સુલતાનગંજની બુદ્ધપ્રતિમા

May, 2023

સુલતાનગંજની બુદ્ધપ્રતિમા : સુલતાનગંજ(બિહાર)માંથી મળી આવેલ અને હાલ બર્મિંગહામ મ્યુઝિયમ- (યુ.કે.)માં સુરક્ષિત બુદ્ધની વિખ્યાત ધાતુપ્રતિમા. ગુપ્તકાલનાં ઉત્તમોત્તમ ધાતુશિલ્પો પૈકીનું એક છે. આ સાડા સાત ફૂટ ઊંચું શિલ્પ આ શૈલીનાં શિલ્પોમાં કદાચ સૌથી મોટું છે. પાંચમી સદીમાં ગુપ્તકલા કેટલી ઉન્નતકક્ષાએ પહોંચી હતી તે આ શિલ્પ દ્વારા સમજી શકાય છે. આ શિલ્પ પર ઘૂંટણ સુધી પહોંચતા વસ્ત્રની ધારી મથુરાના પાષાણ શિલ્પો સાથે સામ્ય ધરાવે છે. બારીક વસ્ત્ર સમગ્ર દેહલતાના સૌષ્ઠવયુક્ત આકારને છતો કરે છે. બુદ્ધનો જમણો હાથ અભય મુદ્રામાં છે. ડાબા હાથની ખુલ્લી હથેળીમાં પોથી ધારણ કરેલી છે. મૂર્તિમાં યૌવનપૂર્ણ માનવસ્વરૂપ વ્યક્ત થયું છે. નાજુક વળાંકો અને ભેદછાયાઓ સાથેના આદર્શીકૃત માનવસ્વરૂપને વળી પારદર્શક વેશની મદદથી પૂરેપૂરું દર્શાવવા, જે છાનું રાખવા કરતાં વધુ છતું કરતું વ્યક્ત થાય છે. બંને હાથની મુદ્રાઓ ધારણ કરવામાં સૂક્ષ્મ નાજુકાઈ વરતાય છે. બાહ્ય સમતુલા અને આધ્યાત્મિક ઉન્નતિને અહીં રૂપક્ષમ રીતે મૂર્ત કરાયેલ છે.

પ્રવીણચંદ્ર પરીખ