સુવર્ણરેખા (નદી) : ઝારખંડ રાજ્યના રાંચી, પશ્ચિમ સિંઘભૂમ, પૂર્વ સિંઘભૂમ, પશ્ચિમ બંગાળના મેદિનીપુર તથા ઓરિસા રાજ્યના મયૂરભંજ તથા બાલેશ્વર જિલ્લાઓમાં થઈને વહેતી નદી. તે રાંચી જિલ્લાના રાંચી નગર નજીકથી નીકળે છે અને ઉપર્યુક્ત જિલ્લાઓમાં થઈને બંગાળના ઉપસાગરને મળે છે. આ નદીનો મોટાભાગનો પ્રવાહમાર્ગ ખડકાળ છે, તેથી તે ઝડપથી વહે છે. આ નદીને કેટલીક સહાયક નદીઓ પણ મળે છે. ઝારખંડ રાજ્યની સીમા વટાવ્યા પછી મેદિનીપુર જિલ્લાના ગોપીવલ્લભપુર પાસેથી પસાર થાય છે. બેલ્દા નગર વટાવ્યા પછી તે ઓરિસા રાજ્યમાં પ્રવેશ કરે છે અને જલેશ્વર નજીકથી પસાર થઈને છેવટે બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે. આ નદીના પટમાંથી કેટલીક જગાએથી સૂક્ષ્મ સુવર્ણપતરીઓ મળી આવતી હોવાથી તેનું નામ ‘સુવર્ણરેખા’ પડેલું છે.

નીતિન કોઠારી