સુવા : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટાપુદેશ ફિજીનું પાટનગર, મોટામાં મોટું શહેર, મુખ્ય બંદર તથા ઔદ્યોગિક વેપારીમથક. ભૌગોલિક સ્થાન : 18° 08´ દ. અ. અને 178° 25´ પૂ. રે.. તે ફિજીના 800 ટાપુઓ પૈકી સૌથી મોટા વિતિલેવુ ટાપુના અગ્નિકાંઠે વસેલું છે. આ શહેર પૂર્વ તરફ આવેલી રેવા નદીના મુખ અને પશ્ચિમે આવેલા સુવા બારાની વચ્ચે વિસ્તરેલું છે. પૅસિફિક મહાસાગર પારથી જતાં આવતાં પ્રવાસી વહાણો તથા અન્ય જહાજો અહીં સૂકું કોપરું ભરવા રોકાય છે. સુવા મુક્ત બંદરનો દરજ્જો ભોગવે છે. 212 કિમી.ને અંતરે આવેલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ‘નાડી’ સાથે આ શહેર સડકમાર્ગે જોડાયેલું છે. તેની આર્થિક પ્રવૃત્તિઓમાં ખાંડનાં શુદ્ધીકરણનાં કારખાનાં, કોપરાં, કોપરેલ, કાપડ, બેકરી, સાબુ, પીણાં અને સિગારેટના ઉત્પાદનનો સમાવેશ થાય છે. મુક્ત બંદર હોવાથી પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસ્યો છે.
સુવાનો ઔદ્યોગિક વિસ્તાર
સુવા શહેર 1882માં ફિજીનું પાટનગર બનેલું છે. અહીં પચરંગી વસ્તી રહેતી હોવાથી શહેરમાંથી પ્રકાશિત થતાં વર્તમાનપત્રો તથા સામયિકો ફિજિયન, હિન્દી અને અંગ્રેજી ભાષામાં બહાર પડે છે. સુવામાં દક્ષિણ પૅસિફિક વિસ્તારને આવરી લેતી ફિજી સ્કૂલ ઑવ્ મેડિસિન અને નર્સિંગ (1928), સાઉથ પૅસિફિક યુનિવર્સિટી (1968), ફિજી કૉલેજ ઑવ્ એગ્રિકલ્ચર જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. આ ઉપરાંત શહેરમાં શિક્ષકો માટેની ટ્રેનિંગ કૉલેજ, ટૅક્નૉલૉજીની સંસ્થા તથા હૉસ્પિટલો પણ છે. અહીંના વનસ્પતિ-ઉદ્યાનમાં ફિજી સંગ્રહાલય છે. તેમાં ઐતિહાસિક ચીજવસ્તુઓ તેમજ માનવવંશીય જાતિઓનો માહિતીસંગ્રહ જાળવી રાખવામાં આવેલો છે.
સુવા શહેરની સ્થાપના 1849માં થયેલી, 1882માં તે પાટનગર બન્યું તથા 1952માં તેને શહેરનો દરજ્જો મળ્યો. આજે તે દક્ષિણ પૅસિફિક વિસ્તારનું મોટામાં મોટું શહેરી મથક બની રહેલું છે. 1999 મુજબ તેની વસ્તી 1,96,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા