાં રાખે છે. જગ્યા વિશાળ લાગે, પરંતુ બિનજરૂરી વિશાળતા આંખને ન ખૂંચે અને બધું જ પ્રમાણસર લાગે એવું આયોજનમાં ધ્યાનમાં લેવામાં આવે છે.

અમેરિકાનાં જાહેર ઉપયોગનાં અનેક સંસ્થાકીય ભવનો તથા ગુજરાતનાં આઇ.આઇ.એમ., માઇકા, નિરમા અને સેપ્ટની કૉલેજ માટેનાં ભવનોના નિર્માણમાં ઇન્ટીરિયર ડિઝાઇન અને સ્પેસને લગતાં આધુનિક સિદ્ધાંતો લક્ષમાં લેવાયાં છે.

રાચરચીલું : બેસવા, સૂવા, લખવા જેવાં કાર્યો માટેનાં સાધનોનો રાચરચીલામાં સમાવેશ થાય છે. એને પણ મકાનની આંતરિક ભાતતરેહ સાથે સંબંધ છે. રાચરચીલું ઇન્ટીરિયર ડૅકોરેશનનો ભાગ કે એનું અંગ છે. Furniture-ના ગુજરાતી પર્યાય તરીકે ‘રાચરચીલું’ પ્રયોજાય છે. ‘Furniture’ એવો અંગ્રેજી પર્યાય ‘Fourniture’ એવા ફ્રેન્ચ ભાષાના શબ્દ પરથી આવ્યો છે. આ ફ્રેન્ચ પર્યાયનો અર્થ પણ ‘સાધન-સામગ્રી’ (equipment) – એવો થાય છે.

રાચરચીલાનાં મૂળ 5000 વર્ષ જેટલાં પ્રાચીન હોવાનું સુનિશ્ચિત છે. ઇજિપ્તમાંથી વાળી શકાય તેવા (folding) નાના ટેબલના અવશેષ મળ્યા છે. તે ઈ. પૂ. 1500 જેટલા જૂના છે. ભારતમાં પણ આ કાળે વિવિધ પ્રકારનાં બેઠક માટેનાં આસનો અને ખાદ્યપેય માટેનાં પાત્રોનો વિકાસ થઈ ચૂક્યો હતો, તે ઋગ્વેદ તથા યજુર્વેદમાં વેદીના, કુંડના અને અગ્નિસ્થાપન તથા આહુતિ માટેનાં પાત્રોના જે ઉલ્લેખો મળે છે, તે પરથી સુનિશ્ચિત થાય છે. વેદોત્તર મહાકાવ્યકાળમાં અને પ્રશિષ્ટ કાળમાં તથા મૌર્ય અને ગુપ્તકાળ સુધીમાં તો સૂવા-બેસવાનાં અનેક પ્રકારનાં સાધનો વિકસી ચૂક્યાંનો સ્પષ્ટ નિર્દેશ તત્કાલીન સાહિત્ય અને શિલ્પાદિમાં જોવા મળે છે. આધુનિક સમયમાં ભારતમાં પ્રચલિત ખુરશી, ટેબલ, પલંગ જેવાં રાચરચીલાનાં મૂળ પશ્ચિમમાં છે. ગુજરાતનાં તળપદા રાચરચીલામાં પટારા, પાટલા, તાકાં, મજૂસ, માંચી-સાંગામાંચી, ખાટલા-ખાટલી-ઢોલિયા, છાણ-માટીની બનાવેલી અનાજની કોઠીઓ વગેરેનો સમાવેશ થાય છે.

દરેક પ્રદેશના રાચરચીલાનો આધાર સ્થાનીય વાતાવરણ પર રહે છે. લોકોને કુદરત સાથે અનુકૂલન કરવામાં રાચરચીલું સહાય કરે છે. વિષુવવૃત્તની નજીકના દેશોને વિષમ શીતકાલનો અનુભવ કરવો પડતો નથી, જ્યારે વિષુવવૃત્તથી દૂર રહેલા પ્રદેશોમાં વસતા લોકોને વિષમ શીતકાલને કારણે વર્ષના છ-આઠ મહિના ઘરમાં જ વિતાવવા પડે એવી સ્થિતિ રહે છે. આવી ભૌગોલિક પરિસ્થિતિની અસર વિશ્વના વિવિધ દેશો અને તેમના રાચરચીલા પર પડી છે.

રાચરચીલું બનાવવા માટેના પદાર્થોમાં લાકડું, લોખંડ, નેતર, પ્લાસ્ટિક જેવા અનેક પદાર્થોનો ઉપયોગ થાય છે. આમાં લાકડું વાપરવાની પરંપરા પ્રાચીન અને બહુ પ્રચલિત છે. લાકડું પહેલેથી જ કુદરતી રીતે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ રહેલો પદાર્થ છે અને તેમાં સેંકડો પ્રકાર છે. વળી ઇમારતોમાં તથા રાચરચીલાંમાં સાગ, સીસમ વગેરેનો ઉપયોગ થાય છે. લાકડું એવો ટકાઉ પદાર્થ છે, જેને કાપી-ઘસી શકાય, ધાર્યો આકાર આપી શકાય, રંગી શકાય, નાના નાના એકમો બનાવી તેને જોડી ધાર્યા વળાંક આપી શકાય તથા રંગથી અને ચિત્રભાતથી સુશોભિત કરી શકાય. આથી જ રાચરચીલા સાથે ગૃહસુશોભનની વિવિધ કલાઓ અને કસબોનો વિકાસ થયો અને સૂવા-બેસવા જેવાં કાર્યો ઉપરાંત રમકડાં, ખેલનાં પ્યાદાં, શોભાની પૂતળીઓ વગેરે બનાવવામાં તેનો ઉપયોગ થયો.

કાષ્ઠનાં રાચરચીલાં સાથે જ કાષ્ઠશિલ્પ અને કાષ્ઠકોતરણીનો વિકાસ થયો. પહાડી ક્ષેત્રમાં ઊગતાં અખરોટ અને દેવદાર જેવાં વૃક્ષોના નરમ કાષ્ઠમાંથી વિવિધ શિલ્પોનો – પુષ્પ-વેલની ભાતકોતરણીનો વિકાસ થયો. કાષ્ઠકલાના અનુષંગે રંગકામ, નકશીકામ, સંઘેડાકામ વગેરેનો પણ વિકાસ થયો.

ભારત તથા ગ્રીસમાં જ્યાં સૂર્યપૂજા, સર્પપૂજા વગેરેનાં વિધિવિધાન થતાં ત્યાં ધાર્મિક સ્થાને યજ્ઞવેદી અને પુરોહિત તથા રાજવી માટેનાં સત્તાના પ્રતીકાત્મક દંડ અને આસન અસ્તિત્વમાં આવ્યાં. આમાં કાષ્ઠ ઉપરાંત આરસ જેવા પથ્થર અને વિવિધ ધાતુઓનો પણ ઉપયોગ થયો.

લોખંડના રાચરચીલાનો આરંભ 18-19મી સદીથી થયો. લોખંડ ગાળીને એનાં પતરાં અને સળિયા બનાવી, તેમાંથી રાચરચીલું બનાવવાના ઉદ્યોગનો વિકાસ થયો. આ સાથે જ રાચરચીલું સસ્તું થયું અને જનસામાન્યમાં પણ તેનો ઉપયોગ વધતો ગયો. લોખંડમાંથી પલંગ, ખુરશી, ટેબલ વગેરે બનવા લાગ્યાં અને તે ઘરમાં તથા ધર્મશાળા, દવાખાનાં, છાત્રાલય, હોટલમાં વપરાવા લાગ્યાં. લોખંડનું રાચરચીલું સસ્તું અને ટકાઉ હોવાથી તેનો વપરાશ વધવા લાગ્યો.

લોખંડની જેમ ઇટાલી જેવા દેશોમાં કાચનો પણ ઉપયોગ રાચરચીલું બનાવવા થવા લાગ્યો. ટેબલ, ખુરશી જેવાં સાધનો કરતાં કાચ વિવિધ આયના, કટોરા, તાસક વગેરે બનાવવામાં વિશેષ અનુકૂળ બન્યો. કાચનો ઉપયોગ કરીને મંદિરો અને શીશમહલનાં પણ નિર્માણ થયાં.

યંત્રીકરણના વિકાસની સીધી અસર રાચરચીલાના નિર્માણ અને વપરાશ પર પડી. મશીન અને ધાતુના કારણે રાચરચીલાનાં ઘાટઘૂટમાં પરિવર્તન આવ્યું અને રાજરજવાડાં અને જમીનદારની જેમ જનસામાન્યનો વર્ગ પણ રાચરચીલું વસાવતો થયો. પ્લાસ્ટિક-ઉદ્યોગના વિકાસની અસર પણ રાચરચીલા પર પડી અને વિવિધ ભાત તથા રંગનાં ટેબલ, ખુરશી બનવા લાગ્યાં. પ્લાસ્ટિકનાં સાધનો વજનમાં હળવાં અને કિંમતમાં સસ્તાં હોવાથી એમનો ઉપયોગ વધવા લાગ્યો.

બેઠક માટેનાં રજવાડી પલંગ, સોફા, મેજ વગેરેમાં તેમજ કબાટમાં પણ નકશીકામનો ઉપયોગ થતો હતો અને એમાં સુંવાળાં પીછાં, રેશમી રૂ અને કિનખાબના કાપડનો ઉપયોગ થતો હતો. વળી પોચી ગાદી માટે નાળિયેરનાં છોતરાં, સ્પ્રિંગ, સિન્થેટિક વાદળી (સ્પૉન્જ) વગેરે પણ વપરાતાં થયાં.

કાષ્ઠકલાની કોતરણીવાળો બે માળનો સુશોભિત કબાટ

પાથરણાં અને ધાબળા (Carpets અને Rugs) : સૂવા કે બેસવા માટેનાં પાથરણાંમાં વિવિધ પ્રકારના રેસા-તંતુઓનું વણાટકામ હોય છે અને એવું જ કામ ઠંડીથી રક્ષણ મેળવવા માટેના ધાબળા-ઓઢણાં વગેરેમાં હોય છે. આ બંનેનો સમાવેશ ગૃહોપયોગી સાધનસામગ્રીમાં થાય છે. આ બંનેનો વિશ્વભરમાં વ્યાપક ઉપયોગ થાય છે અને એમાં કલાવૈવિધ્ય પણ અપાર જોવા મળે છે.

વિશ્વની વિવિધ જાતિઓએ પોતપોતાના પ્રદેશમાં સાહજિક રીતે ઉપલબ્ધ થતા તંતુઓનો પાથરણાં અને ઓઢણાંમાં ઉપયોગ કર્યો છે. વિષુવવૃત્તીય પ્રજાઓએ ગાર-માટીનાં લીંપણથી ચલાવી લીધું, પરંતુ રણમાં અને ઠંડા પ્રદેશોમાં વસનારને ઊન અને ચામડાંનો ઉપયોગ કરીને પાથરણાં વાપરવાં જરૂરી બન્યાં. અત્યંત ઠંડા પ્રદેશોમાં વસતા લોકોએ લાકડાની છો બનાવી તેના પર દીવાલના એક છેડાથી બીજા છેડા સુધી ચુસ્ત રીતે પાથરણાં જડવાં પડ્યાં. ગુજરાતમાં સૂવા-બેસવા માટેનાં પાથરણાંમાં આસન, ચટાઈ, મોદ, શેતરંજી, ગાલીચા વગેરેનો ઉપયોગ થાય છે. વ્યક્તિને બેસવાની સુવિધા આપતું આસનિયું સામાન્ય રીતે ઊનનું કે સૂતરનું બનેલું હોય છે. એ સામાન્ય રીતે સાદું અને ચોરસ તથા કિનાર બાંધેલું કે ફૂમતાંવાળું હોય છે. એકાધિક વ્યક્તિઓને બેસાડવા માટે લંબચોરસ પટ્ટો વપરાય છે. બરુ જેવા ઘાસની સળીઓને ગૂંથીને બનાવેલી ચટાઈ બેસવા-સૂવાના ઉપયોગમાં લેવાય છે. રંગીન દોરાવાળી ને લાકડી પર વીંટેલી ચટાઈનો ઉપયોગ બારી કે બારણાંના પડદા તરીકે થાય છે. મોદ એ ગુજરાતના ગ્રામીણ પ્રદેશમાં વપરાતી પાથરવા માટેની લાંબા-પહોળા પટની જાડી ચાદર છે. માંગલિક કે અન્ય પ્રસંગે તે આંગણ-ઓસરીમાં કે મંડપમાં પાથરવામાં આવે છે.

ગુજરાતમાં ઓઢણાં-ધાબળામાં ગોદડી, ધડકી, રજાઈ, પછેડી, ધૂંસાકામળી વગેરેનો ઉપયોગ થાય છે. ગોદડી નકામા બનેલાં સાડલા, ચણિયા, ઓઢણી વગેરેના કાપડનાં પડ પર પડ ચડાવીને દોરા વડે સીવીને બનાવાય છે. તે ઠંડીમાં વપરાતું સસ્તું અને સાદું સાધન છે. સામાન્ય રીતે ભાતીગળ કપડાના પડની વચ્ચે રૂ ભરીને રજાઈ બને છે. ધૂંસા, ધાબળા, કામળી વગેરે ઘેટાં, બકરાં, ઊંટ જેવાં પશુઓના ઊનમાંથી બને છે. ધૂંસાને મુકાબલે ધાબળાનો પટ વિશેષ ઘટ્ટ અને સુંવાળો હોય છે. સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠાના માલધારીઓમાં ધાબળા બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.

ગાલીચા : વિશિષ્ટ ગૂંથણ અને રંગીન ભાત તથા આકૃતિઓ ધરાવતા પાથરણાને ગાલીચો કહેવામાં આવે છે. અંગ્રેજી ‘Carpet’ શબ્દ તો જમીન પર જડીને પાથરવામાં આવતા સુતરાઉ, રેશમી કે ઊની વસ્ત્રપટ માટે વપરાય છે. ગુજરાતીમાં શેતરંજી, ચટાઈ કે સાદા પાથરણાના મુકાબલે, જેના પર વિશેષ કલાત્મક ભાત અને આકૃતિઓ હોય અને જેની જાડાઈ સામાન્ય પાથરણાથી વધારે હોય તેવા ખાસ પ્રકારના પાથરણા માટે ‘ગાલીચો’ શબ્દ પ્રચારમાં છે. એનો આરંભ મુસ્લિમ કાળ(મુઘલ કાળ)થી ભારતમાં વ્યાપક બન્યો અને પંજાબ, કાશ્મીર જેવા ભારતીય પ્રદેશોમાં એના નિર્માણના કસબનો વિકાસ થયો.

સુશોભિત ગાલીચા

ગાલીચાનો ઉદભવ એશિયામાં થયો અને સમૃદ્ધ કુટુંબોમાં તેનો વપરાશ વધ્યો. આ ઉદ્યોગ વિશેષત: પર્શિયા એટલે કે હાલના ઈરાનમાં ખીલ્યો. આજે તો ‘પર્શિયન કાર્પેટ’ વિશ્વખ્યાત છે. એના ચાર પ્રકાર છે, જેમાં મિતાન-ફર્શ (Mitan farsh) 18´ × 8´(5.5 × 2.5 મી.)ની હોય છે. મહાલયના મધ્યખંડના કેન્દ્રમાં તે પથરાય છે. બીજો પ્રકાર છે તે કનારેચ(Kanarech)નો. તે 18´ × 3´(5.5 × 0.9144 મી.)ની હોય છે અને ચાલવાના માર્ગમાં વપરાય છે. ત્રીજો પ્રકાર કેલેગી (Kellegi)નો છે, જે 12´ × 6´(3.66 × 1.83 મી.)ની હોય છે અને તે ત્રણ ગાલીચાની ગોઠવણમાં છેવાડે આવે છે. ચોથો પ્રકાર નમાઝલિક(Namāzlik)નો છે, જેના પર બેસીને નમાજ પઢાય છે. તે નાની અને વીંટો વાળીને સાથે લઈ જઈ શકાય એવી હોય છે. મસ્જિદના મિહરાબ (Mihrāb) નામે ઓળખાતા ગોખમાં તે રાખી શકાય છે અને નમાજ અદા કરનાર એનો ઉપયોગ કરે છે.

17મી સદી સુધીમાં તો એશિયામાં બનેલા ગાલીચા યુરોપમાં જતા અને રાજમહેલ અને દેવળમાં તથા અમીરોની હવેલીઓમાં પથરાતા. 20મી સદીથી આવા ગાલીચા ભીંત પર પણ શોભા માટે લગાડવામાં આવતા થયા. મહેલોના ગવાક્ષો, બારીઓ, ખંડો, તંબૂઓના પ્રવેશદ્વાર માટે તેમજ ઘોડાનાં જીન, મૂલ્યવાન વસ્તુઓ રાખવાના ખલતામાં તથા ભેટસોગાદના રૂપે આપવા માટે પણ ગાલીચાનો ઉપયોગ થવા લાગ્યો.

ઈ. પૂ. ચાર પાંચ હજારથી ઊનનાં તંતુઓ ગૂંથીને ગાલીચા બનાવવાનો ઉદ્યોગ વિકસી ચૂક્યો હતો. આ કાળે ઘોડેસવાર શિકારીની આકૃતિઓવાળા ગાલીચા પણ બન્યા.

ગાલીચામાં પુષ્પ, પુષ્પલતા, પુષ્પદાન, સૂર્ય, ચંદ્ર, માનવ, દેવદૂત – એમ અનેક પ્રકારની આકૃતિઓ અને વિવિધ ભાતોનો ક્યારેક તો પ્રતીકાત્મક રૂપે પણ ઉપયોગ થયો છે. ઈરાન, ઇજિપ્ત, ચીન, જાપાન, ભારત વગેરેમાં પણ મધ્યયુગથી ગાલીચાના નિર્માણમાં વેગ આવતો જોવા મળે છે. 18મી સદીથી સ્કૅન્ડિનેવિયા, બ્રિટન, આયર્લૅન્ડ અને અમેરિકામાં પણ ગાલીચાનો ઉદ્યોગ વિકસ્યો.

પડદા : બારીબારણાંમાંથી આવતાં હવા અને પ્રકાશને અટકાવવા માટે કે રાચરચીલાંને ધૂળરજથી સુરક્ષિત રાખવા માટે તેમને ઢાંકી રાખવા માટે પ્રમાણમાં જાડા અને ભરત ભરેલા પટ વપરાય છે, જેમને પડદા કહેવામાં આવે છે. સામાન્ય રીતે 17મી સદીથી વણાટના જાડા અને ભારે પટનો પડદા રૂપે વપરાશ થતો આવ્યો. તેનો ઉપયોગ એક મોટા ખંડને નાના વિભાગમાં વિભક્ત કરવા માટે પણ કરવામાં આવે છે.

પડદો એક જ સળંગ પટનો બનેલો અથવા જોડમાં પણ હોય છે. તે ઉપયોગ પ્રમાણે નાનું-મોટું કદ ધરાવે છે. બારીના પડદા ટૂંકા ને બારણાંના લાંબા હોય છે. આવા પડદા સૂતર, ઊન, રેશમ, સિન્થેટિક રેસાઓ વગેરેથી બનાવવામાં આવે છે. મુસ્લિમ પ્રદેશોમાં 17મી સદીથીયે પહેલાં પડદાનો ઉપયોગ થતો હતો. આરંભના પડદા પર ભાત અને આકૃતિઓનાં બીબાં છાપવામાં આવતાં હતાં; પરંતુ પછી વિવિધ રંગના દોરાઓને ગૂંથીને ભાત ઉપસાવવાની પદ્ધતિ પ્રચારમાં આવી. એ ઉપરાંત પડદા પર ભરતકામ દ્વારા જરૂરી ભાત કે આકૃતિ ઉપસાવવાની પદ્ધતિ પણ અસ્તિત્વમાં આવી. પડદા પરના ભરતમાં રેશમ, ઊન, સૂતર વગેરેના દોરાઓ વાપરવામાં આવતા હતા. ફ્રાંસમાં તો આ પ્રકારના પડદા માટેનાં કારખાનાં પણ શરૂ થયાં અને સોના-રૂપાના તાર ભરેલા કીમતી પડદાઓ પણ બનતા થયા.

ઇજિપ્તના પિરામિડમાંથી ઈ. પૂ. 1483ના પડદા મળ્યા છે. રશિયામાંથી પણ ત્રીજી-ચોથી સદીના પડદાના કેટલાક નમૂના મળ્યા છે. ચીન-જાપાનમાં તો પ્રાચીન કાળથી જ પડદા બનતા હતા અને તેનો એક વિશેષ ઉપયોગ ખુરશીના આસનને મઢવામાં થતો હતો. ભીંતચિત્ર તરીકે સુશોભનમાં કલાત્મક લાગે તેવાં શિકાર, યુદ્ધ, નૌકાયાન વગેરેનાં ચિત્રવાળા પડદા પણ સુશોભન-કલાની સંપદા રૂપે વિવિધ સંગ્રહાલયોમાં જોવા મળે છે.

મઢેલી ખુરશી

કુંભકલા (Pottery) : માટીને ગરમીથી સખત બનાવીને તેમાંથી પાત્રાદિ બનાવવાના કલા-કસબને કુંભકલા કહેવામાં આવે છે. પાત્રો કે ઉપયોગનાં બીજાં સાધનો બનાવવામાં માટી ઉપરાંત લાકડું, પથ્થર, ધાતુ જેવા પદાર્થો પણ વપરાય છે. પ્રાચીન કાળથી જ સભ્ય અને સંસ્કૃત બનેલા માનવે વિવિધ પ્રકારનાં પાત્રો, ઓજારો વગેરે બનાવ્યાં આથી એનાં ઉદગમ-મૂળ અને ઇતિહાસ પ્રાચીનતમ છે.

શિકારનાં ચિત્રવાળો પડદો

માટી, પથ્થર અને લાકડા જેવા પદાર્થોમાંથી પાત્રો બનાવવાની શોધ ભારત અને યુરોપમાં વસતી આર્ય પ્રજામાં તો પ્રાચીન કાળથી જ વિકસી ચૂકી હતી. આનાં પ્રમાણો વેદમાં મળે છે. ઋગ્વેદ અને યજુર્વેદ અન્તર્ગત રુદ્રીના આઠ અધ્યાય છે. તેમાં યજ્ઞસિદ્ધિના અધ્યાયમાં અયન, ત્રયુ વગેરે ધાતુઓ તથા અનેક પ્રકારનાં યજ્ઞવિધિસંલગ્ન પાત્રોના ઉલ્લેખો મળે છે. ઇજિપ્તના પિરામિડો તથા મોહન-જો-દડો અને લોથલ જેવાં સ્થળોનાં ઉત્ખનનમાંથી પણ માટી, પથ્થર અને ધાતુના બનેલાં વિવિધ પાત્રો અને અન્ય સાધનો મળ્યાં છે. તે સિદ્ધ કરે છે કે માટીકામની અને ધાત્વાદિ પાત્રનિર્માણની કલા અને તેનો કસબ પ્રાચીનતમ છે.

ભીંત માટેનો સુશોભિત પડદો

પ્રાચીન કાળના મૃણ્મય પાત્રોમાં કુંભ અને કળશ ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ મંગળમય ધાર્મિક પ્રતીકો છે. આનું કારણ એ છે કે કુંભ અને અન્ય પાત્રોના નિર્માણ પછી જ માણસ પોતાનાં નિવાસમાં અન્ન અને પાણી રાખી શકતો થયો અને તે માટે મૂળ સ્રોતોનાં સ્થળોએ ભટકવાની મથામણથી મુક્ત થઈ સાચા અર્થમાં ‘ગૃહસ્થ’ બની શક્યો. આથી જ ધાર્મિક સંસ્કારવિધિઓમાં કુંભકારને, માટીને, ગારને, કુંભને, રામપાતર અને નાનાં કોડિયાના બનેલા સંપુટને વિશિષ્ટ સ્થાન અને મહત્વ અપાયાં છે.

માટી પકવીને એનાં ચળકતાં અને ટકાઉ પાત્રોના નિર્માણમાં વિશ્વક્ષેત્રે વિશેષ પ્રદાન ચીનનું છે. આર્ય અને ઈર્ય પ્રજાઓએ માટીનાં પાત્રોને અગ્નિ અને સૂર્યના તાપથી પકાવીને પાકાં કર્યાં, પરંતુ માટીને જ ઊંચા તાપમાને પકાવીને એનું પોર્સિલિન-અપારદર્શક કાચ-માં રૂપાન્તર કરીને ચળકતાં અને વિશેષ ટકાઉ પાત્રોના નિર્માણનો કસબ ચીનમાં સિદ્ધ થયો. અન્ય પ્રજાઓનાં પાત્રો મૃત્તિકાપાત્રો – earthernware અને ધાત્વિકી – metallurgy પ્રકારનાં હતાં ત્યારે ચીન-જાપાનનાં પાત્રો પોર્સિલિનનાં બનેલાં હતાં. મૃત્તિકામય અને પથ્થરનાં પાત્રો – Stoneware-માં અણુ અણુ વચ્ચે જગ્યા રહેતી હોવાથી ઓછાં-આછાં છિદ્રો હોય છે. આવાં પાત્રોને 500° સે. તાપમાને તપાવતાં રાસાયણિક ફેરફાર થાય છે અને 1600° સે. તાપમાને તપાવતાં તેમનું કાચમાં રાસાયણિક રૂપાન્તર થાય છે. આવાં પાત્રો છિદ્રો વગરનાં (nonporous), કાયીકૃત અપારદર્શક (opaque) બને છે. ચીનમાં આ રીતે માટીને પકાવીને એનું પોર્સિલિનમાં રૂપાન્તર કરવાની પદ્ધતિ જન્મી અને વિકસી. આથી પાત્રો બિનછિદ્રાળુ, સખત, ચળકતાં અને અપઘર્ષણનો મહત્તમ પ્રતિકાર કરનારાં બન્યાં.

પ્રાથમિક રૂપનું પોર્સિલિન બનાવવાનો આરંભ ચીનમાં તાંગ વંશના ઈ. સ. 618-907ના સમયગાળામાં થયો. ઈ. સ. 1279-1368ના સમયગાળામાં કેઓલિન (Kaolin) અર્થાત્ ચીની માટીમાંથી વધારે સારું પોર્સિલિન બન્યું. એને 1450° સે.ના ઊંચા તાપમાને પકાવવામાં આવ્યું. એમાંથી બનેલાં પાત્રો યુરોપમાં પહોંચ્યાં અને લોકપ્રિય બન્યાં. યુરોપના કારીગરોએ દળેલા કાચમાંથી પોર્સિલિન બનાવ્યું અને તે 1200° સે.થી પકવવામાં આવ્યું, જેથી કાનસથી કાપી શકાય એટલું પોચું બને. ઈ. સ. 1870માં ચીનમાં માટી કે દળેલા કાચના ભૂકાને બદલે ફેલ્સ્પાથિક ખડગના ભૂકાનો ઉપયોગ કરીને સખત પોર્સિલિન બનાવવામાં આવ્યું; પરંતુ એમાં ઉપરના પડની પતરીઓ ઊખડી જતી હતી. આથી 18મી સદીમાં ઇંગ્લૅન્ડમાં દળેલા કાચના ભૂકામાં ઢોરનાં હાડકાંની રાખ ઉમેરવામાં આવી. આમ કૅલ્શિયમ ફૉસ્ફેટના ઉમેરણથી પતરી ન ઊખડે એવું પોર્સિલિન બન્યું. એમાંથી હાથીદાંત જેવાં પોર્સિલિનનાં પાત્રો બન્યાં.

આવાં પાત્રોને સુશોભિત કરવા માટે તેના પર ભાત અને આકૃતિનાં ચિત્રાંકન કરવામાં આવ્યાં. આ માટે બે પદ્ધતિ અખત્યાર થઈ : પહેલી પદ્ધતિ હતી પાત્રોને અગ્નિમાં પકાવી તેમને રંગવાની અને ચીતરવાની. આ પદ્ધતિનો ઉપયોગ ભારતમાં પણ કુંભકારો દ્વારા કરવામાં આવતો. એમાં માટીનાં કૂજા, માટલાં, ઘડા, ગરબા, કોડિયાં, રામપાતર, કુલડી વગેરેને ગેરુથી રંગી ખડીથી ભાત કે આકૃતિ પાડવામાં આવે છે. બીજી પદ્ધતિ પાત્ર ઘડતી વખતે જ ભાત ઉપસાવવા(stamping)ની છે. પહેલાંના જમાનામાં પાત્ર કાચું હોય ત્યારે આંગળાંના દબાણ કે દોરીની છાપથી આકૃતિ ઉપસાવવામાં આવતી હતી. બીજી પદ્ધતિ નખ, વાંસની સળી વગેરેથી રેખાંકન કરી પછી તે પાત્રને અગ્નિમાં પકવવાની છે. એક ત્રીજી પણ પદ્ધતિ છે. એમાં કાચા પાત્રની સપાટીને ઘસીને ભાત ઉપસાવવામાં આવે છે. ભારતમાં હડપ્પા-લોથલ-રંગપુર-ધોળાવીરા વગેરેનાં ઉત્ખનનમાંથી જે પાત્રો મળ્યાં છે તે આ ત્રીજી પદ્ધતિનાં ચિત્રાંકનનાં છે. કેટલાંક પશુપક્ષી અથવા અન્ય કોઈ પ્રચલિત ઘટક (motif) લઈને આવાં ચિત્રાંકનો કરવામાં આવતાં હતાં.

આધુનિક કાળે ગુજરાતના મોરબી, વાંકાનેર, થાનગઢ, સુરેન્દ્રનગર, હિંમતનગર વગેરેમાં સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે. તેમાં ચિનાઈ માટીનાં વિવિધરંગી સુશોભન ધરાવતાં કપરકાબી, પ્લેટ, ડિશ, કટોરા બનાવાય છે.

આ કુંભકલાનો ઉત્તમ નમૂનો વિવિધ પ્રકારના કૂજાઓ, પુષ્પદાન – વાઝ વગેરેમાં પણ જોવા મળે છે.

પાત્ર વડે થતાં સુશોભનની વિશિષ્ટ પરંપરા ભારતમાં જોવા મળે છે. એમાં થાળી-લોટા-પ્યાલાથી શણગારવામાં આવતી માંડનો તથા લગ્નસમયે કુંભસ્તંભની રચાતી ચોરીનો સમાવેશ થાય છે. એક સીધા કોડિયા પર બીજું એ જ માપનું કોડિયું ઊંધું વાળી એને નાડાછડીથી બાંધવાની ‘સંપુટ’ની વિધિ પણ આવું પાત્ર દ્વારા થતું ધાર્મિક વિધિગત માંગલિક સુશોભન છે.

સુશોભિત ચિત્ર અને ભાતવાળા કુંભ અને કૂજા

ધાતુકામ (Metal work) પાત્રો અને આભૂષણો : માનવીએ સભ્યતાના વિકાસના આરંભિક તબક્કે માટી, પથ્થર, લાકડું, હાડકાં વગેરેનો ઉપયોગ કરીને પોતાની જરૂરત પ્રમાણેનાં પાત્રો અને આભૂષણો બનાવ્યાં. બીજી ભૂમિકાએ એણે તાંબું, કાંસું, પિત્તળ, સોનું, રૂપું, લોખંડ વગેરેનો ઉપયોગ કરીને ઓજારો, વાસણો અને આભૂષણો બનાવ્યાં. શુદ્ધ અને મિશ્ર ધાતુઓનો ઉપયોગ ભારતમાં પાંચ હજાર કરતાં પણ વિશેષ વર્ષો પૂર્વે થતો હતો એ નિ:શંક છે; કેમ કે, એના ઉલ્લેખ ઋગ્વેદાદિમાં મળે છે. પ્રાચીન સાહિત્યમાં મળતા ઉલ્લેખો તથા પ્રાચીન કાળનાં શિલ્પો વગેરેને આધારે પણ નિ:શંક કહી શકાય કે પ્રાચીન કાળથી જ ભારતમાં ધાતુકામનો ઉદભવ-વિકાસ થઈ ચૂક્યો હતો. ભારતમાં જે 64 કલાઓ ગણાવેલી છે તેમાં એક ‘धात्वौषधीनाम् संयोगक्रियाज्ञानम्’ અર્થાત્ ધાતુ અને ઔષધીના સંમિશ્રણની છે. એ સાથે જ ‘धातुसांकर्यपार्थक्यकरणम्’ અર્થાત્ ‘ધાતુઓનું સંકરણ કરવું અને સંમિશ્ર થયેલી ધાતુઓને જુદી પાડવી’ – એ પણ કલા ગણવામાં આવી છે. આયુર્વેદમાં પણ લોખંડ, સુવર્ણ, મોતી, પારો વગેરેની ભસ્મ બનાવવાની રાસાયણિક પદ્ધતિઓનાં વર્ણનો મળે છે. ‘રુદ્રાષ્ટાધ્યાયી’ના યજ્ઞસિદ્ધિના આઠમા અધ્યાયના 13મા મંત્રમાં ‘श्यामञ्च मे लोहञ्च मे सीसञ्च मे त्रपु च मे यज्ञेन कल्पन्ताम्’ કહેવાયું છે. આ ધાતુઓમાંથી કેવા પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર-પાત્ર-ઔષધ બનાવવામાં આવતાં હતાં તેના નિર્દેશો પણ વેદ ઉપરાંત વીરગાથાકાળ, રામાયણ-મહાભારતકાળ અને પ્રશિષ્ટ કાળના સાહિત્યમાં મળે છે. 64 કલાઓમાં ‘शस्त्रास्त्रकृतिज्ञानम्’ એટલે ધાતુ અને બીજા પદાર્થોમાં શસ્ત્ર અને અસ્ત્ર બનાવવાની કુનેહનો પણ સમાવેશ થાય છે. ‘पाषाणधात्वादि कृतिभस्मकरणम्’ને પણ કલા મનાઈ છે. કટાય નહિ એવા લોહનો સ્તંભ તો આજે પણ ઊભો છે. એને આધારે પ્રાચીન કાળમાં ભારતમાં ધાતુનું જ્ઞાન કેટલું વિકસિત હતું, તે સિદ્ધ થાય છે.

ઈ. પૂ. 2500 પછી ધાતુને ગાળી એની મૂર્તિ બનાવવાનો, ધાતુને ટીપી એનાં પતરાં બનાવી પાત્રો બનાવવાનો આરંભ થયો. ઇજિપ્તમાં લૉસ્ટ વેક્સ(Lost wax)થી ધાતુને ગાળવાની (cire perdue) પ્રક્રિયાનો આધાર લેવામાં આવતો હતો. ગ્રીક કારીગરો હથોડા અને પંચ(punch)નો ઉપયોગ કરતા. ધાતુનાં પતરાં પર રેખાંકન કરી, એની એક બાજુને ટીપીને આકૃતિ ઉપસાવવામાં આવતી. ભારતમાં આજે પણ એ રીતે ટીપીને ઘડા અને હાંડા બને છે. ટાંકણાથી પાડેલી ટીપકીઓ વડે દેવદેવીઓનાં ચિત્રોની ભાત કે આકૃતિઓ ઉપસાવાય છે. આ પ્રકારની દેવદેવીનાં ટીપેલાં રેખાંકનવાળી તાસકો આબુ, અંબાજી, પુષ્કર, હરદ્વાર, બદ્રીકેદાર, જગન્નાથપુરી, વારાણસી, મદુરાઈ વગેરેમાં મળે છે.

કાષ્ઠાદિ પર ધાતુના વરખવાળું સુશોભન

ધાતુપાત્ર પરના સુશોભન માટેના ચિત્રાંકનમાં ત્રીજી પદ્ધતિ પતરીઓ કાપીને ચોટાડવા(engraving)ની છે. આવા આલેખનને ભિન્ન ધાતુને કારણે રંગનો તેમ ઊપસેલી સપાટીના વિશેષ પરિમાણનો પણ લાભ મળે છે. હથોડી અને ટાંકણાનો ઉપયોગ થાય તો તેને કોતરકામ (carving) કહે છે. આવી કોતરણીમાં ઊંડી રેખાઓને સોના કે ચાંદીના તાર ટીપીને બેસાડવામાં આવે તેને નિયેલો (niello) કહેવામાં આવે અને ધાતુના તારને બદલે ખાડામાં સિલ્વર સલ્ફાઇડનું મિશ્રણ ભરવામાં આવે તેને મીનો કહેવામાં આવે છે. આ કલા પૂર્વના દેશોમાં ઉદભવી અને દમાસ્કમાં વિકસી તેથી દમાસ્કેનિંગ (Damascening) કહેવામાં આવે છે. એમાં લોખંડ, કાંસું વગેરે ધાતુઓમાં ભાત પાડી મીનો ભરવામાં આવે છે. ભારતમાં અનેક સ્થળે મીનાકારી થાય છે. તેમાં સોના કે તાંબાનો તાર ફસાવી, ચુસ્ત કરી તેની ઉપર રાસાયણિક પાઉડર પાથરવામાં આવે છે, જેથી ધાતુનો તાર ઓગળી, રેલાઈ કોતરેલા ભાગમાં ઠંડો પડતા જામી જાય છે. મીનાકારીમાં કીમતી ધાતુને બદલે કાચ-પથ્થર જેવી સ્ફટિકમય સામગ્રી વપરાય છે ત્યારે કાળક્રમે તેમાં કોડીના વાસણની જેમ તિરાડ પડે છે. કચ્છ, રાજસ્થાનમાં સોનારૂપાની દામણી, કાનનાં કુંડળ, હારનાં પડલ વગેરેમાં આવી મીનાકારી થાય છે. એમાં ધાતુની ઉપર કે નીચેની સપાટીમાં અપારદર્શક કાચ જેવો ચળકતો, વિવિધ રંગવાળો, લીસો મીનો (enamel) લગાડવામાં આવે છે. આથી આવા ધાતુકામને મીનાકામ (enamel work) કહેવામાં આવે છે.

ભારતમાં મીનાકારીનો પ્રવેશ મુઘલકાળ પછી થયો અને અંગ્રેજ અમલમાં એને વેગ મળ્યો. મધ્યકાળે યુરોપના રાજમહેલોમાં સુશોભિત મીનાકારીવાળાં ધાતુપાત્રોનો વપરાશ પુષ્કળ પ્રમાણમાં થતો હતો. આવાં પાત્રો વિશ્વખ્યાત સંગ્રહાલયોમાં જળવાયાં છે. 14મી સદીમાં મીનાકારીનો વિકાસ પર્શિયન પરંપરામાં થયો અને પછી ત્યાંથી યુરોપમાં એનો પ્રવેશ થયો. ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડમાં એનો વિશેષ પ્રચાર-પ્રસાર થયો. ઈ. સ. 1380માં આવો ઉત્તમ મીનાકારીવાળો રૉયલ ગોલ્ડ કપ બનેલો તે હાલ બ્રિટિશ મ્યુઝિયમમાં છે.

કાષ્ઠ અને ધાતુના સમન્વયે ઢોળ(gilding)ની સુશોભનકલાનો વિકાસ થયો. એમાં ધાતુ, કાષ્ઠ, પ્લાસ્ટર, કાચ વગેરે પદાર્થમાંથી બનાવેલી મૂર્તિ કે પાત્રની સપાટી પર સોનાનો વરખ (Leaf) કે પાઉડર ચડાવવામાં આવે છે. આમાં ચાંદી, તાંબું વગેરે ધાતુઓના મિશ્રણનો પણ ઉપયોગ થાય છે. આમાં જડતર અને ઢોળ એવા બે પ્રકાર જોઈ શકાય. જડતરમાં ધાતુનું પાતળું પતરું – વરખ અને ઢોળમાં ધાતુનો રસ ચડાવાય છે. જડતરનો જૂનો નમૂનો ઇજિપ્તના પિરામિડમાં જોવા મળ્યો છે. ચીનમાં પણ લાકડું, કાચ, કાપડ વગેરેનો ઉપયોગ કરી આ પ્રકારનું પાત્રસુશોભન કરવામાં આવતું હતું. ગ્રીક લોકો પણ કાષ્ઠાદિને ધાતુના પતરાથી મઢવાના કસબમાં પ્રવીણ હતા. ગ્રીક પાસેથી આ કલા રોમન લોકોએ મેળવી.

કાષ્ઠકલાના સુશોભન સાથેનું મુખ્ય દ્વાર

આભૂષણ : વિવિધ ચળકતા પદાર્થો અને મૂલ્યવાન ધાતુઓમાંથી માનવીએ અંગશોભા માટે પહેરવાનાં જે ઉપકરણો બનાવ્યાં, તેમનો સમાવેશ આભૂષણમાં થાય છે. પ્રાચીન કાળથી જ માણસે લીસા ચળકતા પથ્થર, હાડકાં, દાંત, નખ, શંખ-છીપલાં વગેરેનો ઉપયોગ દેહશોભા માટેનાં આભૂષણો બનાવવા માટે કર્યો.

રોમન ધાતુશિલ્પ

સુશોભિત ધાતુનો કૂજો

ધાતુના પતરાથી મઢેલું કલાત્મક પાત્ર

આભૂષણ-નિર્માણ અને પરિધાનની ભારતમાં પ્રાચીન કાળથી ચાલી આવતી સુદીર્ઘ પરંપરા છે. પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યનાં નાયિકાવર્ણનોમાં તથા શિલ્પમાં શિખા, કર્ણ, નાક, ડોક, હાથ, આંગળાં, કટિ, પગ વગેરે માટેનાં વિવિધ આભૂષણો જોવા-જાણવા મળે છે.

આભૂષણોના નિર્માણમાં સોનું, ચાંદી, રૂપું, તાંબું, પિત્તળ જેવી અનેક ધાતુઓ; હાથીદાંત, મોતી, હીરા જેવા પદાર્થો વગેરેનો ઉપયોગ થાય છે. વસ્ત્રાભૂષણનાં નિર્માણ અને પરિધાનની પરંપરા અને કલાનો ભારતમાં એટલો તો વિકાસ થયો હતો કે મધ્યકાળમાં પ્રાકૃત ભાષામાં ‘અંગવિજ્જા’ એટલે કે ‘અંગવિદ્યા’ નામનો વિગતસભર દળદાર ગ્રંથ રચાયો છે. એમાં કઈ ઋતુમાં કયા પ્રકારનાં વસ્ત્ર પહેરવાં, કયા વસ્ત્ર સાથે કયાં આભૂષણો પહેરવાં, ઋતુ અને પ્રસંગ અનુસાર કેવાં તિલક કરવાં, કેવી પાઘડી પહેરવી, વિવિધ પ્રકારના તેલ અને અળતા કેવી રીતે બનાવવાં તેનું શાસ્ત્રીય નિરૂપણ કરવામાં આવ્યું છે.

આભૂષણો ઘડતર અને જડતરનાં હોય છે. ઘડતરનાં આભૂષણો સોનું, રૂપું, ચાંદી, તાંબું જેવી ધાતુઓને ગાળી-ઢાળી એમાંથી પતરાં અને તાર બનાવી બનાવાય છે. ઝીણી પતરીના સરખા માપના ગોળ કે પાંદડી જેવા આકારો કાપી તેમને રેણ કરી કે તારમાં પરોવી સાંધવામાં આવે છે. સોના-રૂપાના તારને ગૂંથીને તેમજ નાની પતરીવાળી તેની પોલી ભૂંગળી બનાવી, એમાં લાખ પૂરીને વિવિધ ભાત અને આકારના એકમો તૈયાર કરીને ઘડતરનાં આભૂષણ તૈયાર થાય છે. જડતરનાં આભૂષણમાં મીનાકારીનાં આભૂષણોનો તથા મોતી, હીરો, રત્ન વગેરે જડવામાં આવ્યાં હોય તેનો સમાવેશ થાય છે.

ઝવેરાત : હીરા, રત્ન, મોતી વગેરેને સોના-ચાંદી જેવી મૂલ્યવાન ધાતુઓમાં જડવામાં આવ્યાં હોય તેવાં આભૂષણને ઝવેરાત કહેવામાં આવે છે. ભારતમાં ઝવેરાતનો પ્રચાર પણ વેદ જેટલો પ્રાચીન છે. યજ્ઞસિદ્ધિના સૂક્તમાં ‘रयिश्च मे रायश्च मे’ એટલે કે ‘મને સુવર્ણ અને ઝવેરાત પ્રાપ્ત થાવ’ એવી પ્રાર્થના છે. રત્ન અને હીરા ભાગ્ય અને ધર્મની દૃષ્ટિએ પણ ઉપયોગી અને મૂલ્યવાન મનાય છે. સોનું, રહોડિયમ, પ્લૅટિનમ, ચાંદી જેવી મૂલ્યવાન ધાતુઓમાં હીરા, માણેક, નીલમ, મોતી વગેરે જડવામાં આવે છે.

રત્નના 84 પ્રકારો છે. તેમાં પન્ના, માણેક, મોતી, હીરા, નીલમ, પોખરાજ, વૈડૂર્ય એટલે કે લસણિયો, ગોમેદક વિશેષ વપરાય છે. રત્નોના ગુલાબી, મિશ્રિત અને પટલ એવા ત્રણ ઘાટ મુખ્ય છે. રત્નોના કાપના ‘બ્રિલિયન્ટ કટ’, ‘સ્ટેપ કટ’, ‘કાર્બોશન કટ’ અને ‘રોઝ કટ’ મુખ્ય પ્રકારો છે. રત્ન પર નકશીકામ અને રંગકામ પણ થઈ શકે છે. રત્ન પરની કોતરણીનો પ્રારંભ જર્મનીમાં થયો હતો. વિવિધ દ્રાવણથી રત્નની સફાઈ કરવામાં આવે છે.

ઝવેરાત મોંઘું હોવાથી એનો ઉપયોગ અમીર વર્ગના લોકો – શ્રીમંત લોકો જ કરી શકતા હતા; પરંતુ વીસમી સદી પછી જ્યારે વિવિધ સંશોધન થયાં અને ટૅકનિકનો વિકાસ થયો ત્યારે ‘કલ્ચર્ડ’ મોતી અને ‘અમેરિકન ડાયમંડ’ મળતાં થયાં, તેથી મધ્યમ વર્ગને પરવડે એવા ઝવેરાતનો વિકાસ થયો. ઈ. સ. 700 સુધી તો રાજરજવાડામાં અને વિશેષત: યુરોપમાં ઝવેરાતનો ઉપયોગ થયો; પરંતુ ઈ. સ. 1200થી 1400ના ગાળામાં પરવડે એવા ઝવેરાતમાં પિન, બકલ, એરિંગ, વીંટી વગેરે બનવા લાગ્યાં અને ઈ. સ. 1500માં કીમતી પથ્થરોનો વપરાશ વધતો ગયો અને બાંય પરનાં કફલિંક તથા સ્ત્રીઓના હારના પૅન્ડન્ટમાં રત્નો જડાતાં થયાં અને કેશના તથા વસ્ત્રોનાં બકલ પણ વપરાતાં થયાં.

મોઝેક (Mosaic) : વિવિધ રંગના ચળકતી સપાટીવાળા પથ્થર, કાચ, અન્ય ખનીજ કે શંખ-છીપલાં વગેરેના નાના ટુકડાઓ સપાટી પર ગોઠવી કોઈ ભાત કે આકૃતિ ઉઠાવવામાં આવે તેને ‘મોઝેક’ કહે છે. રેખા વડે દોરેલા ચિત્રમાં જેમ જુદા જુદા રંગ ભરીને તેમ મોઝેકમાં જોઈતા માપ અને રંગના ટુકડાઓનો ઉપયોગ કરીને ભાત કે આકૃતિ ઉપસાવવામાં આવે છે.

પશ્ચિમની કલામાં મોઝેકનો સંબંધ કલા, સંસ્કૃતિ અને ધર્મ સાથે રહ્યો છે. એનો વિકાસ ચોથીથી ચૌદમી સદીમાં થયો. ઈ. પૂ. પાંચમી સદીથી જ જોકે મોટા પુષ્પદાન-વાઝ-પર મોઝેક કરવાનો આરંભ થઈ ચૂક્યો હતો. ચોથી સદીથી મોઝેકનો પ્રયોગ ભીંતચિત્રોમાં થયો અને પછી ભૂમિ પરનાં મોઝેક અસ્તિત્વમાં આવ્યાં. એમાં મુખ્ય યોગદાન ચર્ચનું રહ્યું. આરંભના મોઝેકમાં ધર્મસંલગ્ન ઘટકો જ પ્રયોજાતા હતા; પરંતુ રેનેસાંસથી ધર્મેતર ઘટકો પણ આલેખાતા થયા અને મોઝેક પર ચિત્રકલાનો પ્રભાવ વ્યાપક બન્યો.

આરંભના મોઝેકમાં રંગીન પથ્થરની સમાન માપની ઠેરીઓ કે ગોળીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમાં ગ્રીસના કલાકારોએ વિકાસ કરેલો અને ગોળીઓ ઉપરાંત સોગઠાંનો પણ ઉપયોગ કર્યો. તેને ટેસ્સેરા (Tessera) ટૅકનિક કહે છે. લૅટિન ભાષાના આ મૂળ શબ્દનો અર્થ ‘ક્યૂબ’ અને ‘ડાઇસ’ એવો છે. આ માટે રંગીન પથ્થરને ત્રિકોણ કે ચતુષ્કોણના આકારમાં સરખા માપે કાપી તેના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચહેરો, હાથ, પગ વગેરેની આકૃતિ પર અનુકૂળ માપના ટેસ્સેરા બનાવવામાં આવતા હતા. નાક માટે ખૂબ જ નાના ટુકડાઓનો અને વસ્ત્ર અને આભૂષણ માટે સળંગ પથ્થરના ટુકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો.

તકતીનો ઉપયોગ કરતું મોઝેક

મોઝેકમાં આરસની જેમ ચૂનાના પથ્થરનો પણ ઉપયોગ થયો છે. રોમન મોઝેકમાં શ્વેત-શ્યામ ટૅકનિકનો વિકાસ થયો. તેમાં સંબંધિત રંગનો પથ્થર વપરાતો હતો. ઈ. પૂ.ની 3-1 સદીના હેલિનિસ્ટિક યુગમાં મોઝેકમાં પથ્થરના બદલે કાચનો ઉપયોગ થયેલો જોવા મળે છે. રોમનોએ સોનેરી ટેસ્સેરાનો ઉપયોગ ભૂમિ અને દીવાલ પરના સુશોભનમાં કર્યો. સૂર્યના પુત્ર તરીકે ઈસુને દર્શાવતા મોઝેકમાં મસ્તક-વર્તુળની આભા દર્શાવવામાં સોનેરી ઘટકો ઉપયોગમાં લેવામાં આવ્યા છે. દેવદૂતો અને સંતોના મસ્તકના તેજવલય માટે પણ આ ટૅકનિક ઉપયોગી બની. ખ્રિસ્તી મોઝેકમાં પથ્થર અને કાચ ઉપરાંત મધર ઑવ્ પર્લ (Mother of Pearl) અથવા મોતી જેવા ચળકતા લાગતા આરસમાંથી બનાવેલી તકતીઓ ઉપયોગમાં લેવામાં આવતી હતી. આધુનિક મોઝેકમાં સિરામિક ટાઇલ્સના ટુકડાઓનો ઉપયોગ થાય છે.

મોઝેકની તકતીઓ ચોટાડવા માટે પહેલાં ડામરનો ઉપયોગ થતો હતો; પરંતુ 20મી સદીથી સિમેન્ટનો ઉપયોગ થવા લાગ્યો.

લાખકામ (Lacquer work) : લાકડા કે ધાતુની બનેલી વસ્તુ પર રંગ અને ચળકાટ લાવવા માટે વૃક્ષમાંથી મળતા લાક્ષારસનો ઉપયોગ કરવામાં આવે છે. લાક્ષારસનો ઉપયોગ કરીને જે કલા-કસબ અસ્તિત્વમાં આવી વિકાસ પામ્યો તેનો સમાવેશ લાખકામમાં થાય છે. લાકડા કે ધાતુમાંથી બનાવેલી વિશેષ ઉપયોગ કે શોભા માટેની વસ્તુની સપાટી ચળકતી અને રંગીન કરવામાં લાખ ઉપયોગી બની છે. વૃક્ષમાંથી ઝરતા વિવિધ પ્રકારના ગુંદર જેવા રસને ગરમ કરી તેને લાકડા કે ધાતુના બનેલા પદાર્થની સપાટી પર લગાડવામાં આવે છે. આવા રસમાં ગુંદર, લાખ, બેરજો (resin) વગેરે મુખ્ય છે. તે વસ્તુને ચળકાટ અને રંગ આપવા ઉપરાંત બે ટુકડાઓને જોડવાના તથા નાનાં-મોટાં છિદ્રો પૂરવાના કામમાં પણ આવે છે.

તકતીની રંગરેખા ધરાવતું મોઝેક

લાખ મેળવવાની વિવિધ પદ્ધતિઓ છે. ચીન અને જાપાનમાં ખાસ પ્રકારના વૃક્ષમાંથી લાખ મેળવવામાં આવે છે. લાખ મેળવવા ખાસ પ્રકારનાં વૃક્ષો ઉગાડવાનો આરંભ છઠ્ઠી સદીથી જાપાનમાં થયો. આ વૃક્ષની શાખાના મૂળમાં ખાડો પાડીને જૂનથી સપ્ટેમ્બર દરમિયાન રસ એકઠો કરવામાં આવે છે. વૃક્ષની ડાળીને આગળથી કાપી, ખાડામાં વાળી બાંધી દેવાથી વૃક્ષનો રસ તેમાં એકઠો થાય છે. આ રસ આરંભમાં ધોળો કે ભૂરો હોય છે; પરંતુ હવાના સંપર્કમાં આવતાં તે પીળાશ પડતો કથ્થાઈ થઈ અંતે કાળાશ પકડે છે. તેને ગરમ કરી, ગાળી, જોઈતા આકારમાં ઢાળવામાં આવે છે અને પછી ભેજમુક્ત કરવા તેને હળવી આંચ અપાય છે કે તડકે સૂકવાય છે. આ પ્રક્રિયા જાપાનમાં તથા ચીનમાં ખાસ પ્રકારના હવાચુસ્ત વાસણમાં ભરીને કરવામાં આવે છે.

આ રીતે મળતો રસ પોર્સિલિન, પિત્તળ, વ્હાઇટ મેટલ કે લાકડાના બનેલા પાત્ર પર લગાડી શકાય છે. લાખથી ઘન પદાર્થમય કોઈ વસ્તુ પણ બનાવી શકાય છે. આ માટે લાખને ગરમ કરી, અનુરૂપ બીબામાં ઢાળી, ચોખાના લોટથી છિદ્ર અને તરડને પૂરી દેવામાં આવે છે. આ રસ લાકડા કે ધાતુના પાત્ર કે રાચરચીલાંને નવો રંગીન-ચળકતો ઓપ આપે છે.

લાખકામથી સુશોભિત કરેલું સિંહાસન

ભારતમાં પણ લાખકામ મહાભારત કાળ જેટલું જૂનું છે. પાંડવોને જીવતા બાળવાના કાવતરામાં કૌરવોએ લાક્ષાગૃહ બનાવેલું એ જાણીતી વાત છે. આજે પણ રાચરચીલું વાદ્ય વગેરેમાં તેમજ સોના-રૂપાની આભૂષણની ભૂંગળીનાં પોલાણ ભરવામાં, તેમજ ચૂડી-પાટલા બનાવવામાં લાખનો ઉપયોગ થાય છે.

રંગીન કાચ (Stained glass) : મોઝેકમાં જેમ અપારદર્શક રંગીન પદાર્થનો ઉપયોગ થાય છે તેમ ‘સ્ટેઇન્ડ ગ્લાસ ડૅકોરેશન’માં પારદર્શક રંગીન કાચનો ઉપયોગ થાય છે. આનો ઉપયોગ મુખ્યત્વે બારી અને પાર્ટિશનરૂપ બારણામાં થતો હોય છે. આ કલા-કસબનો ઉદભવ-વિકાસ યુરોપમાં ચર્ચમાં થયો. ઈસુની ત્રીજી-ચોથી સદીથી રંગીન પ્રકાશ મેળવવા માટે ચર્ચની બારીઓમાં વિવિધ રંગના પારદર્શક કાચનો ઉપયોગ થતો હતો; પરંતુ પછીના તબક્કે મોઝેકની જેમ બારી-બારણાંની ફ્રેમમાં પણ વિશિષ્ટ માપના રંગીન કાચના ટુકડાઓ લગાડીને તેમાંથી ભાત કે ચિત્ર ઉપસાવવાની કલાના પ્રયોગ કરવામાં આવ્યા. રંગીન કાચમાંથી પસાર થતો સૂર્યપ્રકાશ આ રંગીન કાચનાં ભાત કે આકૃતિને વિશેષ ઉઠાવ આપે છે. રંગવાળી કે મોઝેકવાળી ભાત કે આકૃતિની જે અસર ઊભી થાય છે, તેનાથી જુદી જ અસર રંગીન કાચ વડે બનેલી ભાત કે કોઈ આકૃતિમાંથી સૂર્યપ્રકાશ પસાર થાય ત્યારે થાય છે. આથી રંગીન કાચની કલામાં કલાકારે બારીની દિશા, સૂર્યનો પ્રકાશ તથા તે બધાં સાથે સંકળાયેલાં રંગરૂપ અને તેની તેજછાયાનાં સૂક્ષ્મ પરિમાણો દૃષ્ટિમાં રાખવાં પડે છે. અહીં કાચની પારદર્શકતા અને રંગ ઉપરાંત પ્રકાશ પણ સક્રિય યોગદાન આપતું માધ્યમ બને છે; આથી આ કલામાં કલાકારે પ્રકાશ અને પદાર્થગ્રહણની દૃષ્ટિના નિયમોનો સૂઝપૂર્વક અમલ કરવો પડે છે. પ્રકાશ ઋતુ અને સમય અનુસાર બદલાય છે. આની સાથેનું સંતુલન અને સંયોજન આ કલામાં કરવાનું હોય છે. વસ્ત્ર, અલંકાર, પાર્શ્ર્વભૂનાં પહાડો, વૃક્ષો, સ્થાપત્યો, પશુપક્ષીઓ, કોઈ એક નિશ્ચિત ક્ષણમાં રચાતું વાતાવરણ, ચહેરાઓ તથા તેમના પરના ભાવો – આ બધું જ કલાકારે લક્ષમાં લેવાનું હોય છે.

યુરોપનાં મોટાભાગનાં દેવળોમાં રંગીન કાચ-સુશોભનકલામાં ઈસુ ખ્રિસ્તના જીવનની સાથે સંકળાયેલી અનેક ઘટનાઓનું તથા કથા-પુરાકથાઓનું અને દેવદૂત જેવાં પાત્રોનું આલેખન થયું છે.

રંગીન કાચથી સુશોભિત બારીની કમાન

આ કલાના વિકાસને સીધો સંબંધ કાચના ઉદ્યોગના વિકાસની સાથે છે. કાચના ઉદ્યોગનો વિકાસ થતાં અત્યંત પાતળા અને પહોળા પટના તથા વિવિધ રંગ અને છાયા (શેડ) ધરાવતા કાચ મળતા થયા. તે પછી રંગીન કાચની સુશોભનકલા નવો નિખાર પામતી થઈ.

પાતળા અને કંડારેલા રંગીન કાચની ભાતનું સુશોભન

પુષ્પસુશોભન (Floral decoration) : પુષ્પ, વેલ, ડાળી વગેરેનો ઉપયોગ કરીને ગૃહ કે મંદિરના સ્થાનને સૌન્દર્યમંડિત કરવામાં આવે છે. એ રીતની આંતરિક સુશોભનની પદ્ધતિને ‘પુષ્પસુશોભન’ કહેવામાં આવે છે. એમાં વિવિધ રંગનાં પુષ્પો, ફળો, પર્ણો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક દેશમાં સુશોભનની આવી પદ્ધતિ ગૃહમાં અને ધાર્મિક, સાંસ્કૃતિક કે માંગલિક વિધિવિધાનમાં જોવા મળે છે.

સુશોભનમાં વનસ્પતિનો ઉપયોગ કરવાની મુખ્ય ત્રણેક પદ્ધતિઓ છે : એમાં પહેલી પદ્ધતિ નયનરમ્ય લાગે એવા વનસ્પતિજન્ય પદાર્થોને તોડીને ફૂલદાન જેવા પાત્રમાં ગોઠવીને સુશોભન કરવાની છે. બીજી પદ્ધતિ પુષ્પ અને વનસ્પતિને કોઈ એક સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકવાની છે. ત્રીજી પદ્ધતિ પુષ્પ, પર્ણ, નાનાં ફળો, બીજ વગેરેને એક સૂત્રમાં પરોવીને હાર ગૂંથવાની છે. કેવળ ભારતમાં જ જોવા મળતી ચોથી મહત્વની પદ્ધતિ ઇષ્ટદેવના હિંડોળા વગેરે સજાવવાની છે. વૈષ્ણવભક્તિની હવેલીની પુષ્ટિમાર્ગીય સેવામાં ભગવાન શ્રીકૃષ્ણનો હિંડોળો પુષ્પો, શાકભાજી, સૂકો મેવો વગેરેથી શણગારવામાં આવે છે. આ સુશોભન ઘણું પ્રભાવક, સુંદર અને ભક્તિભાવ-પ્રેરક પણ બની રહે છે.

પુષ્પસુશોભનથી જે ભાત (design) રચાય તે માત્ર જેમ તેમ ભેગાં કરેલાં ઝૂમખાં જેવી લાગવી ન જોઈએ. એ ભાત સુયોજિત રમ્ય અને આકર્ષક આકાર પ્રગટાવનારી હોવી જોઈએ. પુષ્પસુશોભનની ભાતમાં રેખારૂપ (line), આકાર-ઘાટ (form) અને પોતગુંફન (texture) મુખ્ય તત્વો છે. આ બધાંનું સંકલન-સંયોજન નિશ્ચિત ભાત નિપજાવે છે. આવું રૂપ નિપજાવવામાં સંતુલન (balance), વિરોધ (contrast), લય (rhythm), માપ (scale), સપ્રમાણતા (proportion), સંવાદિતા (harmony) અને પ્રભાવકતા (dominance) જેવાં સૌન્દર્યવિધાયક તત્વોનો મહત્વનો ફાળો રહે છે. પુષ્પસુશોભનમાં ગોળાકાર, લંબગોળ, શંકુ-આકાર જેવા વિવિધ ભૌમિતિક આકારોની મદદ લઈ વિશિષ્ટ ભાતરચનાઓ નિપજાવાય છે.

પુષ્પસુશોભનમાં પુષ્પ અને અન્ય વનસ્પતિના સંયોજનથી જે આકૃતિ મળે તેથી જ કંઈ કલાની ઇતિશ્રી થઈ જતી નથી. આવી ગોઠવણી ઉપરાંત આવી કૃતિ કયા પ્રકારના પુષ્પદાનમાં ગોઠવાય છે, કયા સ્થળે અને કયા પરિવેશમાં એને મૂકવામાં આવે છે – એ બધી બાબતો પણ સુશોભનકલાની દૃષ્ટિએ લક્ષમાં રાખવાની હોય છે.

યુરોપમાં પુષ્પો માટેનું સુશોભિત વાઝ દીવાનખંડમાં ખાસ જગ્યાએ, નજરને તુરત આકર્ષી લે એ રીતે ત્રિકોણાકાર કે વર્તુળાકાર ટેબલ પર રૂમાલ પાથરી મૂકવામાં આવે છે. ચીન અને જાપાનમાં વાઝને સુંદર આકૃતિવાળી લાકડાની ઘોડી (stand) પર ગોઠવવામાં આવે છે. વાઝનું સ્થાન, ટેબલનો આકાર, એના પરનું પાથરણું – આવું બધું પણ સુશોભનની ગોઠવણીમાં મહત્વનું બની રહે છે. પુષ્પગુચ્છની ગોઠવણી એ સુશોભનનો જો પૂર્વાર્ધ છે તો એ ક્યાં, કઈ રીતે, કયા પરિવેશમાં મુકાય છે એ એનો ઉત્તરાર્ધ છે. આ બંનેના સંયોજનથી જ પુષ્પસુશોભનમાં સંપૂર્ણતા સધાય છે અને સુશોભનનાં આવાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં રંગ, આકાર અને કદ એ ત્રણેયનું સંતુલિત સંયોજન થાય તે જરૂરી છે. આ ત્રણેય સંદર્ભે સંવાદ, વિરોધ અને પ્રભાવકતા દૃષ્ટિમાં રહેવા જોઈએ. કયા રંગ સાથે કે આકાર સાથે સંવાદ રચવા બીજા કયા સહાયક રંગ અને કદનો આધાર લેવો અથવા વિશેષ ઉઠાવ માટે ક્યાં સંવાદનો તો ક્યાં વિરોધનો આધાર લેવો, વિવિધ પુષ્પોના રંગોનું અને તેના આકારનું કેવી રીતે સંયોજન કરીને સંતુલન સિદ્ધ કરવું – આ બધું જ સુશોભનકારે દૃષ્ટિમાં રાખવું પડે છે.

પુષ્પ અને વનસ્પતિનાં અંગો કુમળાં હોવાથી કોઈ એક બાજુ ઢળી જતાં હોય છે. આથી એકને બીજાનો આધાર આપવો પડે છે તે સાથે જ અનુકૂળ ને નિશ્ચિત બાજુ જ ઢળે અને એવા ઝુકાવનો પણ વિશિષ્ટ આકાર સિદ્ધ થાય, એ પણ ધ્યાનમાં લેવાનું હોય છે. આ માટે ઝીણા તાર, રેશમી પટ્ટી, ક્લિપ વગેરેનો ઉપયોગ થાય છે.

આકાર જેટલું જ મહત્વ રંગની ભાત અને તેના સંતુલનનું છે. પીળા અને જાંબલી જેવા રંગને મુકાબલે રાતો રંગ વિશેષ પ્રભાવક લાગે છે. એક રંગ બીજા રંગને ગૌણ ન બનાવી દે; પરંતુ તેને વિશેષ ઉઠાવ આપવામાં સહાયક બને એ પણ દૃષ્ટિમાં રાખવું જરૂરી હોય છે.

પુષ્પસુશોભનમાં સામગ્રી તરીકે પુષ્પ, પર્ણઝૂમખું (foliage), ઘાસ, બીજ, ધાન, ડાળી, શિંગ, શાકભાજી વગેરેનો ઉપયોગ થાય છે. આવી સામગ્રી તોડેલી કે જીવંત રૂપની છોડ જેવી અથવા સુકવણી કરેલી હોઈ શકે છે. કાગળ, પ્લાસ્ટિક, પોર્સિલિન વગેરેનાં બનેલાં કૃત્રિમ પુષ્પપર્ણાદિનો પણ ઉપયોગ થાય છે.

ભારતમાં પુષ્પસુશોભનનો ઉપયોગ મુખ્યત્વે મંદિરમાં જ થાય છે. ગૃહમાં તો કોઈ ધાર્મિક માંગલિક પ્રસંગે કે મેળાવડામાં તેનો પ્રચાર છે. યુરોપમાં, ચીન અને જાપાનમાં રોજબરોજની ગૃહશોભામાં પણ તેનો વિશેષ ને વ્યાપક રૂપમાં પ્રચાર છે. અમુક પુષ્પો અમુક ઋતુમાં જ મળતાં હોવાથી વિદેશોમાં તો તેમની સુકવણીનો ઉદ્યોગ પણ વિકસ્યો છે. 19મી સદીથી યુરોપમાં પુષ્પની ખેતીનો આરંભ થયો અને ઋતુબહારનાં પુષ્પો મળતાં થયાં. નેધરલૅન્ડમાં આવાં દશ માઈલ લાંબાં ખેતરોમાં પુષ્પ વાવવામાં આવતાં. આવી ખેતીને ‘ગ્રીનહાઉસ કલ્ટિવેશન’ તરીકે ઓળખાવવામાં આવી. આજે પુષ્પની ખેતી ભારત સમેત વિશ્વભરમાં કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક સ્થળોએ ગુલાબ, ગલગોટાની ખેતી થાય છે. મોટાં નગરોમાં ફૂલનાં બજાર પણ હોય છે, કૉલ્ડ સ્ટૉરેજમાં પુષ્પો જળવાય છે. જનોઈ, લગ્ન, વાસ્તુ, જન્મદિન વગેરે પ્રસંગે પુષ્પગુચ્છો આપવાનો રિવાજ પણ સ્થિર થયો છે.

પુષ્પસુશોભનની રચનાઓમાં વિવિધ આકાર કે સ્વરૂપ (forms) જોવા મળે છે. એમાં હાર, ગજરા, વેણી, ગુચ્છ-કલગી (bouquets) વગેરે મુખ્ય છે. 19મી સદીમાં યુરોપમાં મિશ્ર પુષ્પનો નાનો ગજરો (mosegay or posy) વિશેષ પ્રચારમાં હતો. વિક્ટોરિયન યુગની સન્નારીઓ કોઈ પણ સમારોહમાં આવા ગુચ્છને વસ્ત્રમાં પિન વડે લગાડતી. રૂપાની ભૂંગળીમાં આવા પુષ્પગુચ્છને રાખી તેને હાથમાં પકડવાનો રિવાજ પણ હતો. પ્રેમના પ્રસ્તાવનું પ્રતીક પણ નાનું પુષ્પગુચ્છ બની રહેતું. ગુજરાતની મધ્યકાળની કથામાં પણ વિદેશથી આવેલો રાજકુમાર માલણના ઘરે ઊતરી પુષ્પ અને પત્ર દ્વારા પ્રેમનો પ્રસ્તાવ મોકલે એવી ઘટનાઓ આલેખાયેલી મળે છે. ભારતીય પરંપરામાં જે 64 કલાઓ છે તેમાં 14મી मालाग्रंथनकल्प (માળા ગૂંથવાની કલા), 15મી शेखरापीड लयोजना (પુષ્પ તથા જરી વગેરે યુક્ત શિરોવેષ્ટનની કલા), 18મી गंधयुक्ति(સુગંધિત તેલ, ચૂર્ણ અન્ય દ્રવ્ય બનાવવાની કલા)નો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂજનવિધિમાં પુષ્પ અને પુષ્પહારનો પ્રાચીન કાળથી ઉપયોગ થાય છે. પૂજનના કુંભને ચાર નાગરવેલનાં પાન, શ્રીફળ અને આસોપાલવથી શણગારવામાં આવે છે. સત્યનારાયણની કથામાં બાજઠ પર કેળનો મંડપ બંધાય છે. માંગલિક પ્રસંગે આસોપાલવનાં તોરણો બંધાય છે. આ બધા જ પ્રકારો ભારતીય પુષ્પસુશોભનના છે.

છલ્લીછાબડીકામ (Basketry) : વનસ્પતિજન્ય તંતુઓ કે રેસાઓ અને ચીપોને ગૂંથીને છાબ-ટોપલી-ટોપલા જેવાં સાધનો બનાવાય છે. તેમાં જીવનની ઉપયોગી વસ્તુઓ સાચવીને રાખી શકાય છે અને તેમને એક સ્થળેથી બીજે સ્થળે ઊંચકીને લઈ જઈ શકાય છે. આ છાબ-ટોપલી-ટોપલા બનાવવાની કલાને Basketry કહેવામાં આવે છે. આ કસબનો ઉપયોગ આંતરિક સુશોભનમાં પણ થાય છે. છાબકામમાં ચક્રની જેમ તંતુની ગૂંથણી થાય છે.

છાબડીકામનાં વિવિધ ગૂંથણ

એમાં સળી અને ચીપને પણ ગૂંથી ધાર્યા આકારનું પાત્ર બનાવી શકાય છે, જેમાં પ્રવાહી સિવાયની વસ્તુઓ સચવાય છે અને તેમની હેરફેર કરી શકાય છે. સભ્યતા-સંસ્કૃતિના વિકાસમાં આવી ગૂંથણીનું મહત્વનું યોગદાન છે. કુંભને જેમ આર્યોની સંસ્કૃતિમાં ધાર્મિક પ્રતીક તરીકે સ્થાન છે તેમ જગતની બીજી પ્રજાઓમાં છાબડીને પણ એવું મહત્વનું પ્રતીકાત્મક સ્થાન છે. છલ્લી, છાબડી અને સાદડી ગૂંથવાની કલા પણ કુંભનિર્માણ અને ચક્રની જેમ સભ્યતા ભણીના વિકાસનું મહત્વનું પગલું છે. આ કલા-કસબથી જ માણસ કુદરતમાં જે ઉપલબ્ધ હતું, એને વણી-ગૂંથીને, એના મૂળ પ્રાકૃતિક આકારને બદલી, પોતાના માટે ઉપયોગી એવા સાધનના રૂપમાં ફેરવી શક્યો. કુદરત પાસેથી તાડ-ખજૂરીનાં પર્ણો, વાંસ, નેતર માણસને આદિમ અવસ્થાથી જ પુષ્કળ પ્રમાણમાં મળ્યાં. એમાંથી લાંબાં અને પહોળાં પર્ણોનો એણે સૂવા-બેસવામાં અને વસ્તુઓ મૂકવા-સાચવવામાં ઉપયોગ કર્યો ત્યારે આ વનસ્પતિજન્ય પદાર્થ જેવા અને જેવડા આકારમાં હોય એવા-એટલા જ ઉપયોગમાં આવ્યો; પરંતુ આ જ પદાર્થો તથા નેતર, મુંજ, વાંસ જેવી વનસ્પતિઓને એણે ચીપ અને સૂત્રરૂપમાં પરિવર્તિત કરી અને તેમને ગૂંથવાની કલા સિદ્ધ કરી. આથી એ મૂળ કુદરતી પદાર્થોનું રૂપાન્તર કેટલીક ઉપયોગી વસ્તુઓમાં થયું. વૃક્ષની છાલનો જેમ વસ્ત્રમાં ઉપયોગ કર્યો તેમ વાંસ, ખજૂર અને તાડનાં પર્ણો, સાગનાં પર્ણો, એની સૂકી ડાળીઓ વગેરેનો ઉપયોગ ટાઢ-તડકો-વર્ષાની સામે કર્યો અને નિવાસ માટેનાં મકાનોમાંની પડદીઓ તેમજ છાપરાં બનાવીને રહ્યો. વળી ડાળીઓ, પર્ણો વગેરેને સૂત્ર જેવા તંતુ વડે પારસ્પરિક જોડીને વાડ, પડદા, છાપરાં બનાવ્યાં ને એમાંથી જ કાળક્રમે એક જ સૂત્રમાં જુદી જુદી ગાંઠો વાળવાની અને એક સૂત્ર કે ચીપની સાથે અન્ય સૂત્ર કે ચીપને ગૂંથવાનાં કલા-કસબ તેણે વિકસાવ્યાં. આને પરિણામે તે ખજૂરી-તાડમાંથી સાદડીઓ બનાવતાં શીખ્યો, વાંસની ચીપો અને નેતરને ગૂંથીને એમાંથી છલ્લી-છાબડી-સૂંડલા વગેરે બનાવતો થયો. સાંકડી પટ્ટી, ચીપ કે સૂત્રને પારસ્પરિક રીતે જોડી એમાંથી પટ વણવાની કે સાદડી બનાવવાની જે કલા માનવીએ સિદ્ધ કરી તેમાં આડી, ઊભી, ત્રાંસી અનેક ગાંઠો અને ગૂંથણી હસ્તગત થઈ.

વનસ્પતિજન્ય સાંકડી પટ્ટી, ચીપ અને સૂત્રને ગૂંથવાના કસબનો વિકાસ તો વિશ્વની મોટાભાગની બધી જ પ્રજાઓમાં થયો છે અને તે પોતપોતાની રીતે જ થયો છે; પરંતુ આવી ગૂંથણીની જે પદ્ધતિ છે, તેના ગુંફનના જે પ્રકારો છે તેમાં પાયાનું સામ્ય છે. ભારતીયોને માટે જે મહત્વ કુંભનું છે તેવું જ આફ્રિકન પ્રજા માટે છલ્લી-છાબડીનું છે. એ સાથે એ પ્રજામાં કેટલીક સૂચક પુરાકથાઓ પણ છે. આવી આફ્રિકન પુરાકથામાં તેમના મૂળ પુરુષને મળેલી નીચે ચોરસ અને ઉપર મોઢાના ભાગે ગોળ હોય એવી બાસ્કેટની ઘટના છે. અહીં નીચેનો ચતુષ્કોણ આકાશનું અને ગોળ ભાગ સૂર્યનું પ્રતીક છે. બૅબિલોનની એક પુરાકથામાં એમના માર્ડક (Mardak) નામના દેવતાએ વનસ્પતિની ગૂંથેલી ડાળીઓનું ફીંડલું સમુદ્રની સપાટી પર પાથર્યું અને માટી પેદા કરીને તે લાકડાના બનેલા ચોકઠા પર રાખેલી સાદડીમાં ભેગી કરીને પૃથ્વીની રચના કરી. આવી પુરાકથાઓ વનસ્પતિજન્ય તંતુઓનાં ગૂંથણ અને છલ્લી-છાબડી-સાદડીની કલાને પ્રાચીનતમ મૂળ ધરાવતી હોવાનું દર્શાવે છે. તંતુ, સૂત્ર, ચીપ વગેરેને ગૂંથીને એમાંથી જીવનોપયોગી પદાર્થો બનાવવાનું કામ આમ પ્રાચીન મૂળનું છે, એ સાથે જ એમાં પ્રજાપ્રજાનાં ધર્મશ્રદ્ધા અને પ્રતીક પણ ભળેલાં છે. પૂર્વ પારાગ્વે(Eastern Paraguay)ના આદિવાસીઓ છલ્લી સાથે સ્ત્રીને જોડે છે અને માને છે કે પુરુષનું કામ શિકાર કરવા વનેવનમાં આથડવાનું અને સ્ત્રીનું કામ છલ્લીમાં વસ્તુઓ ભરી તેમને સંભાળવાનું છે. આથી સ્ત્રીનું મૃત્યુ થતાં એની છલ્લી પણ બાળી નાખવામાં આવતી.

બાસ્કેટ-કામમાં ખાસ વનસ્પતિના કૂંણાં તંતુઓ, મૂળ બરુ જેવું ઘાસ, નેતર, નાળિયેરી-ખજૂરીનાં સૂકાં પર્ણોની પટ્ટીઓ વગેરે સામગ્રીનો ઉપયોગ થાય છે. જે પ્રદેશમાં જે પ્રકારની વનસ્પતિ વિશેષ મળે તેનો ઉપયોગ કરવાની પરંપરા હોય છે. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણના બે અંતિમ છેડાઓને બાદ કરતાં બધે જ આ પ્રકારની વનસ્પતિ મળે છે, એથી વિશ્વમાં લગભગ સર્વત્ર બાસ્કેટ અને સાદડીના કામનો વિકાસ થયો છે.

બાસ્કેટ અને સાદડીમાં એક જ તંતુને ગાંઠ મારતા જઈ ગૂંથીને તેમજ બે કે વિશેષ તંતુઓને પરસ્પર ગૂંથવામાં આવે છે અને તેનો પટ રચીને સામસામે બે પડ જોડાય છે અને નીચેના ભાગે સમચોરસ રહેતાં તે ભરવાનું ગૂંથેલું સાધન વસ્તુ ભર્યા વગર પણ ઊભું રહી શકે છે. જેને સાદી થેલી કે થેલો અને જેને પછી છલ્લી-છાબડી કે બાસ્કેટ કહેવામાં આવે છે. તેમાં મહત્વનો ભેદ એટલો જ છે કે થેલીમાં ઊભા પટ્ટાના બે છેડાને ઉપરની બાજુ લઈ સાંધી લેવામાં આવે છે જ્યારે બાસ્કેટમાં નીચેનો પાયો લંબચોરસ રહે છે. આથી બાસ્કેટ બૉક્સ જેવું ગૂંથેલું સાધન બને છે. એના નીચેના ભાગને ગોળ, લંબચોરસ કે સમચોરસ આકાર આપવા માટે વાંસ, નેતર વગેરેનો ઉપયોગ થાય છે.

બાસ્કેટના મુખ્ય કૉઇલ્ડ – Coiled એટલે કે ફીંડલારૂપે ગૂંથેલા અને નૉન-કૉઇલ્ડ એટલે ફીંડલારૂપે નહિ ગૂંથેલા – એવા બે મુખ્ય પ્રકારો છે. કૉઇલ્ડ પ્રકારની બાસ્કેટનું મહત્વનું લક્ષણ એ છે કે એનો નીચેનો ભાગ, એટલે કે એનો પાયો એક નિશ્ચિત અને સળંગ હોય છે અને એની ઊભી ધાર પર જ બાસ્કેટની બધી બાજુનું ગૂંથણ થાય છે. આ રીતના ફીંડલાને બીજા સૂત્ર કે દોરાથી ગૂંથીને અથવા ટાંકા ભરીને ચુસ્ત કરવામાં આવે છે. આમાં એક ટાંકા પર બીજો ટાંકો અને એક ગૂંથણ પર બીજું ગૂંથણ કરવામાં આવે છે. આ રીતે તૈયાર થતી બાસ્કેટને તેના ટાંકા અને ગૂંથણની પદ્ધતિને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. આમાં એક પ્રકાર છે સ્પાયરલ કૉઇલિંગ (Spiral Coiling) એટલે કે શંકુઆકારના ગૂંથેલા ફીંડલાનો.

ઊભા ગૂંથણવાળું છાબડીકામ

આવો બીજો પ્રકાર છે સોવ્ડ કૉઇલિંગ (Sewed Coiling) એટલે કે ટાંકા ભરીને સીવેલા ફીંડલાનો. એમાં પ્રમાણમાં જાડી અને ચપટી લાંબી દોરીને ફીંડલાની જેમ વીંટતા જઈ તેને સીવી લેવામાં આવે છે. આવી બાસ્કેટનો પાયો વર્તુળાકારે ગૂંથેલો અને ટાંકા ભરીને સીવેલો હોય છે. ઉત્તર અને પશ્ચિમ આફ્રિકામાં એનો વિશેષ પ્રચાર છે. ઇજિપ્તમાં એવી બાસ્કેટનો પ્રચાર હતો.

ફીંડલું વાળીને થતું છાબડીકામ

ત્રીજો પ્રકાર છે તે હાફ-હિચ ઍન્ડ નૉટેડ કોઇલિંગ (Half-hitch and Knotted Coiling) એટલે કે વચ્ચે થોડો ગાળો રાખી થડકો કે ખેંચાણ આપી ગાંઠ વાળીને ગૂંથેલી બાસ્કેટનો. એમાં દોરાની ગાંઠ મારવામાં આવે છે, જે ફીંડલાને એની મૂળ સ્થિતિમાં ચુસ્ત રાખે છે. ગાંઠનો આવો ટાંકો માત્ર આધાર આપે છે; બે એકમોને ચુસ્ત સ્થિતિમાં કાયમ રાખે છે. જાળ(net)માં તેવું જોવા મળે છે. બાસ્કેટનો આ પ્રકાર ઑસ્ટ્રેલિયા અને તાસ્માનિયામાં વિશેષ પ્રચારમાં છે. આવી બાસ્કેટ થેલી જેવી હોય છે. એમાં પાયો હોતો નથી. આધુનિક સમયમાં સંકેલીને ખિસ્સામાં રાખી શકાય અને જરૂર પડ્યે તેમાં ફળ કે નાનાં બૉક્સ રાખી શકાય એવી ફાયબરની સંકેલાય તેવી થેલી મળે છે, તે આ પ્રકારની છે. આમાં લાલ, લીલા, કાળા, પીળા એવાં રંગનાં સિન્થેટિક સૂત્રો હોય છે. ગાંઠને બદલે આવાં બે સૂત્રોને જુદા જુદા રંગની પોલી ભૂંગળીઓમાં રાખીને જાળીનાં ચોકઠાં પાડેલાં હોય છે. બોર, સફરજન વગેરે ફળ માટે વપરાતી ઝીણી પ્લાસ્ટિકની જાળની થેલીઓ આ પ્રકારની હોય છે.

નૉન-કૉઇલ્ડ (non-coiled) બાસ્કેટમાં વેટલ (Wattle), લૅટીસ (Lattice) અને મૅટિંગ ઑર પ્લેઇટેડ (Matting or plaitted) એવા ત્રણ પ્રકારો હોય છે. વેટલમાં ઊભી સળીઓને અનુનેય સૂત્રથી બાંધીને પરસ્પરને જોડીને બાસ્કેટ બનાવવામાં આવે છે. એમાં વાંસની સળીઓ અને તેના ઉપરની ચળકતી છાલનો ઉપયોગ થાય છે. નેતરના સોફાસેટ આ પ્રકારના હોય છે. વાંસ, નેતર વગેરેના કામમાં ચુસ્ત સખત ટુકડાઓને વાંસ કે નેતરની ઉપરની પીળી ચળકતી પાતળી છાલમાંથી બનેલાં સૂત્રોથી ગૂંથીને જોડવામાં આવે છે અને તેમાંથી સોફા, સોફાચૅર, ટિપૉય જેવું રાચરચીલું બને છે, તેમ બાસ્કેટ પણ બને છે. વિશ્વમાં જ્યાં પણ પહાડ અને વન છે, ત્યાં આવા પ્રકારના ગૂંથણમાંથી રાચરચીલું અને બાસ્કેટ બને છે. ભારતના વન અને પહાડ ધરાવતા વિસ્તારોમાં આ પ્રકારનું ગૂંથણ ધરાવતી વિવિધ આકાર, કદ અને ઉપયોગની બાસ્કેટો મળે છે. ગુજરાતના આબુ-અંબાજી, મહારાષ્ટ્રનાં માથેરાન-મહાબળેશ્વર કે પછી ભારતનાં અન્ય વિસ્તારોનાં પ્રખ્યાત પહાડી નગરોમાં આ પ્રકારનું ગૂંથણ ધરાવતાં અનેક કલાત્મક સાધનો મળે છે. આવી બાસ્કેટ ફળ, ફૂલ અને અન્ય ઘરેળુ ઉપયોગની ચીજવસ્તુઓ રાખવામાં અને તેની હેરફેર કરવામાં વિશેષ ઉપયોગી છે.

લૅટીસ એટલે વાંસની ઊભી આડી સળીઓનાં ગૂંથણથી થતી ચોકડીઓ ધરાવતી બાસ્કેટ. આ ગૂંથણ સૂંડલા, છાબડી વગેરેમાં જોવા મળે છે. વાંસ, નેતર કે એવી કોઈ વનસ્પતિની સરખા માપની ચીપ કે સળીઓ કાપી એ બધી સળીઓના મધ્ય ભાગના કેન્દ્રને કોઈ સૂત્રથી બાંધીને અનુનેય સળીઓને ચોકડી પડે એવી રીતે પરસ્પરમાં ગૂંથવામાં આવે છે. લૅટીસમાં બે કે ત્રણ આવા થરથી પદાર્થને એનો ધારેલો આકાર આપવામાં આવે છે. એમાં ચુસ્ત રીતે ગોઠવાયેલા સળીઓના બે થર હોય છે.

મૅટિંગ અથવા પ્લેઇટિંગ એટલે સળીઓ અને પટ્ટીઓને સામસામે અથવા સમાંતર ગૂંથવી તે. આ કામ વસ્ત્રવણાટ જેવું હોય છે. આવા ગૂંથણથી નાની સંદૂકથી માંડીને મોટા ખોખા જેવી બાસ્કેટો બને છે.

વનસ્પતિની સ્થિતિસ્થાપક સળીઓ અને તેમની અનુનેય રેષાઓ અને છાલમાંથી બનાવેલી પટ્ટીઓના ગૂંથણથી જેમ બાસ્કેટ બને છે તેમ એમાંથી સાદડી પણ બને છે અને એમનો વિવિધ આકારનાં જરૂરી સાધનો બનાવવામાં ઉપયોગ થાય છે. આવી સાદડીમાંથી ટાઢ, તડકો અને વરસાદ સામે રક્ષણ મેળવવાના રેઇનકોટ, ટોપા, પગરખાં, આડશ માટેની દીવાલનું કામ આપે તેવા પડદા, છાપરાં, ખજૂર વગેરે રાખી શકાય તેવાં વાડિયા – એમ અનેક વસ્તુઓ બને છે. આ બધાં જ સાધનોમાં ભારતના કાશ્મીરમાં બનતી આંગડી વિશિષ્ટ સાધન છે. શીતકાલમાં આવી આંગડીમાં અગ્નિ રાખી તેને ગળે કે છાતી પર લટકતી રાખી ઉષ્મા મેળવી શકાય છે. બાસ્કેટનો આવો ઉપયોગ અન્યત્ર ભાગ્યે જ થયો છે.

આ કલા-કસબ પ્રાચીનતમ છે અને એકવીસમી સદી આવતાં સુધીમાં તો ટૅક્નૉલૉજીમાં હરણફાળ વિકાસ થયો, તેમાં અનેક પરંપરાગત કલા-કસબો લુપ્ત થયાં; પરંતુ આ સુશોભનસંલગ્ન પ્રકાર હજુ ટકી રહ્યો છે. આનું કારણ એ છે કે વસ્તુઓ રાખવાનું, સાચવવાનું અને એની હેરફેર કરવાનું તો કોઈ પણ યુગમાં અનિવાર્ય બની રહે છે. આ પરિસ્થિતિને કારણે બાસ્કેટ અને સાદડી આજ સુધી ટકી રહ્યાં છે અને ભવિષ્યમાં પણ ટકી રહેશે. વનની ઊપજોની અછત થઈ છે ત્યારે પ્લાસ્ટિકના ઉદ્યોગે પણ આ પરંપરાને ટકાવી રાખી છે. અત્યારે લોખંડ, ઍલ્યુમિનિયમ જેવી ધાતુના સળિયા અને પ્લાસ્ટિકની દોરીઓ તથા પટ્ટીઓનો ઉપયોગ કરીને જરૂરત પ્રમાણેની અવનવી બાસ્કેટો બની શકે છે.

તોરણાદિ : ગુજરાતના ગ્રામીણ અને નાગરિક વિસ્તારોમાં જે વિશિષ્ટ સુશોભનો છે તેમાં તોરણ, ચાકળા-ચંદરવા, કુંભ-જવારા, ખંડ, રમકડાં, દીપાદિનાં સાધનો, સૂડી, મંજૂષા, વાસણો અને રમકડાં વગેરેનો સમાવેશ થાય છે.

તોરણ ગૃહસંલગ્ન ધાર્મિક પરંપરા ધરાવતું ગૃહશોભાનું પ્રતીકાત્મક સાધન છે. પ્રવેશદ્વારનાં બારણાં, ઉંબર અને બારસાખ એ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનાં ઘરનાં અંગો છે. કુટુંબની સુરક્ષાનો જ નહિ; પરંતુ એના ગર્વ, ગૌરવ, આબરૂ, સંપત્તિ – એ બધાંનો આધાર ડેલી અને ખંડના પ્રવેશદ્વારનાં આ ત્રણ અંગો પર છે. લક્ષ્મીનો પ્રવેશ ગૃહનાં બારણાંમાંથી થાય છે એવી દૃઢ માન્યતા છે. આથી આંગણું વાળી-ઝૂડીને સાફ કરવું, વાર-પરબે પાણી છાંટી આંગણામાં અને ઓસરીમાં રંગોળી પૂરવી, ઉંબર પર કુમકુમથી લક્ષ્મીનાં પગલાં અને સ્વસ્તિકનાં પ્રતીકોનું આલેખન કરવું, બારણાં પર લાભ અને શુભ લખી પિરામિડના આકારમાં પાયામાં પાંચ, ઉપર ચાર, પછી ત્રણ, બે અને એક ચાંદલા કરવા અને બારસાખ પર તોરણ લટકાવવું – ગુજરાતનું આ ધર્મસંલગ્ન સુશોભન છે. ધનતેરસના દિવસે આ પ્રકારનું ધાર્મિક સુશોભન થાય છે. દક્ષિણ ભારતમાં તો આજે પણ સ્ત્રીઓ વહેલી પરોઢે ઊઠી, કૂવા કે ડંકીના પાણીથી માથાબોળ સ્નાન કરી વાળીને સાફ કરેલા આંગણામાં પ્રતિદિન રંગોળી દોરે છે અને શહનાઈ જેવું નાગસ્વરમ્ નામનું વાદ્ય પ્રભાતે બારણે આવી વગાડી જતા ભિક્ષુકલાકારને નિત્ય અન્નદાન આપે છે. નાગસ્વરમ્ એટલે હાથીના બચ્ચાંની તીણી ચીસ જેવો જેનો સ્વર છે એવું વાદ્ય. હાથી લક્ષ્મીનું વાહન છે. આથી નાગસ્વરમ્નું આંગણે વાદન થાય તે લક્ષ્મીને પ્રસન્ન કરનારું છે એમ મનાય છે.

પરંપરાગત તોરણ આસોપાલવનાં પર્ણ અને ગલગોટાનાં ફૂલ ને નાડાછડી તરીકે ઓળખાતા લાલ, લીલા, પીળા સૂતરના કાચા સૂત્રમાં ગૂંથીને બનાવવામાં આવે છે. એની ગાંઠ પણ એક આંગળી પરોવી વિશિષ્ટ રીતે લઈ, ઝટકો આપી એમાં પર્ણ અને પુષ્પની દાંડલીને ચુસ્ત રીતે જકડવામાં આવે છે. આંબાનાં પર્ણનો પણ તોરણમાં ઉપયોગ થાય છે; કેમ કે, આમ્રપર્ણ દેવી મહામાયાના પૂજનનું ખાસ અંગ મનાય છે.

તોરણના બીજા પ્રકારમાં ભરતના તોરણનો સમાવેશ થાય છે. લાલ રંગના ઘટ્ટ વણાટવાળા કાપડ પર ભરત ભરીને આવું તોરણ બનાવવામાં આવે છે. એમાં એક લાંબા પહોળા પટ્ટને કાપી, ઉપર ચારેક ઇંચનો પટ્ટો રાખી, નીચેના લટકતા ભાગને પર્ણના કે કુંભના આકારમાં કાપીને તેમાં ભરત ભરવામાં આવે છે. આવાં તોરણ પર ‘લાભ’, ‘શુભ’, ‘સ્વાગતમ્’ વગેરે ભરત ભરીને લખવામાં આવે છે તથા જુદા જુદા રંગનાં કાપડનાં ગોળ, ચોરસ, લંબચોરસ આકારના ટુકડાઓ કાપીને ભરતના ટાંકાથી મઢી વિવિધ ભાત પણ ઉપસાવવામાં આવે છે. આ પ્રકારનાં તોરણોમાં આકાર-પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતનાં આવાં તોરણ વિશેષ પ્રચારમાં છે.

ત્રીજો પ્રકાર ગૂંથેલાં તોરણનો છે. એક કે એથી વધારે સૂત્ર ગૂંથીને એમાંથી જેમ ટેબલક્લૉથ વગેરે બને છે તેમ તોરણ પણ બને છે. આવા તોરણમાં સૂતર, રેશમ, ઊન વગેરેનાં સૂત્રોનો ઉપયોગ થાય છે. આવા ગૂંથેલા તોરણમાં પણ ‘લાભ’, ‘શુભ’, ‘સ્વાગતમ્’ જેવા શબ્દો તથા સ્વસ્તિક, કુંભ, પોપટ, મયૂર વગેરેની આકૃતિ પણ ઉપસાવવામાં આવે છે.

ચોથો પ્રકાર મોતી અને ભૂંગળીનાં તોરણોનો છે. આમાં ચાર-પાંચ ફૂટની, બારણાના માપ પ્રમાણેની એકાદ ઇંચની લાકડાની પટ્ટી કાપી, તેમાં નજીક-નજીક છિદ્રો પાડી એમાં દોરા લટકાવવામાં આવે છે. આવી લટકતી બંને બાજુની દોરીઓની લંબાઈ કેન્દ્ર તરફ જતાં ક્રમશ: ઘટે છે અને આ દોરીઓમાં લાલ, લીલી, ભૂરી, પીળી, ધોળી – એમ વિવિધ રંગની કાચની ભૂંગળીઓ પરોવવામાં આવે છે અને ઉપર, વચ્ચે અને છેડે લંબાઈનો મેળ લેવા વિવિધ રંગના મધ્યમ કદનાં કાચનાં મોતી પરોવવામાં આવે છે. આથી બન્ને બાજુ ત્રિકોણ રચાય છે. આ પ્રકારના તોરણમાં કાચની ભૂંગળીઓ અને મોતીને એવી રીતે પરોવવામાં આવે છે કે એ દ્વારા ‘લાભ’, ‘શુભ’ જેવા શબ્દો તથા મોર-પોપટ, કુંભ, સ્વસ્તિક વગેરેની આકૃતિઓ ઊપસે. આવું તોરણ કેવી રીતે બને તે સમજાવતાં ચિત્રોના ફર્મા, દોરીનાં માપ અને કઈ દોરીમાં કયા રંગની કેવી-કેટલી ભૂંગળીઓ અને મોતી પરોવવાં તે જણાવવામાં આવ્યું હોય છે. આવા લખેલા કે છાપેલા ફર્માને આધારે જોઈએ તે પ્રકારનું તોરણ બની શકે છે. પશ્ચિમના ચર્ચમાં જેમ રંગીન કાચની બારીઓ બનતી અને ચિત્રકાર એ માટેના ફર્મા બનાવતા હતા એવું અહીં પણ જોવા મળે છે.

તરણેતર મેળાની છત્રી

પાંચમો આધુનિક પ્રકાર સિન્થેટિક દોરાઓ અને પ્લાસ્ટિકનાં તોરણોનો છે. આ પ્રકારનાં તોરણ યંત્ર દ્વારા બનતાં હોવાથી સસ્તાં હોય છે અને તેમને ધોઈ, સાફ કરી વાપરી શકાય છે; પરંતુ સૌન્દર્યની અનુભૂતિની દૃષ્ટિએ આવાં તોરણ કલામાં ગૃહોદ્યોગના પરંપરાગત તોરણની હરોળમાં આવી ન શકે.

ભરત ભરેલા ચાકળા-ચંદરવા ગુજરાતની ગ્રામીણ સંસ્કૃતિનું રૂપકડું અંગ છે. ચાકળાનો ઉપયોગ દીવાલના સુશોભનમાં થાય છે. ઘટ્ટ કાપડ પર ભરત ભરી, એમાં આભલાં મઢીને ચાકળા બનાવી લટકાવવામાં આવે છે. એમાં પરંપરાગત રીતની વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જેવી આકૃતિઓ; વૃક્ષ-વેલ-પુષ્પ જેવી વનસ્પતિઓ; મોર-પોપટ જેવાં પક્ષીઓ; સૂર્ય-ચંદ્ર જેવા દિવ્ય મનાતા ગ્રહાદિ ભરતકામથી આલેખાય છે. ભરતમાં પણ કોકડી, આરી, રબારી જેવા વિવિધ પ્રકારો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તેનું વિપુલ વૈવિધ્ય જોવા મળે છે. રોજનાં વર્તમાનપત્રો, ટપાલ, તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ વગેરે રાખી શકાય એવા ખલતા પ્રકારના ચાકળા પણ હોય છે, જેમના વિવિધ પડથી બનેલા ખિસ્સાઓમાં જે તે વસ્તુઓ જોઈ શકાય એ રીતે મૂકી શકાય છે અને એમને ભીંતે લટકાવી શકાય છે.

ચંદરવા લાલ, લીલા, પીળા, ધોળા રંગના સરખા માપના ટુકડાઓ કાપી, પરસ્પર ટાંકા-ટેભાથી સાંધીને બનાવવામાં આવે છે. એમનો ઉપયોગ ડામચિયા કે અન્ય વસ્તુઓને ઢાંકવા માટે તથા છાંયડા માટેની મંડપની ઉપરની ચંદણી તરીકે થાય છે. ચંદરવાનો આકાર જરૂરિયાત પ્રમાણે ચોરસ કે લંબચોરસ હોય છે.

ભરતકામનો ઉપયોગ વાર-પરબે પાળેલાં પશુઓને શણગારતાં શિંગડા પરનાં અને શરીર પરનાં ઝૂલતાં વસ્ત્રોમાં પણ થાય છે. વૈભવી ખેડૂત એના વરયાનના બળદનાં શિંગડાંને ભરત ભરેલી ખોળથી કે મોતી ભરેલાં ખોળાંથી પણ શણગારે છે. વરયાનના અશ્વના શણગારમાં તથા વરયાન કે આણું લઈ જતા શણગારેલા ગાડાના માફામાં તથા મેળા વગેરેના રાસગરબા સમયે હાથમાં રખાતી છત્રીમાં પણ ભરતકામનો ઉપયોગ થાય છે. થાન પાસેના તરણેતરના મેળાની આવી ભરત ભરેલી છત્રી હવે તો ભારતભરમાં પ્રશંસા પામી છે.

લોકભરતમાં ગાદલાનું ખોળિયું

લોકભરતનો ઘ્રાણિયો

અહીં ઘરનાં આંતરિક સુશોભનમાં થતા ગાર-માટીના કામનો પણ નિર્દેશ કરવો જરૂરી છે. એમાં પણ અનેક પ્રકારો છે, જેમાં બે મુખ્ય છે : એક ઘર કે રસોડાના મંજૂસ કે તાકા પરનું અને બીજું ભીંત પરનું ગાર-માટી અને આભલાંનું કામ. એમાં કબાટનાં બારણાંની કે ભીંતની સપાટી પર ધોળી માટીનું લીંપણ કરી, માટી-મલોખાં-આભલાંથી ભાત કે આકૃતિ ઉપસાવવામાં આવે છે. આ પ્રકારના સુશોભનમાં પાર્શ્ર્વભૂમાં મુખ્યત્વે લંબચોરસ હોય છે અને તેને સામ-સામા ત્રિકોણથી નિશ્ચિત સંખ્યાની ચોકડીઓમાં વિભક્ત કરી એમાં આકૃતિ કે આભલાં ચોંટાડવામાં આવે છે. ચોકડીની રેખાઓ માટીથી ઉપસાવેલી હોય છે અને તેની ચોકડીમાં નખથી દાબેલી રેખાઓ પાડીને ભાત પાડવામાં આવે છે. આથી આ પ્રકારને, ચિત્રથી એક વિશેષ નવું, ઊપસતી બાજુઓનું પરિમાણ મળે છે. આમાં ચળકતાં પથ્થર, કોડી, શંખનો પણ ઉપયોગ થઈ શકે છે. વસ્તુ પરના અને દીવાલ પરના સુશોભનનો આ વિશિષ્ટ પ્રકાર છે.

કુંભ-જવારા, ખંડ અને વિધિસંલગ્ન લોકચિત્રો ગુજરાતનું વિશિષ્ટ ગૃહસુશોભન છે. કુંભનું સ્થાપન કરીને એને બાજઠ પર અથવા તો નવરાત્રિ વગેરે પર્વોની ધાર્મિક વિધિઓમાં જવારા પર સ્થાપવામાં આવે છે. અહીં જીવંત રૂપમાં વનસ્પતિનું સુશોભન જોવા મળે છે. ગૌરી વ્રતના જવારા પણ એવું જ અંગ છે. રૂની પૂણી પહોળી કરી, વચ્ચે વચ્ચે કંકુવાળી આંગળીનું દ્બાણ આપી ધોળાં લાલ દાંડલીવાળાં પુષ્પોની માળા હોય એવા ‘નાગલા’થી શણગારી કુમકુમ, અક્ષત, અબીલ-ગુલાલ વગેરેથી પૂજવામાં આવે છે. વસ્તુ કે ગૃહપ્રવેશની વિધિમાં આ રીતે પાણિયારા પર જવારા ઉગાડી એનું પૂજન કરવામાં આવે છે.

સંખેડાના આદિવાસીઓના પીઠોરાનું આલેખન

વિધિસંલગ્ન ચિત્રો અને આકૃતિઓમાં નાગપંચમીનું નાગદંપતી અને એનાં પુત્રો અને પારણાનું આલેખન, લગ્નસમયે થતું ગણપતિ અને ગોત્રદેવનું કુમકુમથી થતું આલેખન, ધનતેરસનાં લક્ષ્મીનાં પગલાં અને લાભ-શુભ તથા કુમકુમનાં બિન્દુઓનો પિરામિડ, લગ્નવિધિના ગાર અને કુમકુમ-થાપા તથા પંચમહાલના આદિવાસીઓના પીઠોરા જેવાં અનેક આલેખનોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં તેમ જ ભારતમાં અન્યત્ર મોઝેકની પરંપરા જોવા મળતી નથી, પરંતુ કેટલાંક ખાસ વ્રતોમાં ઘઉં, ચોખા, મગ, અડદ, ચણા, મસૂર, કોદરા જેવાં સાતેક ધાનના જે ખંડ ભરાય છે તે એક પ્રકારની મોઝેકની જ ભાત છે. આ સાતેય અનાજને એના સાહજિક રંગ છે. આ અનાજને બરાબર સાફ કરી, તેલવાળી હથેળીમાં રગદોળી ચળકતાં કરી એમના ખંડ ભરવામાં આવે છે. આથી વિવિધ પ્રાકૃતિક રંગની મોઝેકનું દૃશ્ય આ વિધિસંલગ્ન સુશોભનમાં જોવા મળે છે.

મોતીકામમાં લાલ, પીળાં, કાળાં, લીલાં, ભૂરાં વગેરે રંગનાં નાનાં કે મધ્યમ કદનાં મોતીઓનો વિવિધ ભાત અને આકૃતિ રચવામાં ઉપયોગ થાય છે. વિવિધ રંગનાં આ મોતીઓને સૂત્રમાં પરોવી, આવાં મોતીસૂત્રોને પારસ્પરિક જોડીને પટનું રૂપ આપવામાં આવે છે. ક્યારેક એના આધાર માટે નીચે કાપડનો ઉપયોગ થાય છે. જોકે આમ કાપડનો ઉપયોગ કર્યા વગર પણ મોતીઓને સૂત્રથી પરસ્પર સાથે જોડી એનો પટ બનાવી શકાય છે. આવા મોતીના પટમાં વિવિધ ભૌમિતિક આકારના વર્તુળ, ચોરસ, ત્રિકોણ જેવા ઘટકો તેમ મોર, પોપટ, કુંભ, વૃક્ષ, વેલ વગેરે આકૃતિઓ પણ રચી શકાય છે. આવો પટ જ સ્વતંત્ર રૂપનું સુશોભન છે, જે કોઈ વસ્તુ પર રાખતાં જ ઉઠાવદાર બને છે અથવા તો આવા પટને ઈંઢોણી, શ્રીફળ, નાનો કુંભ વગેરે પર મઢી પણ શકાય છે.

માટીકામમાં કુંભ, દીપ, કુલડી વગેરે પાત્રોનો સમાવેશ થાય છે, જે સુશોભનનો હેતુ પૂર્ણ કરે છે. આવું એક વિશિષ્ટ સુશોભન તે નવરાત્રિનો ગરબો છે. એ રીતે દીવામાં પણ અનેક કલાત્મક આકૃતિઓવાળા પ્રકારો જોવા મળે છે. કોઈ હાથી સૂંઢમાં તો કોઈ સુંદરી હાથમાં દીપ લઈને ઊભાં હોય એવાં માટીનાં તેમજ ધાતુનાં દીપપાત્રો મળે છે. હવાથી ન બુઝાય એવા વિશિષ્ટ દીપમાં નવરાત્રિના ઘોઘા રાણાના દીપનો સમાવેશ થાય છે. ધાતુનાં આવા દીપ પર છિદ્રો ધરાવતી કમળની પાંદડીઓનો આકાર પણ જોવા મળે છે.

સૂડી, ચપ્પુ કે છરીના હાથા, તલવારની મૂઠ, પાનદાની વગેરેના ધાતુકામમાં વિવિધ પ્રકારનું અલંકરણ જોવા મળે છે. અંજારની-કચ્છની આવી સુંદર ભાત ધરાવતી સૂડીઓ પ્રખ્યાત છે. હથિયારના હાથા અને મૂઠમાં પણ શિંગડાનાં કોતરકામનાં સુશોભન જોવા મળે છે. એમાં ધાતુની કોતરણી અને મીનાકામ પણ જોવા મળે છે. પાનદાની પર પણ હંસ, કમળ, કેરી જેવાં વિવિધ કદ અને આકારનાં સુશોભિત ચિત્રાંકનો મળે છે. ધાતુના હંસનું મસ્તક હૅન્ડલની જેમ ઘુમાવતાં હંસની પાંખ ખૂલે છે અને એમાં લવિંગ, તજ, એલચી, સોપારી ભરેલાં ખાનાં હોય છે. કેરીના આકારની પાનદાનીમાં દીંટાના ભાગનો સ્ક્રૂ ખોલતાં બે પડ જુદાં પડે છે અને એક પડમાં પાન તથા મિજાગરાથી જોડાયેલા સામા પડમાં સોપારી, એલચી, લવિંગનાં ખાનાં હોય છે. કાપડકામમાં રેશમ અને સૂતરના કલાત્મક ખલતા જોવા મળે છે, જેમની બન્ને બાજુની મુખની દોરીઓ ખેંચતાં ખલતો ખૂલી પહોળો થાય છે અને વચ્ચેના પડથી થતાં ત્રણ-ચાર ખાનાંમાં સૂડી, સોપારી, તજ, લવિંગ, એલચી વગેરે રહે છે. આધુનિક સમયનાં ચામડાં કે રેક્ઝિનના પાઉચ-પર્સને મુકાબલે આવા પરંપરાગત ખલતા વિશેષ કલાત્મક જણાય છે. અહીં ચર્મોદ્યોગમાં જેનો સમાવેશ થાય છે તેવાં પર્સ-પાકીટ જેવાં કીમતી વસ્તુઓ સાથે રાખવાનાં સાધનો પણ સુશોભનકલામાં સમાવેશ પામે તેવાં કલાત્મક હોય છે. આવાં સાધનોમાં વિવિધ કલાત્મક ભાત કે આકૃતિઓ ઉપસાવી તેમાં રંગ ભરવામાં આવે છે. મધ્યકાળના અંત સુધી દારૂ ભરવાની એક કે વિશેષ ખાનાં ધરાવતી બતકો, ચંબુઓ વગેરે પણ ચર્મોદ્યોગ સાથે સંકળાયેલાં હતાં અને તેમાં વિવિધ આકાર-ભાતનાં સુશોભન થતાં હતાં. ચર્મોદ્યોગમાં હાથી, હરણ, ઊંટ, સિંહ, વાઘ, અશ્વ જેવાં પ્રાણીઓનાં રમકડાંનો પણ સમાવેશ થાય છે. કચ્છ, રાજસ્થાન વગેરે પ્રદેશોમાં પશુપાલન મુખ્ય છે ત્યાં આ પ્રકારનાં ચામડાંનાં રમકડાં બને છે અને તેમનો ઉપયોગ પણ શો-કેસમાં રાખવાના સુશોભન તરીકે થાય છે. દરિયાકાંઠે મળતાં કૂણાં લાકડાંમાંથી પણ વિવિધ રંગનાં રમકડાં બને છે, જેમનો ઉપયોગ સુશોભનમાં થાય છે. મહુવા આ પ્રકારનાં સુશોભિત રમકડાં બનાવવા માટે પ્રખ્યાત છે.

ચર્મકામ અને કાષ્ઠકામની જેમ કાગળકામનો પણ સુશોભનમાં ઉપયોગ થાય છે. કાગળના માવામાંથી માનવ, પશુ, પક્ષી વગેરેના આકારનાં રમકડાં બને છે. તેમને કબાટ, ભીંત, કાંગરા વગેરે પર મૂકીને ગૃહસુશોભન કરવામાં આવે છે. આ રીતે રુવાંટીવાળાં પ્રાણીઓનાં ચામડાંમાંથી મફલર, બંડી, સ્વેટર જેવાં વસ્ત્રો બને છે. વળી તેમાંથી પર્સ, રમકડાં જેવી સુશોભિત ચીજો પણ બને છે. અનેક પ્રકારનાં કદ-આકાર ધરાવતાં પટારા-પેટી-મજૂસ પણ ગુજરાતનાં ગામડાં તેમજ શહેરોનાં ઘરોમાં સુશોભન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ ગુજરાત પરંપરાગત રીતે તેમજ પ્રયોગવૈવિધ્યથી આકર્ષક એવા સુશોભનના કલા-કસબથી ઘણું સમૃદ્ધ છે.

હસુ યાજ્ઞિક