સુવર્ણભૂમિ : શ્રીક્ષેત્ર (આજનું મ્યાનમાર) અને મલય દ્વીપકલ્પ. બર્મી અનુશ્રુતિ મુજબ સમ્રાટ અશોકે મ્યાનમાર(બર્મા)માં બૌદ્ધ સંઘની સ્થાપના કરી હતી. દુર્ભાગ્યે અશોકના શિલાલેખોમાં લંકા(તામ્રપર્ણી)ની જેમ સુવર્ણભૂમિનો અલગ ઉલ્લેખ થયો નથી. છતાં તેના ધર્મવિજયના ક્ષેત્રમાં મ્યાનમાર પણ સરળતાથી આવતું હતું. સુવર્ણભૂમિનો દક્ષિણ તરફનો ભાગ બૌદ્ધ ધર્મની હીનયાન શાખાનું મહત્વનું કેન્દ્ર રહ્યું હતું. આજે પણ મ્યાનમારની ઘણી વસ્તી બૌદ્ધધર્મી છે. એમની ભાષા, લિપિ અને ધર્મ ઉપર ભારતીયતાની છાંટ સ્પષ્ટપણે જણાય છે. ત્યાં ધાર્મિક ક્રિયાકાંડો અને સંસ્કારોમાં વૈદિક કર્મકાંડોનો પ્રભાવ છે.
સુવર્ણભૂમિમાં હિંદુ વસ્તી ઈ.સ.ની પહેલી સદીથી જ સ્થાપિત થઈ ચૂકી હતી. ત્યાંનાં નગરો તથા રાજાઓનાં નામ પણ ભારતીય નામો જેવાં જ હતાં; દા.ત., શ્રીક્ષેત્ર અને શ્યામલ થાતોલ અને પીગુને સુવર્ણભૂમિ કહેતા હતા. ત્રીજી સદીની મધ્યમાં મ્યાનમારમાં એક લાખથી વધુ બૌદ્ધ પરિવારો અને હજારો ભિક્ષુઓની વસ્તી હતી. ત્યાંના શિલાલેખો સંસ્કૃત અને પાલી ભાષામાં લખાતા હતા. સમ્રાટ અશોકે પાટલીપુત્રમાં મોગ્ગલીપુત્ર તિષ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી અને બૌદ્ધ સ્થવિરોને ધર્મના પ્રચાર માટે જે પ્રદેશોમાં મોકલ્યા તેમાં સુવર્ણભૂમિ(બ્રહ્મદેશ)નો પણ સમાવેશ થતો હતો. બ્રહ્મદેશમાં થેરવાદના અનુયાયીઓ ધર્મપ્રચાર કરતા હતા.
સુવર્ણભૂમિનો પ્રદેશ વેપાર-ધંધાના કેન્દ્ર તરીકે પણ ઇતિહાસમાં પ્રસિદ્ધ હતો. ચંપાનગરી અને સુવર્ણભૂમિના વ્યાપાર-વાણિજ્યના ઉલ્લેખો બૌદ્ધ જાતકકથાઓમાંથી પણ પ્રાપ્ત થાય છે. સુવર્ણભૂમિમાંથી કીમતી મસાલા અને બહુમૂલ્ય ધાતુઓ પ્રાપ્ત થતી હતી. મ્યાનમારનું નામ સુવર્ણભૂમિ પડવાનું પણ એ જ કારણ હતું. પ્રાચીન કાળમાં વ્યાપારીઓ અને સંસ્થાનવાદીઓ માટે સુવર્ણભૂમિનું મોટું આકર્ષણ હતું, જેનાં પ્રમાણો બૌદ્ધ જાતકકથાઓમાંથી મળે છે. અહીંના મૂળનિવાસીઓ આગ્નેય (ઑસ્ટ્રિક) જાતિના અને સભ્યતામાં પછાત હતા. તેથી સુવર્ણભૂમિનો સમગ્ર વ્યાપાર ભારતીયોના હાથમાં હતો. મલય દ્વીપકલ્પ અને મલય દ્વીપસમૂહ પણ સુવર્ણભૂમિ તરીકે ઓળખાતા હતા.
આ સુવર્ણભૂમિ પણ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર અને વ્યાપાર-ધંધાના મહત્વના મથક તરીકે પ્રાચીન ભારતના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે.
અરુણ વાઘેલા