સુવર્ણસિક્તા (સોનરેખ) : ઉજ્જયંત ગિરિમાંથી નીકળતી નદી. સુવર્ણસિક્તા પલાશિની વગેરે નદીઓના પ્રવાહ આડે બંધ બાંધીને સુદર્શન નામે જલાશય બાંધવામાં આવ્યું હતું. મહાક્ષત્રપ રુદ્રદામાના ઈ.સ. 150ના જૂનાગઢ (ગિરિનગર) શૈલલેખમાં સુદર્શન તળાવના વરસાદને લીધે તૂટેલા બંધનું સમારકામ કર્યાનો ઉલ્લેખ છે. તે જલાશયમાં સુવર્ણસિક્તા (= સુવર્ણરેખા – સોનરેખ) અને પલાશિની વગેરેનાં પાણી ભેગાં થતાં હતાં. ‘સુવર્ણસિક્તા’ કે ‘સિક્તા’ એ હાથીપગા પાસેથી ફૂટતી (બે હજાર ફૂટ) સાતસો મીટર ઊતરી, ભવનાથના મંદિરની ઉત્તરે વહી આવી દામોદરકુંડ પાસેથી પસાર થઈ જૂનાગઢના શૈલલેખ પાસે સુદર્શનમાં પડતી સુવર્ણરેખા જ છે.

સુવર્ણસિક્તા હાલ સોનરેખ તરીકે ઓળખાય છે.

જયકુમાર ર. શુક્લ