સુશીલ, શિવદેવસિંઘ (જ. 30 જાન્યુઆરી 1960, ગુઢા કલ્યાણ, જિ. કથુઆ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી વાર્તાકાર અને કવિ. તેમને તેમની નવલકથા ‘બખરે બખરે સચ’ બદલ 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેઓ સિવિલ ઇજનેરના વ્યવસાયમાં જોડાયા અને 1977થી લેખનપ્રવૃત્તિ તરફ વળ્યા. તેમણે 2 ટૂંકી વાર્તાસંગ્રહો, 3 કાવ્યસંગ્રહો, 3 નવલકથાઓ અને 2 નાટ્યસંગ્રહો આપ્યાં છે. તેમાં ‘મેરે હસે મેરી ખુશીયાં’ અને ‘એક સમુન્દર પીડે દા’ તેમના કાવ્યસંગ્રહો છે. ‘ભૂખ’, ‘બખરે બખરે સચ’ તેમની જાણીતી નવલકથાઓ છે. ‘ફૈસલા’ નાટક અને ‘નયન દી મૌત’ અને ‘અતીત દે પરશામેં’ તેમના વાર્તાસંગ્રહો છે.
તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત જમ્મુ અને કાશ્મીર રાજ્ય અકાદમી ઍવૉર્ડ, લક્ષ્મી સાવંત ઍવૉર્ડ તથા લક્ષ્મી શિવનાથ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘બખરે બખરે સચ’ એક નવીનતમ કૃતિ છે. આ કૃતિમાં ડોગરી જીવન અને સંસ્કૃતિમાં તેમની પહોંચ તથા સામાજિક, આર્થિક સુધારા માટેની તેમની ઉત્સાહપૂર્ણ ગતિ જોવા મળે છે અને તેથી આ કૃતિ ડોગરીમાં સર્જાયેલ ભારતીય નવલકથામાં એક મહત્વપૂર્ણ યોગદાન મનાય છે.
બળદેવભાઈ કનીજિયા