સુલિવાન લુઈ હેન્રી
January, 2008
સુલિવાન, લુઈ હેન્રી (જ. 3 સપ્ટેમ્બર 1856, બૉસ્ટન; અ. 14 એપ્રિલ 1924, શિકાગો) : જાણીતો સ્થપતિ. આઇરિશ, સ્વિસ અને જર્મન મિશ્રિત વંશનું સંતાન. મૅસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સ્થાપત્યનો થોડો અભ્યાસ કર્યો તે પછી 1873માં શિકાગો ગયો. ત્યાં તેણે જેન્નીની નીચે અને એક વર્ષ બાદ પૅરિસમાં વૉડ્રમર્સની નીચે કામ કર્યું. બાદ ડેન્કમાર એડ્લરની સાથે જોડાયો અને 1881માં બંનેએ સાથે મળીને એડ્લર ઍન્ડ સુલિવાન ફર્મ શરૂ કરી. તે બંનેએ સાથે રહીને શિકાગોમાં 1886-90 દરમિયાન 4000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા ઑડિટોરિયમનું નિર્માણ કર્યું. તેની અંદરનું સુંદર સુશોભન સુલિવાને કરેલું છે. આ સુશોભનમાં રેનેસાં કલાની અસર જણાય છે.
લુઈ હેન્રી સુલિવાન
શિકાગોમાં તેમણે નિર્માણ કરેલું ગેરિક થિયેટર (1892) છે, જે 1962માં નાશ પામ્યું. સુલિવાને નિર્માણ કરેલી બે પ્રસિદ્ધ ગગનચુંબી ઇમારતો છે : એક, સેંટ લુઇસમાં 1890માં બાંધેલું વેઇનરાઇટ બિલ્ડિંગ અને બીજું, બફેલોમાં 1894માં બાંધેલ ગેરેન્ટી બિલ્ડિંગ. 1899-1904 દરમિયાન બંધાયેલ પિરિએ ઍન્ડ સ્કૉટ સ્ટોરના મકાનમાં શિકાગો શૈલીનાં લક્ષણો જોવા મળે છે. 1893માં શિકાગો પ્રદર્શન માટે ભવ્ય કમાનાકાર પ્રવેશવાળી ટ્રાન્સપૉર્ટેશન બિલ્ડિંગની ડિઝાઇન સુલિવાને કરી હતી. 1900માં એલ્ડરના મૃત્યુ પછી સુલિવાનના કાર્યની ગતિ મંદ પડી ગઈ. તેનાં છેલ્લાં કાર્યોમાં ઓવાટોન્ના અને મિનેસોટાની નૅશનલ ફાર્મર્સ બૅન્કનો ઉલ્લેખ કરી શકાય.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર