સુલેખન : વિવિધ હેતુ માટેના લખાણના અક્ષરોને સુંદર આકર્ષક મરોડમાં તથા સુશોભનો સાથે અલંકૃત રૂપે પ્રસ્તુત કરવાની કળા. માણસ પશુદશામાં હતો ત્યારે પોતાના જૂથના બીજા માણસો સાથે સંચાર કે પ્રત્યાયન વિવિધ સરળ ઉદ્ગારો દ્વારા કરતો. તેનું વાચાતંત્ર વિકસતાં લાંબે ગાળે તેમાંથી ભાષાનો અને તે પછી ઘણા સમયે લિપિનો વિકાસ થયો. પ્રારંભિક લિપિ ચિત્રાત્મક પ્રતીકો રૂપે હતી. તેમાં મૂળાક્ષરો કે ધ્વનિસૂચક સંકેતો નહોતા. એનો ઉદભવ સિંધુપૂર્વ સંસ્કૃતિમાં (પશ્ચિમ ભારતમાં) થયો. સિંધુ સંસ્કૃતિ, ઇજિપ્ત અને રોમ જેવા દૂરના દેશો સાથે વેપાર આદિના સંબંધો ધરાવતી હતી. વિવિધ વ્યવહારોની નોંધ રાખવા માટે પ્રારંભે ચિત્રસંકેતોનો ઉપયોગ થયો; પણ, વ્યવહારોની જટિલતા સાથે સંકેતોની સંખ્યામાં પણ ઝડપી વધારો થતાં તેમના દ્વારા નોંધ રાખવાનું અગવડભર્યું લાગવા માંડ્યું. એટલે, શબ્દોમાં પુનરાવર્તન પામતા ઉચ્ચારોનાં પ્રતીકો પ્રયોજાયાં. તે થોડાં હોવાથી તત્કાળ પૂરતી અગવડ દૂર થઈ. સમયાંતરે તેમાંથી મૂળાક્ષરો ઊતરી આવ્યા. સિંધુ લિપિમાં પ્રારંભે 234થી વધારે ચિહ્નો મૂળાક્ષરો રૂપે પ્રચલિત બન્યાં. તેમાં કાપકૂપ તથા સુધારાવધારા થતાં ભારતની પ્રાચીન બ્રાહ્મી લિપિ વિકાસ પામી. તેમાં સિંધુ લિપિના 19 મૂળાક્ષરો સ્થાન પામ્યા. બ્રાહ્મીમાંથી સંસ્કૃતની નાગરી કે દેવનાગરી અને ભારતની ગુજરાતી આદિ વર્તમાન લિપિઓ જન્મી.

પ્રારંભે છૂટા અક્ષરો ધૂળમાં અથવા ભીની માટીમાં આંગળી વડે અને ગુફાની ભીંતો ઉપર કોલસા, ધોળી કે રાતી માટી, ખડી આદિ પદાર્થો વડે જેમતેમ લખાતા. સંસ્કૃતિના વિકાસ સાથે શિલા, સ્તંભ, તામ્રપત્ર, ભોજપત્ર, ચર્મપત્ર, કાષ્ઠપાટી આદિ ઉપર લખવાનું આવશ્યક બન્યું. ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય જેવી કલાઓના વિકાસે લેખન ઉપર પ્રભાવ પાડતાં લેખને પણ કલાનું રૂપ ધારણ કર્યું. લેખનની કલાશૈલીઓ વિકસી. તેની બે મુખ્ય ધારાઓ લૌકિક કે દૈનિક અને લિપિકીય કે વ્યવસાયી ઊપસી આવી.

લૌકિક શૈલીમાં પ્રજાનાં દૈનિકનાં લખાણો લખાતાં થયાં. તેમાં હાથ વારંવાર ઉપાડ્યા વિના સળંગ રેખાથી લખાતું હોય તેવી સગવડિયા શૈલી અપનાવાઈ. બીજી બાજુ શિલાલેખ, તામ્રપત્ર, આજ્ઞાપત્ર આદિ વિશેષ રૂપનાં લખાણો માટે ચિત્રકાર અને શિલ્પકારની જેમ સારા અક્ષરે લખી શકે એવો લિપિકાર કે લિપિક નામનો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. તેની શૈલી લિપિકીય કે વ્યવસાયી શૈલી બની. આ લોકોએ લેખનને નિયમબદ્ધ કર્યું. તેના મૂળમાં એકરૂપતા જાળવીને કલાત્મક અભિવ્યક્તિ માટે રૂપાંકનવૈવિધ્ય વિકસાવ્યું. આ રીતે પ્રાચીન કાળથી જ સુલેખન-કળા અસ્તિત્વમાં આવી.

આંખોને વિશેષ આકાર, ઘાટ, રૂપ, માપ, કદ, રંગ, છાયા આદિ ગમે છે. દરેક કલાકારમાં ગણિતશાસ્ત્રી પણ હોય છે. કલાકારનું ગણિત પણ પ્રાકૃતિક સ્ફુરણા રૂપે પ્રગટે છે. આની ઉપર બીજી કેટલીક બાબતોનો નિયામક પ્રભાવ રહ્યો; ઉદા., લેખનની સપાટી (શિલા, ધાતુ, ભૂર્જ, ચર્મ, પત્ર, કાપડ), લેખનનું સાધન (પીંછી, પીંછું, બરુ, સાંઠી, ધાતુની ટાંક, ટાંકણું) અને લેખનનું માધ્યમ (ઘન, પ્રવાહી, ખનિજ, વનસ્પતિજ, કાજળ) વગેરેનો પ્રભાવ. (આ વિષયમાં વિશેષ માહિતી માટે ખંડ 19માં ‘લેખનસામગ્રી’ અધિકરણ જુઓ.) સારા લિપિકે આ બધી બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય બન્યું. લેખન પાછળ વ્યતીત સમય, ધન, શ્રમ આદિનો વ્યય અને સુવાચ્યતા ઉપરાંત એક પાંચમા લક્ષણે પણ સામાન્ય લેખનને ‘સુલેખન’ બનાવ્યું અને એ લક્ષણ તે અક્ષરોને જોવા-વાંચવામાં આકર્ષક બનાવતી લેખનની વિશિષ્ટ કલા.

લિપિક કે લિપિકાર પછીથી ‘લહિયો’ કહેવાયો. તેના બે વર્ગ પડ્યા : એક, મૂળ લખાણ લખનારો, બીજો તે પ્રતિલિપિઓ કરનારો. બંને વર્ગ માટે સુલેખનકલાનું જ્ઞાન આવશ્યક મનાયું. મુખ્યત્વે રાજા તથા શ્રેષ્ઠીઓને તેમની જરૂર પડતી. રાજાના શાસન સંબંધી લેખો તથા શ્રેષ્ઠીઓના સંધિપત્ર, ખતપત્ર, દાનપત્ર આદિ લેખો આ લહિયાઓ લખી આપતા. બીજું મોટું ક્ષેત્ર સાહિત્યનું ઊભું થયું. આદિ કવિ વાલ્મીકિથી માંડીને આજ સુધી સાહિત્યસર્જકો લહિયાઓની સહાય લેતા રહ્યા છે. આવા પ્રથમ નોંધપાત્ર લહિયા રૂપે ભગવાન વેદવ્યાસના મહાભારતના લખનાર ગણપતિ જાણીતા થયા. સાહિત્યિક ગ્રંથમાં સ્કંધ, પર્વ, કાંડ, અનુચ્છેદ, અધ્યાય જેવા ખંડો, આરંભના અથથી અંતના ઇતિ જેવાં મંત્રો, ચિત્રો, ક્ધિાારીઓ, ચોકઠાં આદિના કારણે સુલેખનકલા માટે વધારે અનુકૂળતા અને અવકાશ રહ્યાં.

ચીની જેવી ઉપરથી નીચે લખાતી લિપિ બાદ કરતાં મોટા ભાગની લિપિઓ આડી લીટીમાં ડાબેથી જમણે અને કેટલીક જમણેથી ડાબે લખાય છે. આ આડી લિપિઓમાં અક્ષરને ઉપર નીચે લંબાઈની મર્યાદા નડે છે. બ્રાહ્મી લિપિ તથા તેની અનુલિપિઓમાં અક્ષરના રૂપાંકનમાં ઊભી રેખા મુખ્ય રહી. તેને ઉપર, મધ્યે તથા નીચે આડી સીધી રેખા તથા ઉપર નીચે વળાંક લેતી. વર્તુળાકાર રેખાઓ જોડીને વિવિધ અક્ષર સ્વરૂપો સાધવામાં આવ્યાં. સાહિત્યિક લેખન મૂળાક્ષરોનું સર્વસામાન્ય રૂપ સ્થિર કરવામાં સહાયરૂપ થયું. વળી વૈધાનિક નિયંત્રણ નહિ હોવાથી લિપિલેખનમાં કલાષ્ટિએ પ્રયોગો કરવાના અવસરો મળ્યા. અક્ષરનો ઘાટ ચોરસ આધાર પર સ્થાપિત કરાયો. સીધી તથા વળાંકવાળી રેખાઓને ષ્ટિને રુચે એવું સમતોલ સ્વરૂપ અપાયું. આ રીતે દરેક અક્ષરને એક સ્થાયી પ્રમાણિત દેહ પ્રાપ્ત થયો. અહીંથી આગળ રેખાની જાડાઈ, વળાંકનો વ્યાસ, છેડાના આકાર આદિમાં વૈવિધ્ય લાવવાના પ્રયાસો થયા. ક્યાંક રેખાઓ બેવડાઈ, પુષ્પનો ઘાટ અપાયો અથવા પુષ્પની પશ્ચાદ્ભૂ અપાઈ. આદ્યાક્ષરનો મહિમા કરવા તેનું કદ અથવા સ્વરૂપ અથવા બંને વિશિષ્ટ બનાવાયાં. રેખાઓમાં વેલ જેવાં રૂપો અંકિત કરાયાં. લખાણના મધ્યવર્તી વિચારને પ્રગટ કરે તેવું અસરકારક રૂપ વિકસાવાયું; ઉદા., પ્રબલતાનો, ઢતાનો ભાવ દર્શાવવા જાડા અને સીધી રેખાઓવાળા અક્ષરો બંધબેસતા લાગ્યા. કોમલતા અને માર્દવ જેવા ભાવ પ્રગટ કરવા પાતળી અને મૃદુ વળાંકોવાળી રેખાઓ ઉપયુક્ત લાગી. પવિત્રતા તથા આધ્યાત્મિકતા સૂચવવા શિરોરેખાવાળી નાગરી પ્રકારની શૈલી ઉપયોગી બની. મથાળામાં ઓછા અક્ષરોવાળા ટૂંકા શબ્દોનો પ્રભાવ વધારવા અક્ષરોની પહોળાઈનો વિસ્તાર વધારાયો. લખાણમાં વિશેષ શબ્દનું મહત્ત્વ દર્શાવવા ત્રણેક સ્વરૂપો પ્રચલિત બન્યાં : એક, જાડા અક્ષર; બે, ત્રાંસા (italic) અક્ષર અને ત્રણ, નીચે લીટી દોરેલા (અધોરેખિત) અક્ષર. આમાં પણ વૈવિધ્યને અવકાશ રહ્યો.

સુલેખન માટેનાં આવશ્યક સાધનોમાં ખાસ તો લેખિની, શાહી અને સપાટી રૂપે પત્રાદિનો સમાવેશ થાય છે. કેટલાક લિપિકારો સપાટ મેજ ઉપર વધારાનું છૂટું પાટિયું રાખે છે, જેથી તેને ઇષ્ટ ઢાળે રાખીને સરળતાથી લખી શકાય. પ્રાચીન કાળમાં બતક કે હંસ જેવા પક્ષીનું પીંછું કલમ રૂપે વપરાતું. તેની અણી અવારનવાર છોલવી પડતી. વળી, તેને વારંવાર બદલવી પડતી. નવા યુગમાં ધાતુની ટાંક આવી. અણી વિનાની કલમ(હોલ્ડર)ના એક છેડે ખાંચ પાડી એમાં જોઈતા પ્રકારની ટાંક બેસાડી, વિવિધ શૈલીમાં લખવાની સગવડ કરવામાં આવી. ધાતુની ટાંક ટકાઉ હોય છે. વળી વિવિધ પ્રકારે લખવા માટે વિવિધ પ્રકારની ટાંક પણ મળી શકે છે. ટાંકની રચના એવી હોય છે કે તેમાં વધારે માત્રામાં શાહી રહી શકે છે. આથી લાંબું લખવામાં મદદ મળે છે. મોટા અક્ષરો માટે તથા પાતળી રેખાઓવાળા પોલા અક્ષરોમાં રંગ પૂરવા માટે પીંછી વપરાય છે. તે સુશોભન માટે પણ ઉપયોગી થાય છે. આ ઉપરાંત, ફાઉન્ટનપેન, ફેલ્ટવાળી ટાંક, દડી કલમ, બરુના કિત્તા જેવી લેખિનીઓ પણ વપરાય છે. શાહી પ્રવાહી રૂપે તૈયાર મળે છે. કેટલીક ઘનગઠ્ઠા રૂપે મળે છે. ઇચ્છા પ્રમાણે વત્તાઓછા પાણીમાં ઓગાળીને તેમાંથી જોઈતી ઘટ્ટતાની શાહી બનાવી લઈ શકાય છે. સપાટી રૂપે સારી ગુણવત્તાના સફેદ, ક્યારેક ફિક્કા રંગના, સુંવાળા કાગળ વપરાય છે.

રોમન લિપિ તથા તેની અનુલિપિઓમાં વચ્ચે ઊભા છેદવાળી ટાંક કે કલમ વપરાશમાં રહી. તેમના અક્ષરમાં જ્યાં કલમ ઉપરથી નીચેની દિશામાં જાય ત્યાં રેખા જાડી બને છે. નીચેથી ઉપર જતી ટાંક લીટી પાતળી રાખે છે. આ રીતે અક્ષરોમાં એક નિશ્ચિત મરોડ વિકસ્યો. ચીની લિપિ મૂળ ચિત્રલિપિ હોવાથી તેમાં પીંછીનો ઉપયોગ રહ્યો. પીંછીમાં વત્તોઓછો દાબ આપવાથી તથા વિવિધ દિશામાં લાંબા-ટૂંકા લસરકા લેવાથી કેવળ આડી, ઊભી અને ત્રાંસી લાંબી-ટૂંકી રેખાઓ વડે સંખ્યાબંધ સંકેતો ઉપજાવી શકાયા. તેમને કલાત્મક રૂપો પણ આપી શકાયાં. ભારતમાં કલમની થોડી પહોળી અણીને સીધી આડી રાખવાને બદલે ટૂંકો ત્રાંસો કાપ મૂકવાથી ઉપર ડાબેથી નીચે જમણે જતી રેખા જાડી અને ઉપર જમણેથી નીચે ડાબે જતી રેખા પાતળી થતાં અત્યંત સુંદર મરોડ પ્રાપ્ત થયો. તે નાગરી તથા બીજી લિપિઓના મૂળાક્ષરોનો આધાર બન્યો. સાથે સુશોભનો તથા રેખાઓના પૂરા કૌશલ્યપૂર્વકના વિનિયોગ (manipulation) વડે સુંદર શૈલીઓ ઉપસાવી શકાઈ.

પશ્ચિમની લિપિઓ પશ્ચિમ એશિયાના તટીય દેશ ફિનિશિયાની વેપારી પ્રજાએ વિકસાવેલા મૂળાક્ષરો પર આધારિત છે. ભારતીય લિપિઓ જેવો તેમાં વૈજ્ઞાનિક એટલે કે ઉચ્ચારશાસ્ત્રીય (phonetic) આધાર નથી. નવજાગૃતિનાં વર્ષોમાં યુરોપમાં મઠવાસી ધર્મગુરુઓએ સુલેખન અપનાવીને તેનો વ્યાપ વધાર્યો. શાર્લેમેની સૂક્ષ્માક્ષરી તથા તેમાંથી જન્મેલી ગૉથિક (gothic) શૈલી 9મીથી 14મી સદી સુધી પ્રમુખ શૈલીઓ રહી. ચીનમાં પીંછીના ઉપયોગને કારણે, ચિત્રલિપિને કારણે તથા હજારો મૂળાક્ષરોને કારણે સુલેખનકલા સામાન્ય પ્રજામાં પણ પ્રચલિત બની. તેનો પ્રભાવ જાપાન પર પડ્યો. બીજી બાજુ, બૌદ્ધ ધર્મના પાલિ આદિ ભારતીય ભાષાના ગ્રંથોની હસ્તપ્રતોની ભારતીય શૈલીનો પ્રભાવ પણ રહ્યો.

