સુરૈયા (. 15 જૂન 1929, લાહોર, હાલ પાકિસ્તાન; . 31 જાન્યુઆરી 2004) : ગાયિકા, અભિનેત્રી. પૂરું નામ સુરૈયા જમાલ શેખ. હિંદી ચિત્રોને મળેલી અત્યંત મેધાવી ગાયિકા-અભિનેત્રીઓમાં સુરૈયાનું સ્થાન મોખરે હતું. પોતાનાં અનેક કર્ણપ્રિય અને યાદગાર ગીતોથી લોકોનાં દિલ ડોલાવનાર સુરૈયાને સંગીતની લગની તેમની માતા પાસેથી લાગી હતી. તેમની માતાને સંગીતનો જબરો શોખ હતો. તેમની માતા પાસે રૅકર્ડોનો જે સંગ્રહ હતો તે સુરૈયા સાંભળ્યાં કરતાં અને સાથોસાથ ગાતાં રહેતાં. એ રીતે તેમનો અવાજ કેળવાયો હતો.

સુરૈયા

સુરૈયા એક વર્ષનાં હતાં ત્યારે જ તેમનાં માતા મલ્લિકા બેગમ તેમને મુંબઈ લઈ આવ્યાં હતાં. તેમનાં નાની બાદશાહ બેગમનો મુંબઈમાં નાનો-શો કારોબાર હતો. પિતા અઝીઝ શેખ આર્કિટેક્ટ અને ચિત્રકાર હતા. મામા ઝહૂર શેખ ચિત્રોમાં સ્ટંટમૅન હતા. સુરૈયા માત્ર બાર વર્ષનાં જ હતાં ત્યારે જ પાર્શ્ર્વગાયિકા બની ગયાં હતાં. આકાશવાણી પર બાળકો માટે સંગીતસ્પર્ધા હતી તેમાં તેમણે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સંગીતકાર નૌશાદે સાંભળ્યો હતો અને સુરૈયાના અવાજથી પ્રભાવિત થઈને નૌશાદે 1941માં ચિત્ર ‘સ્ટેશન માસ્ટર’ માટે તેમની પાસે પ્રથમ ગીત ‘યે રેલ હમારે ઘર કો ભાગે તેજ હવા સે’ ગવડાવ્યું હતું. એ જ વર્ષે તેમને બાળ કલાકાર તરીકે અભિનય કરવાની પણ તક મળી ગઈ હતી. દિગ્દર્શક નાનુભાઈ વકીલે તેમને ‘તાજમહલ’માં મુમતાજના બાળપણની ભૂમિકા આપી હતી. જોકે નાયિકા અને ગાયિકા બનવાની તક તેમને ‘ઇશારા’માં મળી હતી. એ પછી તો બૉમ્બે ટોકીઝના ‘હમારી બાત’માં તેમણે બે નૃત્યો પણ કર્યાં હતાં. સુરૈયા જ્યાં સુધી અભિનેત્રી નહોતાં બન્યાં ત્યાં સુધી જ તેમણે બીજી અભિનેત્રીઓ માટે ગીતો ગાયાં હતાં, પણ અભિનેત્રી બન્યા બાદ તેમણે માત્ર પોતાનાં ચિત્રોમાં જ ગીતો ગાયાં. ‘અનમોલ ઘડી’, ‘દર્દ’, ‘પરવાના’, ‘દાસ્તાન’, ‘વારિસ’, ‘બડી બહન’, ‘હમારી બાત’, ‘ભાઈ’, ‘મહલ’, ‘શમા’, ‘તસવીર’, ‘પ્યાર કી જીત’, ‘દિલ્લગી’, ‘મિર્ઝા ગાલિબ’, ‘અફસર’, ‘વિદ્યા’ જેવાં અનેક ચિત્રોમાં ગાયિકા-અભિનેત્રી બનીને તેમણે જબરદસ્ત ખ્યાતિ મેળવી હતી. એમાંય દેશના ભાગલા પડ્યા પછી નૂરજહાં પાકિસ્તાન જતાં રહ્યાં બાદ તો સુરૈયાની ભારે બોલબાલા હતી. 23 વર્ષની કારકિર્દીમાં 70 જેટલાં ચિત્રોમાં કામ કરીને 1963માં સુરૈયાએ ચિત્રજગત છોડી દીધું હતું. ‘રુસ્તમ સોહરાબ’ તેમનું આખરી ચિત્ર હતું. ઘણાં કલાકારોના આખરી દિવસોમાં આર્થિક સ્થિતિ કફોડી હોય છે, પણ સુરૈયાએ પહેલેથી જ એવું આયોજન કર્યું હતું કે તેઓ હંમેશાં ઠાઠમાઠથી જ રહ્યાં હતાં.

નોંધપાત્ર ગીતો અને ચિત્રો : ‘પીપલ કી છાંવ મેં’ (‘ડાકબંગલા’), ‘દિલ કી દુનિયા બરબાદ કર દી’ (‘દર્દ’), ‘પાપી પપીહારે પી પી ન બોલ’ (‘પરવાના’), ‘ઓ દૂર જાનેવાલે વાદા ન ભૂલ જાના’ (‘બડી બહન’), ‘લિખનેવાલે ને લિખ દી’ (‘બડી બહન’), ‘તૂં મેરા ચાંદ મૈં તેરી ચાંદની’ (‘દિલ્લગી’), ‘મન મોર હુઆ મતવાલા’ (‘અફસર’), ‘રાહી મતવાલે’ (‘વારિસ’), ‘આપસે પ્યાર હુઆ જાતા હૈ’ (‘શમા’), ‘યે કૈસી અજબ દાસ્તાં હો ગઈ હૈ’ (‘રૂસ્તમ સોહરાબ’), ‘દેખ લી દુનિયાવાલે તેરી યે દુનિયા’ (‘બાલમ’), ‘તેરે નૈનોં ને ચોરી કિયા મેરા છોટા સા જિયા પરદેશિયા’ (‘પ્યાર કી જીત’), ‘પરવાનોં સે પ્રીત શીખ લી શમા સે શીખા જલ જાના’ (‘શમા’).

હરસુખ થાનકી