સુવર્ણમંદિર, અમૃતસર : શીખધર્મનું પવિત્ર મંદિર. પંજાબના અમૃતસરમાં તે આવેલું છે. તેનું મૂળ નામ હરિમંદિર સાહિબ છે. અર્થાત્, ઈશ્વરનું મંદિર. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવ(1581-1606)ના સમયમાં 1588માં મંદિરનું બાંધકામ શરૂ થયું અને 1601માં તે પૂરું થયું. અહમદશાહ અબદાલીએ આ મંદિર પર હુમલો કર્યો હતો તેથી 1760માં તેનું ફરીથી બાંધકામ કરવામાં આવ્યું. વાસ્તવમાં મંદિરની મૂળ જગ્યાની આસપાસ તળાવ હતું. 1574માં મુઘલ સમ્રાટ અકબરે આ સ્થળની નજીકના ગોઇન્ડવાલ નગરમાં શીખ ગુરુ અમરદાસની મુલાકાત લીધી ત્યારે તેમની જીવનશૈલીથી ઘણો જ પ્રભાવિત થયો હતો. ગુરુ રામદાસે તળાવ વિસ્તીર્ણ કર્યું અને તેને ફરતે એક નાનું નગર બાંધ્યું. ગુરુ રામદાસના નામે આ નગર ‘ગુરુ કા ચાક’, ‘ચાક રામદાસ’ અથવા ‘રામદાસપુરા’ તરીકે ઓળખાયું. પાંચમા ગુરુ અર્જુનદેવે (1581-1606) સંપૂર્ણ મંદિર બંધાવ્યું. મંદિરને ફરતું સરોવર છે. મંદિરને ચાર પ્રવેશ છે. કોઈ પણ વ્યક્તિ ધર્મ, વર્ણ, પંથ કે જાતિના ભેદભાવ વિના મંદિરમાં પ્રવેશી શકે છે. મંદિરમાં કોઈ વ્યક્તિ દારૂ પી ન શકે, સિગારેટ પી ન શકે, માંસ ખાઈ ન શકે કે અન્ય કોઈ વ્યસન લઈ ન શકે એટલી મનાઈ મૂકવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરમાં પ્રવેશે ત્યારે તેણે તેનું માથું ઢાંકેલું હોવું જોઈએ. મંદિર-પ્રવેશ પહેલાં હાથ-પગ ધોયેલા હોવા જોઈએ. મંદિરનું આરસનું સુશોભન અને સોનાનું કામ 1800 પહેલાંનું છે.

સુવર્ણમંદિર, અમૃતસર

આ કામ માટે પંજાબના શીખ રાજ્યના મહારાજા રણજિતસિંહે પુષ્કળ પ્રમાણમાં સોનું અને આરસ પૂરાં પાડ્યાં હતાં. 1984ના અરસામાં મંદિરને ઘણું નુકસાન થયું હતું. ભારત સરકાર જેને આતંકવાદી માનતી હતી અને શીખો જેને ધાર્મિક નેતા માનતા હતા તે જરનૈલસિંઘ ભીંડરવાલે અને તેના સાથીદારોએ સુવર્ણમંદિરમાં આશરો લીધો હતો. આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા અને તેમને પકડવા ભારત સરકારને 36 જૂન, 1984ના રોજ લશ્કરી પગલું ભરવું પડ્યું હતું. લશ્કરની આ કાર્યવહી ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ તરીકે ઓળખાય છે. ગોળીબાર, તોપમારો અને હેલિકૉપ્ટરને કારણે મંદિરના સંકુલને ઘણું નુકસાન પહોંચ્યું હતું. પાછળથી કારસેવકો દ્વારા આ નુકસાનનું સમારકામ કરવામાં આવ્યું હતું. મંદિરની સુરક્ષા વધુ ઢ કરવા માટે 6ઠ્ઠી જુલાઈ, 2005થી SGPL દ્વારા સુવર્ણમંદિરમાં સર્કિટ ટેલિવિઝન કૅમેરા મૂકવામાં આવ્યા છે.

થૉમસ પરમાર