સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી)

January, 2008

સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી) (. 30 ડિસેમ્બર 1930, હરપાનહલ્લી, જિ. બેલ્લરી, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને સમાજસેવિકા. તેઓ સેવાદળ, હરિજનકલ્યાણ, પ્રૌઢશિક્ષણ, રેડક્રોસ સોસાયટી અને અન્ય સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલાં રહેલાં. તેઓ કન્યા પર્વતારોહકોનાં કમિશનર રહેલાં.

તેમણે 14 જેટલી કૃતિઓ આપી છે. તેમાં ‘જ્યોતિપથ’ (1974); ‘તેજસ્વિની’ (1976); ‘ઓજસ્વિની’ (1976) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘તપસ્વિની’ તેમનું ગીતિનાટક છે. ‘શરણ સુનીતા’ (1979) તેમનો સૉનેટસંગ્રહ છે, જ્યારે ‘સોન્નેર સોબનાન્નિરે’ (1984) અને ‘ઋતુવિગોન્ડુ રૂપક’ (1986) બંને રૂપકો છે. ‘વચનસૌરભ’ (1988)માં અક્કા મહાદેવીનાં હિંદીમાં વચનો છે.

તેમની સેવાપ્રવૃત્તિ અને સાહિત્યિક પ્રદાન બદલ તેમને કન્નડ સાહિત્ય પરિષદ તરફથી ઍવૉર્ડ તથા ‘મહિલા-રત્ન’ અને ‘સાહિત્ય-રત્ન’ના ખિતાબ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા