સુવર્ણવિનિમયધોરણ : શુદ્ધ સુવર્ણ-ધોરણનો એક પેટાપ્રકાર, જેમાં દેશનું આંતરિક (domestic) ચલણ ભલે કાગળનું કે હલકી ધાતુનું બનેલું હોય, મધ્યસ્થ બૅન્ક માટે એ ફરજિયાત નથી કે તે તેવા ચલણને સોનાના સિક્કાઓમાં અથવા સોનાની લગડીમાં પરિવર્તિત કરી આપે. મધ્યસ્થ બૅન્કની એટલી જ ફરજ બને છે કે તે તેવા ચલણને અન્ય કોઈ ચલણમાં બદલી આપે. જે દેશો પાસે પૂરતા પ્રમાણમાં સોનું ન હોય, જે દેશો ગરીબ અથવા નાના હોય તેવા દેશો માટે આ ચલણવ્યવસ્થા વધુ અનુકૂળ ગણાય. આવી ચલણવ્યવસ્થા ધરાવતા દેશની મધ્યસ્થ બૅન્ક પાસેની ચલણ અનામતોમાં વિવિધ દેશોનું હૂંડિયામણ પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી બને છે; એટલું જ નહિ, પરંતુ આવી ચલણવ્યવસ્થા ધરાવતા દેશના પોતાના ચલણનું બાહ્ય મૂલ્ય અન્ય એવા વિદેશી ચલણના સંદર્ભમાં નિર્ધારિત કરેલું હોવું જોઈએ, જે સુવર્ણ-ધોરણ પર આધારિત હોય. આ રીતે સુવર્ણવિનિમય-ધોરણમાં દેશનું આંતરિક ચલણ પરોક્ષ રીતે સોના સાથે સાંકળી લેવામાં આવતું હોય છે; દા.ત., 1892માં ભારતના રૂપિયાનું મૂલ્ય બ્રિટિશ પાઉન્ડના મૂલ્યમાં વ્યક્ત કરવામાં આવતું હતું; જેમ કે, રૂ. 1 = 1 શિલિંગ 4 પેન્સ.

સુવર્ણવિનિમય-ધોરણ દાખલ કરવાની પહેલ કરનાર દેશ હોલૅન્ડ હતો (1871). ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં ઑસ્ટ્રિયા, હંગેરી, રશિયા અને ભારતે તે પોતપોતાના દેશમાં દાખલ કર્યું હતું, જોકે 1926માં ભારતે હિલ્ટન યંગ કમિશનની ભલામણને આધારે તેને જાકારો આપ્યો હતો.

આ ચલણવ્યવસ્થાનાં કેટલાંક લક્ષણો નોંધપાત્ર છે : (1) ચલણનું મૂલ્ય સોનામાં આંકવામાં આવે છે. (2) સોનાના સિક્કાઓ પરિભ્રમણમાં મૂકવામાં આવતા નથી તેમજ વિનિમયના માધ્યમ તરીકે સોનાનો ઉપયોગ કરવામાં આવતો નથી. (3) સોનું માત્ર આંશિક રીતે ચલણવ્યવસ્થાનો આધાર ગણાય છે. ચલણનું મૂલ્ય અને દેશ પાસેના સોનાના જથ્થા વચ્ચે કોઈ પ્રત્યક્ષ સંબંધ હોતો નથી. (4) સોના ઉપરાંત વિદેશી હૂંડિયામણ અને વિદેશી હૂંડીઓ પણ સોનાની અનામતોને આધારરૂપ (reserve base) ગણવામાં આવે છે. (5) સોનાના બજારનું રાજ્ય દ્વારા નિયમન કરવામાં આવે છે. સોનાની આયાત-નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવે છે.

સુવર્ણ-ધોરણની સરખામણીમાં સુવર્ણવિનિમય-ધોરણના બે લાભ નોંધપાત્ર છે : (1) વિનિમય દરની સ્થિરતા આ ચલણવ્યવસ્થામાં પણ જળવાતી હોય છે. (2) સોનાની આંતરરાષ્ટ્રીય હેરફેર થતી ન હોવાથી તેના પર થતો ખર્ચ કરવો પડતો નથી અને તેટલે અંશે આ ચલણ-વ્યવસ્થા ઓછી ખર્ચાળ ગણાય.

સુવર્ણ-ધોરણના પતન (1931) સાથે સુવર્ણવિનિમય-ધોરણનો પણ અસ્ત થયો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે