સુવર્ણરેખા : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1962. ભાષા : બંગાળી. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક : ઋત્વિક ઘટક. કથા : ઋત્વિક ઘટક અને રાધેશ્યામ ઝુનઝુનવાલા. સંગીત : ઉસ્તાદ બહાદુરખાન. છબિકલા : દિલીપ રંજન મુખોપાધ્યાય. મુખ્ય પાત્રો : અભિ ભટ્ટાચાર્ય, માધવી મુખરજી, સતિન્દ્ર ભટ્ટાચાર્ય, બિજોન ભટ્ટાચાર્ય, ઇન્દ્રાણી ચક્રવર્તી, શ્રીમન્ તરુણ, પીતાંબર, સીતા મુખરજી, અવિનાશ બેનરજી.
દેશના ભાગલા બાદ નિરાશ્રિત થયેલા લોકો, કર્તવ્યપાલન, મહત્વાકાંક્ષા, નારી-ઉત્પીડન, સ્વપ્નભંગ, ચરમ નિરાશા અને મૃત્યુ જેવા વિષયોને પોતાનાં ચલચિત્રોનો પરિવેશ બનાવવા માટે જાણીતા ચિત્રસર્જક ઋત્વિક ઘટકનું આ એક મહત્વાકાંક્ષી સર્જન હતું. 1962માં નિર્માણ પામેલું આ ચિત્ર 1965માં પ્રદર્શિત થઈ શક્યું હતું. ‘સુવર્ણરેખા’નો પ્રારંભ એક નિરાશ્રિત છાવણીમાં થાય છે. ઈશ્વર પોતાની નાની બહેન સીતા અને એક અનાથ બાળક અભિરામને સાથે લઈને શિબિર છોડી દે છે. તે સુવર્ણરેખા નદીને કિનારે એક લોખંડના કારખાનામાં કામ કરવા માંડે છે. આ કસબામાં એક જૂનું હવાઈ મથક છે, પણ તે હવે ઉજ્જડ બની ચૂક્યું છે. આ હવાઈ મથક હવે બંને બાળકો માટે રમવાનું મેદાન બની રહે છે. અભિરામને દૂર એક હૉસ્ટેલમાં ભણવા મોકલી દેવામાં આવે છે. હવે દસ વર્ષની સીતા તેના મોટા ભાઈની એક માતાની જેમ સંભાળ રાખે છે. ઘરની માલકણ પણ એ જ છે અને આશ્રિતા પણ એ જ છે. ઈશ્વરને કદી એ વિચાર નથી આવતો કે સીતાનો એકમાત્ર સાથી અભિરામ જ છે. તે રજાઓમાં ઘેર આવે છે ત્યારે તો એ બંને સાથે રમે જ છે, પણ તે નથી હોતો ત્યારે પણ તેની સ્મૃતિઓ સીતાની સાથે જ રહે છે. અભિરામ પોતાનો અભ્યાસ પૂરો કરીને આવે છે ત્યાં સુધીમાં ઈશ્વર તેને જર્મની મોકલવાની યોજના બનાવી ચૂક્યો છે, પણ અભિરામને – વિદેશ નથી જવું. અભિરામ નીચલા વર્ણનો હોવાથી સીતા પ્રત્યેનું તેનું આકર્ષણ ઈશ્વર સહન કરી શકતો નથી. એ બંને જણાં લગ્નનો પ્રસ્તાવ ઈશ્વર સમક્ષ મૂકે છે, પણ ઈશ્વર તેને નકારી કાઢે છે. તે બીજે ઠેકાણે સીતાનાં લગ્નનું નક્કી કરી નાંખે છે. હવે બીજો કોઈ રસ્તો ન રહેતાં અભિરામ અને સીતા ઘેરથી ભાગી જાય છે. તેઓ કોલકાતા પહોંચે છે, પણ ત્યાં અભિરામને જે કામ મળે છે એનાથી તેમનું ગુજરાન થઈ શકતું નથી. આ ઘટનાને બે વર્ષ વીતી જાય છે. આ બાજુ ઈશ્વર માટે જીવન હવે નિરર્થક બની જાય છે. આ સ્થિતિમાં તે પોતાના એક સાથી સાથે કોલકાતા આવે છે. બંને મોજમસ્તી કરવા નીકળ્યા છે. ખૂબ દારૂ પીએ છે. આ બાજુ સીતા પોતાના પતિ અભિરામને ગુમાવી ચૂકી છે અને વેશ્યા બનવાનું નક્કી કરી ચૂકી છે. એ જ વખતે ઈશ્વર એક ગ્રાહક બનીને તેની પાસે આવી પહોંચે છે ત્યારે સીતા રસોડામાં જઈ ચાકુ વડે આપઘાત કરી લે છે. દારૂના નશામાં રહેલો ઈશ્વર એ પછી પોતાની બહેનને ઓળખી શકે છે. અદાલતમાં તે કહે છે કે સીતાનો હત્યારો તે પોતે જ છે, પણ તેને નિર્દોષ છોડી દેવામાં આવે છે. હવે ઈશ્વર અને સીતાનો પુત્ર એક નવા જીવનની યાત્રા પર ચાલી નીકળે છે. એકાદ અપવાદરૂપ ચિત્રને બાદ કરતાં ઘટકના કોઈ ચિત્રે વ્યાવસાયિક સફળતા મેળવી નહોતી, પણ પ્રતીકો અને ઇંગિતોનો ઉપયોગ કરીને બનાવાયેલાં શ્રેષ્ઠ સાર્થક ચિત્રોમાં આ ચિત્રનો સમાવેશ થાય છે.
હરસુખ થાનકી