પશ્ચિમ એશિયાના ઇસ્લામી દેશોમાં સુલેખનકળાનો મહિમા સવિશેષ રહ્યો. ખરોષ્ઠીમાંથી ઊતરી આવેલી જમણેથી ડાબે લખાતી અરબી, ફારસી અને ઉર્દૂ લિપિઓમાં ઊભી રેખા, નાનું વર્તુળ તથા મોટા, નીચા અર્ધવર્તુલ દ્વારા રચાતા અક્ષરો વડે લખવાનું ઝડપી રહ્યું. તેમાં સુલેખનના પ્રારંભિક પ્રયોગો મંદ રહ્યા. ધાર્મિક મૂર્તિપૂજાના નિષેધે સઘળાં કલાસ્વરૂપોના માર્ગો બંધ કર્યા; પરંતુ આશ્ચર્યજનક રીતે સુલેખનકલાના ક્ષેત્રે આ નિષેધે વિપરીત પ્રભાવ પાડ્યો. બીજી કળાઓની ક્ષતિનું સાટું વાળતી હોય તેમ સુલેખનકલા ઇસ્લામમાં અદ્ભુત રૂપે ખીલી ઊઠી. કુરાનની પ્રતિલિપિઓમાં તેનો પ્રાદુર્ભાવ થયો. 8મી સદીમાં પ્રારંભે શ્યામ અને સોનેરી (સોનાના વરખવાળી) શાહીમાં શિષ્ટ, કોણિક શૈલી ચાલી. 10મી સદી સુધીમાં તે બધે પ્રસરી. પર્ણ તથા વેલ તથા અંતરાપૃષ્ઠ (interfacing) જેવી વધુ જટિલતા સમયાંતરે તેમાં ઉમેરાઈ. તેમનો પ્રયોગ સુશોભન પૂરતો મર્યાદિત રહ્યો. કુરાનની દરેક પ્રતિલિપિ સુલેખનકલાનો સુંદર નમૂનો બની રહી. 12મી સદીમાં વર્તુલાકાર સળંગ મૂળાક્ષરો પ્રચારમાં આવ્યા. તે ઝડપથી ઇસ્લામી વિશ્વમાં પ્રસરી ગયા. તેમાં કૂફી અને નસ્ખ  એ બે પ્રમુખ શૈલી તથા મુહક્કક, રેહાન, તુલ્ય, તૌકિય અને રિકાય  એ ઉપશૈલીઓ તથા 13મી સદીમાં ઈરાનમાં તાલિક શૈલી પ્રચલિત બની. 14મી સદીમાં મિશ્ર નસ્તાલિક શૈલી વિકસી. ઇસ્લામી સુલેખનનું સૌથી આલંકારિક સ્વરૂપ તુગ્રા શૈલીમાં જોવા મળે છે. અક્ષરના વળાંકોમાં પશુપંખીના આકાર નિરૂપાય છે. કુરાન બહાર ઇસ્લામી સુલેખનકલા અન્ય ગ્રંથો, મૃત્પાત્રો, ધાતુકામ, કપડાં અને મસીદોના સ્થાપત્યમાં ઝળકી.

મુદ્રણયંત્રની શોધ પછી સુલેખન પ્રત્યેનો અભિગમ બદલાયો. તે અતિવિશિષ્ટ ગ્રંથો પૂરતું સીમિત બન્યું. લહિયાનો વ્યવસાય નાશ પામ્યો પણ, એવામાં 20મી સદીની અધવચ આવેલા સંગણકે (computer) દરેક ક્ષેત્રે અનેક સંભાવનાઓ ઊભી કરી. સદીના અંત પૂર્વે જ સુલેખનક્ષેત્રે સંગણક એક શક્તિશાળી સાધન સિદ્ધ થયું. ફોટોશૉપ, કોરલ ડ્રૉ, વર્ડ આર્ટ આદિ સૂચનાક્રમો(software; program)એ સુલેખનને નડતી બધી સીમાઓને દૂર, અતિદૂર હડસેલી દીધી. ઇચ્છો તે દરેક સ્વરૂપ શક્ય બન્યું. કેવળ એક મર્યાદા રહી  સંગણક ચાલકની કલ્પનાશક્તિની તીવ્રતાની મર્યાદા !

બંસીધર શુક્લ